તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Where Did Lord Krishna Go While Staying In Gujarat? What Great Deeds Did You Do? Enjoy Seven Stages Of An 80 year Journey

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવાં વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ

19 દિવસ પહેલા

શ્રીકૃષ્ણ અને ગુજરાત. મથુરા છોડી ભગવાન કાયમ માટે અહીં આવી ગયા. ગુજરાતમાં રહીને આ ચિદધન શક્તિએ શું કામ કર્યું અને ક્યાં-ક્યાં ગયા એ સમજવું ખૂબ જ જરૂરી છે. સૌરાષ્ટ્રમાં એવી સાત જગ્યા છે, જ્યાં કૃષ્ણ ગયા હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. જન્માષ્ટમીના પાવન પર્વે શ્રીકૃષ્ણની કર્મભૂમિનાં એ પાવન તીર્થોની સફર કરીએ.

દ્વારકાનગરી
કર્મભૂમિ ગુજરાતમાં શ્રીકૃષ્ણનો પહેલો પડાવ છે દ્વારકાનગરી. જન્મભૂમિ મથુરા અને બાળભૂમિ ભલે ગોકુળ-વૃંદાવન રહી હોય, પરંતુ તેમની કર્મભૂમિનો યશ આ ગુર્જર ધરાને મળ્યો છે. શ્રીકૃષ્ણની ગુજરાત આગમનની યાત્રા મથુરાથી શરૂ થાય છે. જરાસંઘના સતત આક્રમણને ટાળવા 28 વર્ષીય યુવાન શ્રીકૃષ્ણ મથુરા છોડી પશ્ચિમના સાગરતટે આવ્યા. અહીં તેમણે દ્વારકાનગરી વસાવી અને યાદવો સાથે વસવાટ કર્યો. પિતા વસુદેવને રાજ્યની ધુરા સોંપી અને પ્રખર કર્મશીલ તરીકે શ્રીકૃષ્ણ ભારતવર્ષમાં ઊભરી આવ્યા. દ્વારકામાં રહી તેમણે યાદવોને વધુ સંગઠિત કર્યા અને પછી જરાસંઘનો વધ કરી પ્રજાને તેના ત્રાસમાંથી ઉગારી. સવાસો વર્ષના દીર્ઘ આયુષ્યમાંથી શ્રીકૃષ્ણએ 80થી વધુ વર્ષ અહીં જ ગાળ્યા છે.

દ્વારકા જગતમંદિર.
દ્વારકા જગતમંદિર.

બેટદ્વારકા
અહીં સાગરની મધ્યમાં એક બેટ પર શ્રીકૃષ્ણની રાણીઓનું અંતઃપુર હતું. નરકાસુરની કેદમાંથી છોડાવેલી સોળ હજાર નિરાધાર નારીઓને શ્રીકૃષ્ણએ અહીં આશરો આપ્યો હતો. આ નારીઓની સંભાળ લેવા માટે શ્રીકૃષ્ણ અવારનવાર અહીં આવતા અને તેમની સાથે દરિયામાં નૌકાવિહાર કરતા.

બેટદ્વારકા.
બેટદ્વારકા.

માધવપુર
વિદર્ભકુમારી રુક્મિણીનું હરણ કરી શ્રીકૃષ્ણ દ્વારકા પરત આવી રહ્યા હતા ત્યારે દરિયાતટના નાઘેર પંથકનું પ્રાકૃતિક સૌંદર્ય રુક્મિણીને ગમી ગયું, આથી શ્રીકૃષ્ણએ અહીં જ રુક્મિણી સાથે લગ્ન કર્યા. કાળક્રમે આ વિવાહસ્થળ માધવપુર નામે ઓળખાયું.

માધવપુર.
માધવપુર.

જૂનાગઢ
પુરાણોમાં રૈવતક પર્વતના નામે ઓળખાતા ગિરનારની એક ટૂંક અંબાજીની ટૂંક નામે ઓળખાય છે. શ્રીકૃષ્ણએ અહીં તેમના કુળદેવી અંબાજીનું મંદિર બંધાવ્યું હતું. સુભદ્રાનું સગપણ વીરભદ્રએ દુર્યોધન સાથે નક્કી કર્યું ત્યારે શ્રીકૃષ્ણએ બહેનને દુર્યોધન જેવા અધર્મી સાથે નહીં પરણાવવાનો નિર્ણય કર્યો. તેમણે અર્જુનને ગિરનાર બોલાવ્યો અને અંબાજી મંદિર પર કુળદેવી પૂજા કરાવી બહેન સુભદ્રાનો હાથ અર્જુનના હાથમાં સોંપી વિવાહ કરાવ્યા.

ગિરનાર પર્વત પર આવેલું અંબાજી માતાનું મંદિર.
ગિરનાર પર્વત પર આવેલું અંબાજી માતાનું મંદિર.

તુલસીશ્યામ
એકવાર શ્રીકૃષ્ણ રુક્મિણી સાથે શિવપૂજા માટે સોમનાથ જતા હતા. રસ્તામાં ગીરના જંગલમાં અટલી નામના નેસ પાસે આવ્યા. અહીં તેમણે વિશ્રામ કર્યો. વિશ્રામ દરમિયાન પારિવારિક વાતમાં રુક્મિણી રિસાઈ ગયાં અને નજીકના ડુંગર પર ચઢી ગયાં. શ્રીકૃષ્ણ રુક્મિણીને મનાવવા ડુંગર પર ગયા અને મનાવી રાજી કર્યા. આ ટેકરી પર હાલ પણ શ્રીકૃષ્ણ-રુક્મિણીનું મંદિર તેની યાદ અપાવે છે.

તુલસી શ્યામ, શ્રીકૃષ્ણ-રુક્મિણીનું મંદિર.
તુલસી શ્યામ, શ્રીકૃષ્ણ-રુક્મિણીનું મંદિર.

પ્રભાસ પાટણ
એટલે કે આજના સોમનાથ સાથે શ્રીકૃષ્ણનો વિશેષ નાતો હતો. સોમનાથ મંદિરે શ્રીકૃષ્ણ સહપરિવાર પૂજા કરવા આવતા. જ્યારે યાદવો વંઠી ગયા ત્યારે શ્રીકૃષ્ણ ખૂબ વ્યથિત થયા. યુગકર્મનો અંતિમ પડાવ નજીક આવ્યો ત્યારે તેઓ સર્વ વંઠેલા યાદવોને લઈ અહીં આવ્યા. શિવપૂજા કરવાને બદલે યાદવો અંદરોઅંદર લડવા લાગ્યા ત્યારે શ્રીકૃષ્ણએ સ્વહસ્તે જ તમામનો સંહાર કર્યો.

સોમનાથ મહાદેવ મંદિર, પ્રભાસ પાટણ.
સોમનાથ મહાદેવ મંદિર, પ્રભાસ પાટણ.

ત્રિવેણીઘાટ
કર્મભૂમિ ગુજરાતમાં શ્રીકૃષ્ણનો અંતિમ પડાવ એટલે ત્રિવેણીઘાટ. યાદવોનો સંહાર કરી શ્રીકૃષ્ણ હિરણ, કપિલા અને સરસ્વતીના સંગમઘાટે આવ્યાં. અહીં વ્યથિત અવસ્થામાં પીપળના થડને શરીર ટેકવી ડાબા પગ પર જમણો પગ ચઢાવી બેઠા હતા. ત્યારે જરા નામના પારધીએ મૃગ સમજી તીર માર્યું. આ તીર શ્રીકૃષ્ણના જમણા પગમાં વાગ્યું અને અહીં જ શ્રીકૃષ્ણનો નિર્વાણ થયો. નિર્વાણ પછીના સાતમા દિવસે અર્જુને અહીં આવી શ્રીકૃષ્ણના અંતિમસંસ્કાર કર્યા હતા.

ત્રિવેણી ઘાટ.
ત્રિવેણી ઘાટ.

આ ભૂમિનું મહદભાગ્ય કે ભગવાન 80થી વધુ વર્ષ અહીં રહ્યા અને દેહત્યાગ પણ અહીં જ કર્યો.

અન્ય સમાચારો પણ છે...