કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે દર્દીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે. આક્સિજન શોર્ટેજને પહોંચી વળવા આખરે કેન્દ્ર સરકારે ઓક્સિજન કન્સન્ટ્રેટર અગે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. વ્યક્તિગત ઉપયોગ માટે હવે પોસ્ટ, કુરિયર કે ઈ-પોર્ટલથી આયાત કરેલા ઓક્સિજન કન્સન્ટ્રેટર છૂટવાળી શ્રેણીમાં રાખવાનો નિર્ણય કર્યો છે. આ છૂટ 31 જુલાઈ 2021 સુધી યથાવત રહેશે.
ત્યારે આવો જાણીએ કે, આ ઓક્સિજન કન્સીન્ટ્રેટર શું છે?
ઓક્સિજન કન્સીન્ટ્રેટર એક પોર્ટેબલ મેડિકલ ડિવાઇસ છે. જે વાતાવરણમાંથી હવાને ખેંચે છે, અને નાઈટ્રોજન અલગ કરીને શુદ્ધ ઓક્સિજન સપ્લાય કરે છે. આ મશીન પ્રેશર સ્વિંગ એબ્ઝોર્પ્શન ટેકનોલોજીથી કામ કરે છે. આમાં રહેલા ઈનબિલ્ટ સેન્સર ઓક્સિજનની શુદ્ધતાના સંકેત આપતાં રહે છે.
હવે જોઈએ કે, કોરોના સંક્રમિતો માટે આ ડિવાઈસ કેટલી ઉપયોગી છે?
એક્સપર્ટના મતે જે દર્દી હોમ આઈસોલેશનમાં છે તેમના માટે ઓક્સિજન કન્સન્ટ્રેટર બેસ્ટ વિકલ્પ છે. કારણ કે, આ ડિવાઇસ એક મિનિટમાં પાંચથી દસ લીટર ઓક્સિજન સપ્લાય કરી શકે છે. સૌથી ખાસ વાત એ કે, ઓક્સિજન સિલિન્ડરની જેમ તેને વારંવાર રીફિલ કરવાની જરૂર નથી. એટલું જ નહીં લાઈટ ન હોય તો પણ ઈન્વર્ટરની મદદથી તેને ચલાવી શકાય છે.
એક સવાલ એવો પણ થાય કે, ઓક્સિજન કન્સીન્ટ્રેટરથી કોઈ નુકસાન થાય છે?
કોરોનાના ગંભીર દર્દી માટે આ ડિવાઇસથી કોઈ ફાયદો નથી. કારણ કે, આવા દર્દીને પ્રતિ મિનિટ 40થી 50 લીટર ઓક્સિજનની જરૂર હોય છે. એટલું જ નહીં આ ઓક્સિજનની શુદ્ધતા પણ 90થી 95 ટકા હોય છે. જ્યારે ICUમાં ઉપયોગમાં લેવાતો ઓક્સિજન 98 ટકા સુધી શુદ્ધ હોય છે.
હવે એ સમજીએ કે, ઓક્સિજન કન્સીન્ટ્રેટર શા માટે બનાવાયું હતું?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વર્ષ 2015ના રિપોર્ટ મુજબ હૉસ્પિટલમાં દર્દીઓને સતત ઓક્સિજન સપ્લાય મળતી રહે તે માટે આ ડિવાઈસ બનાવી હતી. આ ડિવાઇસ પાંચ વર્ષ કે તેથી વધુ સમય સુધી સતત 24 કલાક ઓક્સિજન સપ્લાય કરી શકે છે.
હવે આ ડિવાઈસની મેઈન્ટેનન્સ કોસ્ટ પણ જાણી લઈએ.
આ ડિવાઇસનું મુખ્ય મેઈન્ટેનન્સ લાઈટ બિલ છે, જે બહુ સામાન્ય હોય છે. આ સિવાય અમૂક વર્ષે ફિલ્ટર અને જાળી બદલવી પડતી હોય છે.
સૌથી મહત્ત્વની વાત, ઓક્સિજન કન્સીન્ટ્રેટરની કિંમત શું હોય છે?
એક સારા ઓક્સિજન કન્સન્ટ્રેટરની કિંમત રૂપિયા 30 હજારથી 60 હજાર સુધી હોય છે. આ ડિવાઈસ મેડિકલના ઈક્વિપમેન્ટ્સ વેચતી દુકાનો પર મળે છે. એટલું જ નહીં આ ડિવાઇસ તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો. જો કે, ઓનલાઈનમાં જુલાઈ સુધી આ ડિવાઈસ આઉટ ઓફ સ્ટોક બતાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.