મેડિકલ એજ્યુકેશન માટે ઈન્ડિયાના 18 હજાર જેટલા સ્ટુડન્ટ્સ દર વર્ષે યુક્રેન જાય છે, તેમાંથી 5 હજારથી વધારે સ્ટુડન્ટ્સ ગુજરાતના હોય છે. ગુજરાતમાં મેડિકલના સ્ટુડન્ટ્સની સંખ્યા ઘણી વધારે છે, એની સામે મેડિકલની સીટ ખૂબ ઓછી છે. આ જ કારણોસર ગુજ્જુ સ્ટુડન્ટ્સ ગુજરાતમાં રહીને પણ મેડિકલમાં અભ્યાસ નથી કરી શકતા. ગુજરાતી સ્ટુડન્ટ્સને ગુજરાતની જ મેડિકલ કોલેજમાં ચાન્સ ન લાગે તો ભારતનાં બીજાં રાજ્યોમાં પ્રયત્ન કરે છે, પણ ત્યાં ફી વધારે હોય છે. એટલે અંતિમ વિકલ્પ વિદેશની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવાનો બચ્યો હોય છે. વિદેશમાં મેડિકલ અભ્યાસ માટે જવાનાં બે મુખ્ય કારણો છે. એક, ડોક્ટર બનવાનું સપનું સાકાર થઈ શકે છે અને બીજું, ગુજરાત કરતાં ચાર ગણી ઓછી કિંમતે ડોક્ટર બની શકાય. યુક્રેનના મેડિકલ માર્કેટ વિશેનો ચિતાર અહીં આપેલા ગ્રાફિકમાં અને વીડિયોમાં એક્સપર્ટ સાથેની વાતચીતમાં જાણી શકાશે. આ તમામ મામલે મેડિકલ એજ્યુકેશન એક્સપર્ટ્સ અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વર્તમાન વડા ડો. કમલેશ જે. ઉપાધ્યાય અને MD ફિઝિશિયન તથા ઓમ એજ્યુકોનના ડાયરેક્ટર ડો. ઉમેશ ગુર્જરે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી, જે વીડિયોમાં જોઈ શકાશે.
જે વિદ્યાર્થીઓ યુક્રેનથી પરત આવી ગયા છે, તેનું ભવિષ્ય શું?
યુક્રેનમાં મેડિકલના સંખ્યાબંધ સ્ટુડન્ટ્સ ફસાયા હતા અને મોટા ભાગના સ્ટુડન્ટ્સ ભારત પરત ફર્યા છે. પણ હવે સવાલ એ છે કે યુક્રેનથી ભારત આવી ગયેલા સ્ટુડન્ટ્સનું ભવિષ્ય શું ? કોઈ મેડિકલના સેકન્ડ યરમાં હતા તો કોઈ ફોર્થ યરમાં હતા. ફરી યુક્રેન જઈ શકાય એવી સ્થિતિ તાત્કાલિક શક્ય નથી. તો હવે શું કરી શકાય ?
નેશનલ મેડિકલ કમિશનનો નિયમ એવો છે કે વિદેશની કોઈપણ યુનિવર્સિટીમાંથી ભારતમાં એડમિશન ટ્રાન્સફર થઈ શકે નહીં. બીજી વાત, યુક્રેનમાં MBBS કરવું હોય તો 6 વર્ષનો કોર્સ છે અને બે વર્ષ ઈન્ટર્નશિપ કરવી પડે, એટલે 8 વર્ષ થાય. નિયમ એવો છે કે MBBSના સ્ટુડન્ટ્સે કોર્સ શરૂ કર્યાના દસ વર્ષમાં પ્રેક્ટિસ માટે અપ્લાય કરી દેવું પડે. જો દસ વર્ષમાં પ્રેક્ટિસ માટે અપ્લાય ન થાય તો MBBSની ડીગ્રી આપોઆપ રદ થયેલી ગણાય.
ભારતમાં FMG ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ માટે કોઈ એવી વ્યવસ્થા નથી કે આ સ્ટુડન્ટ્સ કોર્સ અહીં પૂરો કરી શકે. સિવાય કે આવા સ્ટુડન્ટ્સ માટે કોઈ નિયમ બનાવાય તો વાત જુદી છે, એટલે યુક્રેનથી ભારત આવેલા મેડિકલ સ્ટુડન્ટ્સનું ભવિષ્ય ધૂંધળું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.