• Gujarati News
  • Dvb original
  • What To Do To Get Help Of 50 Thousand? What If Corona Is Not Mentioned In The Death Certificate? Know The Answer To Each Of Your Questions

કોરોના મૃત્યુ વળતર:50 હજારની સહાય મેળવવા શું કરવું? મરણના દાખલામાં કોરોનાનો ઉલ્લેખ ના હોય તો? તમારા દરેક સવાલનો જવાબ જાણો

11 દિવસ પહેલા

કોરોના મૃતકના પરિવારને મળનારી 50 હજાર રૂપિયાની સહાય માટેના ફોર્મનું વિતરણ શરૂ થઈ ગયું છે. પણ સવાલ એ છે કે, ગુજરાતમાં એવા હજારો મૃતક છે જેમના ડેથ સર્ટિફિકેટમાં કોરોનાનો ઉલ્લેખ જ નથી. આ સંજોગોમાં મૃતકના પરિવારે શું કરવું? આ એક્સપ્લેનર વીડિયોમાં અમે તમને એ બધુ જ A TO Z સમજાવીશું જે તમે જાણવા માગો છો.

આ સહાય મેળવવા મૃતકના પરિવાર માટે મુખ્ય બે તબક્કા છે.
પહેલો છે, મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ એટલે કે, MCCD મેળવવા માટે નિયત ફોર્મમાં અરજી કરવાનો. આ પ્રમાણપત્ર સ્થાનિક કક્ષાએથી અપાશે. બીજો તબક્કો છે, ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના ના હોય એવા કિસ્સામાં દસ્તાવેજો સાથે અલગથી ફોર્મ ભરવાનો. રાજ્ય સરકારે નિયુક્ત કરેલી સમિતિ દસ્તાવેજ ચેક કરી મોતનું સત્તાવાર પ્રમાણપત્ર ઈસ્યૂ કરશે.

ગુજરાતમાં કયા-કયા શહેરોમાં આ ફોર્મનું વિતરણ થઈ રહ્યું છે.
હાલ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં જ ફોર્મનું વિતરણ શરૂ થઈ ગયું છે. રાજ્યના અન્ય શહેરો, નગરો કે ગામડાં અંગે હજુ સુધી સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી.

અમદાવાદ, સુરત અને રાજકોટમાં આ ફોર્મ ક્યાંથી મળશે?
આ ફોર્મ તમને નજીકનાં સિવિક સેન્ટર, જન્મ-મરણ નોંધણી વોર્ડની ઓફિસ અને તેની હેડ ઓફિસ પરથી મળશે. મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી પણ તમે આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.
આપને એ વાત પણ જણાવી દઈએ કે, નમૂના મુજબ સાદા પેપેરમાં કરેલી અરજી પણ માન્ય ગણાશે.

જો દર્દીનું મૃત્યુ ઘરે થયું હોય અથવા પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોરોના સિવાયનું હોય તો શું કરવું?
MCCDમાં દર્શાવાયેલા મૃત્યુના કારણ સામે અસંતોષ હોય તો પરિશિષ્ટ–3 હેઠળ અરજી કરવાની રહેશે.

હોસ્પિટલમાંથી મળેલા ડેથ સર્ટિફિકેટમાં કોરોનાથી મોત થયાનો ઉલ્લેખ ના હોય તો શું કરવાનું?
આ માટે અરજીપત્રકમાં પરિશિષ્ટ-1ની વિગતો રજૂ કરી MCCDની નકલ મેળવવાની રહેશે.

જો સ્મશાનગૃહમાંથી મળેલી લાકડાંની પહોંચમાં કોરોનાથી મોતનો ઉલ્લેખ ના હોય તો શું કરવું?
આ માટે પણ અરજીપત્રક સાથે પરિશિષ્ટ-1ની વિગતો રજૂ કરી MCCDની નકલ મેળવવાની રહેશે.

મહત્ત્વનો સવાલ, આ અરજી સાથે સારવારને લગતાં કયા-કયા દસ્તાવેજો જોડવાના રહેશે?
મરણનું પ્રમાણપત્ર, MCCD અપ્રાપ્યતા પ્રમાણપત્રની નકલ, હોસ્પિટલમાંથી મળેલ મૃત્યુના કારણ અંગેનું પ્રમાણપત્ર અને દર્દીના કેસ પેપર

હોમ આઈસોલેશનમાં મોત થયું હોય તો કયા દસ્તાવેજો જોડવાના રહેશે?
ઘરે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં દર્દીએ જે તે ડૉક્ટરે કરેલી સારવારની વિગતો તેમજ દર્દીના લેબોરેટરી અને રેડિયોલોજી પરીક્ષણના પુરાવા રજૂ કરવાના રહેશે

જો મૃતકના પરિવાર પાસે ઈન્ડોર કેસ પેપર ના હોય તો શું કરવું?
આ માટે મૃતકે જે હોસ્પિટલમાં સારવાર લીધી હોય એ હોસ્પિટલમાં અરજી કરીને કેસ પેપર મેળવી શકાશે.

સહાય મેળવવા માટે મૃતકના વારસદાર તરીકે ઘરના કેટલા સભ્યોના આધાર પુરાવા રજૂ કરવા પડશે?
આ માટે માત્ર અરજદારે પોતાનો જ ઓળખનો પુરાવો રજૂ કરવાનો રહેશે.

RTPCR, સીટી સ્કેન, એક્સરેની કોપી જોડવાની રહેશે? જો ના હોય તો શું કરવું?
આપને જણાવી દઈએ કે, સહાય મેળવવા માટે RTPCR ટેસ્ટ, સીટી સ્કેન, એક્સરેની કોપી અનિવાર્ય છે.

આ સહાય માટે ઓનલાઈન ફોર્મ જમા કરાવવાની કોઈ સુવિધા છે?
ના, હાલના તબક્કે ઓનલાઈન ફોર્મ જમા કરવાની કોઈ સુવિધાની જાહેરાત કરાઈ નથી.

આ અરજીપત્રક જમા ક્યાં કરાવવું?
એ ખાસ યાદ રાખો કે, જે વિસ્તારની હોસ્પિટલમાં મૃત્યુ થયું હોય એ જ વિસ્તારની સબ રજિસ્ટ્રાર કચેરી, જન્મ-મરણ કચેરી ખાતે ફોર્મ જમા કરાવાનું રહેશે. ભલે મૃતક અન્ય શહેર કે ગામડાના હોય.

સિવિક સેન્ટર પરથી યોગ્ય જવાબ ન મળે તો ક્યાં ફરિયાદ કરવી?
આ સંજોગોમાં સંબંધિત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર અધિકારીઓના નામ અને નંબરની યાદી મૂકવામાં આવી છે.

50 હજારની સહાય અરજી કર્યાના કેટલા દિવસમાં મળશે? આ રકમ રોકડમાં મળશે કે બેન્ક ખાતામાં જમા થશે?
સુપ્રીમકોર્ટની ગાઈડલાઈન મુજબ દરેક રાજ્યએ અરજી મળ્યાના 30 દિવસમાં જ વળતરની રકમ ચૂકવવી પડશે. જો રે સહાયની પ્રક્રિયા અંગે પાછળથી જાહેરાત કરાશે.

અન્ય સમાચારો પણ છે...