• Gujarati News
  • Dvb original
  • Janaki Sharma, Who Became A Judge In America, Lived In Ahmedabad For Five Years, Mother Gujarati, Family Still Lives In Shahibaug

રામચરિત માનસ પર હાથ રાખી શપથ:અમેરિકામાં જજ બનનાર જાનકી શર્મા પાંચ વર્ષ અમદાવાદમાં રહ્યાં, માતા ગુજરાતી, પરિવાર આજે પણ શાહીબાગમાં રહે છે

16 દિવસ પહેલાલેખક: કમલ પરમાર

ભારતની વધુ એક દીકરીએ વિદેશની ધરતી પર દેશનું નામ રોશન કર્યું છે. ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં શ્રી રામ દરબાર પરિવારમાં જન્મેલી જાનકી વિશ્વમોહન શર્મા ભારતીય મહિલા છે, જેણે અમેરિકામાં સાતમા ન્યાયિક સર્કિટમાં કાયમી મેજિસ્ટ્રેટ જજ તરીકે શપથ લીધાં છે. જાનકી શર્માએ રામચરિત માનસ પર હાથ મૂકીને શપથ લઈને અમેરિકામાં ભારત દેશનું નામ કર્યું છે. ત્યારે અમેરિકામાં શપથ લેનારી જાનકી શર્માનો અમદાવાદ સાથે પણ નાતો જોડાયેલો છે. આ અંગે દિવ્ય ભાસ્કરે જાનકી શર્માના ભાઈ ત્રિભુવન શર્મા સાથે ખાસ વાતચીત કરી હતી.

જાનકીને બાળપણથી જ રામાયણ પ્રત્યે લગાવ હતો
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જાનકીના ભાઈ ત્રિભુવન શર્મા કહે છે, અમારો જન્મ શ્રીરામ દરબાર પરિવારમાં થયો છે. મારા દાદા બ્રહ્મર્ષિ પંડિત જગમોહનજી મહારાજ એક સમર્પિત રામાયણ ગાયક હતા. મારા પિતા પંડિત વિશ્વમોહનજી મહારાજ પણ રામાયણના ગાયક હોવાના કારણે તેઓ નાનપણથી જ રામાયણના પાઠ શીખીને મોટાં થયા છે. જાનકી 1993થી રામાયણના પાઠ કરે છે. રામાયણ પ્રત્યે વિશેષ લગાવ હોવાથી તેણે રામાયણ પર હાથ રાખીને શપથ લીધા હતા.

મુઝફ્ફરનગરમાં બાળપણ વીત્યું, અમદાવાદમાં પણ કેટલાંક વર્ષો વિતાવ્યાં
ત્રિભુવન શર્માએ કહ્યું હતું કે જાનકીનું બાળપણ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં વીત્યું છે અને અહીં જ તેણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે, પરંતુ 1995માં મારાં માતા-પિતા અને ભાઈ-બહેન સાથે અમે અમદાવાદ આવી ગયા હતા. એ દરમિયાન અમદાવાદમાં જાનકીએ ધોરણ-8થી ધોરણ-12નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એ પછી 2001માં જાનકી અમેરિકા ગઈ હતી. આખરે લાંબા સમયની મહેનત બાદ જાનકી અમેરિકામાં જજ બની છે. જોકે મારી માતા પણ અમદાવાદની જ છે. તેમનું પણ બાળપણ અમદાવાદમાં જ વીત્યું હતું.

હવેથી જાનકી અમારા પરિવારની નહીં, પરંતુ દેશની દીકરીઃ ત્રિભુવન શર્મા
જાનકીના ભાઈ ત્રિભુવન શર્મા કહે છે, જ્યારે જાનકી અમેરિકામાં રામાયણ પર હાથ રાખીને શપથ લઈ રહી હતી એ સમયે ઘરમાં રામાયણનો અખંડ પાઠ ચાલતો હતો. એ સમયે અમારા પરિવારમાં તહેવાર જેવો માહોલ બની ગયો હતો. તેની આ સફળતા માત્ર અમારા માટે જ નહીં, પરંતુ ગુજરાત અને દેશ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ છે. જાનકી અત્યારસુધી અમારા પરિવારની દીકરી અને બહેન હતી, પરંતુ હવેથી તે દેશની દીકરી અને બહેન છે.