હૈદરાબાદમાં પબ પાર્ટીથી લઈને ગેંગરેપ સુધી:પબમાં જે છોકરાઓએ છેડતી કરી હતી, પછી તેમની જ કારમાં સગીરા કેમ સવાર થઈ હતી

હૈદરાબાદ15 દિવસ પહેલાલેખક: પુનમ કૌશલ

હૈદરાબાદનો પોશ વિસ્તાર, જ્યુબિલી હિલ્સ. એક ઉચ્ચ સરકારી હોદ્દો ધરાવતી વ્યક્તિની અધિકૃત ઈનોવા કાર. કારમાં રાજકીય પ્રભાવ ધરાવતા પાંચ છોકરાની જાળમાં એક સગીરા ફસાઈ ગઈ હતી. સગીરા પર કારમાં ગેંગરેપ થયો અને પછી રાજકીય હોબાળો મચ્યો છે.

હૈદરાબાદમાં જ્યુબિલી હિલ્સની એક ચોંકાવનારી ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે, જેમ કે 28 મેના રોજ ગેંગરેપનો શિકાર થયેલી સગીરા 31 મે સુધી ચૂપ કેમ રહી? તે પાંચ છોકરાની સાથે કારમાં એકલી કેમ ગઈ હતી? શું પોલીસે રાજકીય દબાણના આવીને કામ કર્યું અને શરૂઆતમાં આ મામલાને ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો? શું હવે પોલીસ પાસે પૂરતા પુરાવા છે અને શું તેઓ કોર્ટમાં આરોપીને દોષિત ઠેરવી શકશે?

આ સવાલોના જવાબ શોધવા માટે અને ઘટનાની કડીઓને જોડવા માટે ભાસ્કરની રિપોર્ટર પૂનમ કૌશલે હૈદરાબાદમાં આ ઘટનાની તપાસ કરી અને પોલીસ અધિકારીઓ, સ્થાનિક પત્રકારો, રાજકારણીઓ, વકીલો અને સ્થાનિક લોકોની સાથે વાત કરી હતી.

આ ઘટના ખૂબ જ સંવેદનશીલ છે અને પીડિતા અને આરોપી સગીર હોવાથી કાયદાકીય ગૂંચવણો એવી છે કે કોઈએ પણ ખૂલીને વાત કરી નહોતી. જેમણે વાત કરી તેમણે પણ નામ ન આપવાની શરત પણ મૂકી હતી.

સૌથી પહેલા તો વાંચો અત્યારસુધીની ઘટનાઓ, જે ચોક્કસ જાણીતી છે...

28 મે શનિવાર. હૈદરાબાદના જ્યુબિલી હિલ્સના રોડ નંબર 36 પર આવેલા એમ્નિશિયા પબમાં 'યુફોરિયા' પાર્ટીના આયોજનને લઈને શહેરના યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રી-સ્કૂલ રિઓપનિંગ બેશ નામની આ પાર્ટીનું આમંત્રણ સોશિયલ મીડિયા દ્વારા વહેંચવામાં આવ્યું હતું. બેંગલુરુના આયોજકે એન્ટ્રી ફી 900 રૂપિયા રાખી હતી, પરંતુ પાર્ટીમાં યુવાનોની જબરદસ્ત રુચિ જોઈને તેને વધારીને 1300 રૂપિયા કરવામાં આવી હતી.

આ પાર્ટીમાં હાજરી આપવા માટે સોનિયા (નામ બદલ્યું છે) પણ ઉત્સાહિત હતી. સોનિયાએ તેના મિત્ર સાથે બ્લેક કલરનો વન પીસ ડ્રેસ પહેર્યો હતો. એ દિવસે 1:10 વાગ્યે પબ પહોંચી હતી. તેનો એક મિત્ર પણ ત્યાં હતો.

1300 રૂપિયાની એન્ટ્રી ફી ચૂકવ્યા બાદ સોનિયા પબમાં પ્રવેશી હતી. અહીં કેટલાક યુવાનોને હાય-હેલો કર્યું અને પછી ડાન્સ ફ્લોર પર પહોંચીને ડાન્સ કરવા લાગી હતી. પબના CCTV ફૂટેજમાં સોનિયા 1.50 વાગ્યે ડાન્સ કરતી જોવા મળે છે.

આ દરમિયાન લગભગ ત્રણ વાગ્યે સાદુદ્દીન મલિક તેના મિત્રો સાથે પબમાં આવે છે. તેની નજર પબમાં હાજર છોકરીઓ પર હતી. લગભગ 15 મિનિટ પછી સાદુદ્દીન અને તેના મિત્રો બપોરે 3.15 વાગ્યે ડાન્સ ફ્લોર પર છોકરીઓની નજીક જવાનો પ્રયાસ કરે છે. ડાન્સ કરતી વખતે તે સોનિયાને બદઈરાદાથી સ્પર્શ કરવાનો પણ પ્રયાસ કરે છે.

આ દરમિયાન સાદુદ્દીન અને તેના મિત્રોના મગજમાં સોનિયાને ફસાવવાનું ષડયંત્ર ચાલતું રહે છે.

સોનિયા તેના મિત્ર સાથે સાંજે 5:40 વાગ્યે પબમાંથી બહાર આવે છે. બે-ત્રણ મિનિટ પછી તેની મહિલા મિત્ર કેબ કરીને જતી રહે છે. તેનો મિત્ર, જેને તે પબમાં મળવા આવી હતી, તે પબમાં જ રહે છે.

અહીંથી મામલામાં ટ્વિસ્ટ આવે છે

આ દરમિયાન સાદુદ્દીન અને તેના સાથી પબમાંથી બહાર આવે છે અને સોનિયા પાસે જાય છે. તે મર્સિડીઝ બેન્ઝ કારમાં લિફ્ટ આપનાવી વાત કરતાં તેને કારમાં બેસાડી લે છે.. બંજારા હિલ્સ વિસ્તારમાં આવેલી મર્સિડીઝ બેન્ઝ કારમાં ચાર સગીર અને સોનિયા કોન્ઝો બેકરી તરફ જાય છે. પબથી લગભગ દસ મિનિટનું અંતર છે. આ દરમિયાન કારમાં સવાર સગીર સોનિયાને કિસ કરે છે અને તેનો વીડિયો રેકોર્ડ કરી લે છે. AIMIM ધારાસભ્યના પુત્રએ પણ સોનિયાને ચુંબન કર્યું હતું.

લગભગ 11 મિનિટ પછી મર્સિડીઝ કાર સાંજે 5:54 વાગ્યે કોન્ઝો બેકરી પહોંચે છે. સદુદ્દીન મલિક પાછળથી અન્ય ત્રણ સગીર છોકરા સાથે ઈનોવા કારમાં બેકરી સુધી પહોંચે છે.

સોનિયા અને બાકીના છોકરાઓ લગભગ 20 મિનિટ બેકરીમાં વિતાવે છે. અહીં આ લોકો સિગારેટ પણ પીવે છે. સાંજે 6.18 વાગ્યે જ્યારે બધા બેકરીમાંથી બહાર નીકળે છે અને પછી સોનિયાને ઇનોવા કારમાં બેસાડી લે છે. કારમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના ધારાસભ્યના પુત્ર અને સાદુદ્દીન મલિક અને સોનિયા સહિત કુલ છ છોકરા હોય છે. બે-ત્રણ મિનિટ બાદ ધારાસભ્યનો પુત્ર ઈનોવા કારમાંથી નીચે ઊતરીને બેકરીમાં પાછો જતો રહે છે.

ઇનોવાની પાછળની સીટ પર સાદુદ્દીન મલિક સોનિયાની નજીક બેઠો હોય છે. તે ઇનોવા કારમાં તેને ચુંબન કરે છે. થોડીવાર પછી કાર પેદમ્મા મંદિરની પાછળ રોડ નંબર 44 પર પહોંચે છે. સાંજ પડી ગઈ હતી, અંધારું થઈ રહ્યું હતું અને રસ્તો લગભગ સૂમસામ હતો. સાદુદ્દીન મલિક ઇનોવાને સૂમસામ સ્થળે ઊભી રાખે છે. અહીં કારમાં સવાર પાંચેય છોકરાઓ વારાફરતી ઈનોવા કારની અંદર સોનિયા પર બળાત્કાર કરે છે.

જ્યુબિલી હિલ્સનો આ વિસ્તાર શહેરનો સૌથી પોશ વિસ્તાર છે. ઘણા ફિલ્મસ્ટાર્સ, સ્પોર્ટ્સપર્સન, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓના અહીં બંગલા છે. પેદમ્મા મંદિર પાસે મુખ્ય માર્ગ પર ઘણાં પબ, રેસ્ટોરન્ટ અને કાફે છે.

એમ્નિશિયા પબ ત્યાંથી માંડ બે મિનિટ દૂર છે, જ્યાં રોડ 44 પર ઇનોવા રોકીને સોનિયા પર ગેંગરેપ થયો હતો. ગેંગરેપ બાદ સોનિયાને સાંજે 7.31 વાગ્યે ઈનોવા કારમાં એમ્નિશિયા પબની બહાર ઉતારી દેવામાં આવી હતી.

કોન્જો બેકરીથી રોડ નં 44 સુધીના અંતર અને ત્યાર બાદ અહીંથી એમ્નિશિયા પબ અને સીસીટીવી ફૂટેજના સમય પ્રમાણે ઇનોવા કાર લગભગ એક કલાક સુધી રોડ 44 પર રોકાઈ હતી.

સોનિયાના શરીર પર ઈજાનાં નિશાન હતાં. તેને ગરદનમાં ઈજા થઈ હતી. તે પબની બહાર થોડીવાર સુધી ચૂપચાપ ઊભી રહી હતી અને પછી સાંજે 7.43 વાગ્યે તેના પિતાને ફોન કરે છે. થોડી જ વારમાં સોનિયાના પિતા ત્યાં પહોંચી ગયા અને તેને લઈને ઘરે જાય છે.

દીકરીની હાલત જોઈને તે પરેશાન થઈ જાય છે. તે વારંવાર પૂછે છે કે શું થયું, પરંતુ સોનિયા મૌન રહે છે. ઘરે પહોંચવા પછી પણ તે વધુ કહેતી નથી.

ઘટનાને વધુ બે દિવસ વીતી ગયા અને 31 મેના રોજ સોનિયાના પિતા એક મિત્ર દ્વારા ડીસીપીને મળ્યા અને પછી જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પ્રથમ ફરિયાદ કરી હતી. સીલબંધ કવરમાં આપેલી આ ફરિયાદમાં તેણે છેડછાડની વાત કરી હતી, પરંતુ ગેંગરેપનો કોઈ ઉલ્લેખ નહોતો કર્યો. અત્યારસુધી તેમને ગેંગરેપ કરનારા છોકરાઓ વિશે પણ બહુ ખબર નહોતી. તેમાંથી માત્ર એક છોકરાનું નામ યાદ હતું, જે તેમણે પોલીસને જણાવ્યું હતું.

31 મેના રોજ હૈદરાબાદ પોલીસે સોનિયાની ફરિયાદ પર ખાસ કંઈ કર્યું નહીં, કારણ કે આ કેસમાં જે છોકરાઓનાં નામ આવી રહ્યા હતા તેઓ શહેરના અગ્રણી રાજકીય હસ્તીઓના પુત્ર હતા. પોલીસ ધીરે-ધીરે કાર્યવાહી કરી રહી હતી.

બીજા દિવસે પોલીસે સોનિયાને ભરોસા સેન્ટર મોકલી હતી, જ્યાં મહિલા પોલીસકર્મીઓ સાથે લાંબી વાતચીતમાં તેણે કહ્યું હતું કે તેની સાથે ઇનોવા કારમાં પાંચ છોકરાએ ગેંગરેપ કર્યો હતો. પોલીસે પછી એફઆઈઆરમાં ગેંગરેપ અને પોક્સો એક્ટની કડક કલમો ઉમેરી હતી.

કારમાં સગીરા પર ગેંગરેપ થયાના સમાચાર મીડિયામાં આવ્યા અને આરોપીઓનો સંબંધ રાજકીય પરિવારો સાથે છે, ત્યારે શહેરમાં ખળભળાટ મચી ગયો હતો.

3 જૂને પોલીસે પ્રથમ આરોપી સાદુદ્દીન મલિકની ધરપકડ કરી હતી. બીજા દિવસે 4 જૂને બે સગીરની ધરપકડ કરવામાં આવી હતી અને પછી બીજા દિવસે 5 જૂને વધુ બે સગીરની ધરપકડ કરવામાં આવી હતી.

આ દરમિયાન વિરોધ પક્ષો વારંવાર AIMIM ધારાસભ્યના પુત્રનું નામ લઈ રહ્યા હતા. શરૂઆતના દિવસોમાં પોલીસ તપાસમાં ધારાસભ્યના પુત્રને લીધો ન હતો. બાદમાં જ્યારે આ ઘટનાને લગતો વીડિયો જાહેર કરવામાં આવ્યો અને એમાં ધારાસભ્યના પુત્રને બતાવવામાં આવ્યો ત્યારે પોલીસ મંગળવારે એટલે કે 7 જૂને છઠ્ઠા આરોપી તરીકે તેની ધરપકડ પણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં સાતમો એક આરોપી પણ છે, જે હાલ ફરાર છે. તે ધારાસભ્યનો ભત્રીજો છે.

હવે આવો જાણીએ... અત્યારસુધીના ઘટનાક્રમ પછી જે સવાલ ઊભા થઈ રહ્યા છે એ વિશે…

સવાલ 1: છોકરી પબમાં તેની છેડતી કરનારા અજાણ્યા છોકરાઓ સાથે જ કારમાં કેમ બેઠી?

આ પહેલાં 28 મેના રોજ પણ છોકરાઓએ પીડિતાને આ જ મર્સિડીઝ કારમાં લિફ્ટ આપી હતી.
આ પહેલાં 28 મેના રોજ પણ છોકરાઓએ પીડિતાને આ જ મર્સિડીઝ કારમાં લિફ્ટ આપી હતી.

સોનિયા તેના મિત્ર સાથે સાંજે 5:40 વાગ્યે પબમાંથી બહાર આવી, ત્રણ મિનિટ પછી માત્ર આરોપીઓની મર્સિડીઝ કારમાં બેસે છે. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરાઓએ તેને ઘરે મૂકવાની ઓફર કરી હતી, પરંતુ સવાલ એ છે કે જે રીતે સોનિયાના મિત્રએ કેબ કરી, તેણે પોતાના માટે કેબ કેમ કરી નહોતી અને તે છોકરાઓની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ, જેમણે થોડીવાર પહેલાં જ પબમાં તેની છેડતી કરી હતી.?

સવાલ 2: બેકરીથી ઈનોવામાં કેમ સવાર થઈ હતી પીડિતા?

એમ્નિસિયા પબથી કોન્જો બેકરી સુધી સોનિયા ચાર સગીર છોકરાની સાથે મર્સિડીઝ કારમાં ગઈ હતી. કારમાં કિસ કરતો એક વીડિયો પણ સામે આવ્યો છે. સૂત્રો મુજબ બેકરીથી ઈનોવામાં સવાર થવા બાબતે સોનિયાએ જણાવ્યું હતું કે મર્સિડીઝ કારમાં તેનાં ચશ્માં અને પર્સ છોકરાઓએ લઈ લીધા હતા. તેમણે કહ્યું હતું કે જો તેને પોતાનું પર્સ અને ચશ્માં પરત જોઈએ છીએ તો ઈનોવા કારમાં આવે. ઈનોવા કારમાં સાદુદ્દીન મલિક પણ પાછળ સાનિયાની સાથે બેઠો હતો અને ચાલુ કારમાં બળજબરી કરવા લાગ્યો હતો.

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયાએ દાવો કર્યો છે કે તેણે તેના મિત્રને ઘણી વખત ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફોન લાગતો નહોતો અને વાત કરી શકી નહીં. આ દરમિયાન ઈનોવા રોડ નંબર 44 પર પહોંચી, જ્યાં તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો.

સવાલ 3: 28 મેની ઘટનાની ફરિયાદ 31 મેના રોજ શા માટે?

હૈદરાબાદ પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પ્રેસ-કોન્ફરન્સમાં ગેંગરેપ કેસમાં આગળની કાર્યવાહીની જાણકારી આપી હતી.
હૈદરાબાદ પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પ્રેસ-કોન્ફરન્સમાં ગેંગરેપ કેસમાં આગળની કાર્યવાહીની જાણકારી આપી હતી.

આ ઘટના બાદ સોનિયા સાવ ચૂપ રહી અને તેણે તેના પરિવારને કશું કહ્યું નહીં. પિતાને તેની પુત્રી સાથે કંઈક ખોટું થયું છે એવી શંકા હતી, પણ તે કંઈ બોલતી નહોતી. 31 મેના રોજ સોનિયાના પિતાએ મિત્રની મદદથી ડીસીપીનો સંપર્ક કર્યો અને પછી જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં સીલબંધ કવરમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી.

સવાલ ઊભા થાય છે કે સોનિયા ઘટનાના 72 કલાક સુધી ચૂપ કેમ રહી હતી અને કોઈને પણ આ બાબતે કહ્યું કેમ નહીં. મર્સિડીઝ અને ઈનોવા કારમાં સોનિયાનો વાંધાજનક વીડિયો બનાવવામાં આવ્યો હતો. સોનિયાને ખબર હતી કે તેનો વીડિયો બનાવવામાં આવી રહ્યો છે.

સવાલ 4: શું પોલીસ રાજકારણીઓના પ્રભાવ સામે ઝૂકી ગઈ?

ગેંગરેપ કેસના આરોપીઓના તાર રાજકીય પરિવારો સાથે જોડાયેલા હોવાથી પોલીસ ધીમી તપાસ કરી રહી હતી. શહેરમાં સીસીટીવીના મામલે હૈદરાબાદ દેશમાં નંબર વન છે. દરેક જગ્યાએ સીસીટીવી છે. બનાવ અંગે પોલીસ તપાસ કરી રહી છે. કડીઓને જોડવા માટે પૂરતા પુરાવા એકઠા કરવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં પોલીસે એક અઠવાડિયા પછી ધારાસભ્યના પુત્રની ધરપકડ કરી હતી. જે ઈનોવા કારમાં ગેંગરેપ થયો હતો એ પાંચ દિવસ બાદ મળી આવી હતી.

જ્યુબિલી હિલ્સ રેપ કેસની સરખામણી 2019ના દિશા ગેંગ રેપ સાથે પણ કરવામાં આવી રહી છે. નવેમ્બર 2019માં હૈદરાબાદમાં જ 26 વર્ષની વેટરિનરી ડોક્ટર દિશા (નામ બદલેલું છે)ની સામૂહિક બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે પોલીસે ટ્રકચાલક અને તેના ત્રણ સગીર સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં 6 ડિસેમ્બરે નકલી એન્કાઉન્ટરમાં ત્રણ સગીર સહિત ચાર આરોપીની પોલીસે હત્યા કરી હતી.

સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું ગેંગરેપના આ મામલામાં હૈદરાબાદ પોલીસનું વલણ અલગ છે અને તે રાજકીય પ્રભાવના દબાણમાં કામ કરી રહી છે

જોકે પોલીસ કમિશનર સી.વી. આનંદે કહ્યું હતું કે પોલીસ પાસે તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય એ માટે તમામ જરૂરી પુરાવા મેળવી રહી છે. આ દરમિયાન પોલીસે કહ્યું હતું કે તે કોર્ટમાં અપીલ કરશે કે સગીર આરોપીઓ સામે પણ પુખ્ત વયના આરોપીઓની જેમ જ કેસ ચલાવવામાં આવે અને તેને કડક સજા થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...