ભાસ્કર એક્સપ્લેનરશું ભારત આવે તો પુતિનની ધરપકડ થઈ શકે છે?:ICCએ પુતિન વિરુદ્ધ જારી કર્યું છે એરેસ્ટ વોરંટ; આખરે તેમને કઈ પોલીસ પકડશે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

17 માર્ચ, 2023ના રોજ, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)એ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ યુદ્ધ અપરાધોના આરોપસર ધરપકડ વોરંટ જારી કર્યું. બીજા જ દિવસે પુતિન યુક્રેનના મારિયોપોલ શહેરની શેરીઓમાં ફરતા જોવા મળ્યા. આ શહેર હવે યુદ્ધ દરમિયાન રશિયાના કબજામાં છે.

ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીશું ICC શું છે, જેણે પુતિન સામે ધરપકડ વોરંટ જારી કર્યું? એનો અર્થ શું છે? પુતિનની ધરપકડ કોણ કરી શકે? શું પુતિન ભારત આવે ત્યારે પણ તેની ધરપકડ થઈ શકે?

પ્રશ્ન 1: શા માટે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે વોરંટ જારી કર્યું છે?
જવાબ
: ICCએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર યુદ્ધ અપરાધોનો આરોપ લગાવ્યો છે. પુતિન પર ગેરકાયદે અને અમાન્ય રીતે યુક્રેનિયન બાળકોને રશિયા લઈ જવાનો આરોપ છે. ICCએ આવું કરવા પાછળ ત્રણ કારણ આપ્યાં છે.

1. વ્લાદિમીર પુતિન પાસે યુક્રેનમાંથી બાળકોનું અપહરણ કરીને તેમને રશિયા મોકલવાની માહિતી હતી.

2. બાળકોના અપહરણના ઘણા મામલામાં પુતિન સીધી રીતે સામેલ હતા.

3. એની જાણ હોવા છતાં પુતિને તેના લશ્કરી અધિકારીઓ અને લોકોને આમ કરવાથી રોક્યા નહીં.

આ આરોપોમાં પુતિન સિવાય ઇન્ટરનેશનલ કોર્ટે રશિયાની ચિલ્ડ્રન્સ રાઇટ્સ કમિશનર મારિયા લ્વોવા-બેલોવા સામે પણ વોરંટ જારી કર્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલને ટાંકીને આઈસીસીએ કહ્યું હતું કે 16,000થી વધુ યુક્રેનિયન બાળકોને રશિયા મોકલવામાં આવ્યાં છે. પુતિન સામેના કેસની તપાસ પાકિસ્તાની મૂળના બ્રિટિશ નાગરિક અને ICCના વકીલ કરીમ અહેમદ ખાન કરી રહ્યા છે.

પ્રશ્ન 2: આખરે ICC શું છે અને એ કેટલી શક્તિશાળી સંસ્થા છે?
જવાબઃ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એટલે કે ICCની શરૂઆત 1 જુલાઈ 2002ના રોજ એટલે કે 20 વર્ષ પહેલાં થઈ હતી. આ સંસ્થા વિશ્વભરમાં થઈ રહેલા યુદ્ધ અપરાધો, નરસંહાર અને માનવતા વિરુદ્ધના ગુનાઓની તપાસ કરે છે. આ સંસ્થા 1998ની રોમ સમજૂતી પર તૈયાર કરવામાં આવેલા નિયમોના આધારે કાર્યવાહી કરે છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું હેડક્વાર્ટર હેગમાં છે. બ્રિટન, કેનેડા, જાપાન સહિત 123 દેશો રોમ સમજૂતી હેઠળ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના સભ્ય છે.

આ કોર્ટની શક્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ સ્લોબોદાન મિલોસેવિકને એને કારણે જેલમાં જવું પડ્યું હતું. ટ્રાયલનો સામનો કરતી વખતે મિલોસેવિક જેલમાં મૃત્યુ પામ્યા. જોકે એ અલગ વાત છે કે પરમાણુ સંપન્ન દેશ રશિયાની સરખામણી યુગોસ્લાવિયા સાથે ન થઈ શકે.

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ તમામ સભ્ય દેશોને આરોપીની ધરપકડ માટે વોરંટ મોકલે છે. ICCનું આ વોરંટ સભ્ય દેશો માટે સલાહ જેવું છે અને તેઓ તેનું પાલન કરવા બંધાયેલા નથી. તેનું કારણ એ છે કે દરેક સાર્વભૌમ દેશ તેની આંતરિક અને વિદેશી બાબતોમાં નીતિ બનાવવા માટે સ્વતંત્ર છે. અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની જેમ ICC પણ દરેક દેશના સાર્વભૌમત્વનું સન્માન કરે છે.

પ્રશ્ન 3: શું ICC વોરંટ જારી થયા પછી પુતિનની ધરપકડ કરવામાં આવશે?
જવાબ
: વ્લાદિમીર પુતિન રશિયા જેવા શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ અને વિશ્વના ટોચના શક્તિશાળી નેતાઓમાંના એક છે. આવી સ્થિતિમાં રશિયામાં રહેતા તેમની ધરપકડ થઈ શકે નહીં, એ લગભગ નિશ્ચિત છે. એવામાં જો પુતિન રશિયાની બહાર અન્ય કોઈ દેશમાં જાય છે તો તેમની અટકાયત થઈ શકે છે. જોકે પુતિનના વિદેશપ્રવાસ પર ઘણા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છે.

આ કારણે તેઓ રશિયાની બહાર અન્ય કોઈ દેશની મુલાકાત લે એવી શક્યતા નથી. જો પુતિન આઈસીસીના સભ્ય દેશોની મુલાકાત લે તો તેમની અટકાયત થઈ શકે છે, પરંતુ પુતિન કદાચ આ ભૂલ ન કરે. તેમના પ્રવાસમાં સામેલ ઈરાન એકમાત્ર એવો દેશ છે, જે ક્યારેય યુએસએસઆરનો ભાગ નહોતો.

અમેરિકા ICCનો ભાગ નથી. આવી સ્થિતિમાં આઈસીસીને યુદ્ધ અપરાધોના પુરાવા આપવાના મુદ્દે બાઈડન પ્રશાસનમાં જ ટકરાવની સ્થિતિ છે. પેન્ટાગોને આઈસીસી સાથે રિપોર્ટ શેર ન કરવાની સલાહ આપી છે. અમેરિકી સંરક્ષણ વિભાગનું માનવું છે કે આમ કરવાથી ખોટો ટ્રેન્ડ શરૂ થશે. આવનારા સમયમાં ICC અમેરિકન નેતાઓ અને અધિકારીઓ સામે પણ આવી કાર્યવાહી કરી શકે છે.

પ્રશ્ન 4: પુતિન ભારત આવે ત્યારે તેમની ધરપકડ કરી શકાય?
જવાબઃ વ્લાદિમીર પુતિન ICC વોરંટ જારી થયા બાદ ભારત આવશે ત્યારે તેમની ધરપકડ કરવામાં આવશે નહીં. આનાં 2 કારણ છે-

1. ભારત ICCના સભ્ય દેશોમાં સામેલ નથી તેમજ ભારતે 1998ના રોમ સમજૂતીમાં સહી કરી નથી. આવી સ્થિતિમાં ICC દ્વારા જારી કરાયેલું વોરંટ ભારત માટે માન્ય નથી.

2. જો ભારત ICCનું સભ્ય હોત તોપણ તે આ આદેશનું પાલન કરવા બંધાયેલું નહોતું. એનું કારણ એ છે કે ICCનું વોરંટ તેના સભ્ય દેશો માટે પણ સલાહ જેવું છે.

આવો જ એક પ્રસંગ 2015માં આવ્યો હતો, જ્યારે સુદાનના તત્કાલીન રાષ્ટ્રપતિ ઓમર હસન અહેમદ અલ-બશીર ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ ભારતમાં યોજાનારી ભારત-આફ્રિકા સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા હતા. એ સમયે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઉમર હસનને કસ્ટડીમાં લઈને તેને સોંપવા જણાવ્યું હતું. હકીકતમાં 2009માં ICCએ સુદાનમાં યુદ્ધ અપરાધોના આરોપમાં બશીર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું.

પ્રશ્ન 5: જો ધરપકડ કરવી મુશ્કેલ છે તો આ વોરંટનો અર્થ શું છે?
જવાબ
: પુતિનની ધરપકડ તો દૂર, ICC માટે એ પહેલાં તેની સામે કાર્યવાહી કરવી પણ ખૂબ મુશ્કેલ છે. આનાં 2 મોટાં કારણ પણ છે-

1. રશિયા ICCનું સભ્ય નથી. આવી સ્થિતિમાં પુતિનની ત્યાંથી અટકાયત કરવી અશક્ય છે.

2. પુતિનને કસ્ટડીમાં લીધા વિના તેની સામે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં કેસ ચાલી શકે નહીં.

ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના નિયમ મુજબ આરોપીની ગેરહાજરીમાં કસ્ટડી વિના કેસની સુનાવણી શરૂ થઈ શકે નહીં.

પ્રશ્ન 6: તો ICC ક્યારેય પુતિનની ધરપકડ ન કરી શકે?
જવાબ
: ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પાસે રાષ્ટ્રપ્રમુખ પદ પર બેઠેલી કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવાની સત્તા નથી. જોકે એવું બની શકે છે કે રાષ્ટ્રપતિ પદ પરથી હટી ગયા બાદ પુતિન જો સભ્ય દેશોના પ્રવાસે જાય તો તેમને કસ્ટડીમાં લઈને ટ્રાયલ શરૂ કરવામાં આવે. જોકે પુતિન આવી ભૂલ કરે એવી શક્યતા નથી. આવી સ્થિતિમાં કસ્ટડીમાં લઈને ટ્રાયલ વિના તેમની ધરપકડની કોઈ શક્યતા જ નથી.

પ્રશ્ન 7: શું ભૂતકાળમાં કોઈએ ICC મુકદ્દમાનો સામનો કર્યો છે?
જવાબ: તેનાં 20 વર્ષના ઈતિહાસમાં આઈસીસીએ તેનો પહેલો અવોર્ડ માર્ચ 2012માં આપ્યો હતો. ICCએ આ નિર્ણય ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના ઉગ્રવાદી નેતા થોમસ લુબાંગા વિરુદ્ધ આપ્યો છે. તેની સામે બાળકોને યુદ્ધમાં મોકલવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ આરોપમાં તેને 14 વર્ષની જેલની સજા થઈ હતી.

ICCએ કોની સામે કેસ ચલાવ્યા છે એ ગ્રાફિક્સમાં જુઓ...