સરકાર પોલીસ ગ્રેડ પે કેમ નથી વધારવા માગતી?:ગ્રેડ પે અંગે શું છે સરકારની ગણતરી? શું કહે છે કર્મચારી સંગઠનો?

ગાંધીનગર4 મહિનો પહેલાલેખક: નિર્મલ દવે

પોલીસ ગ્રેડ પે મામલે સરકારની કામગીરી સામે વધારે ને વધારે સવાલો ઊભા થઈ રહ્યા છે. જો પોલીસ ગ્રેડ પે જ્યાં સુધી વધારવામાં ના આવે ત્યાં સુધી ઈન્ટેરિમ પેકેજ જાહેર કરવામાં આવે એવા મત અને સૂચન ગ્રેડ પે માટે નિયુક્ત સમિતિ દ્વારા આપવામાં આવ્યા છે. આવા સંજોગોમાં સરકાર કેમ પોલીસ ગ્રેડ પે વધારવા નથી માગતી એ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી.

દિવ્ય ભાસ્કરની ટીમે અલગ અલગ વિભાગ, જેમ કે નાણાં વિભાગ, ગૃહ વિભાગ તથા મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરીને પોલીસ ગ્રેડ પે કેમ નહિ વધારવામાં આવે એની પાછળનાં કારણો જાણવા પ્રયાસ કરતાં સરકારની ગણતરી કેવી હોઈ શકે છે એ બાબતનો તાગ મળી શક્યો.

સરકારની ગણતરી કેવા પ્રકારની છે એ અંગે જાણતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે રાજ્યમાં અનેક વર્ગ 3ના કર્મચારી સંગઠન છે, જે કેટલાક સમયથી પોતાના ગ્રેડ પે વધારવા માટે માગ કરી રહ્યા છે.

ગ્રેડ પે માટે માગ કરતાં સંગઠનો

  • તલાટી-કમ-મંત્રી
  • પંચાયત હસ્તકના આરોગ્યકર્મચારીઓ
  • ટ્રેઇન્ડ નર્સિસ એસોસિયેશન
  • પોલીસ
  • વન સંરક્ષક (ભથ્થાં માટે)
ગુજરાત રાજ્ય આરોગ્યકર્મચારી મહાસંઘના સલાહકાર કિરીટસિંહ ચાવડા.
ગુજરાત રાજ્ય આરોગ્યકર્મચારી મહાસંઘના સલાહકાર કિરીટસિંહ ચાવડા.

સંગઠન 1- વિરોધ કર્યો એટલે ગુના દાખલ કર્યા : ગુજરાત રાજ્ય આરોગ્યકર્મચારી મહાસંઘ
ગુજરાત રાજ્ય આરોગ્યકર્મચારી મહાસંઘના સલાહકાર કિરીટસિંહ ચાવડાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ 1998માં પાંચમું પગારપંચ જ્યારથી લાગુ પડ્યું ત્યારથી ગ્રેડ પેની માગ કરવામાં આવી રહી છે. હાલ સાતમું પગારપંચ અમલી છે. પંચાયત વિભાગનું આરોગ્ય કર્મચારીમંડળ કુલ 33 હજાર કર્મચારીઓનું બનેલું છે, જેમાં સાત કેડર મલ્ટી પર્પઝ હેલ્થવર્કર, ફીમેલ હેલ્થવર્કર, હેલ્થ સુપરવાઈઝર (મેલ અને ફીમેલ), લેબ-ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સનું બનેલું છે. અન્ય રાજ્યોમાં આ જ કેડર અને આ જ લાયકાતમાં અન્ય રાજ્યોમાં હરિયાણા અને ગોવામાં 4200 જ્યારે પંજાબમાં 2800 ગ્રેડ પે અમલી છે, જ્યારે ગુજરાત રાજ્યમાં હાલ 1900 ગ્રેડ પે અમલી છે, જ્યારે મલ્ટી પર્પઝ હેલ્થવર્કર, ફીમેલ હેલ્થવર્કરના પગારધોરણમાં વધારો કરાયો છે. 6 માસ અગાઉ, પણ ભારે વિરોધ કરાયો હતો, જેમાં સરકારે એપેડેમિક એક્ટ લગાવી અમારી સામે ફરિયાદ કરી હતી. અમારી માગ હજુ પણ યથાવત્ છે કે ગ્રેડ પેમાં વધારો કરી સમાન કરવામાં આવે.

તલાટી-કમ-મંત્રી એસોસિયેશનના પ્રમુખ પંકજ મોદી
તલાટી-કમ-મંત્રી એસોસિયેશનના પ્રમુખ પંકજ મોદી

સંગઠન 2- સિનિયર - જુનિયરના પગાર વચ્ચે અંતર જ નહિ ? : તલાટી-કમ-મંત્રી એસોસિયેશન, પંચાયત વિભાગ
પંચાયત વિભાગના તાબા હેઠળ કામ કરી રહેલા વર્ગ 3ના તલાટી-કમ-મંત્રી એસોસિયેશનના પ્રમુખ પંકજ મોદી દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવે છે કે પંચાયત વિભાગના તલાટી-કમ-મંત્રીની સંખ્યા રાજ્યમાં 9 હજાર આસપાસ છે. સરકારે વર્ષ 2004-2005માં જે ભરતી કરી હતી એને સળંગ નોકરી તરીકે એટલા માટે કરવામાં આવે, કેમ કે જે-તે સમયે ફિક્સ પગારની નોકરી કરવામાં આવી હતી, એટલે સિનિયર અને જુનિયર પગારધોરણમાં મોટો ફરક પડે છે તેમજ પ્રમોશનમાં મોટો ફેર થાય છે. વર્ષ 2018માં પંચાયત અને રેવન્યુ તલાટીને સરકારે મર્જ કર્યાં હોવાથી તેમના જોબ ચાર્ટ અલગ કરવામાં આવે. રેવન્યુ તલાટી માટે પ્રથમ ઉચ્ચતર 4400 પગાર સ્કેલ છે, જ્યારે પંચાયત તલાટી માટે પ્રથમ ઉચ્ચતર 2800 પગાર સ્કેલ અમલી છે.

ટ્રેઇન્ડ નર્સિસ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના સ્ટુડન્ટ એડવાઈઝર ઈકબાલ કડીવાલા
ટ્રેઇન્ડ નર્સિસ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના સ્ટુડન્ટ એડવાઈઝર ઈકબાલ કડીવાલા

સંગઠન 3- મોટાં આંદોલન કર્યાં તોય ગ્રેડ પે નથી મળતો : ટ્રેઇન્ડ નર્સિસ એસોસિયેશન ઓફ ઈન્ડિયા, વર્ગ 3 (ગુજરાત ચેપ્ટર)
વર્ગ 1995થી ગ્રેડ પે વધારો કરવા માટે માગ કરી રહેલા TNAI (ટ્રેઇન્ડ નર્સિસ એસોસિયેશન ઓફ ઈન્ડિયા)ના સ્ટુડન્ટ એડવાઈઝર ઈકબાલ કડીવાલા કહી રહ્યા છે કે તેમની સમકક્ષ કેડર તમામના પગારધોરણમાં સુધારો કરાયો છે. આખા દેશમાં ગ્રેડ પે 4200 કરાયો છે, જ્યારે માત્ર ગુજરાતમાં આ પગાર સ્કેલ 2800 છે. ગુજરાત ખાતે 12 હજાર ટ્રેઈન્ડ નર્સિસ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ગત વર્ષે પણ મોટું આંદોલન ગુજરાત સરકાર સામે કરવામાં આવ્યું હતું, એમ છતાં પણ માગ ઉકેલાઈ નહોતી.

પોલીસ ગ્રેડ પે અંગે આંદોલન કરનાર પોલીસ-કોન્સ્ટેબલ નીલમ મકવાણા.
પોલીસ ગ્રેડ પે અંગે આંદોલન કરનાર પોલીસ-કોન્સ્ટેબલ નીલમ મકવાણા.

સંગઠન 4- હવે તો અમે કંટાળ્યા છે : પોલીસ ગ્રેડ પે માટે આંદોલનકારી
પોલીસ ગ્રેડ પે વધારવા માટે છેલ્લા એક વર્ષથી આંદોલન કરનાર અને હાલ સસ્પેન્ડેડ મહિલા પોલીસ-કોન્સ્ટેબલ નીલમ મકવાણાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે અમે હાલ લેખિતમાં અરજી આપીને જ લડી રહ્યા છે. મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રીને મળવા માટે મંજૂરી માગી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી છે. અમે પણ કંટાળ્યા છે, કેમ કે ;ટૂંક સમય'નો કોઈ અંત નથી આવતો એટલે અમારે જવાબ જોઈએ છીએ. ગ્રેડ પે ના આપવાના હોય તો ના આપે, પણ જવાબ તો આપે. આ 'ટૂંક સમય'ને પણ લાંબો સમય થઈ ગયો છે. હવે ગ્રેડ પે નહિ આપે તો ખબર નથી કે શું થશે ?

પોલીસ ગ્રેડ પે અંગે સરકાર કાઢી રહી છે વિરોધનું તારણ ?
જે રીતે ગુજરાતના અલગ અલગ વર્ગ 3ના સરકારી કર્મચારીઓ ગ્રેડ પે માટે ઝઝૂમી રહ્યા છે ત્યારે સરકારને ડર છે કે ગુજરાતમાં પોલીસ સહિતની કુલ 6થી વધુ એવી વર્ગ 3ની કેડર છે, જેનો ગ્રેડ પે ઓછો છે અને જો પોલીસ ગ્રેડ પે વધારવામાં આવે તો આવનારા દિવસોમાં આ તમામ કેડરના કર્મચારીઓ વિરોધ કરી શકે એમ છે. જો વિરોધનો સૂર ઊઠે તો સરકાર માટે ચૂંટણી અગાઉ આવા આંદોલન નુકસાનકારક સાબિત થઈ શકે એમ છે અને આ જ કારણસર સરકારનો મત એવો છે કે પોલીસ ગ્રેડ પે વધારવામાં ના આવે અને જ્યાં સુધી પોલીસ ગ્રેડ પે વધારો ન કરવામાં આવે ત્યાં સુધી ઈન્ટેરિમ પેકેજ જાહેર કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...