પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા, એટલે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને વિશ્વ પ્રસિદ્ધ મંદિર બનાવવા દાનવીરો પાસે કરોડોનું દાન એકત્ર કર્યું હતું. મંદિર નિર્માણકાર્ય શરૂ થાય એ પહેલાં જ કોરોના મહામારીનો પ્રકોપ શરૂ થયો, જેને કારણે મંદિરના બાંધકામમાં વિલંબ આવ્યો. સંસ્થાને મોટા પ્રમાણમમાં મંદિર માટે દાન તો મળ્યુ પરંતુ, કોરોનામાં અલગથી સંસ્થાએ અંદાજે રૂ. 11 કરોડ જેટલી રકમ જનસેવા એ જ પ્રભુસેવાના સૂત્ર સાથે સંસ્થાએ કોવિડના સમયમાં સેવાકાર્યની શરૂઆત કરી. સંસ્થાના ચેરમેન આર.પી પટેલનું કહેવું છે કે મંદિરમાં ભગવાનની પૂજા-સેવા કરવી, એ જ રીતે હાલના કપરા સમયમાં લોકોની સેવા કરવી એ પણ મોટી અને મહત્ત્વની સેવા જ છે.
હોસ્પિટલ, ઓક્સિજન બેંક ઊભી કરી કોન્સ્ન્ટ્રેટર પૂરાં પાડ્યાં
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા તરફથી ગત વર્ષે લોકડાઉનમાં જરૂરિયામંદોને રાશન કિટનું વિતરણ કરાયું હતું. એ બાદ બીજી લહેરમાં એપ્રિલ માસમાં અમદાવાદના નારણપુરા વિસ્તારના ડી.કે. પટેલ હોલમાં 120 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, જેમાં દર્દીઓને વિનામૂલ્યે કોવિડની સારવાર કરવામાં આવી હતી, જેમાં 500થી વધુ દર્દીઓ સારવાર લઇ ચૂક્યા છે, સાથે-સાથે જ્યારે ઓક્સિજનની માગ ખૂબ મોટા પ્રમાણમાં હતી ત્યારે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી દર્દીઓ માટે બેંક મારફત ઓક્સિજન પૂરાં પાડ્યાં, જેનો 1 હજાર લોકોએ લાભ લીધો હતો. એટલુ જ નહિ, પરંતુ સંસ્થાના USAમાં રહેતા અગ્રણીઓ તરફથી ગુજરાતમાં 1 હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપવામાં આવ્યાં છે, જે રાજ્યના 15 જિલ્લામાં પહોંચાડવામાં આવ્યાં હતાં.
મંદિર નિર્માણમાં એક વર્ષનો વિલંબ થશે, પણ લોકોની સેવામાં તત્પરતા
અમદાવાદના જાસપુર ખાતે કડવા પાટીદાર સમાજનાં કુળદેવી ઉમિયા માતાજીનું વિશ્વનું સૌથી ઊચું મંદિર તૈયાર થવાનું છે. એ માટે ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ એ બાદ કોરોના મહામારીએ જગતને થંભવી નાખ્યું અને લોકડાઉન આવ્યું. એની અસર મંદિરના નિર્માણકાર્ય પર પડી છે. સંસ્થાના હોદ્દેદારો મંદિરનું બાંધકામ શરૂ થયાનાં 5થી 6 વર્ષમાં આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ કરાવાનો લક્ષ્યાંક રાખી રહ્યા છે. જોકે હાલની સ્થિતિને જોતાં મંદિરનું બાંધકામ પૂરું થવામાં વાર લાગશે.
કોરોના અને લોકડાઉનની અસર મંદિરનાં દાન-ભંડોળ પર
મંદિરના શિલાન્યાસ પહેલાં માત્ર રાજ્ય જ નહિ, પરંતુ દેશ અને વિદેશના પાટીદાર સમાજના અગ્રણીઓ અને લોકોએ મોટા પ્રમાણમાં દાનની જાહેરાત કરી હતી. સમગ્ર મંદિરનો પ્રોજેક્ટ રૂ. 1000 કરોડનો છે, જોકે હાલની સ્થિતિની અસર દાન એકત્રીકરણ પર પડી છે. અત્યારસુધી રૂ. 500 કરોડ દાનની જાહેરાત થઇ ચૂકી છે, જે પૈકી રૂ. 150 કરોડ એકત્ર થયા છે. ફાઉન્ડેશનના સંચાલકો કહેવા પ્રમાણે જો કોવિડની વિકટ સ્થિતિ ન આવી હોત તો અત્યારસુધી રૂ. 200 કરોડથી વધુ એકત્ર થઇ ચૂક્યા હોત અને નવા દાનની જાહેરાત પણ થઇ હોત.
શું છે મંદિરની વિશેષતા ?
આ પ્રોજેક્ટ માત્ર મંદિર પૂરતો સીમિત રહેવાનો નથી. 100 વીઘા વિસ્તારમાં તૈયાર થનારા મંદિર પરિસરની સાથે અન્ય આયામો પણ જોડવામાં આવ્યા છે, જેમાં સ્કિલ યુનિવર્સિટી, સ્પોર્ટ સંકુલ, NRI ભવન, કુમાર-કન્યા, વર્કિંગ વુમન હોસ્ટેલ, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ કેન્દ્ર, સામાજિક સંગઠન ભવન તથા સૌથી મહત્ત્વની એવી હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. ફાઉન્ડેશનનો લક્ષ્યાંક છે વૈશ્વિક કક્ષાનું મંદિર પરિસર બને, પ્રવાસક્ષેત્રે ેની ગણના થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.