તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • When The Mall hotel And Local Market Reopened After 7 Days, There Was A Rush For Shopping, People Were Seen Eating Ice Cream At The Bus Stop

કાબુલનાં બજાર, બેન્ક અને સ્કૂલમાંથી રિપોર્ટ:7 દિવસ પછી મોલ-હોટલ અને લોકલ બજાર ખૂલ્યાં તો શોપિંગ માટે ભીડ થઈ, બસ સ્ટોપ પર લોકો આઇસક્રીમ ખાતા જોવા મળ્યા

કાબુલ25 દિવસ પહેલાલેખક: જનાર્દન પાંડેય

કાબુલના જ એક રહેવાસીએ હાલની ત્યાંની કહાની જણાવી છે. આ કહાની ત્યાંની ગલીઓની છે. એને પગલે અમે અહીં તેનું નામ કાબુલીવાલાની કહાની એમ આપ્યું છે. જોકે એ કહેનારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તેમણે જ આ અંગે ના કહી છે. હાલ સ્થિતિ કંઈક આવી છે...

તાલિબાનના કબજાના 7 દિવસ પછી, એટલે કે 21 ઓગસ્ટથી કાબુલનાં બજાર ખૂલવા લાગ્યાં હતાં. શહેરના મોલ, હોટલ, મીટ-શાકભાજીબજાર, કરિયાણા સ્ટોર અને શોપિંગ માટે સૌથી જાણીતું ગુલબાર સેન્ટર પણ, જોકે સવાલ એક જ હતો કે સ્થિતિ કેવી છે...

આ અંગેનો જવાબ શોધવા અમે એક કાબુલીવાલાને જ મળ્યા. તેઓ કાબુલમાં પત્રકારોના મદદગાર રહ્યા છે, જોકે તેઓ જર્નલિસ્ટ નથી. અમે તેમને કહ્યું હતું કે તમે કાબુલમાં ફરો, જે પણ દેખાય એના ફોટા પાડજો, વીડિયો બનાવજો અને અહીંની સ્થિતિનો વોઈસ મેસેજ કરી દેજો. તેઓ એ માટે તૈયાર થઈ ગયા.

સતત ત્રણ દિવસ સુધી, એટલે કે 21, 22 અને 23 ઓગસ્ટ સુધી તેઓ રોજ કાબુલમાં લગભગ 45-50 કિમી ફરતા અને જે પણ તેમને દેખાય એ મોકલતા. અમે તેમણે આપેલી માહિતીના આધારે ત્રણ રિપોર્ટ બનાવ્યા છે. આજે પ્રથમ રિપોર્ટ કાબુલનાં બજાર, બેન્ક અને સ્કૂલનો છે.

બસ સ્ટોપની પાસે આઇસક્રીમની લારીઓ ફરી રહી છે, લોકો ખાવા આવી રહ્યા છે
21 ઓગસ્ટ, દિવસ શનિવાર, બપોરે લગભગ 12 વાગ્યે, જગ્યા-કાબુલનું મલિક અજહ સ્ક્વેર. સાત દિવસ પછી લોકો ઘરની બહાર દેખાઈ રહ્યા છે. રસ્તાઓ પર કાર, મોટરસાઈકલ, સાઈકલ દેખાઈ રહી છે. કેટલાક લોકો પગે ચાલતા આગળ વધી રહ્યા છે. તેમાં બાળકો અને એક-બે મહિલાઓ પણ છે. રસ્તાઓ પર આઈસક્રીમવાળા પરત ફર્યા છે. ખાનારાઓ પણ દેખાઈ રહ્યા છે.

રસ્તાની બંને બાજુએ નારિયેળપાણીથી લઈને ટાયર પંચરની દુકાનો, નાસ્તાવાળાની લારીઓથી લઈને આઇસક્રીમની લારીઓ દેખાઈ રહી છે. દુકાનો પર ખરીદનારાઓની ભીડ છે. ઘણી દુકાનોની બહાર સ્ટાઈલિશ મહિલા મોડલ્સનાં હોર્ડિંગ્સ પણ લાગેલાં છે. આ સ્ટોરીમાં સૌથી ઉપર લાગેલા વીડિયોમાં આ ચીજોનો વીડિયો પણ દેખાશે.

વીકેન્ડ પર મોલની ફૂડ કોર્ટમાં ખાવા પહોંચ્યા લોકો
22 ઓગસ્ટ, રવિવાર, બપોરે 3 વાગ્યે, જગ્યા- કાબુલનું સૌથી જાણીતું મોલ ગુલબાર સેન્ટર. મોલની 70 ટકાથી વધુ દુકાનો ખુલ્લી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલી ફૂડ કોર્ટમાં 25-30 લોકો દેખાઈ રહ્યા છે. અડધાથી વધુ ખુરશીઓ ખાલી છે. પ્રથમ શનિવારની સાંજે અહીં બેસવાની જગ્યા પણ રહેતી નહોતી, જોકે હાલ અહીં 5-6 પરિવાર જ દેખાઈ રહ્યા છે.

ઓપેન માર્કેટમાં ભીડ લાગી છે, દુકાનદાર બૂમો પાડી-પાડીને ગ્રાહકોને બોલાવી રહ્યા છે
22 ઓગસ્ટ, રવિવારે સાંજે 5 વાગ્યે, કાબુલનું ઓપન માર્કેટ. બજારની બહાર કાર પાર્ક કરવા માટે જગ્યા શોધવી પડી રહી છે.

લારી, નાના-સ્ટૂલ અને નીચે લાકડાના સ્ટેન્ડ પર ચંપલ, વાસણોના દુકાનદારે બજાર સજાવ્યું છે. લોકો એમાંથી તેમની પસંદગીની ચીજો ખરીદી રહ્યા છે. દુકાનદારો બૂમો પાડી-પાડીને ગ્રાહકોને બોલાવી રહ્યા છે. ઘણા દુકાનદારો હાથગાડી પર સામાન ભરીને હજી પણ આવી રહ્યા છે.

બાળકો અને બુરખા પહેરેલી મહિલાઓ દુકાનમાંથી સામાનની ખરીદી કરી રહ્યાં છે. જોકે એવી સ્થિતિ હાલ સર્જાઈ છે કે પહેલાં 100 મહિલા દેખાતી હતી, જેની સંખ્યા આજે ઘટીને 3 કે 4 થઈ છે.

બસ સ્ટોપ પર દિવસ દરમિયાન ભીડ, બજારોમાંથી ઘરે પરત ફરવા માટે
22 ઓગસ્ટની સાંજે 6 વાગ્યે, કાબુલ સિટીના મુખ્ય મિરવાસ મેદાન બસ સ્ટોપ પર ઊભેલા ટેક્સીવાળા લોકોને શહેરના બીજા સ્ટોપ પર લઈ જવા માટે બૂમો પાડીને બોલાવી રહ્યા છે. નાનાં બાળકો અહીં પેસેન્જરોને પૂછી રહ્યા છે કે તેમને ક્યાં જવું છે.

એક ટેક્સીવાળાએ કહ્યું, બજાર ખૂલ્યા પછીથી અહીં સતત લોકો આવી રહ્યા છે. લોકોના હાથોમાં ખરીદેલો સામાન છે.

સ્કૂલ, બેન્ક અને મની એક્સચેન્જ બંધ રહ્યાં
અમે 3 દિવસમાં ઈન્ટરનેશનલ ઈંગ્લિશ લેગ્વેજ ઈન્સ્ટિટ્યૂટથી લઈને શહેરની અલગ-અલગ જગ્યાએ બનેલી 9 સ્કૂલમાં પહોંચ્યા, જોકે આ પૈકીની એકપણ ખુલ્લી નથી. એ વાત અલગ છે કે થોડા દિવસો પહેલાં તાલિબાને બાળકોની સ્કૂલમાં જતી તસવીર બહાર પાડી હતી. જોકે કાબુલના જે ભાગની આ તસવીર છે ત્યાંની હાલ એકપણ સ્કૂલ ખુલ્લી નથી.

વેસ્ટર્ન યુનિયન, મનીગ્રામ, એક્સપ્રેસ મનીની સાથે કાબુલની તમામ બેન્ક બંધ છે. બેન્કની દેખરેખ રાખી રહેલી વ્યક્તિ સાથે વાત કરવાની કોશિશ કરી. તેમણે કહ્યું હતું કે બેન્કના કર્મચારીઓ તો નથી, જોકે સામાન્ય લોકો જરૂર પૂછવા આવે છે કે બેન્ક ક્યારે ખૂલશે. તાલિબાને જાહેરાત કરી છે કે બુધવારથી બેન્કોને ખોલવામાં આવશે.

એક બિઝનેસમેને કહ્યું- અમે બેવડી સત્તાની વચ્ચે લટકી રહ્યા હતા, તાલિબાન આવવાથી ખુશ છીએ
ગુલબાર સેન્ટર મોલમાં પર્ફ્યૂમની દુકાનના માલિક પોતે જ કાઉન્ટર પર બેસે છે. તેમનું કહેવું છે કે દેશમાં ઈસ્લામિક શાસન આવવાથી તેમને ખુશી છે. છેલ્લાં 2 વર્ષ તણાવવાળા રહ્યાં. એ વાત જ સમજાતી નહોતી કે કોનું સાંભળીએ. તાલિબાનોનું કે સરકારનું. અમને ડર રહેતો હતો.

ગુલબાર સેન્ટરની બરાબર સામે દાઉદજઈ બિઝનેસ સેન્ટર આવેલું છે. એમાં કપડાંની દુકાન ધરાવતી એક વ્યક્તિએ કહ્યું હતું કે લગભગ 5 વર્ષથી કાબુલના બિઝનેસમેન ખૂબ જ હેરાન રહ્યા છે. અમારી પર તાલિબાન અને સરકાર બંનેનું દબાણ રહેતું. ક્યારે અમને કોણ દુકાન બંધ કરવાનું કહે, એનો ખ્યાલ નહોતો. તાલિબાન આવવાથી હવે એક જ સરકારને જવાબ આપવો પડશે.

અમે આ કહાનીના બીજા ભાગમાં કાલે કાબુલના બંને ગુરુદ્વારાની કહાનીને લઈને આવીશું. શરિયા કાનૂનને માનનાર તાલિબાન શાસનમાં ગુરુદ્વાર કેવી સ્થિતિમાં છે, એમાં રહેનારા શીખ પરિવારોની શું સ્થિતિ છે, વાંચો કાલે સવારે દિવ્ય ભાસ્કરની એપ પર-

અન્ય સમાચારો પણ છે...