એક સમય હતો, જ્યારે ઉંમરના પાછલા પડાવમાં વિધવા કે વિધુર બની ગયેલાં સ્ત્રી-પુરુષો આખું જીવન એકલાં કાઢી નાખતાં હતાં. ધીમે ધીમે એમાં ફેરફાર આવ્યો છે. એકલવાયું જીવન જીવતા વૃદ્ધો પણ હવે સાથીદાર શોધીને બાકીની જિંદગી સધિયારા સાથે જીવવાનું પસંદ કરે છે. આ બધાની વચ્ચે એક અલગ ચોંકાવનારો ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં વૃદ્ધો જેમની પેન્શનની આવક ચાલુ હોય એવા જીવનસાથી પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને એકલું જીવન જીવતી મહિલાઓ હવે મોટી ઉંમરના પેન્શનવાળા મુરતિયા પસંદ કરી રહી છે.
અમદાવાદના વાસણામાં અનુબંધ સંસ્થા દ્વારા 50થી વધુ ઉંમરની વ્યક્તિઓના પુન:લગ્ન કરાવવામાં આવે છે. સંસ્થાની મુલાકાતમાં આ ચોંકાવનારા ટ્રેન્ડની ખબર પડી હતી. અનુબંધ સંસ્થા ચલાવતા નટુભાઇ પટેલ સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી હતી, જેમાં તેમણે સમાજમાં આવેલા બદલાવની વાત કરી હતી અને મોટી ઉંમરે પેન્શન પર જીવતા મુરતિયા પસંદ કરવાનો ટ્રેન્ડ વધ્યો હોવાનું કહ્યું હતું.
નટુભાઈના મોઢેથી સાંભળો ત્રણ રિયલ કિસ્સા...
કિસ્સો-1: 25 વર્ષનો તફાવત હોવા છતાં લગ્ન કર્યા
81 વર્ષના એક પ્રોફેસરને મહિને 80-90 હજાર પેન્શન આવતું હતું અને પ્રોફેસર કોલેજના અભ્યાસક્રમમાં સમાવી શકાય એવું એક પુસ્તક પણ લખી રહ્યા હતા. તેમની પુત્રવધૂ તેમને લઈને આવેલી. એ જયપુર તરફના હતા. રાજસ્થાનની પ્રણાલી એવી છે કે પુત્રવધૂ સાથે સસરા વાત ના કરતા હોય, ઘૂંઘટ પ્રથા હોય છતાં પણ એમની ડૉક્ટર પુત્રવધૂ સસરાને લઈને આવી અને કહ્યું કે મારા સસરાની એકલતા દૂર કરવા અને વાતચીત કરવા માટે એક સાથીદારની જરૂર છે. જે એમની સાથે વાતો કરી શકે અને તેમની સંભાળ લે. એ વાંચન કરતાં હોય તો કંપની આપી શકે. ત્યારે એક પાત્ર મારી પાસે હતું. તે બહેન 55 વર્ષના હતા અને એમને છોકરાઓ રાખવા તૈયાર નહતા. ઉપરાંત તે ભાડાના મકાનમાં રહેતા હતા. બંને વચ્ચે ઉંમરમાં 20-25 વર્ષનો તફાવત હતો. બંને એકબીજાને મળ્યા હતા. હાલ એ બંને પોતાનું જીવન સુખેથી પસાર કરે છે. બહેનનું માનવું હતું કે પતિનું પેન્શન છે તો જિંદગીમાં તકલીફ નહીં પડે.
કિસ્સો 2: પારકા પોતાના થયા અને પોતાના પારકા થયા
અમદાવાદમાં એક બહેન 55 વર્ષની ઉંમરે પણ ખાખરા વણીને દિવસના ફક્ત સો-બસો રૂપિયા કમાતા હતા અને ભાડાના મકાનમાં રહેતા હતા. એમને એક પુત્ર હતો, જે પાણીપુરીનો વ્યવસાય કરી જીવનનિર્વાહ કરતો હતો. તેઓ મારી પાસે આવ્યા અને વાત કરી કે સારું પૈસાદાર પાત્ર હોય તો હું પરણવા તૈયાર છું. મારા ધ્યાનમાં એક 75 વર્ષના રેલવે ઓફિસર હતા, જેમને મહિને 50 હજાર પેન્શન આવતું હતું. તેમને પણ એક પુત્ર અને પુત્રવધૂ હતા. બંને સારા હતા પરંતુ એકલતા સાલતી હતી. બહેનને કહેવામાં પણ આવ્યું કે રેલવે ઓફિસરને શરીરે થોડાં સફેદ ડાઘ છે, પરંતુ બહેને કહ્યું કે મને એમાં કોઈ રસ નથી. મારે તો સારું, પૈસાદાર અને મને સાચવે તેવું પાત્ર જોઈએ છીએ. અમે એમની મુલાકાત કરાવી આપી. બંનેની વચ્ચે ઉંમરમાં 20 વર્ષનો તફાવત હતો. રેલવે ઓફિસરના પુત્ર અને પુત્રવધૂ પણ લગ્નમાં આવ્યા હતા.
રેલવે ઓફિસરના લગ્ન પછી તેમના પુત્ર-પુત્રવૂધને લાગ્યું કે બહેન (નવા માતા)ને એક પુત્ર છે તો ભવિષ્યમાં પ્રોપર્ટીના પ્રશ્નો ઊભા થશે. પુત્ર-પુત્રવધૂએ બહેનને ઘરમાંથી કાઢી મૂક્યા તો રેલવે ઓફિસરે પોતાનો 50 લાખનો બંગલો વેચી દીધો, જેમાંથી 25 લાખ પોતાના પુત્રને આપ્યા અને 25 લાખ પોતે લઈને ઘરમાંથી નીકળી ગયા. રેલવે ઓફિસરે નવી પત્નીના નામે મકાન લીધું. રેલવે ઓફિસરે નવી પત્નીના દીકરાને પણ એક ટેક્સી અપાવી, જેથી તે પોતાનો જીવનનિર્વાહ ચલાવી શકે. પારકાં પોતાના થયા અને પોતાના પારકાં થયા એનો આ એક જીવંત દાખલો છે. રેલવે ઓફિસરને 50 હજારનું પેન્શન આવતું હતું. એ હમણાં જ ગુજરી ગયા. ત્યાર બાદ પત્નીને 25 હજાર ફેમિલી પેન્શન મળતું થઈ ગયું, જેનાથી એ આરામથી જીવે છે.
કિસ્સો-3: દેખાવ નહીં, પણ સ્વભાવ અને આર્થિક સુરક્ષા મહત્ત્વની છે
આ કિસ્સામાં પુરુષ મરાઠી અને જ્યારે સ્ત્રી ગુજરાતી છે. બહેન વૃદ્ધાશ્રમમાં રહેતી હતી. એને કોઈ આશરો નહોતો. એમને કોઈ સંતાન નહોતું. ભાઈ એક શિક્ષણ વિભાગના રિટાયર અધિકારી હતા અને તેમને પેન્શન આવતું હતું. એ બંનેનો મેળાપ કરાવ્યો હતો. ભાઈ 65 વર્ષના હતા જ્યારે બહેન 50 વર્ષની આસપાસના હતા. છતાંય જે ઉંમરનો તફાવત હતો, એ તેમણે જવા દીધો, કારણ કે એમને પણ ભવિષ્યમાં પેન્શન આવી શકે. એ બંને ધોળકા મુકામે આરામથી રહે છે. બંનેના લગ્ન કરાવી આપ્યા. ભાઈ દેખાવમાં કંઈ ખાસ નહોતા, પરંતુ બહેને આ વાતનું સમાધાન કર્યું. સ્વભાવ તથા પેન્શનની આવક મળી રહે તે ધ્યાનમાં લઈને બહેને લગ્ન કર્યાં હતાં.
ટ્રેન્ડ પાછળનું કારણ શું?
આ ટ્રેન્ડ પાછળનું કારણ જણાવતા નટુભાઇ પટેલ કહે છે કે પુરુષો કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. એમને પણ નાની ઉંમર અને રૂપાળી સ્ત્રીઓ જોઈએ, પરંતુ એમના બાળકો એ સ્વીકારવા તૈયાર નથી હોતા. એટલે આ મેચિંગ કરવું બહુ અઘરું છે. બહેનોને મોટી ઉંમરે સિક્યોરિટીની જરૂર રહે છે. પુરુષને પ્રેમ જોઈએ છે, સ્ત્રીને સહારો જોઈએ છે. સ્ત્રીને મોટી ઉંમરે ફરીથી મહેનત કરવી ન પડે અને ગાડી ,બંગલો કે સારી આવક હોય તો સારી રીતે રહી શકે. એટલા માટે બહેનો 15-25 વર્ષની ઉંમરનો તફાવત હોય તો પણ ચલાવતા હોય છે, જેમાં એ આશા હોય છે કે કોઈ નહીં હોય ત્યારે કોઈ છોકરાઓ સામે હાથ લાંબો કરવાની જરૂર નહીં પડે. એમને ફેમિલી પેન્શન મળશે. એટલા માટે જ આજકાલ આ ટ્રેન્ડ વધી રહ્યો છે. ગવર્મેન્ટમાંથી રિટાયર થયા હોય અને પેન્શન આવતું હોય એવા પુરૂષોને ખાસ પસંદ કરવામાં આવે છે.
સૌથી મોટો ફાયદો: વધુ લગ્ન કરવાની જરૂર નથી પડતી
આવા મેરેજ કરવામાં ફાયદો એ છે કે વૃદ્ધાવસ્થામાં પેન્શન મળતું થાય એટલે વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર રીતે રહી શકે. બાળકો કદાચ સ્વીકારવા તૈયાર ન હોય તો પણ પગભર થઈને પોતાનું ભરણ પોષણ કરી શકાય અને બીજું એમને પેન્શન મળતું હોય તો વધુ વખત લગ્ન કરવાની જરૂર ન પડે. એટલા માટે જ મેરેજ વખતે પેન્શનનો ખાસ આગ્રહ રાખવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.