તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરજ પહેલા:મુસ્લિમ તબીબોએ રમજાનમાં ભૂખ્યા પેટે રોજા રાખી કોરોના વોર્ડમાં ડ્યૂટી બજાવી

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક
  • વિપરીત સ્થિતિમાં દર્દીની સેવા કરવી એ પણ અમારો ધર્મ છે: મુસ્લિમ ડોક્ટર્સ
  • હોસ્પિટલમાં રોજા સાથેે રજા લીધા વિના દર્દીની સારવાર કરી

મુસ્લિમ બિરાદરો માટે સૌથી અગત્યનો તહેવાર એટલે કે રમજાન-ઈદ. રમજાનના સમય ગાળામાં કોરોનાના પ્રકોપ સામે આસ્થાની જીત થઈ છે, એટલે કે આ સમય દરમિયાન અલગ અલગ હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં લાગેલા તબીબોએ રોજા રાખી ભૂખ્યા પેટે પણ 30 દિવસના રોજા પૂર્ણ કર્યા છે અને ઈદની ઉજવણી કરી રહ્યા છે. આ તબીબોનો કહે છે કે ધર્મ જેટલો અગત્યનો છે તેટલી જ અગત્યની ફરજ છે, કપરી સ્થિતિમાં દર્દીની સેવા કરવી એ પણ અમારો ધર્મ છે.

ડો.ઇબ્રાહિમ મલેક અને તેમનાં પત્ની ડો ઉઝમા કુરેશી.
ડો.ઇબ્રાહિમ મલેક અને તેમનાં પત્ની ડો ઉઝમા કુરેશી.

ડોક્ટર દંપતીએ રોજા પણ રાખ્યા અને ડ્યૂટી પણ નિભાવી
અમદાવાદની SVP હોસ્પિટલમાં મેડિસન વિભાગમાં ફરજ બજાવતા ઇબ્રાહિમ મલેક ગત વર્ષે કોરોનાની શરૂઆત થઈ ત્યારથી જ તેઓ દર્દીઓની સારવારમાં લાગેલા છે. આ વર્ષે રમજાનમાં રોજા સાથે કોવિડ વોર્ડમાં ફરજ નિભાવી અને દર્દીઓની સારવાર કરી. ડોક્ટર ઈબ્રાહિમ મલેકનું કહેવું છે, રોજા દરમિયાન ખાધા-પીધા વિના, પીપીઇ કિટ, માસ્કની પહેરી કામ કરવું એ પડકાર હતો, પરંતુ આ સમય ધાર્મિક આસ્થાની સાથે સાથે દર્દીઓની સેવા કરવાનો પણ હતો. તેમનાં પત્ની ઉઝમા કુરેશી પણ નરોડાની GCS હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં સેવા આપી રહ્યાં છે. પતિ-પત્ની બન્ને રોજ 8થી 9 કલાક હોસ્પિટલમાં હોય છે અને રોજ 60થી 70 દર્દી તપાસે છે. રમજાન દરમિયાન જ ડો. ઇબ્રાહિમનાં માતા-પિતા, ભાભી સહિતનાં પરિવારજનો કોરોના સંક્રમિત થયાં હતાં છતાંય બન્નેએ હોસ્પિટલમાં એકપણ રજા વિના કામ ચાલુ રાખ્યું.

ડો.આસિફ મન્સૂરી, જેઓ પ્લાઝ્મા પણ ડોનેટ કરી ચૂક્યા છે.
ડો.આસિફ મન્સૂરી, જેઓ પ્લાઝ્મા પણ ડોનેટ કરી ચૂક્યા છે.

છેલ્લા બે રમજાનથી કોવિડ વોર્ડમાં રોજા રાખી ફરજ પર છે ડો. આસિફ મન્સૂરી
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પુલ્મોનોલોજિસ્ટ આસિફ મન્સૂરી સિવલ હોસ્પિટલની 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં ફરજ નિભાવી રહ્યા છે. આસિફ ગત વર્ષે પણ રમજાન દરમિયાન કોવિડ ડ્યૂટીમાં લાગેલા હતા. તેમણે ત્યારે પણ રોજા રાખ્યા હતા. આ વર્ષે પણ રમજાનમાં કોવિડ ઓપીડી, ઇમર્જન્સી વોર્ડમાં કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે શરૂઆતી દિવસોમાં રોજા હોવાથી ખાધા-પીધા વિના કામ કરવું પડકારજનક હતું, પરંતુ બાદમાં અલ્લાહની કૃપાથી હિંમત મળી. તેમનો પરિવાર પણ કોરોના સંક્રમિત થયો હતો. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ડો. મન્સૂરીએ પિતા પણ ગુમાવ્યા હતા. તેઓ દૈનિક 150થી 250 દર્દી તપાસે છે. જ્યારે દર્દી વધુ હતા ત્યારે ICU વોર્ડ ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.

ડો.વસીમ સાચોરા, જેઓ કે.ડી. હોસ્પિટલમાં કોવિડના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
ડો.વસીમ સાચોરા, જેઓ કે.ડી. હોસ્પિટલમાં કોવિડના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

રમજાન મહત્ત્વનો તહેવાર, પરંતુ દર્દીની સેવા મારો ધર્મ
કે.ડી. હોસ્પિટલના ડો.વસીમ સાચોરા પણ કોરોના ડ્યૂટીમાં જોડાયેલા છે. ડો. વસીમનું કહેવું છે કે રમજાન અમારો મહત્ત્વનો તહેવાર છે, પરંતુ સામાન્ય દિવસોમાં પણ અને હાલ વિપરીત સ્થિતિમાં દર્દીની સેવા કરવી એ પણ મારો ધર્મ છે. શરૂઆતી દિવસોમાં રોજા સાથે ડ્યૂટીમાં મુશ્કેલી પડતી હતી. જોકે આખો દિવસ કામમાં સમય નીકળી જતો હતો. તેઓ સવારે 8થી સાંજે 8 સુધી હોસ્પિટલમાં ફરજ પર રહે છે. રોજના 50 જેટલા કોરોના દર્દીને તપાસતા હતા અને બાકીના સમયે ઓપીડીમાં પણ 20થી 25 દર્દીને તપાસતા હતા. કોવિડમાં ડ્યૂટી જોઇન કર્યાને એક સપ્તાહમાં તેમનાં માતા-પિતા કોરોના પોઝિટિવ આવ્યાં હતાં, જોકે ઘરે સારવાર લઇ સાજા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...