ઈન્સાઇડ સ્ટોરી:શું ખેડૂત આંદોલનને ખાલિસ્તાન સાથે જોડવું પાકિસ્તાનનું કાવતરું હતું?

નવી દિલ્હીએક વર્ષ પહેલાલેખક: રાહુલ કોટિયાલ
  • કૉપી લિંક
કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા બે મહિનાથી દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલન કરી રહ્યાં છે. - Divya Bhaskar
કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા બે મહિનાથી દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલન કરી રહ્યાં છે.

ખેડૂત આંદોલન સાથે જોડાયેલા ઘણા લોકોને તાજેતરમાં જ રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIAએ નોટિસ આપી છે. આ નોટિસ ગત વર્ષે 15 ડિસેમ્બરે નોંધાયેલી એક FIR પર કાર્યવાહી કરતા મોકલવામાં આવી હતી. આ FIR માં આરોપ છે કે શીખ ફોર જસ્ટિસ, બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ, ખાલિસ્તાન ટાઈગર ફોર્સ અને ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ જેવા પ્રતિબંધિત સંગઠન લોકોમાં ભયનો માહોલ બનાવીને સરકાર વિરુદ્ધ વિદ્રોહનું કાવતરું ઘડી રહ્યા છે.

ખેડૂત આંદોલન સાથે જોડાયેલા ઘણા લોકોને તાજેતરમાં જ રાષ્ટ્રીય તપાસ એજન્સી, એટલે કે NIAએ નોટિસ આપી છે.
ખેડૂત આંદોલન સાથે જોડાયેલા ઘણા લોકોને તાજેતરમાં જ રાષ્ટ્રીય તપાસ એજન્સી, એટલે કે NIAએ નોટિસ આપી છે.

FIRમાં એવો પણ આરોપ લગાવાયો છે કે આ તમામ સંગઠન પ્રદર્શનકારોને વિદેશથી પૈસા મોકલી રહ્યા છે, જેથી સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર ન કરી શકાય અને પ્રદર્શનને વેગ મળતો રહે. આ આરોપોની તપાસ માટે NIAએ ખેડૂત આંદોલન સાથે જોડાઈ રહેલા ડઝન લોકોને સાક્ષી તરીકે રજૂ થવા માટે નોટિસ આપી છે. આવું પહેલી વખત નથી બન્યું, જ્યારે દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે જોડાયેલા લોકો પર આ પ્રકારના આરોપ લાગ્યા છે.

થોડાક દિવસ પહેલાં જ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એટર્ની જનરલે એવું કહ્યું હતું કે અમને ઈન્ટેલિજન્સનો રિપોર્ટ મળ્યો છે, જે જણાવી રહ્યો છે કે ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાની ઘૂસી આવ્યા છે. ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાન સમર્થકોના સામેલ થવાના અન્ય એવા ઘણા આરોપ ભાજપના ઘણા નેતા લગાવી ચૂક્યા છે અને ઘણી ટીવી ચેનલમાં પણ આ પ્રકારની વાત ઘણા સમયથી ચાલી રહી છે. પણ હવે ‘ધ ડિસઈન્ફોલેબ’નામની એક ફેક્ટ-ચેક વેબસાઈટે પોતાની તપાસના આધારે દાવો કર્યો છે કે આ તમામ આરોપો પાછળ વાસ્તવમાં પાકિસ્તાનનું કાવતરું છે.

પાકિસ્તાની મીડિયા વિંગનું કાવતરું
‘ધ ડિસઈન્ફોલેબ’ના જણાવ્યા પ્રમાણે, ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાની શક્તિઓનો હાથ હોવાની વાત સૌથી પહેલા પાકિસ્તાનની ‘ઈન્ટર-સર્વિસીઝ પબ્લિક રિલેશન્સ’એટલે કે ISPRના ઈશારા પર ફેલાવાઈ છે. ISPR પાકિસ્તાની સેનાનું મીડિયા વિંગ છે. ભારત વિરુદ્ધ દુષ્પ્રચારની ઘણી પદ્ધતિઓ ISPR અપનાવે છે અને ભારતવિરોધી દરેક સંગઠનને ટેકો આપવાનું કામ પણ કરે છે.

ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાની શક્તિઓનો હાથ હોવાની વાત સૌથી પહેલા પાકિસ્તાનની ‘ઈન્ટર-સર્વિસીઝ પબ્લિક રિલેશન્સ’ એટલે કે ISPRના ઈશારા પર ફેલાવાઈ.
ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાની શક્તિઓનો હાથ હોવાની વાત સૌથી પહેલા પાકિસ્તાનની ‘ઈન્ટર-સર્વિસીઝ પબ્લિક રિલેશન્સ’ એટલે કે ISPRના ઈશારા પર ફેલાવાઈ.

શીખ ફોર જસ્ટિસ, બબ્બર ખાલસા અને ખાલિસ્તાન ટાઈગર ફોર્સ જેવાં પ્રતિબંધિત સંગઠનોને પણ ISPR સમર્થન આપતું રહે છે. આ તમામ સંગઠન ખાલિસ્તાનની માગ અંગે દેશમાં જન સમર્થન ભેગું કરવાની તક શોધતા રહે છે. જોકે ભારતમાં આ સંગઠનોનો કોઈ જનાધાર નથી, આમની જાહેરાત અને અપીલો પર કોઈ ધ્યાન પણ નથી આપતું. ગત વર્ષે જ્યારે પંજાબમાં ખેડૂત આંદોલનની શરૂઆત થઈ તો ‘શીખ ફોર જસ્ટિસ’નામના સંગઠને આને પોતાનો એજન્ડા ચલાવવાની તક રીતે જોયું. સંગઠને જાહેરાત કરી કે આ આંદોલનમાં સામેલ થનારને તે પૈસા આપશે. સંગઠને એવી પણ જાહેરાત કરી કે 15 ઓગસ્ટના દિવસે ખાલિસ્તાની ધ્વજ ફરકાવનારને પણ તેમની તરફથી લાખો રૂપિયાનું ઈનામ અપાશે. ભારતમાં તો ‘શીખ ફોર જસ્ટિસ’ની અપીલોની કોઈ અસર નથી થઈ, પણ પાકિસ્તાન અને ISPRએ આ તકને ઝડપી લીધી.

જૂની તસવીર શેર કરી દુષ્પ્રચાર કરાયો
પંજાબમાં આંદોલન જ્યારે મજબૂત થવા લાગ્યું અને હજારો લોકો રસ્તા પર આવવા લાગ્યા તો પાકિસ્તાને એવી રીતે પ્રચાર કરવાનું શરૂ કર્યું કે આ લોકો ભારતથી અલગ થવા માટે આંદોલન કરી રહ્યા છે. આ સંદર્ભમાં ISPRના દુષ્પ્રચાર કરનાર વીણા મલિકે ત્યારે એક નકલી ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેમાં એક નિંહગ શીખ ખાલિસ્તાનની માગનું પોસ્ટર હાથમાં લઈને જોવા મળ્યો હતો. આ તસવીરને ખેડૂત આંદોલન સાથે કોઈ લેવાદેવા ન હતું અને આ જૂની તસવીર હતી, પરંતુ અહીંથી ખેડૂત આંદોલનને ખાલિસ્તાનની માગવાળું આંદોલન ગણાવનાર વિવાદે જોર પકડ્યું.

ત્યાર પછી ISPR સંબંધિત પાકિસ્તાનના ઘણા લોકોએ પ્રચાર કરવાનો શરૂ કર્યો. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના ઘણા લોકોએ પણ આ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી. પરંતુ આ વિવાદને સૌથી વધુ વેગ ત્યારે મળ્યો, જ્યારે ભાજપ IT સેલના લોકો પાકિસ્તાનના આ કાવતરામાં સામેલ થયા અને તેમણે પણ ખેડૂતોને ખાલિસ્તાની ગણાવતા આ સમાચારોને ફેલાવવાનું શરૂ કર્યું.

પાકિસ્તાની લોકો દ્વારા ખેડૂત આંદોલનને એ રીતે પ્રચારિત કરાઈ રહ્યું હતું કે ભારતમાં લઘુમતી ખુશ નથી, તેથી અલગ દેશની માગ કરી રહ્યા છે. આ દેશને બદનામ કરવા માટે પાકિસ્તાનનું એક કાવતરું હતું, પરંતુ ભાજપના આઈટી સેલે આ વિવાદને સ્વીકારી લીધો, જેથી કેન્દ્ર સરકારને પડકારનાર ખેડૂતોને બદનામ કરી શકાય, જેમાં ભાજપ આઈટી સેલના ઘણાં રાજ્યોના પ્રમુખ પણ સામેલ હતા.