જરાસંઘના બે સેનાપતિ હતા-હંસ અને ડિંભક. બંને એટલા નિકટના મિત્રો હતા કે કૃષ્ણે અફવા ફેલાવી કે હંસ મરી ગયો, તો ડિંભકે આત્મહત્યા કરી લીધી. બંને સેનાપતિઓને આ રીતે જ માર્યા. આ શું હતું? આ એ જ વાત છે. બંનેમાં 'સમલૈંગિક' સંબંધો હતા. મનુષ્યમાં આવા સંબંધો પહેલેથી જ છે. જ્યારથી મનુષ્ય અવતર્યો છે, ત્યારથી આ છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવતે LGBTQ સમુદાય પર ટકોર કરતાં આ વાતનો ઉલ્લેખ કર્યો. RSSના મુખપત્ર પાંચજન્યમાં ઈન્ટરવ્યૂમાં ભાગવતે જે હંસ અને ડિંભકનો ઉલ્લેખ કર્યો છે તે જરાસંઘના સેનાપતિઓ હતા.
શું ખરેખર હંસ અને ડિંભક ગે-કપલ હતા અને એકના મૃત્યુની અફવા સાંભળીને બીજાએ આત્મહત્યા કરી લીધી? મોહન ભાગવતે જે ઉલ્લેખ કર્યો તે આખી વાત છે શું? જાણીએ ભાસ્કર એક્સપ્લેનરમાં...
મોહન ભાગવતે જે કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે તે મહાભારતમાં છે. મહાભારત કુલ 18 પર્વોમાં વહેંચાયેલું છે. તેમાંથી જરાસંઘ, હંસ અને ડિંભકનો ઉલ્લેખ સભાપર્વના 14મા અધ્યાયમાં કરવામાં આવ્યો છે.
જરાસંઘ રાજા બૃહદ્રથના પુત્ર હતા અને મગધના સૌથી શક્તિશાળી રાજા હતા. તેના બે સેનાપતિઓ હંસ અને ડિંભકની મદદથી તેણે કૃષ્ણના સુરસેન જિલ્લા (મથુરા) પર 17 વખત હુમલા કર્યા. મોહન ભાગવતે આ બંને સેનાપતિઓની મિત્રતાની વાત કરી છે.
તે બે સેનાપતિઓની બહાદુરી વિશે કૃષ્ણ કહે છે, 'યુધિષ્ઠિર, તમે સમજો છો કે જો તે બંને જીવતા હોત તો જરાસંઘ ત્રણેય લોકનો સામનો કરી શક્યો હોત. આ ફક્ત હું જ નથી કહેતો, બધા રાજાઓ આ માને છે.' આ પછી, કૃષ્ણ, યુધિષ્ઠિરને કહે છે કે કેવી રીતે જરાસંઘે હંસ અને ડિંભકની મદદથી મથુરા પર 17 વખત આક્રમણ કર્યું.
હંસ અને ડિંભક એકબીજાના પ્રેમમાં મૃત્યુ પામ્યા
જરાસંઘ જ્યારે સત્તરમી વખત યુદ્ધ કરી રહ્યો હતો ત્યારે હંસ નામનો એક રાજા તેના વતી લડવા આવ્યો હતો અને યુદ્ધમાં તે કૃષ્ણના ભાઈ બલરામ દ્વારા માર્યો ગયો હતો. જ્યારે સૈનિકોએ તેને માર્યો ત્યારે તેઓ બૂમો પાડવા લાગ્યા કે હંસ માર્યો ગયો છે. હકીકતે આ હંસ અલગ હતો. સેનાપતિ હંસ નહોતો. જ્યારે ડિંભકને આ ખબર પડી ત્યારે તેણે તેનો મિત્ર મરી ગયો છે તે જાણીને તે યમુનામાં કૂદી પડ્યો. જાણે કહેતો ગયો હોય કે હંસ વિના હું આ દુનિયામાં રહી નહીં શકું. આ તરફ સેનાપતિ હંસ જીવિત હતો પણ જ્યારે તેને ડીંભકના આપઘાતના સમાચાર મળ્યા તો તેણે પણ પોતાનો જીવ આપી દીધો હતો.
જોકે આ બંને વચ્ચેના સંબંધો અંગે કોઈ એક મત નથી
પૌરાણિક કથાઓમાં બે સેનાપતિઓની મિત્રતાનો ઉલ્લેખ છે, જેને સમલૈંગિક ચેષ્ટા તરીકે જોવામાં આવે છે. પરંતુ આ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. ઘણા ગ્રંથોમાં, હંસ અને ડિંભક વચ્ચેના સંબંધ પર જુદા જુદા મંતવ્યો જોવા મળે છે. ઘણા ગ્રંથોમાં હંસ અને ડિંભક વચ્ચેના સંબંધને સાથી અને પ્રેમી તરીકે વર્ણવવામાં આવ્યા છે, જ્યારે હરિવંશ પુરાણ સહિત અન્ય ઘણા ગ્રંથોમાં બંનેને ભાઈ કહેવામાં આવ્યા છે.
ગીતા પ્રેસના વર્ઝનમાં શું છે?
ભારતીય ગ્રંથોના જાણીતા પ્રકાશક ગીતાપ્રેસ ગોરખપુરથી પ્રકાશિત મહાભારતમાં હંસ અને ડિંભકનો ઉલ્લેખ 14મા અધ્યાયના 34મા શ્લોકમાં આવે છે અને ત્યારબાદ 40માથી 44મા શ્લોકમાં કૃષ્ણ તેમના વિશે યુધિષ્ઠિરને કહે છે. ગીતા પ્રેસના અનુવાદોમાં જ્યારે પણ આ બંનેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ત્યારે તેમને ભાઈઓ તરીકે વર્ણવવામાં આવ્યા છે. જોકે શ્લોકમાં ક્યાંય ભાઈ તરીકેનો ઉલ્લેખ નથી.
ભારતના ગ્રંથોમાં સમલૈંગિકતાનો ઉલ્લેખ છે?
મહર્ષિ વાત્સ્યાયને ગુપ્તકાળમાં કામસૂત્રની રચના કરી હતી. કામસૂત્રમાં પુરુષોના નોકર, માલિશ કરનારા, વાળ કાપનારા મદદનીશો સાથે શારીરિક સંબંધ હોવાનો વિગતવાર ઉલ્લેખ છે. તેમાં સંબંધ સ્થાપિત કરવાનું પણ વિગતવાર વર્ણન છે.
ડૉ. રાજેશ સરકાર કહે છે, 'ઘણા ધર્મગ્રંથોમાં સમલૈંગિક સંબંધો સ્થાપિત કરવા માટે દંડની વ્યવસ્થા દર્શાવવામાં આવી છે. મતલબ કે સમાજમાં ક્યારેક તો સમલૈંગિકતા જેવું કાંઈક હશે જ.
મનુસ્મૃતિના આઠમા અધ્યાયમાં શ્લોક 367 થી 372માં સમલૈંગિકતા માટે જુદી જુદી સજાની જોગવાઈનો ઉલ્લેખ છે. ઉદાહરણ તરીકે, જો કોઈ છોકરી બીજી છોકરી સાથે સંબંધ બનાવે છે, તો તેને 200 સિક્કાનો દંડ અને દસ કોરડાની સજા કરવામાં આવશે. જો કોઈ વૃદ્ધ સ્ત્રી આવું જ કરે છે, તો તેનું માથું મુંડાવીને તેને ગધેડા પર ચડાવવી જોઈએ.
સમલૈંગિકતા પર આરએસએસનું શું કહેવું છે?
આરએસએસ અગાઉ પણ સમલૈંગિકતા પર પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યું છે. વર્ષ 2018માં જ્યારે સુપ્રીમ કોર્ટે 158 વર્ષ જૂની IPCની કલમ 377 પર પોતાનો ચુકાદો આપ્યો હતો. ત્યારે સંઘના પ્રચાર પ્રમુખ અરુણ કુમારે કહ્યું હતું કે, 'સુપ્રીમ કોર્ટના નિર્ણયની જેમ અમે (RSS) પણ સમલૈંગિકતાને ગુનો માનતા નથી.' જો કે, સમલૈંગિક લગ્ન પર તેણે કહ્યું કે આ લગ્ન પ્રકૃતિ સાથે મેળ ખાતા નથી તેથી તેનું સમર્થન કરી શકાય નહીં.
મોહન ભાગવતે ટ્રાન્સજેન્ડર વિશે શું કહ્યું?
પંચજન્ય-ઓર્ગેનાઇઝરને આપેલા ઇન્ટરવ્યૂમાં મોહન ભાગવતે કહ્યું છે કે ટ્રાન્સજેન્ડર કોઈ સમસ્યા નથી. તેઓ સમાજનો એક ભાગ છે અને હવે તેમને કુંભમાં સ્થાન પણ મળે છે. મોહન ભાગવતે ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'તૃતીયપંથી (થર્ડ જેન્ડર) લોકોની સમસ્યા નથી. તેઓ અલગ જીવન જીવે છે અને સમગ્ર સમાજ સાથે કોઈને કોઈ રીતે કામ કરે છે. તેમનો પોતાનો સંપ્રદાય છે, તેમના પોતાના દેવી- દેવતાઓ છે. હવે તેમના મહામંડલેશ્વર પણ છે.
કિન્નર અખાડાનું શું કહેવું છે?
કિન્નર અખાડાના મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી કહે છે, 'અમે ઘણા વિરોધનો સામનો કર્યો, પરંતુ પછી અમે અમારી જગ્યા બનાવી. અમે સૌ પ્રથમ વર્ષ 2016માં ઉજ્જૈન કુંભમાં ભાગ લીધો હતો. ત્યાં પણ અમારો વિરોધ થયો. ત્યારબાદ વર્ષ 2019માં અમે જુના અખાડા સાથે કરાર કર્યો હતો અને 2019માં પ્રથમ વખત અમે શાહી સ્નાનમાં ભાગ લીધો હતો. અમે આમાં એક અલગ જૂથ તરીકે ભાગ લઈએ છીએ.
સમલૈંગિકતા પર ભારતીય કાયદો શું કહે છે
વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે IPCની કલમ 377ને ગેરબંધારણીય ગણાવી અને તેને બિન-ગુનેગાર જાહેર કરી. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચે સર્વસંમતિથી 158 વર્ષ જૂની IPC કલમ 377ના એક ભાગને હટાવી દીધો હતો. આ અંતર્ગત પરસ્પર સંમતિથી 'અકુદરતી' સેક્સ કરવું ગુનો હતો. કોર્ટે કહ્યું કે આ જોગવાઈ બંધારણમાં આપવામાં આવેલા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.
હવે સુપ્રીમ કોર્ટ 13 માર્ચે એકસાથે સમલૈંગિક લગ્નને માન્યતા આપવા સંબંધિત તમામ અરજીઓની સુનાવણી કરશે. 5 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે તમામ અરજીઓને પોતાની પાસે ટ્રાન્સફર કરી દીધી છે.
અરજીઓમાં સમલૈંગિક યુગલોને લગ્નના અધિકારો અને માન્યતા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે અધિકારીઓને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્નની નોંધણી કરાવવાની સૂચના આપવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 15 ફેબ્રુઆરી સુધીમાં જવાબ દાખલ કરવા પણ કહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.