• Gujarati News
  • Dvb original
  • What Is The Disease Of Mucormycosis, Which Eats Away At Body Parts Like Locusts? Find Out, In Just 3 Minutes

નોલેજ:ઉધઈની જેમ શરીરના અંગોને કોરી ખાતો મ્યુકોરમાઈકોસીસ રોગ શું છે? જાણો, માત્ર 3 મિનિટમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો ડેસ્ક: કોરોનાકાળમાં મ્યુકોરમાઈકોસીસ ઈન્ફેક્શનનો ખતરો ખુબ જ ગંભીર બન્યો છે. આ ઈન્ફેક્શન એવા દર્દીઓ પર હાવી થયું છે, જેમને કોરોના થયો છે અથવા કોરોનાને મ્હાત આપી છે. ગુજરાતમાં આ બીમારીથી દસથી વધુ લોકો મોતને ભેટ્યા છે. પણ ગંભીર વાત એ છે કે, કોરોનાના દર્દીઓમાં આ બીમારીથી મૃત્યુનું પ્રમાણ લગભગ પચાસ ટકા જેટલું ઊંચું છે. આ સ્થિતિમાં આ બીમારી ખરેખર શું છે તે સમજવું ખુબ જ જરૂરી છે.

મ્યુકોરમાઈકોસીસ ખરેખર શું છે?
મ્યુકોરમાઈકોસીસ એ એક પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન છે. આ ફૂગ સામાન્ય રીતે જમીન પર પડેલાં સડેલાં પાંદડાં અને છાણમાં પેદા થાય છે. જ્યાં કચરાના ઢગલા હોય, ભેજનું પ્રમાણ વધુ હોય, પાણીનો ભરાવો થતો હોય ત્યાં ફૂગ વધુ જોવા મળે છે. આ ઉપરાંત વાસી બ્રેડ અને રોટલી તથા સડેલા શાકભાજી અને ફળમાં પણ વધારે જોવા મળતી હોય છે.

આ રોગ કેવી રીતે થાય છે?

આ ફૂગ હવામાં ભળીને નાક વાટે શરીરમાં પ્રવેશે છે. ફૂગ શરીરમાં પ્રવેશ્યા બાદ દર્દીમાં શરદી, નાક બંધ થવું, નાકમાંથી લોહી નીકળવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, તાવ આવવો, તાળવું કાળા રંગનું થઈ જવું અને અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઈ હોય તેવા લક્ષણો જોવા મળે છે. કેટલાક કિસ્સામાં આંખ લાલ થઈ જાય છે, આંખે સોજા આવે છે અને નજર ઓછી થઈ જાય છે.

શરીરમાં દાખલ થયા પછી નાકની ઉપરની બાજુએ મૃત પેશીઓ પર આ ફૂગ જમા થાય છે. આ ફૂગ નાક અને મગજ વચ્ચે રહેલા હાડકાને કોતરી ખાય છે. જેને કારણે બીમારીની સીધી અસર દર્દીની આંખ તેમજ મગજ પર થાય છે. કેટલાક દર્દીઓની ઘણા કિસ્સામાં આંખ કાઢવી પડે છે અને નાકના અસરગ્રસ્ત ભાગને દૂર કરવો પડે છે. સારવાર કરવામાં ન આવે તો દર્દીને ન્યૂમોનિયા થઇ જાય છે. મગજ સુધી સંક્રમણ ફેલાય તો લકવો પણ થઇ શકે છે, અને દર્દીનું મોત પણ થઇ શકે છે.

આ રોગની સારવાર કેટલી મોંઘી છે?

આ રોગની સારવારમાં દર્દીને 2500થી 3000ની કિંમતના એક એવા દિવસમાં ચારથી છ ઈન્જેક્શન આપવા પડે છે. આવી સારવાર 10થી 15 દિવસ ચાલી શકે છે. સંપૂર્ણપણે સાજા થવા છથી આઠ મહિના દવા લેવી પડે છે. દવાઓ મોંઘી હોવાથી ચાર-પાંચ લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઈ જાય છે.

મ્યુકોરમાઇકોસિસમાં કોણ સપડાય?
જેનામાં ઇમ્યુનિટી ઓછી તેને મ્યુકોરમાઇકોસીસ જલ્દી થઈ જાય છે. ખાસ કરીને કેન્સરના દર્દી, અંગ પ્રત્યારોપણ અને સ્ટેમસેલ પ્રત્યારોપણ કરાવેલું હોય તેવા દર્દી. જેનામાં શ્વેતકણોનું પ્રમાણ ઓછું હોય, લોહીમાં આયર્નનું પ્રમાણ અતિશય વધી જાય, લાંબા સમયથી સ્ટીરોઈડની દવા લીધી હોય, ચામડીમાં ઊંડો ઘા લાગ્યો હોય તેને પણ આ ઈન્ફેક્શન લાગી શકે છે. આ ઉપરાંત અધૂરા માસે થયેલી પ્રસૂતિ અને જન્મ વખતે બાળકના વજનનું ઓછું હોય એ કિસ્સામાં પણ આ બીમારી થઈ શકે છે. કોરોનાના દર્દીઓને સ્ટિરોઇડની દવાઓ અપાતી હોય છે, જેથી સુગર અને એસીડ ભેગુ થાય છે, જેથી આ દર્દીઓમાં બીમારીનું જોખમ ખુબ વધી જાય છે.

કેવી રીતે રક્ષણ મેળવી શકાય?
આ રોગથી બચવા માટે માસ્ક પહેરવું જોઈએ. બહાર નીકળતી વખતે હાથપગ ઢંકાય તેવાં કપડાં પહેરવા જોઈએ. માટી અને ફૂગના સંપર્કથી દૂર રહેવા ઉપરાંત ઇજા થઇ હોય તો ફૂગજન્ય ચેપ ન લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ.