ગ્રાઉન્ડ રિપોર્ટપ્રેમ, બળાત્કાર પછી યુવતીને જીવતી સળગાવી:પીડિતાની બહેને કહ્યું- બહેનની સળગી ગયેલી લાશ જોઈ ત્યારથી મારું જીવન બદલાઈ ગયું, 4 આરોપી જામીન પર બહાર

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુપીના ઉન્નાવની આ વાર્તા પ્રેમથી શરૂ થઈને બળાત્કાર સુધી પહોંચી. આરોપીઓની ધરપકડ કરવામાં આવી, પછી જામીન પર બહાર આવ્યા. ત્યાર બાદ 5 ડિસેમ્બર 2019ના રોજ સવારે યુવતીને જાહેરમાં જીવતી સળગાવી દેવામાં આવી. કથિત પ્રેમી સહિત 5 લોકોની ફરી ધરપકડ કરાઈ, આ ઘટનાને 3 વર્ષ વીતી ગયાં અને તેમાંથી 4 આરોપી જામીન પર બહાર છે.

છેલ્લાં 3 વર્ષથી બળી ગયેલી યુવતીના ઘરની બહાર પોલીસ તહેનાત છે. તેની નાની બહેન પોતાનો અભ્યાસ અને સપનાં છોડીને આ કેસ લડી રહી છે.

બીજી તરફ, આરોપીઓ તરફથી કેસ લડવાની જવાબદારી તેમની બહેન-દીકરીઓએ લીધી છે. તેમણે પોતાના પિતા અને ભાઈઓને બચાવવા માટે પોતાનાં સપનાંનું પણ બલિદાન આપ્યું. આ કેસ એવો છે, જેમાં દીકરીની હત્યા પછી ન્યાય માટે લડી રહેલા કેસમાં દીકરીઓ જ સામસામે છે. મૃત્યુ પહેલાંના યુવતીના અંતિમ શબ્દો...

"હું રાયબરેલી જવા માટે 4 ડિસેમ્બરની સવારે બૈશ્વરા બિહાર રેલવે સ્ટેશન જઈ રહી હતી. ત્યારે શિવમ ત્રિવેદી, શુભમ ત્રિવેદી અને કેટલાક લોકોએ મને ઘેરી લીધા હતા. મને માથા પર લાકડી વડે અનેકવાર મારવામાં આવ્યો હતો, મારા ગળા પર છરી વડે હુમલો કરાયો હતો. તેઓ એક કેનમાં કંઈક લાવ્યા હતા, તે મારા પર રેડ્યું અને આગ લગાવી. હું મારો જીવ બચાવવા ભાગવા લાગી...' આ નિવેદન યુવતીએ મરતાં પહેલાં પોલીસને આપ્યું હતું.

યુવતી સળગતી હાલતમાં 1 કિલોમીટર સુધી દોડી. ત્યાં હાજર રહેલી એક વ્યક્તિએ રવીન્દ્ર પ્રકાશે પોલીસને જણાવ્યું કે જ્યારે તેણે એક સળગતી યુવતીને આવા રસ્તા પર દોડતી જોઈ ત્યારે તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. આવી સ્થિતિમાં પીડિતાએ 100 નંબર ડાયલ કરીને પોલીસને ફોન કર્યો.

પોલીસ પહોંચી અને 90% દાઝી ગયેલી યુવતીને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ. આ પછી તેને કાનપુરની હેલટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. ત્યાં પણ તેની હાલત જોઈને ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા. આ પછી તેને એરલિફ્ટ કરીને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર આપ્યા છતાં તેને બચાવી શકાઈ નહીં. ગામના પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમના પર યુવતી પર બળાત્કારનો આરોપ હતો.

સરકારનાં વચનો, સંઘર્ષ અને રક્ષણમાં પીડિત પરિવારો
સરકારે વળતર તેમજ પરિવારના એક સભ્યને ઘર અને નોકરીનું વચન આપ્યું હતું, જેમાંથી માત્ર મકાનનું વચન જ પૂરું થયું હતું. કેટલાક આરોપીઓ હવે જામીન પર પણ બહાર આવ્યા છે. બળાત્કાર પીડિતાનો છ વર્ષનો ભત્રીજો ઓક્ટોબર 2020થી ઘરેથી ગુમ છે. પોલીસ પાસે મદદ માગી, પણ ન મળી. આરોપી પરિવાર દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાની આશંકા છે.

લખનઉથી લગભગ 70 કિમી અને બિહાર પોલીસ સ્ટેશનથી લગભગ 8 કિમી દૂર હિન્દુનગરમાં સળગી ગયેલી યુવતીનું ઘર છે. મેં ગામમાં પ્રવેશ કર્યો ત્યારે ડાબી બાજુએ એક મંદિર દેખાય છે. અહીંથી લગભગ 50 ડગલાં દૂર પીડિતાનું ઘર ડાબી બાજુએ છે. બંદૂકોથી સજ્જ બે પોલીસકર્મી સામે બેઠા છે. શેડની નીચે બળાત્કાર પીડિતાના વૃદ્ધ પિતા તેમના પૌત્ર સાથે હથોડી અને છીણીથી લોખંડને સીધુ કરવાના કામે લાગ્યા છે.

પીડિત પરિવારની સુરક્ષા માટે બે હથિયારધારી પોલીસ હંમેશાં ઘરની બહાર હોય છે.
પીડિત પરિવારની સુરક્ષા માટે બે હથિયારધારી પોલીસ હંમેશાં ઘરની બહાર હોય છે.

પરિવારનો મોટો દીકરો, જે અગાઉ ક્યાંક બહારગામ રહેતા મજૂરીકામ કરતો હતો તે ગામમાં આવ્યો છે. આ કેસમાં બળાત્કાર પીડિતાની નાની બહેન દ્વારા વકીલાત કરવામાં આવી રહી છે. ઘરમાં નાનું આંગણું છે અને તુલસીનો છોડ વાવેલો છે. પાછળ પાકું ઘર છે. બાકીની ત્રણ બાજુઓ છાણથી ઢંકાયેલી છે.

એક તરફ બળાત્કાર પીડિતાની ભાભી સિલબટ્ટા પર ચટણી પીસી રહી છે. મને અંદર જતો જોઈને પરિવારની સુરક્ષામાં તહેનાત એક પોલીસકર્મી આવીને અંદર બેસી જાય છે. બળાત્કાર પીડિતાની નાની બહેન પણ આવીને સમગ્ર કિસ્સો કહેવાનું શરૂ કરે છે-

પિતા ખેતરમાં કામ અને ભાઈઓ બહારગામ મજૂરી કરે છે. કેટલીક મદદ અમે પણ કરીએ, એ માટે બંને બહેનોએ તેમના અભ્યાસમાં ઘણો સમય પ્રસાર કર્યો. હું અને મારી બહેન પોલીસમાં જોડાવા માગતા હતા. ફિઝિકલ તૈયારીઓ પણ કરી હતી. આ બધું 2017થી શરૂ થયું.

શિવમ ત્રિવેદી અમારા ઘરે આવતો હતો. તેને દીદી સાથે અફેર હતું. જ્યારે તેના પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે અમને ધમકી આપી હતી. શિવમે મારી બહેન સાથે વાત કરવાનું બંધ ન કર્યું. ડિસેમ્બર 2017માં શિવમ દીદીને લગ્નના વચન પર રાયબરેલી લઈ ગયો. ત્યાં તેણે દીદી પર બળાત્કાર કર્યો.

પીડિતાની ભાભી તેના ગુમ થયેલા પુત્રની તસવીર જોતી રહે છે. તે કહે છે કે તેનો પુત્ર ગાયબ થયાને બે વર્ષ થઈ ગયાં છે. હવે તેને મળવાની આશા પણ રહી નથી.
પીડિતાની ભાભી તેના ગુમ થયેલા પુત્રની તસવીર જોતી રહે છે. તે કહે છે કે તેનો પુત્ર ગાયબ થયાને બે વર્ષ થઈ ગયાં છે. હવે તેને મળવાની આશા પણ રહી નથી.

પરિવારજનોનું દબાણ વધતાં બંને ગામમાં પાછાં ફર્યાં. આ પછી શિવમે દીદી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. તેણે ધમકીઓ આપવાનું શરૂ કર્યું કે જો તે તેને છોડશે નહીં તો તો બહેનનો અશ્લીલ વીડિયો વાઇરલ કરી દેશે. એ પછી પિતાએ બહેનને રાયબરેલીમાં ફોઈના ઘરે મોકલી.

શિવમે ફરી પીછો કરવાનું શરૂ કર્યું અને દીદીને રાયબરેલીમાં એક મંદિરમાં મળવા બોલાવ્યા. અહીં ગામના વડાના પુત્ર શિવમ અને શુભમે દીદી પર ગેંગરેપ કર્યો. અમે રાયબરેલીના લાલગંજ પોલીસ સ્ટેશનમાં 2018માં બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. જે દિવસે તેને જીવતી સળગાવી દેવામાં આવી હતી એ દિવસે તે આ જ કેસની દલીલ કરવા રાયબરેલી જઈ રહી હતી.

આમ કહેતાં પીડિતાની બહેનના ચહેરા પર દર્દ દેખાતું હતું. કદાચ તેણે આ કિસ્સો ઘણી વખત અને એટલા બધા લોકોને કહ્યો છે કે હવે તેનો ગુસ્સો અને લાગણીઓ તેની બહેન પરના અત્યાચારનો જવાબ આપવા લાગ્યા છે.

ખોવાયેલા બાળકને કોઈ શોધી રહ્યું નથી
પીડિતાની બહેને મને આ બધી વાત જણાવતાં ડિસેમ્બર 2019ની સવારના સમયની ઘટનાની માહિતી આપી. પીડિતાની બહેને કહ્યું, જ્યારે મેં પહેલીવાર મોટી બહેનની સળગી ગયેલી લાશ જોઈ ત્યારથી મારું જીવન બદલાઈ ગયું છે. કેસની દલીલ કરવા માટે ક્યારેક ઉન્નાવ તો ક્યારેક રાયબરેલી જવું પડે છે. દર મહિને પાંચથી આઠ વખત કોર્ટમાં તારીખ હોય છે.

ક્યારેક આવતાં-જતાં એવું લાગે છે કે કોઈ તેની પાછળ આવે છે. પોલીસકર્મીઓ આ વાત માનતા નથી. પોલીસ પણ હવે મારા ભત્રીજાને શોધી રહી નથી. મેં ગ્રેજ્યુએશન કર્યું છે. પોલીસફોર્સમાં જોડાવાનું મારું સપનું હતું, હવે તે ક્યારેય પૂર્ણ થશે નહીં. સરકારે કહ્યું હતું કે ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા આરોપીઓને જલદી સજા કરવામાં આવશે. ત્રણ વર્ષ વીતી ગયાં અને કાર્યવાહી હજુ ચાલુ છે.

આરોપી જામીન પર બહાર આવ્યો હતો. મને મારાં માતા-પિતાને મારી નાખવાની ધમકીઓ મળતી રહે છે. ત્રણ વર્ષમાં ઘરમાં ત્રણ મોટા અકસ્માતો થયા. મારી બહેનની હત્યા કરી ભત્રીજો હજી જીવતો હોવાની કોઈ આશા નથી. આ સમસ્યાઓમાં મારો નાનો ભાઈ બીમાર પડ્યો. તેમનું પણ મૃત્યુ થયું હતું. હું દરેકને ગુમાવી રહી છું, હવે મારા જીવનનો એકમાત્ર ઉદ્દેશ ગુનેગારોને સજા અપાવવાનો છે.

પોલીસ તો ભૂલી ગઈ, હવે અમે કેટલું શોધીએ
જ્યારે પીડિતાની બહેન ચૂપ રહે છે ત્યારે પાછળથી ભાભીના રડવાનો અવાજ આવવા લાગે છે. આ તે માતા છે, જેનું 6 વર્ષનું બાળક ગુમ થયું છે. હવે કોઈ તેને શોધતું નથી. વાદળી સાડીમાં બેઠેલી માતા રડે છે અને કહે છે- 'હવે મેં મારા પુત્રને જીવતો જોવાની બધી આશા ગુમાવી દીધી છે.

2 ઓક્ટોબર 2020ના રોજ બપોરે જમ્યા પછી રમવા માટે બહાર ગયો હતો. સાંજના 4 કે 5 વાગ્યા હતા. રમતાં-રમતાં તે ઘરથી થોડે દૂર એક દુકાને ગયો. ત્યાર પછી તેને કોઈએ જોયો નથી. બે વર્ષ થઈ ગયાં. પોલીસે શોધખોળ બંધ કરી દીધી છે, અમે શોધતા જ રહીએ છીએ. ક્યાં સુધી શોધવાનું છે. ખબર નથી તે ક્યાં હશે. આટલું કહીને તે ફરી રડવા લાગે છે, પછી ઊભી થઈને ઘરની અંદર જતી રહે છે.

પીડિતાના પિતા પાસે જ બેઠા છે. કદાચ બહારનું લોખંડ સીધું કરવાનું કામ પૂરું થઈ ગયું છે કે પછી પુત્રવધૂને રડતી જોઈને અંદર આવ્યા છે. તેઓ નારાજગી સાથે કહે છે- 'સરકારે કહ્યું હતું કે સજા જલદી મળશે, પરંતુ તેઓ મુક્ત થઈને બહાર આવ્યા છે. મારા પૌત્રનું અપહરણ કરવામાં આવ્યું છે. આ બધું પૂરું થશે ત્યારે હું મારી દીકરીના લગ્ન કરાવીશ. જો એ જતી રહેશે તો આ કેસ કોણ લડશે.

નજીકમાં બેઠેલી પીડિતાની માતા કહે છે- 'સરકારે વચનો આપ્યાં હતાં, પરંતુ આજ સુધી દીકરીને નોકરી મળી નથી. અમારો પૌત્ર પણ અમારાથી દૂર થઈ ગયો. ઓછામાં ઓછું પોલીસે તેને શોધી કાઢવો જોઈએ. તેની આંખોમાં પણ આંસુ દેખાવા લાગ્યાં. દરેક વ્યક્તિ શાંત થઈ જાય છે. હવે કહેવા માટે કોઈ દુ:ખ બાકી નથી. મને બહાર છોડતા સમયે તેઓ કહે છે - તમે આ કેસને આગળ સુધી લઈ જાઓ. હું દિલાસો આપીને બહાર આવું છું.

બીજી દુનિયા અને અન્ય દુ:ખો
બળાત્કાર પીડિતાના ઘરની બહાર નીકળ્યા પછી હું આરોપીઓના ઘર તરફ વળું છું. પીડિતાના ઘરથી લગભગ બસો મીટર દૂર જમણી બાજુની ગલીમાં જતાં એક લાઇનમાં બાજુમાં આરોપીઓનાં ઘર છે. હું પહેલા પીડિતાને સળગાવી દેવાના આરોપી હરિશંકર ત્રિવેદીને મળું છું. તે આ ગામના વડા પણ રહી ચૂક્યા હોવાનું વાતચીતમાં જાણવા મળે છે. જ્યારે આ ઘટના બની ત્યારે તેમની પત્ની ગામનાં પ્રમુખ હતાં.

હરિશંકરનું કહેવું છે કે જે પરિવાર અમારા પર ઘણો આરોપ લગાવી રહ્યો છે તેમને અમે મદદ કરી હતી. 5 ડિસેમ્બર 2019ના રોજ સવારે હું ઘરે સૂતો હતો. ત્યાર બાદ પોલીસ ઘરમાં ઘૂસી મારા પુત્ર શુભમને લઈ ગઈ હતી. અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે અમને કંઈ કહેવામાં આવ્યું નહોતું.

બપોરે અમને કહેવામાં આવ્યું કે અમારા પર યુવતીને સળગાવીને મારી નાખવાનો આરોપ છે. આ પછી હું, મારો પુત્ર, પાડોશી ઉમેશ બાજપાઈ અને શિવમ, જે પહેલાંથી જ બળાત્કારના કેસમાં આરોપી છે, તેના પિતા રામકિશોરને જેલમાં મોકલવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલાં જ શિવમ સિવાય પછી 29 મહિના પછી અમને જામીન મળ્યા હતા.

દીકરીની હત્યા થઈ, હવે બંને તરફથી માત્ર દીકરીઓ જ કેસ લડી રહી છે
જ્યારે હું આરોપી હરિશંકર સાથે વાત કરી રહ્યો હતો ત્યારે તેની મોટી પુત્રી ઋચા ત્રિવેદી અને ઉમેશ બાજપાઈની બહેન પ્રીતિ પણ ત્યાં આવી હતી. અહીં મને ખબર પડી કે જ્યારે ઘરના બધા પુરુષો જેલમાં ગયા ત્યારે આ દીકરીઓએ ઘર ચલાવવાની અને કેસ લડવાની જવાબદારી સંભાળી હતી.

હરિશંકર ત્રિવેદીની ઉંમર લગભગ 52 વર્ષ છે. ઘરમાં પત્ની, ત્રણ પુત્રી અને એક પુત્ર શુભમ છે. શુભમ બળાત્કાર કેસ અને જીવતા સળગાવવાના કેસમાં આરોપી છે. હરિશંકર પોતે આગ લગાવવાના કેસમાં આરોપી છે. રિચા બોલતાંની સાથે જ રડવા લાગે છે. પછી આંસુ લૂછતાં તે કહે છે-

'મારા પિતા અને ભાઈ જેલમાં ગયા પછી હું ઘરમાં સૌથી મોટી હતી. મારે મારી સંભાળ લેવાની હતી, મારે મારી માતાની સંભાળ રાખવાની હતી, મારે મારી બહેનોને ભણાવવાની હતી. વકીલોએ અમારો કેસ લેવાનો ઇનકાર કર્યો હતો. હું ત્યારે એ સમયના ધારાસભ્ય હૃદય નારાયણ દીક્ષિત પાસે ગઈ. તેમનાથી CBI તપાસની માગ કરી, પરંતુ કોઈ અમારી વાત સાંભળતું નહોતું. બધા કહેતા, તારો ભાઈ બળાત્કારી છે. તમારા પિતા ગુનેગાર છે. હું ભણીને ટીચિંગ લાઈનમાં જવા માગતી હતી.

મેં બેઝિક ટ્રેનિંગ સર્ટિફિકેટ (BTC) કર્યું છે. TETની પરીક્ષા આપવાની હતી, પણ આપી શકી નહીં. અગાઉ હું ક્યારેય ગામની બહાર એકલી ગઈ ન હતી, પરંતુ મારા પિતા અને ભાઈ માટે ગામથી લખનવ, ઉન્નાવ અને રાયબરેલી સુધી એકલી ગઈ. હડતાળ પર જવું પડ્યું. ક્યારેય વિચાર્યું નહોતું કે મારે આટલું બધું સહન કરવું પડશે. હવે મારા ભાઈ અને પપ્પા મુક્ત થઈ ગયા છે એટલે હું મારા અભ્યાસમાં ધ્યાન આપી શકીશ. આ કહેતાં રિચા પોતાના આંસુ લૂછતી રહે છે.

પ્રીતિ પણ નજીકમાં જ હાજર છે. ઋચા પછી તે કહે છે, ભાઈ ઉમેશ બાજપાઈને પણ બળાત્કાર પીડિતાને સળગાવીને મારી નાખવા માટે જેલમાં મોકલવામાં આવ્યો હતો. પરિવારના તમામ પુરુષો જેલમાં ગયા હોવાથી તેણે રિચા સાથે કેસ લડવાનું શરૂ કર્યું.

તે કહે છે- અમે સવારે ઘરેથી નીકળતા હતા અને ક્યારેક 10 વાગ્યા સુધી તો ક્યારેક રાત્રે 11 વાગ્યા સુધી પાછા ફરતા હતા. ભાઈના જેલમાં જવાને કારણે ઘરમાં આર્થિક સમસ્યા સર્જાઈ હતી. ઘરમાં તે એકલો જ કમાતો હતો, અમારે લોકો સામે હાથ ફેલાવવા પડતા હતા.

શિવમને જામીન મળ્યા નથી, પરિવારજનોએ વાત કરવાનો ઈનકાર કર્યો
​​​​​​​
આ બંને કેસના મુખ્ય આરોપી શિવમ ત્રિવેદીને જામીન મળવાના બાકી છે. તેમનું ઘર હરિશંકરના ઘરથી લગભગ 10 ડગલાં દૂર છે. હું શિવમની માતાને મળું છું. તે કહે છે કે અમે આ વિશે કોઈની સાથે વાત કરવા માગતા નથી. હું પ્રયત્ન કરું છું, પરંતુ તેમણે ફરીથી ઇનકાર કર્યો હતો.

બંને પક્ષોની વાત સાંભળ્યા બાદ હું પોલીસ પાસેથી આ અંગે જાણવા માગું છું. સવાલ એ હતો કે બંને કેસ પોતપોતાની જગ્યાએ છે, પરંતુ પોલીસ પીડિતાના ભત્રીજાને કેમ શોધતી નથી. જ્યારે મેં એસપી સિદ્ધાર્થ શંકર મીનાને પ્રશ્ન કર્યો તો તેમણે કેમેરા પર કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો.

આ બંને કેસ કોર્ટમાં હોવાનું કહેવાય છે. બાળક અંગે તેઓ કહે છે કે તેઓ જાણે છે કે હિન્દુનગરમાંથી એક બાળક ગુમ છે. કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ ટીમ તેને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...