ટેન્શનથી થાય હાઇપરટેન્શન:''કોણ જાણે શું થયું, મારા એકના એક દીકરાને હાર્ટ-એટેક આવ્યો ને અમને નોધારા મૂકીને ચાલ્યો ગયો...''

2 મહિનો પહેલાલેખક: યશપાલ બક્ષી
  • અત્યારની લાઇફસ્ટાઇલને કારણે નાની વયના લોકોમાં હાઇપરટેન્શન વધી જાય છે

ઘણા લોકો એવું માને છે કે હાઇપરટેન્શન એટલે વધારે પડતું ટેન્શન. હકીકતે હાઇપરટેન્શનનો અર્થ થાય છે હાઇ બ્લડપ્રેશર. બ્લડપ્રેશરને આપણે શોર્ટમાં કહીએ છીએ 'બીપી'. 17 મેનો દિવસ વર્લ્ડ હાઇપરટેન્શન ડે તરીકે મનાવાય છે. લોકો બીપીની બીમારીને હળવાશથી લે છે એ જ બાબત ગંભીર છે. બીપીની સીધી અસર હૃદય પર થાય છે અને એટલે જ નાની ઉંમરમાં મૃત્યુ થવાના કેસ વધતા જાય છે. યુવાનીમાં હાર્ટ-એટેક આવે છે અને કિડનીની બીમારી પણ ભોગ લે છે. કોરોના કરતાં પણ બીપી ખરાબ છે, કારણ કે આ બીમારી સીધો દિલ પર વાર કરે છે !

દીકરાનું હૃદય બંધ થતાં માતાનું હૃદય વલોવાઈ ગયું
ઘટના સૌરાષ્ટ્રના ધોરાજી પાસેના ગામની છે. આધેડ દંપતી ખેતી કામ કરે પણ એકના એક દીકરાને ભણાવ્યો. દીકરો સી.એ.ના પહેલા વર્ષમાં હતો. એ રાજકોટ ભણે ને રજામાં ગામડે મા-બાપને મળવા જાય. રાજકોટમાં એનું ફ્રેન્ડ ગ્રુપ સારૂં બની ગયેલું. રેસ્ટોરન્ટમાં જાય, ક્યારેક શહેર બહાર ફરવા જાય પણ એને એક જ ટેન્શન રહેતું કે, સીએની એક્ઝામમાં માર્કસ્ સારા તો આવશે ને ?
એક દિવસ એવો ઉગ્યો કે સવારે તે ફ્રેશ થઈ કોલેજે ગયો અને સાંજે એક ફ્રેન્ડનો બર્થ ડે હતો એટલે રેસ્ટોરન્ટમાં પાર્ટીમાં જવાનું ગોઠવાયું. બધા ફ્રેન્ડ રેસ્ટોરન્ટમાં મળ્યા. સેલ્ફી લીધી. જેનો બર્થ ડે હતો તેની કેક કપાઈ અને પછી બધા ડાન્સ, ધમાલ મસ્તી કરતા હતા ત્યાં એ એકાએક ઢળીને નીચે પછડાયો. મિત્રોએ પાણી છાંટ્યું પણ હલન-ચલન ન થઈ. તાબડતોબ 108 એમ્બ્યુલન્સ બોલાવાઈ. ડોક્ટરે ચેક કરીને કહ્યું, સોરી. હી ઈઝ ડેડ વિથ કાર્ડિયાક અરેસ્ટ. મિત્રોના પગ નીચેથી જમીન સરકી ગઈ. હવે ? તેના મા-બાપ તો ધોરાજી પાસેના ગામમાં છે. કહેવું પણ કેવી રીતે ? એક મિત્રે ફોન કરીને માત્ર ઈજા થઈ છે તેવી જાણ કરીને મા-બાપને રાજકોટ બોલાવ્યા. સિવિલ હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવ્યા. લેડીઝ ડોક્ટરે મા-બાપને બેસાડીને ભારે અવાજમાં કહ્યું, જુઓ, તમારા દીકરાને હાર્ટએટેક આવ્યો છે અને તેનું હૃદય બંધ પડી ગયું છે. તમે બંને હિંમત અને ધીરજ રાખજો.
આ સાંભળતાં જ માતાના હાથ-હોઠ ધ્રુજવા લાગ્યાં. જોરજોરથી રૂદન કરવા લાગ્યાં. પિતા પણ ચહેરા આડે રૂમાલ રાખીને ખૂબ રડ્યા. તેના મિત્રો સાંત્વના આપતા રહ્યાં. તેના માતા બોલતાં રહ્યાં, કોણ જાણે શું થયું, મારા એકના એક દીકરાને હાર્ટએટેક આવ્યો ને અમને નોંધારા મૂકીને ચાલ્યો ગયો..

નાની ઉંમરે હાર્ટ-એટેક આવે ?
આવા એક નહીં, અનેક બનાવો બને છે. પણ હજી બાવીસ વર્ષની ઉંમર ને હાર્ટએટેક કેવી રીતે આવે ? આ સવાલ પણ ચર્ચાતો હોય છે. હાર્ટએટેક જ નહીં, પચ્ચીસ વર્ષના યુવક કે યુવતીને ડાયાલિસિસ કરાવવું પડે તેવી ગંભીર સ્થિતિ સમાજમાં ઊભી થઈ છે. નાની વયના લોકો આ રીતે બીમારીમાં સપડાતા જશે તો આવનારા દાયકા પછી મનુષ્યનો આયુષ્ય દર ઘટી જશે. માણસ 80ના બદલે 70 વર્ષ માંડ જીવે છે. હવે 60 વર્ષ માંડ જીવી શકશે. તેનું કારણ છે હાઇપરટેન્શન.

હાઇપરટેન્શન શું છે ?
શરીરમાં લોહી ફરતું હોય તો એમાંથી કચરો ગાળવાનું કામ હૃદય કરે છે. લોહીની ફરવાની એક ચોક્કસ સ્પીડ હોય છે. એ સ્પીડ વધે એટલે હૃદયે પણ સ્પીડમાં લોહીને ગાળવું પડે. એક ધમનીમાંથી લોહી હૃદયમાં જાય, પછી ગળાઈને બીજી ધમનીમાંથી બહાર ફેંકાય. પણ લોહીની સ્પીડ વધારે થાય તો એને બીપી કહેવાય. હૃદયને ઝડપથી કામ કરવું પડે તો હૃદય પણ થાકી જાય અને એક દિવસ એ પણ થંભી જાય... એટલે અત્યારની લાઈફ સ્ટાઈલ અને ખોરાકના કારણે નાની ઉંમરમાં હાર્ટએટેક આવી શકે. યાદ રાખો કે, જ્યારે માથું અસહ્ય દુ:ખે, થોડું ચાલો ને હાંફ ચડે તો પણ બીપી હોઈ શકે. ખરાબ લાઇફ સ્ટાઇલના કારણે પણ ટેન્શન થાય છે અને ટેન્શનના કારણે પણ હાઇપરટેન્શન થાય છે. જો હાઇપરટેન્શનને ભગાડવું હોય તો ટેન્શન નહીં લેને કા...

બીપી માપવાનું ક્યારથી શરૂ થયું ?
કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમની આધુનિક સમજ ડો. વિલિયમ હાર્વે (1578-1657) એ શરૂ કરી હતી. હાર્વે તેમના પુસ્તક દે મોટુ કોર્ડિસ ("હૃદય અને લોહીની હિલચાલ") માં લોહીના પરિભ્રમણનું વર્ણન કર્યું છે. અંગ્રેજ પાદરી સ્ટીફન હેલ્સે સૌપ્રથમ 1733 માં બ્લડ પ્રેશર માપવાની શોધ કરી હોવાનું નોંધાયું છે. થોમસ યંગ દ્વારા 1808માં અને રિચાર્ડ બ્રાઈટ દ્વારા 1836માં હાઇપરટેન્શનનું એક રોગ તરીકે વર્ણવવામાં આવ્યું હતું. 1905માં નિકોલાઈ કોરાટકોફે 'કોરાટકોફ ધ્વનિ'નું અર્થઘટન કરીને આ ટેકનિકમાં સુધારો કર્યો અને બ્લડ પ્રેશર માપવામાં સ્ટેથોસ્કોપનો ઉપયોગ શરૂ કર્યો.

અન્ય સમાચારો પણ છે...