ગુજરાતમાં છેલ્લા એક માસમાં પોતાની વિવિધ પડતર માગ અંગે અનેક આંદોલન કરવામાં આવ્યાં, જેમાં સરકારે અનેક સંગઠનો સાથે ચર્ચા કરી અને અનેક માગનું નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા. જોકે આંદોલન ઠારવાના પ્રયાસો કરીને આંદોલન નિર્મૂલન સમિતિ દ્વારા અનેક સંગઠનોની અનેક માગો તો સ્વીકારી છે, પરંતુ જે માગો સ્વીકારવામાં આવી છે એમાં ક્યાંક સંગઠનોનો વિરોધ છે અથવા તો તેમની મૂળ માગમાં વચલો રસ્તો કાઢીને અલગ રીતે જ માગ સ્વીકારવામાં આવી છે.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા તારીખ 16 સપ્ટેમ્બરના રોજ સરકાર સાથે બેસીને સંવાદ હાથ ધરવામાં આવ્યો, જેમાં અનેક માગ સરકારે સ્વીકારી લેતાં આગેવાનો દ્વારા મંત્રીઓને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરવામાં આવી હતી. જોકે જે માગ સ્વીકારવામાં આવી એમાં આગેવાનોએ પોતાનો સ્વાર્થ સાધી લીધો હોવાના આક્ષેપ સાથે સરકારી કર્મચારીઓનો વિરોધ ભભૂકી ઊઠ્યો છે. કર્મચારીઓ હવે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના આગેવાનો સામે રોષની લાગણી વરસાવી રહ્યા છે.
કર્મચારીઓનો વિરોધ વાજબી છે, પણ અમે પાણીમાં નથી બેઠાં: ગીતાબા ચૌહાણ
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળનાં પ્રમુખ ગીતાબા ચૌહાણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે એ વાજબી વાત છે, પરંતુ અમે લોકો પાણીમાં બેસી ગયા નથી. મંત્રીઓએ જ્યારે અમારી સાથે ચર્ચા કરી ત્યારે નિયમો પણ બતાવવામાં આવ્યા હતા એટલે નિયમોને આધીન જ અમે તમામ માગો સ્વીકારી છે.
સાતમા પગારપંચમાં કર્મચારીઓને મળતા લાભ અને એની સામે સરકારે મંજૂર કરેલી માગ અને વિસંગતતા
1. એચ.આર.એ.: કર્મચારીના એચ.આર.એ.અનુક્રમે 8%, 16% અને 24% કરવાનો સરકારે નિર્ણય કરી ઠરાવ કર્યો છે.
HRA પરિપત્રમાં મહત્ત્વની વિસંગતતા - મોંઘવારી ભથ્થું જ્યારે 25 ટકાથી વધે ત્યારે 1 : 2 : 3ના પ્રમાણમાં એચ.આર.એ.માં વધારો થાય છે, જે અનુસંધાને જોઈએ તો હાલમાં 8 ટકા, 16 ટકા અને 24 ટકા એચ.આર.એ. આપવામાં આવે છે એમાં વધારો થઈ અને (1 : 2 : 3 મુજબ) એચ.આર.એ. 9 %, 18% અને 27% અમલી થવું જોઈએ એને બદલે સરકારે 8 %, 16 % અને 24 % એચ.આર.એ. જ અમલી કર્યું છે.
એચ.આર.એ.ની વહેંચણી X, Y અને Z કેટેગરી મુજબ આવતા શહેર પ્રમાણે કરવામાં આવી છે. જોકે કઈ કેટેગરીમાં કયું શહેર આવે છે એનો ઉલ્લેખ પરિપત્રમાં હજુ સુધી કરવામાં આવ્યો નથી.
2) શિક્ષણ ભથ્થું સ્વીકાર્યું નથી.
3) મેડિકલ ભથ્થું : મેડિકલ ભથ્થું રૂપિયા 300થી વધારી રૂપિયા 1000 કર્યું હોવાનો સરકારે ઠરાવ કર્યો છે.
4) વાહન ભથ્થું: આ ભથ્થામાં અનુક્રમે 200 , 400 અને 800 રૂપિયા ભથ્થું અપાતું હતું એમાં વધારો કરીને X કેટેગરી માટે 1350 , 3600 અને 7200 કરાયું છે, જ્યારે Y/Z કેટેગરી માટે 900, 1800 અને 3600 કરવાનો સરકારે ઠરાવ કરાયો છે.
વાહન ભથ્થાંની વહેંચણી X, Y અને Z કેટેગરી મુજબ આવતા શહેર પ્રમાણે કરવામાં આવી છે. જોકે કઈ કેટેગરીમાં કયું શહેર આવે છે એનો ઉલ્લેખ હજુ સુધી કરવામાં આવ્યો નથી.
5) સી.એલ.એ. : કર્મચારીઓને હાલ વર્ગ મુજબ અનુક્રમે વાર્ષિક 95, 150 અને 240 સી.એલ.એ.ના લાભ મળે છે, જેમાં વધારો કરીને X કેટેગરી માટે 140, 220 અને 360 સી.એલ.એ. કરવામાં આવી છે, જ્યારે Y/Z કેટેગરી માટે 110, 170 અને 270 સી.એલ.એ. કરવામાં આવી છે.
6) ટી.એ. / ડી.એ./ અન્ય લાભ : જાહેર કરવામાં આવ્યું નથી.
(આ તમામ લાભ વર્ષ 1-1-2016થી આ લાભ લાગુ કરવાની માગ કરવામાં આવી હતી, જેની સામે સરકારે તારીખ 1-10-2022થી લાભ આપવાની જાહેરાત કરી છે.)
(નોંધ - તમામ વિગતો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના હોદ્દેદારો પાસેથી મળેલી માહિતીના આધારે)
આ તમામ માગો એવી તો છે નહિ કે આજકાલમાં ઊભી થઈ હોય, આ તમામ માગો એવી છે કે જેના માટે કર્મચારીઓ છેલ્લાં અનેક વર્ષોથી માગ કરી રહ્યા છે. ગત ચૂંટણી સમયે પણ આ જ બધી માગને કારણે સત્તાવિરોધી ઝુંબેશ ઊભી થઈ હતી અને એ જ માગ માટે ચાલુ વખતે પણ આંદોલનની ભરમાળ જોવા મળી, જોકે વર્તમાન સરકારે આવી મોટા ભાગની માગો સામે વચલો રસ્તો કાઢી આંદોલન ઠારવા પ્રયાસ કર્યા છે તેમ છતાં પણ કર્મચારીઓનો આંતરિક અસંતોષ અને વિરોધ હજુ પણ યથાવત્ છે, કેમ કે મૂળ માગો સંતોષાઈ નથી. આમ, આ વિરોધ આવનારી સરકાર માટે પણ ખતરો ઊભો કરી શકે એમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.