'યુવતીઓને વાહન ચલાવતા ન આવડે...' આવું કહેનારા દર પાંચમાંથી 3 પુરુષ તમને કદાચ મળશે, પણ શું આવું કહેનારા પુરુષો જાણે છે કે કાર ચલાવતી મહિલાઓને અકસ્માતમાં ઈજા થવાનું કે મૃત્યુ થવાનું જોખમ પુરુષો કરતાં વધુ હોય છે?
યુ.એસ.ની વર્જિનિયા યુનિવર્સિટીમાં હાથ ધરાયેલા અભ્યાસ મુજબ, સીટ બેલ્ટ પહેરવા છતાં પણ આમને-સામનેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થવાની શક્યતા પુરુષો કરતાં સ્ત્રીઓને 73% વધુ છે.
એનું કારણ એ છે કે વર્તમાન ઓટોમોબાઈલ સેફ્ટી પ્રોટોકોલ હેઠળ કાર કંપનીઓ દ્વારા જે પ્રકારના સેફ્ટી ફીચર્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે એ મહિલાઓને બદલે પુરુષોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે.
સ્વીડનના સંશોધકોએ તાજેતરમાં વિશ્વની પ્રથમ મહિલા ક્રેશ ડમી બનાવી છે. આ ક્રેશ ડમીનો ઉપયોગ કરીને ઓટોમોબાઈલ કંપનીઓ જાણી શકશે કે અકસ્માતની સ્થિતિમાં મહિલાઓનું જોખમ પુરુષો કરતાં કેવી રીતે અલગ છે અને તેમના માટે સેફ્ટી ફીચર્સમાં કેવા પ્રકારના ફેરફારોની જરૂર પડશે. જોકે કાર કંપનીઓએ હજુ સુધી ક્રેશ ટેસ્ટમાં આ ફીમેલ ડમીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું નથી.
ભારતના કિસ્સામાં તો સ્થિતિ વધુ ચિંતાજનક છે. અહીં ઓટોમોબાઈલ કંપનીઓએ યુરોપ કે અમેરિકા જેવી કડક સુરક્ષા સુવિધાઓ અપનાવવાની જરૂર નથી. અહીંના રસ્તાઓની હાલત અને કારની ઓછી સુરક્ષા સુવિધાઓને કારણે માત્ર 2021માં જ 23 હજારથી વધુ લોકો કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.
ભારતમાં ડ્રાઇવિંગ કરતી મહિલાઓની સંખ્યા પણ સતત વધી રહી છે, પરંતુ 2021થી નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોએ કાર અકસ્માતમાં ઘાયલ અથવા જીવ ગુમાવનારાઓમાં મહિલાઓ અને પુરુષોના અલગ-અલગ આંકડા રાખવાનું શરૂ કર્યું છે. 2021માં કાર અકસ્માતમાં 13 હજારથી વધુ મહિલાઓ ઘાયલ થઈ હતી, જ્યારે 3500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
જાણો... કારના ક્રેશ ટેસ્ટમાં મહિલા ડમીનો ઉપયોગ શા માટે જરૂરી છે અને ભારતમાં કાર ચલાવતી મહિલાઓ માટે કેમ વધુ જોખમ છે…
વિશ્વના પ્રથમ ગંભીર કાર અકસ્માતમાં મહિલાનું મોત
1869માં આયર્લેન્ડના એક શહેરમાં એક મહિલા મેરી વોર્ડનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ કદાચ વિશ્વનો પ્રથમ ગંભીર કાર અકસ્માત હતો, જેમાં કોઈનું મૃત્યુ થયું હતું. મેરી વોર્ડની કાર સ્ટીમ એન્જિન હતી. એક સમયે તેની કારની સ્પીડ ઘણી વધારે હતી અને તે ચાલતા વાહનમાંથી નીચે પડી ગઈ હતી. રોડ પર પટકાવાને કારણે તેની ગરદન તૂટી ગઈ હતી.
ત્યારથી કારમાં સેફ્ટી ફીચર્સ પર અભ્યાસ પણ શરૂ થઈ ગયો હતો. માર્કેટમાં લોન્ચ થતાં પહેલાં જોવામાં આવ્યું હતું કે કારની બ્રેક કેટલી અસરકારક છે. હાઇડ્રોલિક બ્રેકિંગ સિસ્ટમ કારની પ્રથમ સુરક્ષા વિશેષતા હતી. એ સરળ યાંત્રિક બ્રેકિંગનું સ્થાન લે છે.
અત્યારસુધી ક્રેશ ટેસ્ટની ડમી પુરુષોના હિસાબે જ બને છે… એનાથી મહિલાઓ પર શી અસર થશે એનો ખ્યાલ આવતો નથી.
અત્યારસુધી દરેક ઓટોમોબાઈલ કંપની દ્વારા ક્રેશ ટેસ્ટમાં ઉપયોગમાં લેવાતી ક્રેશ ડમી માનવ શરીરની રચનાની નકલ છે. આ ક્રેશ ડમી કોઈ સામાન્ય ડમી નથી. એ સરેરાશ માણસના વજન, એના શરીરની રચના, સાંધાઓની હિલચાલ અને સ્નાયુઓની તણાવ સહન કરવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. અત્યારસુધીમાં મહિલાઓ પર અસર જોવા માટે પુરુષો અનુસાર બનાવેલા ક્રેશ ડમીના માત્ર નાના મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.