ભાસ્કર ઇનડેપ્થવિપુલ ચૌધરીની ધરપકડથી AAPની ઉત્તર ગુજરાતમાં એન્ટ્રી મુશ્કેલ:પૂર્વ ગૃહમંત્રીએ 12 દિવસ અગાઉ જ ભાજપને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો, પણ મેળ ન પડ્યો

ગાંધીનગર8 દિવસ પહેલાલેખક: નિર્મલ દવે

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને બીજી વખત જેલના સળિયા ગણવાનો વારો આવી ચડ્યો છે. આ વખતે તો એટલી કડક કલમો લગાવાઈ છે, જેમાં હવે વિપુલ ચૌધરી માટે ચૂંટણીનો સમય પણ જેલના સળિયા પાછળ જ વિતાવવો પડશે એવી સ્થિતિ ઊભી થઈ છે.

ભાજપમાં જ રહીને ભાજપને પ્રેશરમાં લાવવાનો પ્રયાસ કરવા માટે અર્બુદા સેનાની રચના કરવી અને ત્યાર બાદ અલગ સંગઠન ઊભું કરી વર્ચસ્વની લડાઈ લડવા માટે વિપુલ ચૌધરીનું સપનું અધૂરું રહ્યું હોય એમ લાગે છે, કેમ કે વિધાનસભાની ચૂંટણી પહેલાં જ વિપુલ ચૌધરીની મની લોન્ડરિંગ જેવા કેસમાં ધરપકડ થઈ છે, ત્યારે આ કેસમાંથી બહાર નીકળવા માટે લાંબો સમય નીકળી જઈ શકે એમ છે.

3 સપ્ટેમ્બરે ભાજપને રીઝવવાનો પ્રયાસ કરાયો હતો
મહેસાણાના વીસનગર ખાતે 3 સપ્ટેમ્બરના રોજ અર્બુદા સેના કાર્યાલયનો ઉદઘાટન સમારંભ હતો, જેમાં હાજર રહેલા વિપુલ ચૌધરીએ ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ હોય તેવા લોકો પોતાના સમાજના લોકોને ઘરડા ઘરમાં મૂકી આવે અને અન્ય સમાજમાં નેતૃત્વ કરવાનો વિચાર કરતા હોય તેવા લોકોની નીતિ ઉઘાડી પાડવાનું નિવેદન કર્યું હતું. વધારામાં તેમણે કહ્યુંં હતું કે ગઈકાલના મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રીના હસ્તે તેમણે ભાજપનો ખેસ પહેર્યો છે. આ સમય દરમિયાન તેમણે ભાજપને રીઝવવાનો પ્રયાસ કરતું એક નિવેદન કરતાં જણાવ્યું હતું કે તેઓ ભાજપમાંથી જ ચૂંટણી લડશે અને વીસનગરથી જ ચૂંટણી લડશે..

ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી પર પ્રતિબંધ ?
આમ આદમી પાર્ટીનું ભલે સુરત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સંગઠન વિસ્તર્યું હોય, પરંતુ ઉત્તર ગુજરાતમાં હજુ એકપણ નેતા એવો નથી કે જે આમ આદમી પાર્ટીનો ઝંડો પકડી શક્યો હોય. આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે વિપુલ ચૌધરીએ થોડા સમય અગાઉ જ દિવ્ય ભાસ્કરને સંકેત આપ્યા હતા. ત્યારે જો વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હોત તો અર્બુદા સેના મારફત આમ આદમી પાર્ટીને ઉત્તર ગુજરાતમાં એન્ટ્રી મળી શકી હોત. જોકે હવે વિપુલ ચૌધરીની ધરપકડ થઈ છે ત્યારે આમ આદમી પાર્ટી માટે વિધાનસભા ચૂંટણી અગાઉ ઉત્તર ગુજરાતમાં એન્ટ્રી લેવી મુશ્કેલ બની ગઈ છે.

વિપુલ ચૌધરી ના હોય તો ભાજપને ફાયદો
વિપુલ ચૌધરી ભલે ભાજપમાં જ છે, પરંતુ તેમની લડાઈ અસ્તિત્વ માટેની છે અને એ જ કારણસર સત્તા સામે તેઓ પડીને પોતાના વર્ચસ્વ માટે ઝઝૂમી રહ્યા છે. એ જ કારણસર સ્વાભાવિક છે કે સત્તા પક્ષ, એટલે કે ભાજપને નુક્સાની વેઠવી પડી શકે છે, પરંતુ હવે જ્યારે વિપુલ ચૌધરીની ધરપકડ થઈ છે ત્યારે સત્તાવિરોધી ભાવના ઊભી થવામાં સમર્થન મળશે નહિ અને જેનો સીધો જ ફાયદો ભાજપને મળી શકે છે.

2017માં જનાક્રોશને કારણે ભાજપે ઉત્તર ગુજરાતની સીટો ગુમાવી હતી
ઉત્તર ગુજરાતના રાજકારણમાં ત્રણ સમાજનો ત્રિપાંખિયો જંગ જોવા મળે છે. ચૌધરી સમાજનું પ્રભુત્વ ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની 33 સીટ પર જોવા મળે છે. એમાં વળી જો ચૌધરી સમાજ ઈચ્છે તો ધરમૂળથી સત્તા બદલવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે એમ છે. ઉદાહરણ તરીકે વર્ષ 2017માં એન્ટીઈન્કમ્બન્સીને કારણે ભાજપને અનેક સીટ ગુમાવવાનો વારો આવી ચડ્યો હતો, જેમાં રાજ્યના પૂર્વ આરોગ્યમંત્રી શંકર ચૌધરીની પણ વાવ વિધાનસભા બેઠક પર હાર થઈ હતી.

જો આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ધરપકડ થઈ હોત તો?
વિપુલ ચૌધરીએ અનેકવાર આપમાં જોડાવવા અંગે સંકેત આપ્યા હતા, પરંતુ તેઓ ભાજપમાં હોવાના જ નિવેદન કરતા હતા. જો તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા બાદ તેમની ધરપકડ થઈ હોત તો આવા સંજોગોમાં આપ માટે આફતરૂપ સ્થિતિ ઊભી થઈ હોત. હવે આમ આદમી પાર્ટી માટે સ્થિતિ એ ઊભી થઈ શકે છે કે આખરે ઉત્તર ગુજરાતમાં એન્ટ્રી લેવી કેવી રીતે ?

પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવામાં હંમેેશાં વિવાદાસ્પદ ભૂમિકા
વિપુલ ચૌધરીને જાણતા હોય તેવા નેતાઓ કહે છે કે વિપુલ ચૌધરી હંમેશાં વિવાદા્પદ ભૂમિકામાં રહ્યા છે. તેઓ જે પક્ષમાં રહેતા તેના વિરોધી પક્ષની હંમેશાં તરફેણ કરતા અથવા તો તેમને મદદ કરી પોતાનું બંધબારણે સમર્થન આપતા હતા. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી તેમજ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તેમના દ્વારા કરવામાં આવેલો પ્રચાર એનાં ઉદાહરણ છે.

ચૌધરી સમાજમાં બે ભાગ થયા અને વિપુલ ચૌધરી ચૂંટણી હાર્યા
ચૌધરી સમાજ એક એવો સમાજ છે, જે હંમેશાં સત્તા મેળવવા માટે મહત્ત્વનો ભાગ ભજવતો સમાજ રહ્યો છે. જેમ જેમ ઉત્તર ગુજરાતમાં બીજા નેતાઓનું પ્રભુત્વ વધતું ગયું એમ એમ અસ્તિત્વની લડાઈમાં વધારો થતો ગયો. આમ, એક જ સમાજના ભાજપ સમર્પિત અનેક નેતાઓ વચ્ચે આંતરિક જૂથવાદ વધતો ગયો એમ એમ વિપુલ ચૌધરીની તાકાતમાં ઘટાડો થતો ગયો. ચૌધરી સમાજમાં આ જ કારણસર બે ફાંટા પડ્યા અને વિપુલ ચૌધરી ચૂંટણી હારી ગયા હતા.

એક સમયના કદાવર નેતા ધીમે ધીમે સામાન્ય થઈ ગયા
એલડી એન્જિનિયરિંગમાં જનરલ સેક્રેટરીથી રાજનૈતિક સફર શરૂ કરનારા વિપુલ ચૌધરી એ સમયે સૌથી તાકાતવર નેતા માનવામાં આવતા હતા. તેમના સમર્થનમાં મોટી જનમેદની રહેતી હતી. જોકે આ સ્થિતિમાં ક્રમશ: બદલાવ આવતો ગયો એમ એમ તેમની લોકચાહના ઘટતી જતી જોવા મળી. આમ, એક સમયના કદાવર નેતામાંથી ધીમે ધીમે તેઓ માર્જિનલ અને પછી સામાન્ય સમર્થન ધરાવતા નેતા બનતા ગયા.

વળતા પાણીની શરૂઆત - પોતાના જ ગામની ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની હાર
તાજેતરમાં યોજાયેલી દૂધસાગર ડેરીની ચૂંટણીમાં પણ વિપુલ ચૌધરીની કારમી હાર થતાં પશુપાલકોએ દૂધસાગરનો તાજ યુવા ચેરમેન અશોકભાઇ ચૌધરીને પહેરાવ્યો હતો. એ બાદ તેમની માદરે વતનમાં પણ હાર થઈ હતી. ચરાડા દૂધ મંડળીમાં વ્યવસ્થાપક કમિટીની 11 સામાન્ય બેઠક અને 2 મહિલા બેઠક એમ કુલ 13 બેઠક માટે 18 ઉમેદવાર મેદાનમાં હતા, જેમાંથી વિપુલ ચૌધરી પેનલના ઉમેદવારોને સૌથી ઓછા 249 મત મળ્યા હતા, જ્યારે અમિત ચૌધરી પેનલની જીત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...