ન્યૂઝમાં આવ્યા કરે છે કે ચીને તવાંગમાં ઘૂસણખોરી કરી અને ભારતના સૈનિકો સાથે મારામારી કરી. તવાંગમાં ચીને ત્રીજી વખત ઘૂસણખોરી કરી છે. લોકોને સતત એક શબ્દ સંભળાય છે, તવાંગ... પણ એ જગ્યા શું છે, તેનું મહત્વ શું છે, એ જાણવું જોઈએ. તવાંગ વિશે જાણતા પહેલાં એ જાણી લઈએ કે ચીનની ઘૂસણખોરીને તવાંગ સાથે શું સંબંધ છે. એક લાઈનનો જવાબ છે કે, તવાંગ એ અરૂણાચલ પ્રદેશ રાજ્યનો ભાગ છે. ચીનની સરહદને અડીને આવેલો છે અને ચીન તવાંગ અને અરૂણાચલ રાજ્યના કેટલાક ભાગને પોતાનો ગણાવે છે. આ જ કારણથી તવાંગમાં અવાર નવાર ચીની સૈનિકો ઘૂસી આવે છે. તવાંગ વિસ્તાર બહુ મોટો છે. તેનું મહત્વ જાણીને તમે પણ ચોંકી જશો. અહીં જ ભારતનો સૌથી મોટો અને વિશ્વનો બીજા નંબરનો મોટો બૌદ્ધ મઠ છે. આ પહાડી વિસ્તાર છે અને શિયાળામાં તો અહીં બરફ સિવાય કાંઈ હોતું નથી. બરફના થરમાં ઊભીને આપણા જવાનો ચીન સામે બાથ ભીડી રહ્યા છે. તવાંગની વાત આગળ વધારીએ તે પહેલાં જાણી લઈએ કે હમણાં કઈ ઘટના બની.
9 ડિસેમ્બરે શું થયું?
ચીને આ ત્રીજીવાર કાવતરું ઘડ્યું. ભારતના રાજ્ય અરૂણાચલ પ્રદેશમાં ઘૂસીને ઇન્ડિયન આર્મી પર હુમલો કરવો અને અરૂણાચલની જમીન પર કબજો જમાવી લેવો. પણ આ તો ઇન્ડિયન આર્મી છે, એમનું નેટવર્ક પર સ્ટ્રોંગ. આપણી આર્મીને ઈન્ટેલિજન્સ ઇનપૂટ મળ્યા કે ચીની સૈનિકો ગમે ત્યારે અરૂણાચલની સરહદમાં તવાંગ પ્રાંતમાં ઘૂસી શકે છે. આર્મી અલર્ટ બની ગઈ. વધારે જવાનોને બોલાવી લેવાયા. એક સ્ટ્રેટેજી થોડી જ મિનિટમાં બની ગઈ. 9 ડિસેમ્બરે 300 ચીની સૈનિકો યાંગત્સે વિસ્તારમાંથી ભારતના તવાંગમાં ભારતીય પોસ્ટને હટાવવા માટે પહોંચ્યા. ચીની સૈનિકો પાસે કાંટાળી લાકડીઓ અને ડંડા હતા. ચીની સૈનિકો આગળ વધ્યા અને જ્યાં ભારતીય જવાનો હતા ત્યાં હવામાં ડંડા ઉલાળતા આગળ વધ્યા. એને એમ કે થોડાક જ સૈનિકો છે, પહોંચી વળશું. પણ ચીનાઓ ભારતની સ્ટ્રેટેજીથી અજાણ હતા. ચીનના 300 જેટલા સૈનિક એલસી (લાઈન ઓફ કંટ્રોલ) પર યાંગત્સેમાં ભારતીય પોસ્ટ પર આવ્યા, એ પછી બંને દેશના સૈનિકો વચ્ચે મારામારી થઈ. ચીની સૈનિકોએ ભારતીય જવાનો પર પથ્થરમારો પણ કર્યો. પણ જ્યાં છુટાહાથની મારામારી થઈ રહી ત્યાં ભારતના બીજા જવાનો ન દેખાય, એ રીતે ઊભા હતા. આ સૈનિકોએ ઈશારો કર્યો ને ભારતના સંખ્યાબંધ જવાનો પહાડો પાછળથી ધસી આવ્યા અને ચીની સૈનિકોને ઘેરી લીધા. હવે ચીનાએ મુંઝાયા. પણ ઇન્ડિયન આર્મીએ ચીની સૈનિકોને ઘેરીને બરાબરના લમધાર્યા. આ ઝપાઝપીમાં ભારતના જવાનોને નાની-મોટી ઈજા થઈ. એક જવાનને કાંડામાં ફેક્ચર થયું. ભારતના સૈનિકોનું આક્રમક વલણ જોઈ ચીની સૈનિકો પાછા હટવા લાગ્યા. એની પાછળ આપણા જવાનો દોડ્યા. ચીની સૈનિકો આગળ ને આપણા જવાનો પાછળ. 50 જેટલા ભારતીય સૈનિકોની ટુકડી છેક ચીની ચેકપોસ્ટ સુધી પહોંચી ગઈ. ચેકપોસ્ટ પર ઊભેલા ચીની સૈનિકોએ જોયું કે ભારતીય ફૌજીઓ ચેકપોસ્ટ તરફ આગળ વધી રહ્યા છે એટલે હવામાં ફાયરિંગ કર્યું. પછી બંને દેશોએ લાઉડ સ્પીકર પર એકબીજાને ચેતવણી આપી અને આપણા જવાનો માઈકમાં બોલતાં બોલતાં તવાંગમાં જ્યાં ફરજ પર હતા ત્યાં આવી ગયા. અત્યારે અહીંયા શિયાળામાં ઠંડો પવન ફૂંકાય છે પણ તવાંગરમાં બરફની ચાદર છવાયેલી હોય. આવી હાડ થિજાવી દેતી ઠંડી વચ્ચે આપણા જાંબાઝ જવાનોએ ચીનાઓને ખદેડ્યા.
11 ડિસેમ્બરે શું થયું?
આ આખી ઘટનાને બે દિવસ વીતી ગયા. 11 ડિસેમ્બરે તવાંગમાં તહેનાત ભારતીય કમાન્ડર અને ચીની કમાન્ડર વચ્ચે ફ્લેગ મિટિંગ થઈ. આ મિટિંગમાં પણ ભારતે કહી દીધું, પ્રોટોકોલ જાળવો.
જેના માટે ચીન કૂદકા મારે છે એ તવાંગ છે શું?
તવાંગ એ ભારતના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા રાજ્ય અરુણાચલ પ્રદેશના તવાંગ નામના જિલ્લામાં આવેલું નગર છે. તવાંગમાં જ તવાંગ જિલ્લાનું મુખ્યાલય છે. આ નગર 3048 મીટરની ઊંચાઈએ આવેલું છે. શરુઆતમાં આ નગર પશ્ચિમ કમેન્ગ જિલ્લાનું મુખ્યાલય હતું પણ તવાંગ આ જિલ્લો બન્યા પછી તે તવાંગ જિલ્લાનું મુખ્યાલય છે. આ નગર ગુવાહટીથી 555 કિમી દૂર છે. તવાંગની વસતિ લગભગ 50થી 55 હજાર જેટલી છે. તવાંગમાં લામાઓનો મઠ છે. આશ્ચર્ય એ છે ભારતમાં આવેલો આ સૌથી મોટો બૌદ્ધ મઠ છે. તવાંગનો અર્થ થાય ઘોડા દ્વારા પસંદ કરાયેલા. અહીંનો મઠ તિબેટમાં આવેલ લ્હાસા પછી વિશ્વનો બીજો સૌથી મોટો મઠ છે.
તવાંગ જવું હોય તો શું કરવું પડે?
ચીનની સરહદને અડીને આવેલો ભારતની સરહદનો આ વિસ્તાર અતિસંવેદનશીલ છે. તવાંગની મુલાકાત લેવા માટે પ્રવાસીઓને ખાસ આંતરિક રેખાની પરવાનગી લેવી પડે છે, જે કોલકત્તા, ગુવાહટી, તેજપુર અને નવી દિલ્હીથી મેળવી શકાય છે. અહીં આવતા મોટાભાગના લોકો મેદન પ્રદેશમાંથી 4176 મીટર ઊમ્ચો સેલા ઘાટ પસાર કરી તીવ્ર ઢોળાવવાળા રસ્તે આવે છે.
પ્રવાસીઓ આસમના તેઝપુરથી 12 કલાકનો પ્રવાસ કરીને અહીં પહોંચે શકે છે. કોલકત્તાથી તેઝપુર સુધી સીધી ફ્લાઈટ છે. 2008માં અરુણાચલ પ્રદેશ સરકાર દ્વારા ગુવાહાટીથી તવાંગ સુધી હેલિકોપ્ટર સેવા ચાલુ કરાઈ, જે આજે પણ ચાલુ છે.
આસામના તેઝપુરથી અહીં બાય રોડ બસ, ટેક્સી કે ખાનગી વાહન દ્વારા પણ જઈ શકાય છે. આ પ્રવાસ ખૂબ થકાવનારો હોય છે. મોટાભાગે રસ્તો ઢીલા પડી ગયેલા ડામરનો કે પથ્થરનો છે. અમુક સ્થળે તે કાદવવાળો પણ છે. જો કે આ રસ્તે પ્રકૃતિની સાચી મજા પણ મળે. જ્યારે 15મા દલાઈ લામા 30 માર્ચ 1959ના તિબેટથી નીકળ્યાં ત્યારે સરહદ પાર કરી તેઓ અહીં આવ્યા અને 18 એપ્રિલે આસામના તેઝપુર પહોંચતાં પહેલાં તેમણે અમુક સમય અહીં ગાળ્યો.
અંગ્રેજોએ તવાંગને ભારતમાં ભેળવ્યું
એક સમયે તવાંગ તિબેટનો ભાગ હતો. 1914માં અંગ્રેજો દ્વારા મેકમોહન રેખા ખેંચવામાં આવી, ત્યારથી તવાંગ ભારતનો ભાગ બન્યો. (સિમલા કરાર મુજબ). 12 ફેબ્રુઆરી 1951ના દિવસે તે ભારતીય સત્તા હેઠળ આવ્યું જ્યારે મેજર આર ખાતિંગના નેતૃત્વ હેઠળ ભારતીય સેનાએ અતિક્ર્મણ કરનારા ચીની લોકોને પાછા મોકલી દીધા. ભારતે આ ક્ષેત્રનું સાર્વભોમત્વ મેળવ્યું અને મોન્પા લોકો પરની ત્રાસદીનો અંત આવ્યો. અહીં નિયમિત રીતે ચૂંટણી થાય છે અને લોકશાહી ઢબે સરકાર ચાલે છે.
પછી તવાંગ ચીનમાં ચાલ્યું ગયું
1962ના ભારત-ચીન યુદ્ધ સમયે તવાંગ ચીનના કબજા હેઠળ ચાલ્યું ગયું. મહાવીર ચક્ર મેળવનાર જસવંતસિંહ રાણાએ અહીં બહાદુરી બતાવી હતી. તેમની બહાદુરીના કારણે તવાંગ ભારતમાં ભળ્યું. તવાંગમાં જસવંતસિંહ રાણા વોર મેમોરિયલ પણ છે. એ સમયે ચીની સૈનિકો હટી ગયા પછી તવાંગમાં ભારતમાં જોડાઈ ગયું. પણ હવે ચીન તવાંગ પર પોતાનો કબજો હોવાનો દાવો કરતું રહ્યું છે અને ઘૂસણખોરી પણ કરે છે.
દલાઈ લામા તવાંગ ગયા ત્યારે...
2009માં દલાઈ લામાની તવાંગ મઠની મુલાકાત સામે ચીને વાંધો બતાવ્યો હતો. જોકે 1959માં તિબેટ છોડતાં પહેલાં દલાઈ લામાએ આ પહેલાં પણ ઘણી વખત તવાંગની મુલાકાત લીધી હતી. ભારતે ચીનના આ વાંધાને એમ કહીને વખોડી દીધો કે દલાઈ લામા ભારતના માનદ્ મહેમાન છે અને તેઓ ભારતમાં ક્યાંય પણ હરી ફરી શકે છે. દલાઈ લામાએ 8 નવેંમ્બર 2009ના દિવસે તવાંગની મુલાકાત લીધી હતી. ત્યારે બહુ મોટા પાયે લામાઓનું ઘાર્મિક અનુષ્ઠાન થયું હતું. આ ધાર્મિક અનુષ્ઠાનમાં ભારત નેપાલ અને ભૂતાનના 30 હજાર લોકો સામેલ થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી ચૂક્યા છે કે તવાંગ એ ભારતનું અવિભાજ્ય અંગ છે અને રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.