• Gujarati News
  • Dvb original
  • What Are Pandora Papers, Which Indians Are On This List, How Was The Whole Game Done And How Was The Revelation Made? Know Everything

ભાસ્કર એક્સપ્લેનર:પેન્ડોરા પેપર્સ શું છે, કયા ભારતીયોના નામ આ લિસ્ટમાં છે, કઈ રીતે કરવામાં આવ્યો સમગ્ર ખેલ અને કઈ રીતે થયો ખુલાસો? જાણો બધું

15 દિવસ પહેલાલેખક: જયદેવ સિંહ

સચિન તેંડુલકર, પોપ સિંગર શકીરા અને બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેયર સહિત દુનિયાભરના સેંકડો સેલેબ્રિટિઝના બેનામી રોકાણનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઈન્વેસ્ટિગેટિવ પત્રકારોની એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તેને લગતા કેટલાક રિપોર્ટ્સ જારી કર્યા છે.

તેમાં 64 લાખ ડોક્યુમેન્ટ્સ 10 લાખથી વધુ ઈમેઈલ, 30 લાખથી વધુ તસવીરો અને લગભગ 5 લાખ સ્પ્રેડશીટ લીક થયા છે. તેમાં દાવો કરાયો છે કે આ હસ્તિઓએ ટેક્સ બચાવવા અને કેટલાક મામલાઓમાં મની લોન્ડરીંગ માટે આ પ્રકારના બેનામી રોકાણ કર્યા છે. ઈન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ)ના રિપોર્ટ્સને ‘પેન્ડોરા પેપર્સ’નું નામ આપવામાં આવ્યું છે.

પેન્ડોરા પેપર્સ શું છે? પેન્ડોરા પેપર્સમાં કઈ રીતે ખુલાસા થયા છે? આ સમગ્ર ધોખેબાજીનો ખુલાસો કઈ રીતે થયો? આ ખુલાસાઓમાં અત્યાર સુધીમાં કેટલા ભારતીયોના નામ સામે આવ્યા? આવો જાણીએ...

સૌપ્રથમ સમજીએ પેન્ડોરા પેપર્સ શું છે?
પેન્ડોરા પેપર્સ 14 ગ્લોબલ કોર્પોરેટ ફર્મ્સની 1 કરોડ 19 લાખ લીક ફાઈલો છે. આ લીકને પેન્ડોરા પેપર્સનું નામ આપવામાં આવ્યું છે. આ ફર્મ્સે લગભગ 29 હજાર ઓફ ધ સેલ્ફ કંપનીઓ અને પ્રાઈવેટ ટ્રસ્ટ બનાવ્યા. તેને ટેક્સ બચાવવા માટે બનાવાયા હતા. રેકોર્ડ છપાવવા માટે ટેક્સ હેવન દેશોની સાથે સિંગાપોર, ન્યુઝીલેન્ડ અને અમેરિકા જેવા દેશોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. રિપોર્ટ વોશિંગ્ટનના ઈન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICIJ)એ જારી કર્યા છે.

તેમાં કયા લોકોનાં નામ સામેલ છે?
આ લીકમાં 90 દેશોના 330 લોકોનાં નામ છે. તેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન, જોર્ડનના રાજા, અઝરબૈજાનનો એક માલેતુજાર પરિવાર, ઝેક રિપબ્લિકના વડાપ્રધાન, કેન્યાના રાષ્ટ્રપતિ સાથે પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેયર સુધીના લોકોનાં નામ છે.

શું ભારતીય લોકોનાં નામ પણ આ લિસ્ટમાં સામેલ છે?
આ લીકમાં જે ભારતીયોનાં નામ છે, તેમાં સચિન તેંડુલકર સૌથી મોટું નામ છે. સચિનની સાથે તેમના પત્ની અંજલી, સસરા આનંદ મહેતા, બિઝનેસમેન અનિલ અંબાણીની સાથે કેટલાક નેતાઓનાં નામ પણ સામેલ છે. આ સાથે જ નીરવ મોદી, તેની બહેન, કિરણ મજૂમદાર શૉ જેવા બિઝનેસ પર્સન પણ આ લિસ્ટમાં છે. આ સાથે જ એક્ટર જેકી શ્રોફ, ગાંધી પરિવાર સાથે જોડાયેલા સતીશ શર્મા, કોર્પોરેટ લોબિસ્ટ નીરા રાડિયા પણ તેનો હિસ્સો છે.

આ કંપનીઓ અને ટ્રસ્ટ શા માટે બનાવાયા?
પેન્ડોરા પેપર્સની તપાસ પછી એ સામે આવ્યું છે કે અમીરોએ ટ્રસ્ટો દ્વારા વિદેશમાં પોતાની આર્થિક લેણદેણની જાણકારીઓ છૂપાવી. તેમાંથી અનેક અગાઉથી જ આર્થિક એજન્સીઓની નજરમાં છે. તેના 2 મોટા કારણો છે.

  • બહારના દેશોમાં રોકાણ દરમિયાન પોતાની અસલ ઓળખ છૂપાવવા અને વિદેશી સંસ્થાઓથી ખુદને બચાવવા માટે, જેથી ટેક્સ અધિકારીઓની પહોંચથી દૂર રહી શકાય.
  • પોતાની રોકડ, શેર હોલ્ડિંગ, રિયલ એસ્ટેટ અને બાકી રોકાણોને લેણદારો અને કાયદાકીય એજન્સીઓથી બચાવવા માટે

રોકાણ કઈ રીતે કરવામાં આવ્યું?
રોકાણ માટે ઑફશોર કંપનીઓ ઊભી કરવામાં આવી. ઑફશોર કંપનીઝ એ હોય છે, જેનું રજિસ્ટ્રેશન કોઈ બીજા દેશમાં કરવામાં આવે છે અને આ કારોબાર કોઈ બીજા દેશમાં કરે છે. આ કંપનીઓને રજિસ્ટ્રેશન એવા દેશોમાં કરવામાં આવે છે, જ્યાં તેમને બનાવવામાં આસાની થાય છે, એવા કાયદા હોય છે જે કંપનીના માલિકની ઓળખ જાહેર કરવાનું મુશ્કેલ કરી દે છે અને કોર્પોરેશન ટેક્સ ઓછો હોય છે અથવા બિલકુલ હોતો નથી.

આ પ્રકારની મોટાભાગની કંપનીઓ ગુમનામ હોય છે. તેના માલિક કોણ છે, કોના પૈસા લાગેલા છે, જેવી તમામ બાબતો ગુપ્ત રાખવામાં આવે છે. આ કંપનીઓ માત્ર કાગળ પર હોય છે. તેની ન તો કોઈ ઓફિસ હોય છે કે કર્મચારી.

શું ઑફશોર કંપનીઓ બનાવવી ગેરકાયદે છે?
બિઝનેસ માટે ઑફશોર કંપનીઓ બનાવવાનું ગેરકાયદે નથી પરંતુ ઘણીવાર આવી કંપનીઓનો ઉપયોગ ટેક્સની ચોરી અને મની લોન્ડરીંગ માટે કરવામાં આવે છે. આથી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જે લોકોનું નામ આ લિસ્ટમાં છે તેમનો ઉદ્દેશ પણ એ જ હોઈ શકે છે. આ સાથે જ આ લિસ્ટમાં અનેક એવા લોકોનાં નામ છે, જે પબ્લિક ફિગર છે અને ટેક્સ ચોરી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ કેમ્પેનિંગ કરતા રહે છે.

આ સમગ્ર કૌભાંડનો ખુલાસો કઈ રીતે થયો?
પેન્ડોરા પેપર્સ સાથે સંકળાયેલા સમગ્ર ડેટાને વોશિંગ્ટનના ઈન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ)એ જારી કર્યો છે. ICIJ દુનિયાભરના 140થી વધુ મીડિયા ઓર્ગેનાઈઝેશન્સ સાથે મળીને આ ગ્લોબલ ઈન્વેસ્ટિગેશન પર છેલ્લા 2 વર્ષથી કામ કરી રહ્યું હતું. સમગ્ર ઈન્વેસ્ટિગેશનમાં દુનિયાભરના 650થી વધુ પત્રકાર સામેલ હતા.

આ કૌભાંડ કેટલું મોટું છે?
ICIJના અંદાજ પ્રમાણે ઑફશોર કંપનીઓમાં રોકાણ કરાયેલી કુલ રકમ 417.32 લાખ કરોડ રૂપિયાથી લઈને 2384.44 લાખ કરોડ સુધી હોઈ શકે છે.જો કે આ માત્ર અંદાજ છે. અત્યારે ઈન્વેસ્ટિગેશન જારી છે આથી બસ અંદાજ જ લગાવી શકાય છે.

ભારત સરકારે આ સમગ્ર મામલા પર શું કહ્યું છે?
પેન્ડોરા પેપર્સમાં ભારતીયોના નામ આવ્યા પછી ભારત સરકારે નિર્ણય લીધો છે કે આ મામલાની તપાસ કરવામાં આવશે. આ તપાસ અનેક એજન્સીઓનો સમૂહ મળીને કરશે. તેની અધ્યક્ષતા કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)ના ચેરમેન કરશે. સમૂહમાં સીબીડીટી, ઈડી, ભારતીય રિઝર્વ બેંક (RBI) અને આર્થિક ગુપ્તચર યુનિટના પ્રતિનિધિઓ પણ સામેલ હશે.

આ સંસ્થાએ પાંચ વર્ષ અગાઉ લીક કર્યા હતા ‘પનામા પેપર્સ’
આ સંસ્થાએ 5 વર્ષ અગાઉ ‘પનામા પેપર્સ’ લીક કર્યા હતા. તેમાં જણાવાયું હતું કે કઈ રીતે નામચીન હસ્તીઓએ કથિત રીતે સરકારી એજન્સીઓની નજરથી દૂર વિદેશમાં સંપત્તિઓ એકઠી કરી હતી. પનામા પેપર્સમાં પણ અનેક ભારતીયોનાં નામ હતા.