તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંશોધન:જિનોમ સિક્વન્સ શું છે? કોરોના વાયરસ વિશે તે આપણને શું માહિતી આપે છે?

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: ઉત્સવ પરમાર
 • કૉપી લિંક

થોડા સમય પહેલાં એક મહત્ત્વપૂર્ણ સમાચાર એવા મળ્યા કે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ લેબના વિજ્ઞાનીઓ દ્વારા પ્રવર્તમાન કોરોના વાઇરસના જીનોમ સિકવન્સને શોધી નાખવામાં આવ્યો છે. આ એક અગત્યની ઉપલબ્ધિ છે. સાદા શબ્દોમાં કહું તો વાઇરસનાં મૂળિયાં સુધી જવાનો પ્રયાસ. દુનિયાના દરેક જીવિત પ્રાણી (જો કે વાઇરસની કેટેગરી અલગ છે અને તે RNAનો બનેલો છે)માં જિનેટિક્સ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. સાદા શબ્દોમાં કહું તો DNA શરીરની મૂળભૂત બારાખડી છે – જેમ કોઈ પણ ભાષા માટે ક, ખ, ગ કે ABCD હોય એવી! હવે કોઈ પણ ભાષા તમે જોશો તો ખ્યાલ આવશે આ બારાખડીનાં અલગ અલગ કોમ્બિનેશનથી જ બનેલી છે. ઉદાહરણ તરીકે માંડ 26 અક્ષર ધરાવતી અંગ્રેજી ભાષામાંથી કેટલા સ્પેલિંગ અને વાક્યો બની શકે? તમે આ 26ની બહાર કોઈ અક્ષર અંગ્રેજીમાં જોયો છે? વિશ્વની દરેક ભાષા સાથે આવું છે. એમ DNA કે જનીન દુનિયાના બાયોલોજિકલ મૂળાક્ષરો છે. એડીનાઇન (A), સાયટોસીન (C), ગ્વાનીન (G), થાયમિન (T) આ ચાર બેઝ છે. A જોડે T જોડાય , C જોડે G. (જો કે વાઇરસ RNAનો બનેલો હોઈ તેમાં થાયમિન (T)ની જગ્યાએ યૂરાસિલ (U) હોય છે.) હવે આ જોડીઓ અલગ અલગ ક્રમમાં ગોઠવાઈને અલગ અલગ પ્રોટીન પેદા કરવાના કમાન્ડ આપે. કોઈ સૉફ્ટવેરના કોડિંગ સિસ્ટમની જેમ જ આ સિસ્ટમ કામ કરે છે. તમે અમુક કોડ લખો તો એ પ્રમાણે સૉફ્ટવેર કામ કરે એમ DNAમાં બાયોલોજિકલ ઇન્ફોર્મેશન હોય છે , જે વર્ષોની પ્રક્રિયાથી એની અંદર ભેગી થઈ હોય છે. આ જેનેટિક્સની સમજ જ ઉત્ક્રાંતિની સાબિતી છે. આ જ મૂળભૂત કારણ છે કે બાળકો એનાં મા-બાપ જેવાં કેમ દેખાય છે- મા–બાપની જિનેટિક ઇન્ફર્મેશન આગલી પેઢીમાં આ જ સિસ્ટમથી ટ્રાન્સફર થાય છે. અને કુદરતી રીતે આ સિસ્ટમ એવી રીતે બની છે કે આવા ઇન્ફર્મેશન ટ્રાન્સફરમાં ઓછા લોચા પડે અને જરૂરતના ફેરફાર સાથે માહિતી આગળ વધે. આ જ કારણ છે આપણે હજારો વર્ષો પહેલાંના આપણા પૂર્વજોથી જુદા દેખાઈએ છીએ અને આપણી કદ કાઠી પણ જુદા પ્રકારની છે.

હવે આવી જ સિસ્ટમ વાઇરસ પાસે પણ છે – પણ આપણે જેમ DNAનાં બે દોરડાં હોય એની જગ્યાએ વાઇરસ પાસે એક જ દોરડું હોય છે-જેને RNA કહે છે. જેની અંદર વાઇરસની જેનેટિક ઈન્ફર્મેશન હોય છે. હવે સાદી ભાષામાં જીનોમ એટલે આખા વાયરસની અંદર પથરાયેલી ઇન્ફોર્મેશનનો મોટો નકશો! તમે અમદાવાદના SG Highwayમાં થલતેજ ચોકડીએ ટ્રાફિકમાં ફસાયા હો તો ખાલી ત્યાં ઊભાં ઊભાં ઘરે પહોંચતાં કેટલો સમય લાગશે એનું અનુમાન લગાવવું મુશ્કેલ પડે –પણ ગૂગલ મેપ જોઈને તમને પાકો ખયાલ આવી જાય કે કયા રસ્તે જવાથી જલ્દી પહોંચાશે અને કેટલી વાર લાગશે! મૂળ એક ઓવર ઓલ વ્યૂ મળે તો તમને ડ્રાઇવિંગ વખતે નિર્ણય લેવામાં સરળતા પડે. એમ જીનોમ એટલે વાઇરસનું અખિલ દર્શન – જેમ પોલીસના રજિસ્ટરમાં આરોપીની તમામ માહિતી હોય એવી વાઇરસની માહિતી પણ મળે.

હવે આ માહિતીનું શું મહત્ત્વ? વાઇરસ પોતાનાં સંતાનો બહુ ઝડપથી પેદા કરે છે – મતલબ કે બહુ ઝડપથી જિનેટિક ઇન્ફોર્મેશન આગળ વધે છે. હવે શક્ય છે કે આવી ઝડપમાં વાયરસ પોતાની ABCDનો ઉપયોગ કરીને નવો કોડ બનાવે અને વાયરસના સ્વરૂપમાં થોડો બદલાવ થાય. આ બદલાવને મ્યુટેશન કહે છે. તમને પેલી રમત યાદ હશે- ટેલિફોન! પહેલા માણસના કાનમાં એક વાક્ય કીધું હોય અને છેલ્લા માણસ સુધી આવતાં આવતાં વાક્ય આખું બદલાઈ જાય. બસ, આને જ મ્યુટેશન કહેવાય. વાઇરસમાં આવાં મ્યુટેશન શક્તિશાળી પણ હોય અને નબળાં પણ હોય. શક્તિશાળી મ્યુટેશન કાળક્રમે ટકી જાય અને બાકીનાં રહી જાય. હવે અગત્યની વાત – જો વાઇરસ સ્વરૂપ બદલતો હોય અને એની માહિતી આપણી પાસે સમયસર માહિતી ના હોય તો આપણી રિસ્પોન્સ સ્ટ્રેટેજી ખોટી પડી શકે. કેમ? કેમ કે આપણે જે ટેસ્ટિંગ કરીએ છીએ (rrtPCR) એ વાયરસની જિનેટિક માહિતીના આધાર પર જ કરીએ છીએ – હવે વાયરસનું સ્વરૂપ બદલાયું હોય અને આપણને ખબર ના પડે તો ટેસ્ટિંગમાં પકડાય નહીં. બીજું તેની દવા અને વેક્સિનની શોધનો પાયો પણ આ જ જીનોમ સિકવન્સ પર રહેલો છે. તમે વિચારો કે આ વાઇરસને હરાવવા જીનોમની માહિતી આપણી રણનીતિને ધરમૂળથી બદલી શકે છે. આપણને એ પણ ખબર પડશે કે વુહાનથી દુનિયા ફરવા નીકળેલા વાઇરસે કેટલા વેશ બદલ્યા છે. આ સરખામણીથી વાઇરસ કેટલો શક્તિશાળી છે એ ખ્યાલ આવે છે. આ વાઇરસના ઉદ્ભવ વિશે પણ આપણને જાણવા મળશે. જીનોમ સિકવન્સના આધારે જ વાઇરસની ઉત્પત્તિ પ્રાકૃતિક હોવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે (https://www.nature.com/articles/s41591-020-0820-9) 

દુનિયાના તમામ વિજ્ઞાનીઓ ગ્લોબલ ડેટા બેઝ તૈયાર કરી રહ્યા છે.

એક આડવાત – માણસના જીનોમ સિક્વન્સમાં 3 અબજ જેટલી DNA બેઝ પેર છે. જ્યારે આ વાયરસ અંદાજે 30 હજાર જેટલા બેઝ ધરાવે છે.

કેટલાક ગ્લોબલ જિનેટિક ઇન્ફોર્મેશન પુલમાં આ તમામ ડેટા એકઠો કરાઇ રહ્યો છે. ગુજરાતમાં સિક્વન્સ કરાયેલા જીનોમનો ડેટા  સાર્વજનિક કરવામાં આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ લિંક પર તે જોઈ શકાય છેઃ https://www.ncbi.nlm.nih.gov/nuccore/MT358637.1  

હજી આ ક્ષેત્રે સંશોધન ચાલુ છે. જેમ જેમ માહિતી મળતી જશે તેમ તેમ વાઇરસ સામેની લડાઈમાં આપણી તાકાત વધતી જશે.
(લેખક ફાર્મસિસ્ટ અને 2015 બૅચના IIS ઑફિસર છે તથા હાલ DD ન્યૂઝ, અમદાવાદ ખાતે આસિસ્ટન્ટ ડિરેક્ટર ન્યૂઝ તરીકે કાર્યરત છે.)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો