• Gujarati News
  • Dvb original
  • When A Novel Was Written From Sarman Munja's Blood tinged Story And A Film Was Made From Santokben Jadeja...

ભાસ્કર ઇનડેપ્થગુજરાતનાં ‘ગોડફાધર’ અને ‘ગોડમધર’ની સીટ:પોરબંદર-કુતિયાણાની રક્તરંજિત ચૂંટણી, ‘ગોડમધર’ની ધાક અને મોરબીના ઝૂલતા પુલ વચ્ચે શું સંબંધ છે?

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: વિક્રમ મહેતા
  • કૉપી લિંક

‘‘આ વાર્તા પોરબંદરના સરમણ મુંજાની છે કે હશે યા હોવી જોઈએ એવું વાચકો માનવા માગે છે. હોવી તો સરમણ મુંજાની જ જોઈતી હતી. પરંતુ નથી. તમે કોઈ ખતરનાક માણસને મળવા જાવ. અને... દંભ, જૂઠ, સમાજના બંધારણને ભેદીને આક્રોશ સાંભળવા મળે તો? સ્મશાને પહોંચી જવાની વેળા આવે ત્યાં સુધી પત્ની, દીકરા કે માબાપ પાસે પોતાના નજીવા સરખા ગુનાનો પણ એકરાર કરવાની માણસની હિંમત ચાલતી નથી. ત્યારે... ફાંસીના માંચડાની પરવા વગર ખતરનાક માણસ બધું જ કહેવા માંડે તો? પર્દાફાશ કરી નાખીને સમાજમાં અડીખમ દેખાતા મિનારાઓનો લૂણો લાગેલો પાયો ખોદી ખોદીને બતાવવા માંડે તો? સરમણ મુંજાએ આ બધું જ કહી દીધું હતું. કહી દઈને એ તો હળવો થઈ ગયો. આગ લાગી જાય, કડાકા-ભડાકા ઊઠે તેવી વાતો હતી. કથા સરમણની નથી પણ શ્રવણ ઝંઝાનું સ્ટાઇલાઇઝેશન સરમણ મુંજા પરથી પ્રેરિત છે.’’

આમ ‘નરો વા કુંજરો વા’ કરીને મહેન્દ્ર દેસાઈ પોતાની નવલકથા ‘વલોપાત’ સરમણ મુંજા પર આધારિત છે કે નહીં એ નક્કી કરવાની જવાબદારી પરોક્ષ રીતે વાચક પર છોડી દે છે. ઉપર રજૂ કર્યો તે ગુજરાતી નવલકથા ‘વલોપાત’ની પ્રસ્તાવનાનો અંશ છે. આજે આ નવલકથાને યાદ કરવાનું કારણ છે: પોરબંદરનો ચૂંટણી માહોલ. લોકસભા હોય કે વિધાનસભા. વસનજી ઠકરાર, કેશુ નેભાની રાજકીય હત્યાના સાક્ષી રહી ચૂકેલા પોરબંદરનો ચૂંટણી જંગ ચર્ચાનો વિષય ન બને એવું ન બને. આમેય પોરબંદર સરમણ મુંજા-સંતોકબેન જાડેજા પરિવારનો ગઢ રહ્યું છે. ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદર અને ગાંધીજીના મોસાળ એવા કુતિયાણાની ચૂંટણીઓ કાયમ ચર્ચાસ્પદ રહી છે. રસપ્રદ વાત એ છે કે ‘ગોડફાધર’ની છાપ ધરાવતા સરમણ મુંજા અને તેમનાં પત્ની ‘ગોડમધર’ સંતોકબેન જાડેજાની ધાક અને મોરબીના હવે તૂટી પડેલા ઝૂલતા પુલ વચ્ચે એક અનોખો સંબંધ છે.

ચૂંટણીમાં આમેય બેઉ બળિયા બાથે વળગ્યા જેવો ઘાટ દરેક બેઠક પર સર્જાય. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પણ એવું જ છે. ખાસ તો પોરબંદરની કુતિયાણા બેઠક ચર્ચાનો વિષય બની છે. કાંધલ જાડેજાએ ટિકિટ ન મળવાના મુદ્દે એનસીપી સાથેનો છેડો ફાડી નાખીને સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. ભાજપે ઢેલીબેન ઓડેદરાને પોતાના ઉમેદવાર જાહેર કર્યાં છે. ફોઈ-ભત્રીજો સામસામે છે. જો ઢેલીબેન જીતશે તો પોરબંદર-કુતિયાણાના બીજાં મહિલા ધારાસભ્યનું બહુમાન પામશે. પહેલાં મહિલા ધારાસભ્ય હતાં સંતોકબેન જાડેજા. વર્ષ 1990માં સંતોકબેન જાડેજાએ ચીમનભાઈના જનતાદળમાંથી કુતિયાણા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને 1990-1995 સુધી કુતિયાણાના ધારાસભ્ય રહ્યા હતા. આજે સંતોકબેનના પતિ અને કાંધલ જાડેજાના પિતા સરમણ મુંજા પર કથિત રીતે આધારિત થ્રિલર નોવેલ ‘વલોપાત’ની વાત કરવી છે. ‘પેડલ પર પૃથ્વી પરકમ્મા’ કરાવનાર મહેન્દ્ર દેસાઈએ લખી છે આ નોવેલ. જાણીતા લેખક-પત્રકાર. એક સમયે એમણે શંકરસિંહ વાઘેલાના રાજકીય સલાહકાર તરીકે પણ ભૂમિકા અદા કરી હતી. હવે તો આ સર્જક માત્ર પોતાના શબ્દો થકી જ હયાત છે!

સરમણ મુંજા પર આધારિત હોવાનું મનાતી આ નવલકથાની વાત કરતાં પહેલાં એની થોડી પૃષ્ઠભૂમિ જાણી લઇએ. પોરબંદરની ગેંગ વોર 1960ના દાયકાના અંતમાં શરૂ થઈ હોવાનું કહેવાય છે, જ્યારે મહારાણા મિલના માલિક નાનજી કાલિદાસ મહેતાએ મિલની હડતાલ તોડવા માટે બે ભાઇઓ દેવુ અને કરશન વાઘેરને કામ સોંપ્યું. વિસ્તારમાં દેવુ આવ્યો ત્યારે સરમણ મુંજાએ તેને પતાવી દીધો હતો. દેવુના મોત બાદ થોડા દિવસ પછી કરશન વાઘેરની લાશ પણ મહારાણા મિલના દરવાજે લટકતી મળી આવી...

અને આમ ઉદય થયો સરમણ મુંજા જાડેજાનો. ગેંગ બની. સરમણ મુંજાનું મેર સમાજમાં વર્ચસ્વ વધ્યું. સરમણ મુંજા જાડેજા જ્યાં જ્યાં જાય ત્યાં વનમેન કોર્ટ ભરાય.. એ બીડીની ઝૂડી કાઢે તો લોકો તેમની સમક્ષ હુક્કો હાજર કરી દે. રોબિન હુડની ઇમેજ બની ગઈ હતી. પોરબંદરના બેતાજ બાદશાહ તરીકે સરમણ મુંજાનું નામ બાકાયદા પ્રસ્થાપિત થઈ ગયું હતું.

સરમણ મુંજાની લોકપ્રિયતા કહો તો લોકપ્રિયતા અને ધાક કહો તો ધાક. એનો પુરાવો આપતી એક દંતકથા તો એવી પણ કે રિચર્ડ એટનબરો જ્યારે પોરબંદરમાં ગાંધી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે મકાનો પર લગાવેલાં એન્ટેના દૂર કરવાની જરૂર પડી. લોકોને કહ્યું. પણ એમ માને? કોઈકે સરમણ મુંજાનું નામ સૂચવ્યું. સરમણ મુંજાના સૂચનથી પછી લોકોએ મકાન પરનાં એન્ટેના દૂર કરી દીધાં!

સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પાંડુરંગ દાદા આઠવલેએ સરમણના જીવનને એક નવો વળાંક આપ્યો. એમ કહેવાય છે કે સ્વાધ્યાય પ્રવૃત્તિના રંગે રંગાયેલા સરમણ મુંજાએ હથિયાર છોડ્યાં. વિરોધી ગેંગને જાણે આની જ રાહ હતી. વર્ષ 1986માં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં સરમણ મુંજા જાડેજાની કાળા કેશવ નામના શખ્સે હત્યા કરી. પતિની હત્યાનો બદલો લેવા સરમણની ગેંગનું સુકાન સંતોકબેન જાડેજાએ સંભાળ્યું અને 1960થી શરૂ થયેલા ગેંગવોરનો એક નવો અધ્યાય શરુ થયો. પોરબંદરની ધરા પર જશુ ગગન શિયાળ, ઇકુ ગગન શિયાળ, નારણ મેપા જેવા ગેંગસ્ટર્સનો સૂર્ય મધ્યાહ્ને તપી રહ્યો હતો અને અહિંસાના પૂજારી ગાંધીની જન્મભૂમિ પોરબંદર ગુજરાતના શિકાગો તરીકે પંકાવા લાગ્યું હતું. નેવુંનો દાયકો હતો આ. બાહોશ આઈપીએસ અધિકારી સતીષ વર્માની એસ.પી. તરીકે નિમણૂક થઈ અને પછી પોરબંદરનું ચિત્ર ઘણા અંશે બદલાયું.

માણસજાતની એક મૂળભૂત ખાસિયત છે. માણસ પોતે જે નથી કરી શકતો એ એને જોવું ગમે છે, વાંચવું ગમે છે. દરેક માણસને હિરોઇઝમ ગમે છે. રોમાંચ અનુભવવો ગમે છે એટલે જ સિસ્ટમથી વિરુદ્ધ પ્રવાહમાં ચાલતા રોબિન હુડ ટાઈપ ગેંગસ્ટાર્સ લોકોને આકર્ષે છે. પત્રકાર-લેખક મહેન્દ્ર દેસાઇની ‘વલોપાત’ નવલકથા 1986-87 દરમિયાન ‘ચિત્રલેખા’ સાપ્તાહિકમાં ધારાવાહિક સ્વરૂપે આવતી. આ નવલકથાએ એ સમયે વાચકોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું.

નવલકથાનો નાયક છે શ્રવણ ઝંઝા. હવે આ નવલકથા સરમણ મુંજા પર આધારિત છે કે કેમ? એ મૂંઝવણનો જવાબ નાયકનું નામ જ આપવાની કોશિશ કરતું જાણે લાગે. નવલકથામાં મહારાજા મિલ બતાવાઈ છે જે પોરબંદરની મહારાણા મિલને સૂચિત કરતી લાગે છે. શેક્સપિયર ભલે એની નાયિકા જુલિયેટના મોઢે સંવાદ બોલાવડાવે કે ‘વોટ ઈઝ ધેર ઈન અ નેમ?’ પણ નામમાં ઘણુ બધું હોય છે. બે નામો વચ્ચે મળતો ફોનેટિકનો ટોન, બે નામ વચ્ચેની સામ્યતા ઘણીવાર ઘણુબધું કહી આપે. નસ પકડી પાડવાની જવાબદારી વાચકોની પોતાની.હવે, નવલકથામાં પ્રવેશીએ તો શરૂઆત થાય છે: જૂનાગઢની આઝાદીના સંગ્રામથી. આરઝી હકૂમતની સેનાએ જૂનાગઢને ભારતમાં લેવા કમર કસી છે. બરડા પંથકના યુવાનોનું પ્રતિનિધિત્વ કર્યું છે પડછંદ કાયાના પરાક્રમી યુવાન ઓધવે. જૂનાગઢને આઝાદ કરવા માગતા નવલોહિયા યુવાનોમાં એ પ્રિય છે. વેણા જેવી સુંદર યુવતીના પ્રેમી તરીકે લોકોને એના તરફ કંઇક અહોભાવ પણ ખરો. એક દિવસ ઓધવની સેમુ ડફેર દ્વારા દગાથી હત્યા કરવામાં આવે છે. સેમુ ડફેર બરડા પંથકનો ગુંડો છે. લૂંટારું છે. સેમુ ડફેર ગીગણ જેવા પોતાના સાથીદારોની મદદથી ધીમેધીમે પોતાની ધાક જમાવતો જાય છે. પોરબંદર જ સૂચિત કરતું હોય એવા દરિયાકાંઠાના શહેરની મહારાજા મિલમાં એનું વર્ચસ્વ છે. સૌ કોઈ એનાથી ડરે છે. સેમુ ડફેરની સામે ઊભો થાય છે રામ ઝંઝા. શ્રવણનો ભાઈ. સેમુ ડફેર એનું ઘર સળગાવી નાખે છે. રામને આજીવન કારાવાસ થાય છે અને હવે શ્રવણ ઝંઝાનું જીવન અપરાધના અને પ્રતિશોધના ટ્રેક પર વેગ પકડે છે.

તમને આ નવલકથા જકડી રાખશે. એમાં એક્શન છે. થ્રિલ છે. શ્રવણ ઝંઝાનું કેરેક્ટાઇરેઝશન કયાંક તમને હરકિસન મહેતાના જગ્ગા ડાકુની પણ યાદ અપાવે છે. જેના પરથી પછી વર્લ્ડ કલાસ ફિલ્મ બની એ મારિયો પૂઝોની ગોડફાધરમાં જે રીતે ઇટાલિયન માફિયા કલ્ચર અફલાતૂન રીતે ઝીલાયું છે. એ જ રીતે વલોપાતમાં પોરબંદરનું ગેંગ કલ્ચર બખૂબી ઝીલાયું છે. ફિક્શનલ રેપરમાં વીંટળાયેલી આ દાસ્તાન રિયાલિટીની નજીક છે એ તમને અનુભવાય છે. જૂનાગઢની આઝાદીથી માંડીને પોરબંદરમાં ગેંગોનો ઉદય, સેમુ ડફેર ગીગણ જેવાં અપરાધી પાત્રો, આ અપરાધજગતને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરતા દ્વારકાદાસ કે રાજાબાબુ જેવા રાજકારણી, પૃથ્વીરાજ સિંહ જેવા પોલીસ અધિકારી... ક્રાઈમ-પોલિટિક્સ-પાવરનો એક આખો માહોલ વાચક સામે ઊભો થઈ જાય છે. નવલકથાનાં અમુક દૃશ્યો એક્શન અને થ્રિલથી ફાટફાટ થાય છે. મહારાજા મિલ બંધ કરાવવા માટે સમાજવાદી વિચારધારાને વરેલા વકીલ પ્રેમજી કિસાણા સભા યોજે છે અને એની ઉપર સેમુ ડફેરના ઈશારાથી જીવલેણ હુમલો થાય છે.ચારિત્ર્યના હલકા એવા ગીગાને શ્રવણ જે સજા આપે છે એ તો ખૂબ ભયંકર છે. અહીં લખી ન શકાય એવી ભયંકર. શ્રવણ જેલવાસ દરમિયાન માથાભારે લચ્છુ દાદા સામે પંગો લે છે અને એને સ્વધામ પહોંચાડી દે છે, શ્વાસ અધ્ધર કરી નાખતાં અનેક દિલધડક દૃશ્યો છે જેમાં શ્રવણ પોતાની- સમાજની અવદશા સામે જવાબદાર તત્ત્વો સામે પ્રતિશોધ લઈ રહ્યો છે અને વાચકના માનસપટ પર છવાઈ રહ્યો છે. અન્યાયનો પ્રતિકાર બાવડાના બળે કરતા શ્રવણના પાત્રથી વાચક આકર્ષાઈ રહ્યો છે. સિસ્ટમ સામે-સમાજના પ્રસ્થાપિત અન્યાયી ધારાધોરણો-અન્યાયી માથાભારે તત્ત્વો સામે બાવડાના બળે પ્રતિકાર કરતો વિદ્રોહી માણસ આખરે તો દરેકને ગમતો હોય છે!

હવે, શ્રવણના પ્રતિશોધનું એક દૃશ્ય જુઓ. શ્રવણે રાજકારણી-સ્મગલર રાજાબાબુને દરિયાકાંઠે બોલાવ્યા છે. પૂનમની રાત છે. રાજાબાબુ શ્રવણના ભાઈના મોત માટે જવાબદાર છે. રાજાબાબુ શ્રવણને પોતાની સાથે હાથ મિલાવવા ઓફર કરે છે. પણ ત્યાં...

‘રાજાબાબુનો હાથ ખેંચાયો. બગલમાં શ્રવણની લોખંડી પકડ ચીપિયા જેવી ભીંસાઈ. શ્રવણના હાથ તેમના બંને પગે જકડાયા. બીજી જ પળે રાજાબાબુ શ્રવણના માથા પર હવામાં ઝળુંબી ઊઠ્યા. એક... તેમના પર શું વીતી રહી છે તેનો એક માત્ર સાક્ષી પૂર્ણ કળાએ પ્રકાશતો ચંદ્રમા છે... હવામાં પીંછું ફરફરે તેમ રાજાબાબુ ફેંકાયા. દૂર અણિયાળા ખડક સાથે અફળાતાં મોં છૂંદાઈ ગયું. ઘૂંટણ ભાંગી ગયા, ખભો તૂટી ગયો... ખડક પર લોહી નીકળતા ચહેરે પડખું ફેરવ્યું, ત્યાં વિકરાળ દેખાતા શ્રવણનો પગ છાતી પર આવી પડ્યો.

‘મારી.... બ...ધી.... મિલક...ત! તા....રો... ગુલામ.... કૂતરો.... છું શ્ર...વણ! મારા.... ગળે.... પટ્ટો.... બાંધ! દયા.... ક...ર!’

આજીજી કરતા રાજાબાબુ ચોમેર ભગવાન કરે ને કોઈ....રૂપી આવી ચઢે એવી આશામાં જોઈ રહ્યા. ચાંદનીના પ્રકાશમાં શ્રવણ હસ્ચો તે દેખાયું. નરપિશાચને શું દયા આવી હશે? રૂંધાયેલા શ્વાસે થૂંકને બદલે મોંમાથી લોહીનો ગળફો નીકળી પડ્યો.‘રૂપી'?

રૂપી નહીં આવે રાજાબાબુ! એ તો ગામ છોડી ગઈ!’એટલે? એટલે આ નરાધમે જ બધો ત્રાગડો ગોઠવ્યો? રૂપીના નામે મને અહીં અવાવરુ ખડકોમાં બોલાવ્યો? રૂપીને ઘરેથી ગયા પછી શ્રવણે જેલમાં શીખીને સ્લેટ પર હજાર વાર એકનું એક વાક્ય લખ્યું હતું. ગોખી નાખ્યું હતું.

‘રહેમ કર.... તારી રાંદલ માની આણ! જો કદી તારો હુકમ ઉથાપું તો!’

‘રાજાબાબુ! યુ શૂડ ડાઈ હિયર...એન્ડ નાઉ!’ કહી શ્રવણે ખડકની ધારે ચતા સૂવડાવી છાતી પર પગ રાખી રાજાબાબુનું માથું ગળા સુધી દરિયાના પાણીમાં બુડાડી દીધું. દરિયાના મોજાં ઊછળી ઊછળીને આવતાં રહ્યાં. રાજાબાબુ છાતી સમાણા ઊછળતા રહ્યા. છાતી પરથી શ્રવણના પગનું વજન ઓછું ન થયું.. ડોકું પાણીની બહાર ક્યાંય સુધી ન નીકળ્યું. નીકળ્યું ત્યારે ડોકું જ નહીં... રાજાબાબુનું નિર્જીવ શરીર છીછરા ખડકોની આસપાસ વહેતાં પાણીમાં તરતું એક ખડકથી બીજા ખડકે અથડાતું રહ્યું. દકુભાઈના લાખ ધમપછાડા છતાં ભરતીમાં તણાઈ ગયેલો રાજાબાબુનો દેહ ન મળ્યો તે ન જ મળ્યો. કોઈ ગેબી રીતે રાજાબાબુ અદૃશ્ય થઈ ગયા. ત્યાર પહેલાં મગનો હોસ્પિટલમાં મરી ચૂક્યો હતો. કોઈ સાક્ષીની કોર્ટમાં જવાની હિંમત ન ચાલી. કોઈ પોલીસ ખોંખારો ખાઈને વાત ન કરી શક્યો. સરકારી વકીલ હવામાં બાચકાં ભરતા રહ્યા.

‘નોટ ગિલ્ટી! કોઈ પણ જાતના પુરાવાના અભાવે આરોપીને છોડી મૂકવામાં આવે છે. પોલીસે આખા કિસ્સામાં જોઈએ એવી તપાસ જ નથી કરી.’ એવી ટીકા સાથે ચુકાદો આવ્યો. શ્રવણ ઝંઝા કોર્ટના ઝરૂખામાં આવ્યો ત્યારે ચોગાન માનવ મહેરામણથી ઊભરાતું હતું. ગરીબ, ગુરબા, વિધવા, ભિખારીઓ, ખેડૂતોએ તેને જમીન પર પગ જ ટેકવવા ન દીધો. અધ્ધર ઉપાડી ઠેઠ મેમણવાડ સુધી મૂકી આવ્યા.

ખીમજી ખોખરને ખાતરી થઈ ગઈ કે દકુડાની આ વખતે ડિપોઝીટ જવાની!’

શબાના આઝમીને ચમકાવતી વિનય શુક્લાની ફિલ્મ 'ગોડમધર'નું પોસ્ટર
શબાના આઝમીને ચમકાવતી વિનય શુક્લાની ફિલ્મ 'ગોડમધર'નું પોસ્ટર

જોયું? અહીં જ સર્જકની જીત છે. દૃશ્ય તમારી સામે આંખ સામે આવીને ખડું થઈ જાય છે. આવાં અનેક દૃશ્યો છે, જે તમારા શ્વાસ અધ્ધર કરી નાખે છે. ‘વલોપત’ વાંચીને એના કથાનકમાં ઊંડાણથી ડોકિયું કરવાની જવાબદારી હવે તમારા પર ઢોળવામાં આવે છે. વલોપાતની વાત નીકળી છે તો સરમણ મુંજા પરથી સંજય દત્તને લઈને ‘શેરા’ ફિલ્મ બની રહી હોવાના સમાચાર છે. આ પહેલાં સંતોકબેન જાડેજા પર આધારિત ફિલ્મ આવી હતી 'ગોડમધર'. આ ફિલ્મનું નિર્દેશન વિનય શુક્લએ કર્યું હતું. શબાના આઝમી, મિલિંદ ગુણાજી, ગોવિંદ નામદેવ, અનુપ સોની, નિર્મલ પાંડે અને શરમન જોશી જેવા કલાકારોએ અભિનય આપ્યો હતો. બાય ધ વે, શરમન જોશીની તો આ પહેલી જ ફિલ્મ હતી. શબાના આઝમીનું પાત્ર રાંભી સ્પષ્ટ રીતે સંતોકબેન જાડેજા અને મિલિંદ ગુણાજીનું પાત્ર વિરમ સરમણ મુંજાથી પ્રેરિત છે. સિનેમેટિક એંગલથી દમદાર અને કસદાર એવી ક્રાઈમ થ્રિલર ‘વલોપાત’ નોવેલ પરથી ફિલ્મ ગોડમધર’ પ્રેરિત હોવાનું લાગે પણ ‘ફિલ્મને જીવિત કે કોઈ મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી, આ ફિલ્મ વલોપાત નોવેલ સાથે સામ્યતા ધરાવે છે એ માત્ર એક યોગાનુયોગ છે’ એ ટાઈપનું ડિસ્ક્લેમર આમ માનતા બળપૂર્વક રોકે છે. પણ એક વાત સ્પષ્ટ છે: મેકરના મનમાં ક્યાંક ને ક્યાંક આ નોવેલનો રેફરન્સ રમતો તો હોવો જ જોઈએ. અન્યથા સ્પષ્ટતાની જરૂરિયાત પણ શું ભલા? આ ફિલ્મ આર્ટ અને પોપ્યુલર નેરેટિવ ફોર્મનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મોરબીમાં થયું છે. હવે તૂટી પડેલા ઝૂલતા પૂલ પર સરમણ મુંજા પરથી પ્રેરિત વિરમ (મિલિંદ ગુણાજી)ના હત્યારાને સ્વધામ પહોંચાડવાનું દૃશ્ય બહુ મસ્ત છે. ‘ગોડમધર’ ફિલ્મનો એક મસ્ત સીન છે: રાંભી (શબાના આઝમી) પોતાની એમ્બેસેડર કારમાં જઈ રહી છે. સાગરીત ઝખરો (નિર્મલ પાંડે) ભજન ગણગણતો ડ્રાઈવિંગ કરી રહ્યો છે. બેકસીટમાં રાંભી મહારાણીની અદાથી બેઠી છે. ત્યાં જ પાછળથી બે યમાહા બાઈક પર આવેલા શખ્સો ગોળીબાર કરે છે. રાંભી નીચે નમી જતાં બચી જાય છે. ઝખરાનો પણ આબાદ બચાવ થાય છે. હુમલાખોરો નાસી જાય છે. રાંભી કાચમાં પોતાની વીખરાયેલી લટ સરખી કરતાં બોલે છે: ‘બડા મઝાકી ખેલ હૈ યે રાજનીતિ ભી!’ પોરબંદરના સાંપ્રત રાજકીય માહોલમાં આ સંવાદનો જ પડઘો પડે છે ને...?!