શ્રદ્ધા વોકર હત્યાકેસનો આરોપી આફતાબ અમીન પૂનાવાલા હજુ પણ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આફતાબનાં જુઠ્ઠાણાં સતત સામે આવી રહ્યા છે. તેણે એટલી હદે હત્યા કરી છે કે આ હત્યાને કોર્ટમાં સાબિત કરવી પોલીસ માટે મોટો પડકાર છે. પોલીસના કહેવા પ્રમાણે, તેને શ્રદ્ધાની હત્યા કરવાનો અફસોસ નથી. તે લોકઅપમાં શાંતિથી સૂઈ રહ્યો છે.
બીજી તરફ મુંબઈની વસઈ પોલીસ પણ આશ્ચર્યમાં છે કે પૂછપરછ દરમિયાન તેમને આફતાબ પર જરાય શંકા ન હતી અને તેમણે તેને જવા દીધો હતો. શ્રદ્ધાના મિત્રો, કુટુંબીજનો અને પોલીસ સૂત્રો સાથે વાત કરતાં, આફતાબની ઈમેજ એક ડિસન્ટ છોકરા તરીકે બનેલી છે, જેથી ભાગ્યે જ કોઈને ખૂની હોવાની શંકા પડે. આ હત્યાકાંડની કડીઓ મુંબઈથી દિલ્હી સુધી પથરાયેલી છે અને તેને જોડવી સરળ કામ નથી.
તપાસમાં નવી વાતો સામે આવી રહી છે
અગાઉ પણ શ્રદ્ધાની હત્યાનો પ્રયાસ કર્યો હતો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેણે માર્ચની શરૂઆતમાં પણ શ્રદ્ધાની હત્યા કરવાનું વિચાર્યું હતું, પરંતુ પછી તેનો નિર્દોષ ચહેરો જોઈને ઈરાદો ટાળ્યો હતો.તેને પકડાઈ જવાનો પણ ડર હતો. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે દિલ્હી આવતા પહેલાં શ્રદ્ધા અને આફતાબ હિમાચલ પ્રદેશના કસૌલ ગયાં હતાં અને અહીં પણ તેમની હોટલની અંદર ઝઘડો થયો હતો. આફતાબને રૂમની બહાર જઈને બીજી કોઈ છોકરી સાથે વાત કરતાં શ્રદ્ધાને ગુસ્સો આવ્યો હતો.
આફતાબે પોલીસને એમ પણ કહ્યું છે કે તેને એવી પણ શંકા હતી કે શ્રદ્ધા અન્ય છોકરાના સંપર્કમાં હતી. બંને વચ્ચે અવારનવાર એક યા બીજી વાતને લઈને ઝઘડો થતો હતો.પહેલાં વધુ ઝઘડા થતા હતા, પરંતુ પછી બંને એકબીજાનો સાથ નિભાવવાની ખાતરી આપીને સાથે રહેતાં હતાં.
કહાનીમાં બદ્રી નામની વ્યક્તિની એન્ટ્રી
પોલીસ પૂછપરછમાં આફતાબે એ પણ જણાવ્યું છે કે હિમાચલમાં ફરતી વખતે તે દિલ્હીના છતરપુરમાં રહેતા બદ્રી નામના છોકરાને મળ્યો હતો.
બદ્રીએ જ તેને દિલ્હીમાં ઘર રાખવામાં મદદ કરી હતી. પોલીસ આ બદ્રીને પણ શોધી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આફતાબે જણાવ્યું છે કે ડેટિંગ એપ્સ અને સોશિયલ મીડિયા
દ્વારા, તે ઘણી હિન્દુ છોકરીઓને મળ્યો, જેમની સાથે તેણે સંબંધ બાંધ્યા હતા.
આફતાબ અને શ્રદ્ધાને આશા હતી કે દિલ્હી આવ્યાં બાદ તેમના ઝઘડા બંધ થઈ જશે, પણ આવું થયું નહીં. પોલીસના જણાવ્યા મુજબ આફતાબ એક રાત્રે શ્રદ્ધા સાથે ઝઘડ્યા બાદ બહાર જતો રહ્યો હતો અને ફરતાં ફરતાં મહેરોલીનાં જંગલમાં ગયો હતો. અહીં તેને વિચાર આવ્યો કે ડેડ બોડીને અહીં સરળતાથી છુપાવી શકાય છે. પોલીસ પૂછપરછમાં એવું પણ બહાર આવ્યું છે કે આફતાબ ક્રાઈમ થ્રિલર્સ જોતો હતો અને લાશને છુપાવવાની રીતો વિશે ઈન્ટરનેટ પર સર્ચ કરતો હતો.
આફતાબે પોલીસને પણ ગેરમાર્ગે દોરી
જ્યારે શ્રદ્ધાનો પરિવાર તેનો સંપર્ક કરી શક્યો ન હતો અને તેનો ફોન પણ બંધ આવતો હતો, ત્યારે ઓક્ટોબરમાં મુંબઈના માનિકપુર પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવામા આવી હતી. માણિકપુર પોલીસે પણ આફતાબનો સંપર્ક કર્યો હતો અને તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો. જોકે આફતાબ એકદમ સામાન્ય દેખાતો હતો. તેણે એવું વર્તન કર્યું કે પોલીસને તેના પર શંકા ન થાય. તેણે આ કહાની જણાવીને પોલીસને ગેરમાર્ગે દોરી કે શ્રદ્ધા પોતાની મરજીથી ક્યાંક જતી રહી હતી. કારણ કે તે એકલી રહેવા માંગતી હતી.
પોલીસનો સંપર્ક કર્યા બાદ પણ આફતાબ ભૂગર્ભમાં ગયો ન હતો. તેને ખાતરી હતી કે તે પોલીસને ચકમો આપી દેશે. પોલીસ પૂછપરછ દરમિયાન તે સંપૂર્ણપણે સામાન્ય રહ્યો હતો. માણિકપુર પોલીસે ફરી એકવાર આફતાબને પૂછપરછ માટે બોલાવ્યો હતો. આ વખતે પણ આફતાબ એકદમ શાંત હતો. પોલીસે તેના બે પાનાનું લખેલું નિવેદન લીધું અને તેણે તે જ કહાનીનું પુનરાવર્તન કર્યું કે શ્રદ્ધાએ ઝઘડા પછી તેને છોડીને જતી રહી હતી.
પોલીસ સમક્ષ અનેક પડકારો છે
આફતાબે આ હત્યાનું દરેક પગલું ખૂબ જ ચતુરાઈથી પ્લાન કર્યું છે. 9 દિવસની તપાસ બાદ પણ પોલીસ પાસે કશું નક્કર નથી. અત્યાર સુધી આ કેસમાં હત્યામાં વપરાયેલ હથિયાર પણ પોલીસ રિકવર કરી શકી નથી. આ સિવાય કોઈ નક્કર સીસીટીવી ફૂટેજ પણ મળ્યા નથી.
અત્યાર સુધી, આ હત્યાને આફતાબ સાથે જોડવા માટે માત્ર તેનું કબૂલાત નિવેદન છે, જેને તે કોર્ટમાં બદલી પણ શકે છે. તાજેતરમાં દિલ્હીમાં 2012ના પ્રખ્યાત ચાવલા ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. તે કિસ્સામાં યુવતીની લાશ પણ મળી આવી હતી અને પોલીસ ફોરેન્સિક પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા હતા.
પોલીસને અત્યાર સુધી શું મળ્યું છે
1. આફતાબે જે દુકાનમાંથી ફ્રીજ ખરીદ્યું હતું તે દુકાન મળી આવી છે. દુકાનદારનું નિવેદન નોંધવામાં આવ્યું છે. ફ્રીજ ખરીદ્યું તેની રસીદ પણ મળી આવી છે
2. પોલીસ એ દુકાન પર પહોંચી ગઈ છે જ્યાંથી આફતાબે શ્રદ્ધાના શરીરને કાપવા માટે હથિયાર ખરીદ્યું હતું. દુકાનદારનું નિવેદન નોંધવામાં આવ્યું છે.
3. દુકાનદાર આફતાબને ઓળખી ગયો. આફતાબે જે કંપનીમાંથી ઓનલાઈન માલ મંગાવ્યો હતો ત્યાં પોલીસ પણ પહોંચી ગઈ છે.
4. શ્રદ્ધાના પિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. તેણે આફતાબ પર શ્રદ્ધા સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો.
5. મૃતદેહને કાપતી વખતે આફતાબના હાથમાં વાગી ગયું હતું. આ ઈજાની સારવાર ડો.અનિલ સિંઘ દ્વારા કરવામાં આવી હતી. ડોક્ટરે પણ તેની ઓળખ કરી છે.
6. જંગલમાંથી અત્યાર સુધીમાં 13 હાડકાં મળી આવ્યાં છે, જેને એફએસએલમાં મોકલવામાં આવ્યાં છે. રસોડામાં લોહીના ડાઘા મળી આવ્યા છે. શ્રદ્ધાના પિતાની DNA તપાસ કરાઈ છે, જે તેની સાથે મેચ કરવામાં આવી રહ્યું છે.
આફતાબ કેવી રીતે પકડાયો?
આફતાબ પોલીસને ચકમો આપતો રહ્યો, બેંક એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ફસાઈ ગયો. જ્યારે માણિકપુર પોલીસે 3 નવેમ્બરે તેમનું લેખિત નિવેદન લેવાનું શરૂ કર્યું હતું ત્યાં સુધીમાં પોલીસે આ કેસમાં ઘણું કામ કરી લીધું હતું અને શ્રદ્ધાના મોબાઈલનું લોકેશન અને બેંક ટ્રાન્સફરનો ડેટા એકત્ર કરી લીધો હતો.
18 મેના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ શ્રદ્ધાની હત્યા કરવામાં આવી હતી, પરંતુ તેનો મોબાઈલ ફોન 26 મેના રોજ સ્વિચ ઓફ હતો. પોલીસ અનુસાર 22 થી 26 મેની વચ્ચે આફતાબે શ્રદ્ધાના ખાતામાંથી 54,000 રૂપિયા તેના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. છેલ્લી વાર શ્રદ્ધાનો મોબાઈલ જ્યારે બંધ કરવામાં આવ્યો ત્યારે તેનું લોકેશન માત્ર દિલ્હીમાં જ છતરપુર હતું.
આ વખતે જ્યારે પોલીસે આફતાબની કડક પૂછપરછ કરી તો તેણે શ્રદ્ધાની હત્યાની વાત કબૂલી લીધી હતી. આ પછી 8 નવેમ્બરે આફતાબને દિલ્હી લાવવામાં આવ્યો અને દિલ્હી પોલીસે પુરાવા એકત્ર કરવાનું કામ શરૂ કર્યું. દિલ્હી પોલીસને હવે કોર્ટ તરફથી આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવવા માટે મંજૂરી મળી ગઈ છે.
કાયદાકીય નિષ્ણાતોના મતે, નાર્કો ટેસ્ટ કરાવવો એ એક લાંબી પ્રક્રિયા છે અને તે એટલું સરળ નથી. નાર્કો ટેસ્ટ કરાવવા માટે આરોપીની સંમતિ પણ ફરજિયાત હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.