તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • "If A Village Without Drinking Water Spends A Week Behind Bhagwat Instead Of A Check Dam, Then How Can The Water Crisis Be Overcome?"

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જળક્રાંતિના પ્રણેતા મનસુખ સુવાગિયાનો ઇન્ટરવ્યુ:'પીવાનું પાણી ન હોય એ ગામ ચેકડેમને બદલે ભાગવત સપ્તાહ પાછળ ખર્ચ કરે તો પછી જળસંકટ કેવી રીતે દૂર થાય?'

2 મહિનો પહેલાલેખક: ધૈવત ત્રિવેદી
 • કૉપી લિંક
 • 3000થી વધુ ચેકડેમ વડે 300થી વધુ ગામોમાં જળક્રાંતિ સર્જી ચૂકેલા મનસુખ સુવાગિયા ચીંધે છે જળસંકટનો કાયમી ઉપાય
 • તમારા ગામમાં, ઘરમાં પડતા વરસાદનું જળ સંગ્રહિત કરવાની આદત પાડો તો કદી જળસંકટ નહિ આવેઃ મનસુખભાઈ

'આપણાં ઘડવૈયા બંધુ આપણે' જેવી પુરુષાર્થનો મહિમા ગાતી અનેક કાવ્યપંક્તિઓ વાંચવા મળે, પરંતુ એવી પ્રેરક પંક્તિઓનું જીવંત ઉદાહરણ એટલે મનસુખભાઈ સુવાગિયા. સતત તડકો ખાઈને ત્રાંબાળો થઈ ગયેલો ચહેરો, એકવડિયો બાંધો, આંખોમાં વ્યક્ત થતી અધીરપ અને ચાલમાં વર્તાતો વણથક ઉત્સાહ. આ એ વ્યક્તિ છે જેમણે એકલે હાથે 300થી વધુ ગામોની કાયાપલટ કરી છે. પાણીના અભાવે વલખા મારતી હજારો હેક્ટર સુકીભઠ જમીનને એમણે લીલીકુજાર નંદનવન બનાવી દીધી છે. વર્લ્ડ વોટર ડે તો એક દિવસ માટે જળસંચયનો મહિમા યાદ રાખવાનું નિમિત્ત છે, પરંતુ મનસુખભાઈનું સમગ્ર જીવન જળસંચયને સમર્પિત રહ્યું છે. લોકો પોતે જ ફાળો એકત્ર કરે, પોતે જ શ્રમદાન કરે અને પોતાના ગામમાં ચેકડેમ બાંધીને પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે એવી ધગશથી પ્રેરાયેલા જામકા (જિ. જુનાગઢ), પ્રાંસલા, રફાળા (તા. બગસરા), આદિવાસી ગામ ભેખડિયા (તા. ક્વાંટ)થી લઈને મધ્યપ્રદેશના જામલી સુધીના ગામો આ અકલ્પનિય પુરુષાર્થના પુરાવા છે. આ દરેક ગામોમાં મનસુખ સુવાગિયાની પ્રેરણાથી ચેકડેમો બંધાયા છે, ક્યાંક ગાય આધારિત ખેતીના સફળ પ્રયોગો થયા છે. આમાં ક્યાંય સરકાર પાસે હાથ લાંબો થયો નથી કે મોટી ધાર્મિક સંસ્થાઓનો ટેકો લીધો નથી. લોકો દ્વારા લોકો માટે થયેલા આ જનહિતના કાર્યોમાં મનસુખ સુવાગિયા પ્રેરક બળ બની રહ્યા છે. ગુજરાતમાં પાણીની તંગી કાયમી છે. દર ઉનાળે પીવાલાયક પાણીના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જમીનનું ધોવાણ વધતું જાય છે. તળ ઊંડાને ઊંડા જઈ રહ્યા છે. આ દરેક સમસ્યાઓ સાથે જેમણે કાયમ પનારો પાડ્યો છે, એટલું જ નહિ, પોતાની કોઠાસુઝથી દરેક સમસ્યાનું નિરાકરણ પણ શોધ્યું છે એ મનસુખ સુવાગિયા સાથે દિવ્ય ભાસ્કરે જળસંચય અંગે સંવાદ કર્યો હતો.

દિવ્ય ભાસ્કરઃ મનસુખભાઈ, સૌથી પહેલાં તો એ જાણવું છે કે એકલે હાથે તમે આટલું વિરાટ કાર્ય કઈ રીતે પાર પાડી શક્યા છો?
મનસુખ સુવાગિયાઃ પહેલાં તો મારે એ કહેવું જોઈએ કે આ કશું મેં એકલે હાથે નથી કર્યું. એમાં સેંકડો લોકોનો સહયોગ છે. હું એમાં નિમિત્ત બની શક્યો એ ઈશ્વરની કૃપા છે.

વોટર મેનેજમેન્ટ અંગેની આટલી કાબેલિયત તમે કેવી રીતે મેળવી?
હું ફક્ત બાર ધોરણ ભણ્યો છું. એન્જિનિયરિંગ કે મેનેજમેન્ટનો મને કશો અભ્યાસ નથી. હું અત્યાર સુધી જે કંઈ કરી શક્યો અને કરતો રહું છું તેનાં ચાર જ મુખ્ય પાયા છે. અંતઃસ્ફૂરણા, આત્મબળ, જીવનમંત્ર અને સંકલ્પ. આ ચાર થકી જ હું મુશ્કેલ લાગતાં કાર્યો પાર પાડી શક્યો છું. મારી પાસે કોઈ પદ નથી, કોઈ હોદ્દો નથી. હું મારી અંતઃસ્ફૂરણાથી લોકોને ઉપયોગી થાય એવાં કામ પાછળ મારો સમય અને શક્તિ સમર્પિત કરતો રહ્યો છું. ઘર-વ્યવહાર પરિવારજનો સંભાળે છે. મારો વ્યવસાય મારો પુત્ર અને ભાગીદાર સંભાળે છે. હું માત્ર અને માત્ર જળસંચય અને ગૌગ્રામ નિર્માણની જ પ્રવૃત્તિ કરતો રહું છું.

પૂરતો વરસાદ પડે તો પણ ગુજરાતમાં દર વર્ષે ઉનાળામાં જળસંકટ સર્જાય છે તેનું કારણ શું?
પહેલું કારણ એ છે કે, સ્થાનિક પાણીને રોકવાના પ્રયાસો અંગે આપણે બહુ જ બેદરકાર છીએ. તમે જુઓ, જે જે ગામોમાં અમે ચેકડેમ થકી જળક્રાંતિ કરી છે એ એકેય ગામમાંથી પાણીની તંગીના સમાચાર નહિ આવે. કારણ કે એ દરેક ગામોએ સ્થાનિક જળપ્રવાહનો યોગ્ય રીતે સંચય કર્યો છે. જળસંચયનો એ કુદરતી ક્રમ છે. પ્રકૃતિ વરસાદ સ્વરૂપે તમારા ગામમાં જે પાણી મોકલે છે તેનો તમારે સંગ્રહ કરવો જોઈએ. દરેક ઘર પોતાના આંગણામાં, છત પર પડતાં વરસાદનો જળસંચય કરે અને દરેક ગામ પોતાના વિસ્તારમાં પડતાં વરસાદી જળનો કુવા રિચાર્જિંગ, તળાવ નિર્માણ કે ચેકડેમ સ્વરૂપે સંચય કરે તો હું ખાતરી આપું છું કે ગુજરાતનું એકેય ગામ પાણીની તંગી ભોગવે જ નહિ.
પાણીની તંગી સર્જતો બીજો બહુ જ ગંભીર મુદ્દો એ છે કે આખા જગતમાં ભારત એવો દેશ છે જ્યાં જમીનનું સૌથી વધુ ધોવાણ થાય છે. આડેધડ જંગલો કપાતા જાય છે, ખનીજચોરો મનફાવે તેમ વૃક્ષો કાપીને બેરોકટોક જમીન ખોદે છે. ડુંગરો સુદ્ધાં કોરા કરી દીધાં છે. ત્યાં ય વૃક્ષો નથી રહ્યા. આ દરેક બાબતો પ્રત્યે સરકાર જાગૃત નથી અને પ્રજા પોતે હાથ પર હાથ મૂકીને બેઠી રહે છે અને કદીક સરકાર બધું કરશે એવી આશા રાખે છે. આ રીતે તો ઈશ્વર પણ મદદ ન કરી શકે.

તમે હંમેશા જળક્રાંતિ માટે લોકોની સામેલગીરી પર ભાર મૂકો છો તેનું કારણ શું?
આગ લાગી હોય ત્યારે પિચકારી કામ ન લાગે. એ માટે ફાયરબ્રિગેડનો પાવરફૂલ હોઝપાઈપ જ જોઈએ. જે પ્રકારે આપણે પ્રકૃતિ સાથે ચેડાં કર્યા છે, નૈસર્ગિક સંપત્તિનું નિકંદન કાઢ્યું છે એ જોતાં હવે માત્ર સરકારના પ્રયાસોથી કશું વળવાનું નથી. સરકાર બહુ બહુ તો કાયદા બનાવે, યોજના બનાવે, સબસીડી આપે કે પ્રોત્સાહક ઈનામો આપે. ખરેખર તો આ કામ પ્રજાએ જ કરવાનું છે. પ્રજા પોતે જળસંચયના કામમાં જોતરાયેલી હશે, પોતે જ પાવડા-કોદાળીથી માટી ખોદી હશે, પથ્થરો ઉપાડ્યા હશે તો તેને એ ચેકડેમ પોતીકો લાગશે. આટલી સામેલગીરી પછી ઘાસનું તણખલું તોડતાં ય તેેેને વિચાર થશે. લોકો પોતે જ પોતાનું કામ કરે તો જવાબદાર બને એ જ હેતુથી હું જે-તે ગામના સ્થાનિકોને જ આ ભગીરથ કાર્ય માટે આહ્વાન કરતો રહું છું. આ રીતે જ ભારતના 18 લાખ પૈકી 10 લાખ ગામડાં નંદનવન બની શકશે.

લોકોને શ્રમદાન અને આર્થિકદાનમાં જોડવાનો તમારો અનુભવ કેવો રહ્યો?
મેં 300થી પણ વધુ ગામોમાં જળક્રાંતિ, ગાય આધારિત ખેતીના પ્રયાસો કર્યા છે. ક્યાંક તો ચમત્કાર કહેવાય એવી બહુ મોટી સફળતા પણ મળી છે. છતાં મારે કહેવું જોઈએ કે એ અંગે હજુ પણ સોયની અણી જેટલી ય જાગૃતિ કે સભાનતા જોવા મળતાં નથી. એક ગામની કાયાપલટ થાય એ કેટલી મહત્વની અને ઉપયોગી બાબત છે એ તો નિસર્ગના ખોળો ખૂંદી ચૂકેલા કોઈપણને પૂછી જોજો. પરંતુ હજુ ય કેટલીક બાબતો લોકોની જાગૃતિમાં આડે આવતી હોય એમ મને લાગે છે. એમાં ધાર્મિક અંધશ્રદ્ધા અને ઘોર આળસને હું મુખ્ય ગણીશ.

ધાર્મિક અંધશ્રધ્ધા કઈ રીતે લોકજાગૃતિમાં નડતરરૂપ લાગે છે?
તમને ખ્યાલ જ હશે કે ભારતભરમાં ધાર્મિક કાર્યક્રમોમાં લાખો લોકો સંખ્યાબંધ કલાકો આપે જ છે. મંદિરે થતી આરતીમાં રોજ અડધો કલાક લોકો જતાં હોય છે. ભાગવત સપ્તાહમાં અઠવાડિયા સુધી લોકો એકઠાં થાય છે. આ રીતે વપરાતા માનવકલાકોના 25 ટકા પણ જો શ્રમદાન માટે મળે તો પણ એક ગામની પાણીની સમસ્યા હલ થઈ શકે. પરંતુ સામાજિક ઉપયોગિતાના કામ માટે શ્રમદાન કરવાનો મહિમા પણ એટલો જ મહત્વનો, હું તો કહું છું કે વધુ ચડિયાતો લેખાવો જોઈએ.
હું અત્યારે મધ્યપ્રદેશના ભેખડિયા ગામે ચેકડેમના કામે આવેલો છું. મેં હજારો લોકોને બહુ જ નમ્રભાવે પત્ર લખીને સામુદાયિક ઉત્થાનના આ કામમાં શ્રમદાન આપવા આમંત્રણ આપ્યું હતું. એમાંથી ફક્ત 10 લોકો સ્વૈચ્છિક શ્રમદાન માટે અહીં આવ્યા. વધુ આઘાતજનક બાબત એ છે કે, જે ગામોમાં આવા સામુહિક પ્રયાસોથી જળક્રાંતિ થઈ છે ત્યાંથી પણ શ્રમદાન માટે ભાગ્યે જ કોઈ આવે છે.
શ્રમ ખોટી જગ્યાએ વેડફાય છે. નિરર્થક પ્રવૃત્તિઓમાં હજારો લોકો એકઠાં થઈને આખો દિવસ બરબાદ કરી શકે છે, પરંતુ રચનાત્મક કે લોકોપયોગી કામ માટે એક દિવસના ચાર કલાક કાઢવા મુશ્કેલ લાગે છે. આર્થિક દાન પણ મોટાભાગે ધાર્મિક સ્થળોએ જ વપરાય છે.

તો શું ધાર્મિક દાનની પરંપરા ખોટી છે?
એ ખોટું છે એમ હું નથી કહેતો. એ આપણી પરંપરા છે અને એ જળવાવી જોઈએ, પરંતુ જળ, જમીન અને પ્રકૃતિના તત્વો પણ દેવસ્વરૂપ જ છે એ હવે સમજવાની તીવ્ર જરૂર છે. ધર્મસ્થાનોની પેટીમાં દાન નાંખતી વખતે ખચકાટ નથી થતો, એવી જ હોંશથી આપણે જ્યારે સામુદાયિક વિકાસ માટે ખર્ચ કરતાં થઈશું ત્યારે આ જળસંકટનું નિવારણ લાવી શકાશે. પીવાનું પાણી ન હોય એ ગામ ભાગવત સપ્તાહ કે અન્ય ધાર્મિક કાર્યક્રમો પાછળ દોઢ કરોડ રુપિયા ખર્ચી શકે છે. જો એ પૈકી થોડીક રકમ જળસંચય માટે વાપરે તો કદી પાણીની તંગી આવે જ નહિ.
ભારતની ગરીબી અને પછાતપણાંનું એક કારણ ધર્મ વિશેની ખોટી સમજ પણ છે. આપણા વેદોમાં પ્રકૃતિને જ દેવ ગણવાનો મહિમા ગવાયો છે. પરંતુ પુરાણો આવતાં સુધીમાં આપણે તેના મનઘડંત અર્થઘટન કરી નાંખ્યા. પરિણામે આપણે પ્રકૃતિથી દૂર થતાં ગયા, આધુનિકતાના મોહમાં શહેરો ભણી દોરાયા, જેને લીધે ગામડાંઓ ભાંગતાં ગયા. શહેરો પ્રાથમિક કે માળખાગત સુવિધાઓ આપવામાં ટૂંકા પડ્યા એટલે શહેરી જિંદગી બદતર થવા લાગી. સરવાળે આપણે ક્યાંયના નથી રહ્યાં. આ ચિત્ર હવે બદલાવું જોઈએ. ફક્ત મનસુખ સુવાગિયા આ ભગીરથ કાર્ય માટે જીવન સમર્પિત કરી દે એ પૂરતું નથી. દરેક ગામે આવા 10 લોકો તૈયાર કરવા પડશે જે પોતાના ગામની પ્રકૃતિનું, પોતાના ગામના જળ, જમીન, જંગલ, પર્વતનું રક્ષણ કરે, જાળવણી કરે અને સંવર્ધન કરે. આજના સમયની આ તાતી જરૂરિયાત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો