આજની પોઝિટિવ સ્ટોરી:વીરપુરના ખેડૂત 35 વર્ષથી ફૂલોની ખેતી કરે છે, 5 વીઘામાં વાવેતર કરી મહિને લાખ રૂપિયાની આવક મેળવે છે

રાજકોટ8 મહિનો પહેલા
ડેજી, ગાદલીયા, કલકતી, ગોટી અને મખમલિયો સહિતના ફૂલોની ખેતી કરવામાં આવે છે - Divya Bhaskar
ડેજી, ગાદલીયા, કલકતી, ગોટી અને મખમલિયો સહિતના ફૂલોની ખેતી કરવામાં આવે છે
  • ડેજી, ગાદલીયા, કલકતી, ગોટી ફૂલની ખેતી કરવામાં આવે છે
  • 5 વીઘામાં એક સિઝનમાં એક લાખથી વધુનો ખર્ચ થાય છે

દિપક મોરબીયા, વીરપુર. જગતનો તાત એટલે ખેડૂત જેને અન્નદાતા પણ કહેવામાં આવે છે કારણ કે ખેડૂતો પોતાના ખેતરોમાં દિવસ રાત એક કરીને પોતે વાવેલા પાકની માવજત કરીને અન્નનું ઉત્પાદન કરે છે,પછી એ કોઈપણ પ્રકારની ખેતી કરતા હોય જેવાકે બાગાયતી ખેતી હોય કે પછી સિઝન પ્રમાણના પાકની ખેતી, પરંતુ આપણે આજે રંગબેરંગી ફૂલોની ખેતી કરતા ખેડૂતની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરના પ્રગતિશીલ ખેડૂત બટુકભાઈ ડાભી જેઓ છેલ્લા 35 વર્ષથી રંગબેરંગી ફૂલોની ખેતી કરવામાં માહેર છે. બટુકભાઈએ ડેજી, ગાદલીયા, કલકતી, ગોટી સહિતના ફૂલની ખેતી કરે છે. પાંચ વીઘાની ફૂલની ખેતીમાં એક વીઘે મહિને 20 હજારની આવક થઇ રહી છે.

ફૂલોના રોપના છોડ વાવ્યા બાદ દોઢથી બે મહિનામાં છોડમાં ફૂલો આવવાની શરૂઆત થઈ જાય
ફૂલોના રોપના છોડ વાવ્યા બાદ દોઢથી બે મહિનામાં છોડમાં ફૂલો આવવાની શરૂઆત થઈ જાય

ફૂલના રોપા વાવ્યા બાદ દોઢ મહિને ઉત્પાદન આવે છે
બટુકભાઈ ડાભીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, પોતે પોતાના બાપદાદા વખતથી ફૂલોની ખેતી કરે છે, પોતાની પાંચ વીઘા જેટલી જમીનમાં રંગબેરંગી 4થી 5 પ્રકારના અલગ અલગ ફૂલોનું વાવેતર કરે છે. જેમાં ડેજી, ગાદલીયા, કલકતી, ગોટી અને મખમલિયો સહિતના ફૂલો વાવે છે. ફૂલોના રોપના છોડ વાવ્યા બાદ દોઢથી બે મહિનામાં છોડમાં ફૂલો આવવાની શરૂઆત થઈ જાય છે, અઠવાડિયે તેમજ પંદર દિવસે ખાતર તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે છે. કારણ કે ફૂલોમાં મછી, કીટકો વધારે પડતી આવી જવાથી છોડ સૂકાઈ પણ જાય છે. જેમને લઈને રોપ પણ ફેલ થાય છે.

સિઝનમાં એક કિલોના 60 રૂપિયા મળે છે
બટુકભાઈએ જણાવ્યું હતું કે, ફૂલોની ખેતીમાં આવક પણ સારી મળી રહે છે. કેમ કે, વીરપુર એક યાત્રાધામ હોવાથી અને ખોડલધામ પણ નજીક હોવાથી ફૂલોના હાર બનાવીને વેચાણ કરીએ છીએ. તેમજ જેતપુર અને ગોંડલ પણ પોતે ફૂલોના પાર્સલ કરીને મોકલે છે, ફૂલોની ખેતીમાં એક વીઘે 15થી 20 હજાર રૂપિયા જેટલી આવક મળે છે. ક્યારેક લગ્નપ્રસંગોની સિઝન વધારે હોય તો ફુલોની ડિમાન્ડ વધે છે અને 25 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી કિલોના ભાવે ફૂલોનું વેચાણ થાય છે.

અઠવાડિયે તેમજ પંદર દિવસે ખાતર તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે
અઠવાડિયે તેમજ પંદર દિવસે ખાતર તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે

હાલ લગ્નમાં ગલગોટા, ગાદલીયો અને ડેજી માગ વધારે
હાલના સમયમાં લગ્નપ્રસંગે ગલગોટા, ગાદલીયો અને ડેજી આ ત્રણ ફૂલોની ડિમાન્ડ વધારે રહે છે. જેમાં સારી એવી આવક પણ મળી રહે છે, તો ક્યારેક કોરોનાને લઈને યાત્રાધામો બંધ થયા તો ફૂલો ફેંકી દેવાનો પણ વારો આવ્યો છે. ગયા વર્ષે કોરોનાની બીજી લહેરને કારણે ફૂલો ઉતારીને ફેંકી દીધા હતાં. પરંતુ જો કોઈ ખેડૂતો અન્ય પાકોની સાથે ફૂલોની ખેતી કરે તો ખેડૂતોને સાઈડ ઈન્કમ સારી એવી મળી રહે છે.

ફૂલોમાં મછી, કીટકો વધારે પડતી આવી જવાથી છોડ સૂકાઈ પણ જાય
ફૂલોમાં મછી, કીટકો વધારે પડતી આવી જવાથી છોડ સૂકાઈ પણ જાય

દોઢથી બે ફૂટના અંતરે રોપા વાવવામાં આવે છે
ફૂલની ખેતી વિશે વાત કરતા બટુકભાઈએ આગળ જણાવ્યું હતું કે, હાલ હું જે ફૂલો વાવું છું તેનો એક રોપો 2 રૂપિયાનો આવે છે. ખેતરમાં દોઢથી બે ફૂટના અંતરે રોપા વાવવામાં આવે છે. તેમજ દર બે દિવસે પાણી આપવામાં આવે છે. સામાન્ય કપાસ, મગફળીના વાવેતરમાં અંતર વધારે હોય છે ત્યારે ફૂલની ખેતીમાં બે રોપા વચ્ચેનું અંતર સાવ નજીક હોય છે. અમારે ભાદર ડેમ બાજુમાં હોવાથી પાણી પણ પુષ્કળ પ્રમાણમાં રહે છે. ગુલાબની ખેતી કરતા નથી કારણ કે, રોઝડા અને ભૂંડનો ત્રાસ વધારે રહે છે. રોઝડા ગુલાબના છોડ ખાય જાય છે.

વીરપુર એક યાત્રાધામ હોવાથી અને ખોડલધામ પણ નજીક હોવાથી ફૂલોના હાર બનાવીને વેચાણ કરાય છે.
વીરપુર એક યાત્રાધામ હોવાથી અને ખોડલધામ પણ નજીક હોવાથી ફૂલોના હાર બનાવીને વેચાણ કરાય છે.

લગ્નપ્રસંગમાં ઘરે જ ઓર્ડર મળી રહે છે
બટુકભાઈ પોતાના ફૂલોનું વેચાણ મોટાભાગે વીરપુર જલારામ મંદિરમાં જ કરે છે. પરંતુ હાલ કોરોના મહામારીને કારણે દર્શનાર્થીઓની સંખ્યા ઘટી હોવાથી જેતપુર અને ગોંડલ ફૂલ વેચાણ માટે જાવા દે છે. જ્યારે લગ્નપ્રસંગમાં ઘરબેઠા જ ઓર્ડર મળી રહે છે. બટુકભાઈ ફૂલોના હાર પણ જાતે જ બનાવે છે. લગ્નપ્રસંગમાં ઘરબેઠા મળેલા ઓર્ડરમાં એક કિલોનો ભાવ 100 રૂપિયા સુધી મળે છે. કિલોના ઓછામાં ઓછા ભાવ 20 રૂપિયા મળે છે જ્યારે સિઝન હોય ત્યારે 30થી 40 રૂપિયામાં એક કિલો ફૂલ વેચાય છે. દિવાળીએ એક કિલોના 50 રૂપિયા સુધી મળે છે.

અન્ય સમાચારો પણ છે...