ગ્રાઉન્ડ રિપોર્ટજોશીમઠ દર વર્ષે એક સેમી સરકી રહ્યું છે:46 વર્ષ પહેલાં ચેતવણી આપી હતી, લોકોએ લોન લઈને બનાવેલાં ઘર પડી ગયાં

જોશીમઠએક મહિનો પહેલાલેખક: વૈભવ પલનીટકર

'રાત્રે અચાનક લાગ્યું કે ઘર ધ્રૂજી રહ્યું છે, આખું ઘર નમેલું છે. દીવાલો પર મોટી-મોટી તિરાડો દેખાઈ. મને મારા જ ઘરમાં ઊભા રહેતા ડર લાગી રહ્યો છે. ઘરની નીચેથી પાણી વહેતું હોવાનો અવાજ આવી રહ્યો છે. અમને ખબર નથી કે આ અવાજ ક્યાંથી અને કેવી રીતે આવી રહ્યો છે. હવે મારું 9 રૂમનું ઘર રહેવાને લાયક નથી. ક્યારે પડી જશે એનો કોઈ ભરોસો નથી,'' જોશીમઠ શહેરમાં રહેતી કલ્પેશ્વરી પાંડે આ કહેતાં-કહેતાં રડી પડે છે.

પાડોશમાં રહેતી સરિતા તેને શાંત કરે છે અને પછી તેમની આંખોમાં પણ આંસુ આવી જાય છે. તે કહે છે, 'મારું ઘર પણ બરબાદ થઈ ગયું. ફ્લોરની તમામ ટાઈલ્સ તૂટી ગઈ છે. એવું લાગે છે કે જાણે કોઈ મશીને આખા ઘરને ધક્કો મારી દીધો હોય. 2 જાન્યુઆરીની રાત્રે એવું લાગ્યું કે થોડો ભૂકંપ આવ્યો છે, ખબર નહીં શું થયું, પરંતુ એ પછી ઘરમાં તિરાડો વધવા લાગી.

જોશીમઠ: સરકતું શહેર, લોકોનાં ઘરો સાથે સપનું રોળાયું
ઉત્તરાખંડના જોશીમઠ શહેર અને એની આસપાસનાં ગામડાંમાં 2 જાન્યુઆરી, 2022ની રાત્રે જે બન્યું એ અચાનક જ બન્યું એવું કહેવું થોડું ખોટું હશે. આજે શું થઈ રહ્યું છે એની ચેતવણી 18 સભ્યની એમસી મિશ્રાની કમિટીએ 46 વર્ષ પહેલાં 1976માં જ પોતાના રિપોર્ટમાં જણાવી દીધી હતી.

આ પછી વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જિયોલોજી સહિત અન્ય ઘણી મોટી સંસ્થાઓએ સતત ચેતવણીઓ આપી. જોકે સરકાર કે વહીવટીતંત્રએ તેમને કેટલું સાંભળ્યું કે સ્વીકાર્યું એ આજે સૌની સામે છે.

ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે (NH-7) પર આવેલા ચમોલી જિલ્લાના જોશીમઠમાં પ્રવેશતાં જ મને તિરાડો અને તૂટેલા રસ્તા દેખાય છે. 7મી સદીમાં ઉત્તરાખંડના કટ્યુરી રાજવંશે અહીં રાજધાની બનાવી હતી. આજે અહીંના રસ્તાઓની હાલત એવી છે કે એના પરથી વાહન ચલાવવું શક્ય નથી. ઊભા રહીએ ત્યારે પણ ધરતી ધ્રૂજતી હોય એવું લાગે છે. ગમે ત્યારે ગબડી શકે એવા પથ્થર પર ઊભા હોય એવું લાગે છે.

જોશીમઠમાં ચાલી રહેલા પ્રોજેક્ટ વર્ક જમીન ધસી જવા માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે, તેમ છતાં મશીનો વડે પર્વતો ખોદવાનું કામ ચાલી રહ્યું છે.
જોશીમઠમાં ચાલી રહેલા પ્રોજેક્ટ વર્ક જમીન ધસી જવા માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે, તેમ છતાં મશીનો વડે પર્વતો ખોદવાનું કામ ચાલી રહ્યું છે.

આ વિસ્તારમાં દરેક જગ્યાએ જોરજોરથી રડતી મહિલાઓ જોવા મળે છે, જેઓ માથું પકડીને તેમનાં ઘર બરબાદ થતાં જોવા માટે મજબૂર છે. હું થોડે આગળ ચાલીને આવી જ ગુસ્સા અને રોષ સાથે રડતી મહિલા સાથે વાત કરું છું.

તેનું નામ અંજના દેવી છે. હું કંઈ પૂછું એ પહેલાં જ તેએ કહેવા લાગી, 'આ અમારું ઘર છે, તમે જુઓ, બધે જ મોટી તિરાડો પડી ગઈ છે. સરકારી લોકો અમને પૂછ્યા વિના સીલ મારી રહ્યા છે. મારા ઘરની અંદર બધો સામાન પડ્યો છે, પણ ક્યાં જવું છે એ અમને કોઈ કહેતું નથી.

સરકારના માણસો આવે છે, નામ લખીને લઈ જાય છે, પણ કોઈ કંઈ કરતું નથી. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પાસે આવ્યા અને તિરાડ સાથેના ફોટા પાડીને જતા રહ્યા. આખી જિંદગીની કમાણીનું રોકાણ કરીને ઘર બનાવ્યું હતું, હવે રહેવા જેવું નથી. અમારા રૂપિયા કોણ આપશે?

ચેતવણીઓ, જે ધ્યાનમાં લેવામાં ન આવી, વિનાશ થયો
જોશીમઠ વિસ્તાર હાઈ રિસ્ક ઝોન-5 હેઠળ આવે છે, એટલે કે એક નાનો ભૂકંપ પણ ભારે વિનાશ વેરી શકે છે. 1976માં જ મિશ્રા કમિટીએ જોશીમઠ અને આસપાસના વિસ્તારોને લઈને એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ અહેવાલમાં વિસ્તારનાં વિકાસનાં કામો, રસ્તાના બાંધકામ અને વસતિને લગતી ઘણી મહત્ત્વની બાબતો હતી.

માત્ર મિશ્રા સમિતિ જ નહીં, વર્ષ 2006માં વૈજ્ઞાનિકોની એક ટીમે 'જોશીમઠ લોકલાઇઝ્ડ સબસિડન્સ એન્ડ એક્ટિવ ઇરોશન ઓફ ધ એટી વાલા' નામનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. એમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જોશીમઠ શહેર અને તેની આસપાસના વિસ્તારો, જેમ કે રવિગ્રામ વોર્ડ, કામેટ અને સેમા દર વર્ષે એક સેન્ટિમીટર સરકી રહ્યા છે.

આ પછી વર્ષ 2020માં ભૂસ્તરશાસ્ત્રી અને ઉત્તરાખંડ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર પ્રોફેસર એમપીએસ બિષ્ટ અને પીયૂષ રૌતેલાએ પણ જોશીમઠ વિસ્તાર પર એક અભ્યાસ કર્યો હતો, જે 'કરન્ટ સાયન્સ' માં પ્રકાશિત થયો હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે જોશીમઠ અને તપોવન વિસ્તાર ભૂગોળ અને પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ છે. આમ છતાં આ સમગ્ર વિસ્તારની આસપાસ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. વિષ્ણુગઢ પણ આવો જ એક પ્રોજેક્ટ છે.

સપ્ટેમ્બર 2022માં જ SDRF (સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ) ટીમે વિસ્તારનો સર્વે કર્યો અને 11 મોટાં નાળાંની આસપાસ જમીન ધસી જવાની ચેતવણી આપી હતી. આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે જોશીમઠ ભૂસ્ખલનના કાટમાળ પર વસેલું છે અને અહીં જે રીતે બાંધકામ અને રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે, જેનું વજન જમીન સહન કરી શકશે નહીં.

વાડિયા ઇન્સ્ટિટ્યૂટના ભૂસ્તરશાસ્ત્રી સ્વપ્નમિતા ચૌધરીએ પણ આ વિસ્તારનાં મકાનોમાં પડતી દીવાલો અને ભૂસ્ખલન અંગે એક વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો અને ચેતવણી આપી હતી. તેમનું માનવું છે કે અત્યારે જે જોવા મળી રહ્યું છે એના માટે ઘણાં કારણો હોઈ શકે છે, પરંતુ 2 જાન્યુઆરીએ NTPCના પ્રોજેક્ટ માટે ડ્રિલિંગ દરમિયાન ભૂગર્ભ જળ સ્ત્રોતને થયેલા નુકસાન એ આફતમાં વધારાનું કારણ હોઈ શકે છે.

જોશીમઠ શહેરમાં રહેતા 35 વર્ષીય દિગમ્બર પણ એવું જ માને છે. તેમણે તેના પિતાની અને પોતાની બધી કમાણી ખર્ચીને ઘર બનાવ્યું અને હવે એ ઘર રહેવાલાયક નથી.

સરકારે વળતર આપવું જોઈએ અને વિસ્થાપનની પણ વ્યવસ્થા કરવી જોઈએ
જોશીમઠમાં દુર્ઘટનાની સાથે બીજું દૃશ્ય સ્થળાંતરનું છે. ક્યાંક લોકો તેમનાં ઘરોમાંથી સામાન લઈ જતા જોવા મળે છે તો ક્યાંક સમારકામ કરાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, જોશીમઠમાં 678 મકાનમાં તિરાડો પડી ગઈ છે, પરંતુ વાસ્તવિક સંખ્યા ઘણી વધારે છે. અત્યારસુધીમાં સરકારે માત્ર 81 પરિવારની રહેવાની વ્યવસ્થા કરી છે.

જોશીમઠ શહેરની મ્યુનિસિપલ ઓફિસ પાસેના કોમ્પ્લેક્સ અને પાર્કમાં વહીવટીતંત્ર દ્વારા કેટલાક લોકોને વસાવવામાં આવ્યા છે. હું લોકોને મળવા ત્યાં પહોંચ્યો, રૂમમાં પ્રવેશ્યો અને ચારેબાજુ લોકો ઓછા અને સામાન વધુ દેખાતો હતો.

અહીં હું દીપક રાવતને મળ્યો, તેઓ કહે છે- 'મારું ઘર સિંગરવાર્ડ માઉન્ડ વ્યૂ હોટલ પાસે હતું, એ સંપૂર્ણપણે તૂટી ગયું છે. મારા 10-12 રૂમના ઘરને બદલે મને 1 રૂમ આપવામાં આવ્યો છે, જેમાં મારા પરિવારના 6 લોકો રહે છે. મારા ઘરની કિંમત 1 કરોડ રૂપિયા હતી.

દીપક જોશીમઠ આવતા પ્રવાસીઓ માટે ટેક્સી ચલાવે છે. 2 જાન્યુઆરીની રાત યાદ કરતાં દીપક કહે છે, 'રાત્રે જોરદાર ધડાકાનો અવાજ આવ્યો. મારા ઘરની નજીકની હોટલની બારીઓ ધ્રૂજવા લાગી હતી. જ્યારે હું બહાર આવ્યો તો જોયું કે બે હોટલની ઈમારતો તૂટેલી હતી અને એકબીજાના ટેકે પડી હતી. મારા ઘરમાં પણ તિરાડ પડી, મોટી તિરાડો દેખાઈ છે. અમે રાત્રે જ જરૂરી સામાન લઈને ભાગ્યા. NTPC પ્રોજેક્ટે સમગ્ર જોશીમઠને બરબાદ કરી નાખ્યું છે. અમે લોકો જે ભોગવી રહ્યા છીએ, આ બધું NTPC જેવી કંપનીઓનું કરેલું છે.

દીપકની પત્ની પણ રડવા લાગે છે, પછી કહે છે - જ્યારથી મેં ઘર છોડ્યું ત્યારથી મેં તેમને ફરી જોયા નથી, હવે આખો પરિવાર આ જ રૂમમાં રહે છે. જ્યારે પણ હું આ વિશે વિચારું છું, ત્યારે હું મારી જાતને રડતા રોકી શકતો નથી.

લોકો NTPCને જવાબદાર માને છે
લોકોના જણાવ્યા અનુસાર, જોશીમઠથી લગભગ 8 કિમી નીચે એક જગ્યાએથી ગંદા પાણીનો એક હોલ પડી ગયો છે. પાણીનું આ લીકેજ અગાઉ થયું ન હતું, પરંતુ 2 જાન્યુઆરીની રાત્રે લોકોનાં ઘરોમાં તિરાડ પડી ત્યારથી અહીંથી પાણી વહેવા લાગ્યું છે.

જોશીમઠના રહેવાસી 50 વર્ષીય બલબીર સિંહ રાણાએ પાણીનો સ્ત્રોત જોયો છે. તે કહે છે- 'આ પાણી પહેલાં વહેતું નહોતું, પણ હવે અહીંથી કાદવવાળું પાણી આવી રહ્યું છે અને જો તમે આ પાણીને નજીકથી જોશો તો એમાં તેલ જેવું કંઈક દેખાય છે. જો તમે પાણીમાં કેરોસિન નાખો છો, તો એ ખૂબ રંગીન લાગે છે. આ પાણીમાં રંગબેરંગી પ્રકાશ પ્રવાહ દેખાય છે. એ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ પાણી કુદરતી સ્ત્રોતમાંથી નથી આવી રહ્યું.

જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિના કન્વીનર અતુલ સતી પણ આ પાણી પર શંકા વ્યક્ત કરે છે. સતી કહે છે - 'આ પાણીનો પ્રવાહ પોતે જ કહે છે, જોશીમઠની નીચે ખૂબ જ વિચિત્ર બાબતો થઈ રહી છે.

બીજી શંકા વ્યક્ત કરતા વૈજ્ઞાનિકો
7 ફેબ્રુઆરી, 2021ના ​​રોજ જ્યારે ઋષિગંગા નદીમાં વધારો થયો હતો, ત્યારે એનું પાણી તપોવન પ્રોજેક્ટમાં પ્રવેશ્યું હતું. આ દરમિયાન ઋષિગંગા જઈને ધૌલી ગંગામાં ભળી ગઈ. તપોવન પ્રોજેક્ટની ટનલમાં પાણી પ્રવેશી ગયું છે અને ત્યાં કામ કરતા ઘણા લોકોને હજુ પણ શોધી શકાયા નથી. વૈજ્ઞાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ટનલમાં ઘૂસેલું પાણી હવે જોશીમઠમાં વહી રહ્યું છે. જોશીમઠમાં નીકળતા પાણીમાં માટીનો રંગ એવો છે, જેમ ડેમના નિર્માણ દરમિયાન લાગતો હતો. જો કે એની તપાસ કર્યા વિના કંઈપણ કહેવું મુશ્કેલ છે, પરંતુ પાણીનો રંગ ભૂગર્ભ જળ જેવો નથી.

આ ઉપરાંત વર્ષ 2009માં હેલંગથી લગભગ 3 કિલોમીટરમાં અંતરે NTPCની ટનલમાં એક ટનલમશીન ફસાઈ ગયું હતુ. આ મશીન વડે જમીનની નીચે પાણીનો સ્ત્રોત લીક થઈ ગયો અને લગભગ એક મહિના સુધી પાણી વહી ગયું. જોશીમઠની નીચે જે પાણી છે એ ત્યાં પણ હોઈ શકે છે, તેવી પણ આશંકા છે.

NTPCની ટનલ 12 કિલોમીટર લાંબી હશે, કામ હવે બંધ
નિર્માણાધીન આ 12 કિલોમીટર લાંબી ટનલ સેલગ નામની જગ્યાથી શરૂ થાય છે, જે તપોવન સુધી જશે. અત્યારસુધી માત્ર 8 કિલોમીટરનું જ કામ થયું છે. NTPCનું કહેવું છે કે આ ટનલ મશીન દ્વારા બનાવવામાં આવી છે. અહીં કોઈ બ્લાસ્ટ કરવામાં આવ્યો નથી. હાલમાં આ ટનલનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે.

બીજી તરફ, અતુલ સતી કહે છે, આ પાણી NTPCના તપોવન-વિષ્ણુગઢ હાઈડ્રોપાવર પ્રોજેક્ટની ટનલનું હોઈ શકે છે, પરંતુ NTPC આ આરોપને નકારી રહ્યું છે.

આ બધા આક્ષેપો અને શંકાઓ વચ્ચે જોશીમઠમાં ઘરો બરબાદ થવાની વાતો આપણી નજર સામે વેરવિખેર પડી છે. સપનાંથી બનાવેલાં ઘરો હતાં, લોન લઈને ઘર બનાવ્યાં હતી, નિવૃત્તિના પૈસાથી મકાનો બાંધવામાં આવ્યાં હતાં. હવે કંઈ જ નથી. હવે માત્ર રોષ અને આંસુ બચ્યાં છે અને સરકાર પાસેથી આશા છે કે પુનર્વસન થવું જોઈએ.

હાલમાં સરકારે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, જિયોલોજિકલ સર્વે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા, IIT રૂરકી, વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજી, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઈડ્રોલોજી અને સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોની એક ટીમ બનાવવામાં આવી છે. જે જોશીમઠને બચાવવા માટેની યોજના પર કામ કરશે.

જે લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે તેમના માટે સરકારે રાહત કેન્દ્રો સ્થાપ્યાં છે. જો કોઈ ભાડા પર રહેવા માગતું હોય તો એના માટે આર્થિક મદદની પણ જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્રની ટીમ પહોંચી જોશીમઠ, શહેર 3 ભાગમાં વહેંચાયું, ડેન્જર ઝોનનાં મકાનો તોડી પાડવામાં આવશે
કેન્દ્રની એક ટીમ સોમવારે સાંજે જોશીમઠ પહોંચી હતી અને તેણે નુકસાનની સમીક્ષા કરી હતી. અગાઉ રાજ્ય સરકારે જોશીમઠને ત્રણ ઝોનમાં વિભાજિત કરવાનો નિર્ણય લીધો હતો.
આ ઝોન હશે - ડેન્જર, બફર અને સેફ ઝોન. ડેન્જર ઝોનમાં આવાં મકાનો હશે, જે હવે રહેવા યોગ્ય નથી. આવાં મકાનો તોડી પાડવામાં આવશે.
સેફ ઝોનમાં આવાં મકાનો હશે, જેમાં થોડી તિરાડ હશે અને જેના તૂટવાની શક્યતા ઘણી ઓછી છે. બફર ઝોનમાં આવેલાં એ મકાનોમાં નાની તિરાડો હશે, પરંતુ એનું વધવાનું જોખમ છે.

જોશીમઠ ધાર્મિક રીતે મહત્ત્વપૂર્ણ શહેર છે. ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં કુદરતી આફતો આવી છે. આ ગ્રાફિક્સથી જાણો જોશીમઠનો ઈતિહાસ...

અન્ય સમાચારો પણ છે...