• Gujarati News
  • Dvb original
  • What Is AQIS Affiliated With Al Qaeda, Which Has Threatened Attacks In 4 States; How To Do A Targeted Killing

પયગંબર પર વિવાદાસ્પદ નિવેદન:અલકાયદા સાથે જોડાયેલું AQIS શું છે, જેણે 4 રાજ્યમાં હુમલાની ધમકી આપી છે; કેવી રીતે કરે છે એ ટાર્ગેટેડ કિલિંગ

19 દિવસ પહેલાલેખક: અભિષેક પાંડે
  • કૉપી લિંક

BJP નેતા નૂપુર શર્મા દ્વારા મોહંમદ પયગંબર પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ આતંકવાદી સંગઠન અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQISએ ભારતમાં આત્મઘાતી હુમલાની ધમકી આપી છે. AQIS એ 6 જૂને જારી કરેલા તેના પત્રમાં મોહમ્મદ પયગંબરના અપમાનનો બદલો લેવાની ધમકી આપતાં દિલ્હી, મુંબઈ, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં આત્મઘાતી હુમલાની ધમકી આપી હતી. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ઘણા AQIS આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ ભારતમાં આતંકવાદી હુમલા કરવા અને તેમનું નેટવર્ક વિસ્તારવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આવી સ્થિતિમાં ચાલો... જાણીએ શું છે આતંકવાદી સંગઠન AQIS? AQIS ક્યાં કામ કરે છે? આ આતંકવાદી સંગઠનથી ભારતને કેટલો ખતરો છે?

આખરે, AQISએ તેની ધમકીમાં શું કહ્યું?
તેની ધમકીમાં AQISએ કહ્યું છે કે “આપણે આપણા પ્રોફેટની ગરિમા માટે લડવું જોઈએ, આપણે આપણા પ્રોફેટના સન્માન માટે લડવા અને મરવા માટે અન્ય લોકોને વિનંતી કરવી જોઈએ, જેઓ આપણું અપમાન કરે છે તેમને મારવા જોઈએ. જેઓ આપણા પયગંબરનું અપમાન કરવાની હિંમત કરે છે તેમને ઉડાવી દેવા માટે આપણે આપણા શરીર અને આપણાં બાળકોના શરીર સાથે વિસ્ફોટકો જોડવા જોઈએ.

AQIS એ પોતાના પત્રમાં ટીવી પર મોહમ્મદ પયગંબર વિશે વિવાદાસ્પદ નિવેદનો આપવાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ બીજેપી નેતા નૂપુર શર્માના નામનો ઉલ્લેખ કર્યો નથી.

આ પહેલાં એપ્રિલમાં કર્ણાટકમાં હિજાબ વિવાદ દરમિયાન અલકાયદાના નેતા અલ-ઝવાહિરીએ એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં કહ્યું હતું કે વિશ્વભરના મુસ્લિમોએ હિજાબ વિવાદ પર એ પહેરવા માટે લડતી છોકરીઓને ખુલ્લેઆમ સમર્થન આપવું જોઈએ. 9 મિનિટના વીડિયોમાં જવાહિરીએ કહ્યું હતું કે ભારતના હિંદુ લોકતંત્રમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે. તેણે મુસ્લિમોને આ અત્યાચારનો જવાબ આપવા કહ્યું.

શું છે આતંકવાદી સંગઠન AQIS?
ભારતીય ઉપખંડમાં અલકાયદાનો પ્રભાવ વધારવા માટે અલ ઝવાહિરી દ્વારા 2014માં અલકાયદા ઈન ધ ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS)ની રચના કરવામાં આવી હતી. જવાહિરી કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેનનો ઉત્તરાધિકારી છે. AQIS વૈશ્વિક સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે.

AQIS અફઘાનિસ્તાનના નિમરોઝ, હેલમંડ અને કંદહાર પ્રાંતમાંથી તાલિબાનની છત્રછાયા હેઠળ કામ કરે છે. AQISની રચના સમયે અલ જવાહિરીએ લગભગ એક કલાક લાંબો વીડિયો બહાર પાડ્યો હતો, જેમાં અસીમ ઓમર નામના ભારતીય મૂળની વ્યક્તિનો પરિચય કરાવ્યો હતો. અસીમ ઉમર AQISના ચીફ બન્યા.

ઓમરને 2018માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, અસીમ ઉમર 2019માં હેલમંડ પ્રાંતના મુસા કલામાં યુએસ-અફઘાન સૈન્ય દ્વારા સંયુક્ત ઓપરેશનમાં માર્યો ગયો હતો. આ પછી પાકિસ્તાનમાં જન્મેલા ઓસામા મહમૂદ અસીમ ઉમરના સ્થાને AQIS ચીફ બન્યો.

કયા દેશોમાં AQISની હાજરી છે
અહેવાલો અનુસાર, AQIS ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મ્યાંમાર અને બાંગ્લાદેશમાં કાર્યરત છે. સુરક્ષા નિષ્ણાતોના મતે બાંગ્લાદેશમાં આ જૂથનું સત્તાવાર નામ અંસાર-અલ-ઈસ્લામ છે.

આ આતંકવાદી જૂથ બાંગ્લાદેશમાં અગ્રણી બિનસાંપ્રદાયિક વ્યક્તિઓ પર તાજેતરના હુમલાઓ અને હત્યાઓ માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. આતંકવાદી સંગઠન અંસાર-અલ-ઈસ્લામે બાંગ્લાદેશમાં ધર્મનિરપેક્ષ કાર્યકર્તાઓ, લેખકો, પ્રોફેસરો અને ડોક્ટરોની હત્યાની જવાબદારી લીધી છે.

મ્યાંમારમાં રોહિંગ્યા મુસ્લિમો સામેની હિંસાના જવાબમાં અલકાયદાએ AQISને મ્યાંમારમાં હુમલાઓ કરવા કહ્યું, વિશ્વભરનાં ઉગ્રવાદી જૂથો સામે લડવા માટે બિન-લાભકારી બિન-સરકારી સંસ્થા, કાઉન્ટર એક્સ્ટ્રીમિઝમ પ્રોજેક્ટ (CEP) અનુસાર. AQISએ સપ્ટેમ્બર 2014માં કરાંચીમાં નેવલ ડોકયાર્ડ ખાતે પાકિસ્તાની યુદ્ધ જહાજને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જુલાઇ 2020માં યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી એસોસિયેશન (UNSC) દ્વારા પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, AQIS પાસે લગભગ 150થી 200 આતંકવાદી છે.

આતંકવાદી સંગઠન AQIS ભારતમાં કેટલું સક્રિય છે?
2015માં દિલ્હીમાં ત્રણ આતંકવાદીની ધરપકડ બાદ ભારતમાં AQISની હાજરી પહેલીવાર મળી હતી. દિલ્હી પોલીસે બાદમાં AQIS આતંકવાદી મૌલાના અબ્દુલ રહેમાન કાસમીની ધરપકડ કરી હતી. પોલીસે દાવો કર્યો છે કે આ આતંકવાદી સંગઠને ઝારખંડનાં જંગલોમાં ટ્રેનિંગ કેમ્પ બનાવ્યો છે.

જુલાઈ 2021માં યુપી પોલીસે અલકાયદા સાથે જોડાયેલા આતંકવાદી સંગઠન અંસાર ગઝવત ઉલ હિંદના બે આતંકવાદીની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ બંને આતંકવાદી સ્વતંત્રતા દિવસ પહેલાં લખનઉમાં ભીડભાડવાળી જગ્યાઓ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.

ઓક્ટોબર 2021માં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠનની પ્રવૃત્તિઓને રોકવા માટે કથિત AQIS આતંકવાદી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. NIAએ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના અબુ સુફિયાન વિરુદ્ધ એક્સક્લૂઝિવ સબસ્ટન્સ એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

આસામમાં એપ્રિલ 2022માં બારપેટા જિલ્લામાંથી 6 આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો પર બારપેટા જિલ્લાને અલ-કાયદા અને તેના સંબંધિત સંગઠનની ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે અડ્ડો બનાવવાનો આરોપ હતો.

આ પછી આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યમાંથી આતંકવાદી નેટવર્કને ખતમ કરવા માટે કડક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. આસામના ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતાએ એક વાતચીતમાં કહ્યું હતું - આ તમામ આતંકવાદીઓના નેતાઓ બાંગ્લાદેશના છે. અમે આ મામલો પહેલાંથી જ બાંગ્લાદેશ સરકાર સાથે અનૌપચારિક રીતે ઉઠાવ્યો છે. ઉપરાંત અમે ટૂંક સમયમાં આ મામલો ઈન્ટરપોલ દ્વારા ઉઠાવીશું.

આતંકવાદી સંગઠન AQIS કેટલું ખતરનાક છે?
2020માં એક ટોચના આતંકવાદવિરોધી અધિકારીએ યુએસ ધારાસભ્યોને જણાવ્યું હતું કે AQIS નાના પાયે આતંકવાદી હુમલાઓ કરવામાં સક્ષમ છે. નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના ડાયરેક્ટર ક્રિસ્ટોફર મિલરે યુએસ સેનેટ કમિટીને જણાવ્યું હતું કે 2019માં યુએસ હુમલામાં AQIS ચીફ અસીમ ઉમરના માર્યા જવાથી દક્ષિણ એશિયામાં આ આતંકવાદી સંગઠન નબળું પડી ગયું છે. જોકે તે હજુ પણ નાના પાયે પ્રાદેશિક હુમલાઓ કરી શકે છે.

જોકે નિષ્ણાતો ભારતીય ઉપખંડમાં AQIS અને અલકાયદાના જોખમને ઓછો અંદાજ આપે છે. ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટના અજય સાહની કહે છે, અલકાયદાએ સૌપ્રથમ 1996માં ભારતને ટાર્ગેટ તરીકે નામ આપ્યું હતું. એ સમયે ઓસામા બિન લાદેને જમ્મુ-કાશ્મીર અને આસામ બંનેનું નામ લીધું હતું. આ પછી પણ આ આતંકવાદી સંગઠન આ બંને રાજ્યોમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપી શક્યું નથી.

નિષ્ણાતોનું કહેવું છે કે AQISએ હજુ ભારતના યુવાનોમાં વધુ અસર કરી નથી, પરંતુ તે ઈસ્લામિક સ્ટેટના અંતનો ફાયદો ઉઠાવી શકે છે. આ દિવસોમાં AQISએ ભારતમાં પણ તેની પ્રચારપ્રવૃત્તિઓ વધારી છે. તાજેતરમાં જ પયગંબર પરના વિવાદાસ્પદ નિવેદન બાદ AQIS દ્વારા ધમકીભર્યો પત્ર જાહેર થયા બાદ ગુપ્તચર એજન્સીઓ એલર્ટ પર છે. એજન્સીઓએ આ અંગે દિલ્હી, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાતને જાણ કરી છે અને એલર્ટ રહેવા જણાવ્યું છે.