તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાણો A TO Z:ટેક બિલિયોનેર એલન મસ્કનું મગજ અલગ કેમ ચાલે છે? તેમને થયેલી એસ્પર્જર્સ સિન્ડ્રોમ બીમારી ખરેખર શું છે?

એક મહિનો પહેલા

ટેસ્લા અને સ્પેસ એક્સ કંપનીના માલિક એલન મસ્ક એસ્પર્જર્સ સિન્ડ્રોમથી પીડિત છે. અમેરિકાના કોમેડી ટેલિવિઝન શો, સેટરડે નાઈટ લાઈવમાં તેમણે આ ખુલાસો કર્યો છે. ચાલુ શૉ દરમિયાન મસ્કે કહ્યું કે, ઈલેક્ટ્રિક કારમાં રિ-ઈન્વેન્ટ કરવાનું તેમણે વિચાર્યું, એટલું જ નહીં દુનિયાના લોકોને રોકેટના માધ્યમથી મંગળ પર મોકલવાનું તેમનું સપનું છે. તેમણે સવાલ કર્યો કે, શું કોઈ સામાન્ય વ્યક્તિ આવું કરી શકે છે? એલન મસ્કે આવી વાત કરતાં એસ્પર્જર્સ સિન્ડ્રોમ બીમારી ખરેખર શું છે તે સમજવું જરૂરી છે.

એસ્પર્જર્સ સિન્ડ્રોમ શું છે?

એસ્પર્જર્સ સિન્ડ્રોમ એક માનસિક બીમારી છે. ઓસ્ટ્રિયાના બાળરોગ નિષ્ણાત ડૉ. હંસ એસ્પર્જર્સના નામ પરથી આ બીમારીને નામ અપાયું છે. ડૉ. હંસે સૌ પ્રથમ 1944મા આ બીમારી વિષે દુનિયાને જાણ કરી હતી. સામાન્ય રીતે બાળકોમાં આ બીમારી વધુ જોવા મળે છે. દર એક હજાર બાળકોએ અઢી બાળકોમાં આ બીમારી હોય શકે છે. છોકરીઓની તુલનામાં છોકરાઓમાં આ બીમારી પાંચ ગણી વધુ હોય છે. આ બીમારી લગભગ આજીવન રહે છે.

બીમારીનાં લક્ષણો શું છે?

આ બીમારીથી પીડિત વ્યક્તિ સામાજિક રીતે હળવા મળવાનું પસંદ કરતી નથી. બીજા સાથે વાત કરવામાં તેને પરેશાની થાય છે. સામેની વ્યક્તિની બોડી લેંગ્વેજ અને હાવભાવ પણ સમજી શકતી નથી. તેની બોલવાની સ્ટાઈલ રોબેટિક હોય છે, તેમાં કોઈ ભાવ હોતો નથી. આવી વ્યક્તિ સતત એક જ કામ કર્યે રાખે છે અને એક જ ટોપિક પર લાંબો સમય વાત કરી શકે છે. કેટલાક કિસ્સામાં બોલવામાં અને લખવામાં પણ તકલીફ હોય છે. આવા લોકોને ફેરફારો થાય તે પસંદ નથી. કોઈ એક જાણકારીને પ્રોસેસ કરવામાં સામાન્ય વ્યક્તિની તુલનામાં તેને વધુ સમય લાગે છે.

એસ્પર્જર્સ સિન્ડ્રોમથી પીડિત લોકોને મેથ્સ અને કમ્પ્યૂટર સાયન્સ જેવા જટિલ વિષયોમાં ઊંડો રસ હોય છે. કોઈ એક ચોક્કસ કામ પ્રત્યે સામાન્ય વ્યક્તિની તુલનામાં વધુ ઊંડા ઉતરે છે. જેને કારણે કોઈ એક ક્ષેત્રમાં ખુબ જ આગળ જઈ શકે છે અને કરિયર પણ બનાવી શકે છે.

અમેરિકા જાણીતા એન્જિનિયર, લેખક અને પ્રોફેસર ડૉ. ટેમ્પલ ગ્રેન્ડિન એસ્પર્જર્સ સિન્ડ્રોમથી પીડિત છે. તેમના જીવન પર ફિલ્મ પણ બની ચુકી છે. તેમનું કહેવું છે કે, આ બીમારી તમને ઘણા ક્ષેત્રોમાં સફળતા આપી શકે છે. કારણ કે, આ બીમારીથી પીડાતા લોકો ઝનુની હોય છે.

આ બીમારી થવાનું કારણ શું છે?

આ બીમારીનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ડૉક્ટર્સનું માનવું છે કે, આ બીમારી વારસાગત હોય છે.

એસ્પર્જર્સ સિન્ડ્રોમની સારવાર શું છે?

સામાન્ય રીતે દવાઓથી આ બીમારીની સારવાર શક્ય નથી. પણ સાયકોલોજીકલ કાઉન્સેલિંગથી જરૂર રાહત રહે છે. આ ઉપરાંત ટોક થેરાપી, સ્પીચ થેરાપી, લેંગ્વેજ થેરાપી પણ અસરકારક છે. પરિવારમાં પોઝિટિવ માહોલ હોય તો જે તે વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...