ભાસ્કર એક્સક્લૂસિવકિરણ પટેલ મહાઠગ છે તેની તમને ખબર હતી?:કિરણને પહેલીવાર ક્યારે અને ક્યાં મળ્યા? તમારો દીકરો અમિત કાશ્મીરમાં શું કરતો? વાંચો હિતેશ પંડ્યાના ચોંકાવનારા ખુલાસા

ગાંધીનગર2 મહિનો પહેલાલેખક: નિર્મલ દવે
  • કૉપી લિંક

મહાઠગ કિરણ પટેલનાં એક પછી એક કારસ્તાન બહાર આવી રહ્યાં છે. પીએમઓના અધિકારી બનીને ઝેડ+ સિક્યોરિટીની સાથે વીઆઈપી ફેસિલિટી મેળવનાર કિરણ પટેલ હાલ કાશ્મીર પોલીસની કસ્ટડીમાં છે. કિરણ પટેલ સાથે સંબંધને લઈને અનેક અધિકારીઓ અને નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. જેમાં કિરણ પટેલની જ્યારે કાશ્મીરમાં ધરપકડ થઈ ત્યારે અમિત પંડ્યા નામનો યુવક પણ તેની સાથે હતો. કિરણ પટેલ સાથે દીકરા અમિત પંડ્યાનું કનેક્શન બહાર આવતાં તેના પિતા અને મુખ્યમંત્રીના પીઆરઓ હિતેષ પંડ્યાએ રાજીનામું આપી દીધું છે.

હિતેષ પંડ્યા દાવો કરી રહ્યા છે કે તેમના પરિવારના કિરણ પટેલ સાથે બહુ ખાસ સંબંધ નથી. દિવ્ય ભાસ્કરે મહાઠગ કિરણ પટેલની સોશિયલ મીડિયા પ્રોફાઈલનું એનાલિસિસ કર્યું હતું, જેમાં કિરણ પટેલની અમિત પંડ્યા સાથે અનેક તસવીરો જોવા મળી હતી. કિરણ પટેલ સાથે પંડ્યા પરિવારનું કનેક્શન જાણવા માટે અમુક તસવીરો પર નજર કરીએ...

તસવીર-1: આ પોસ્ટમાં અમિત પંડ્યા સાથેના ફોટાના કેપ્શનમાં કિરણ પટેલ લખે છે Amit Dosti is....? જેની કમેન્ટમાં અમિત પંડ્યાનાં માતા આશાબેન પંડ્યા લખે છે Dosti means Dosti+i

તસવીર-2: કિરણ પટેલ ગોવાના બાગા બીચ પરની પોતાની તસવીર પોસ્ટ કરી છે. જેની કમેન્ટમાં કિરણ પટેલને ટેગ કરીને હિતેશ પંડ્યા લાઈક કરે છે. આજ પોસ્ટમાં કિરણ પટેલ ફરી હિતેશ પંડ્યાને ટેગ કરીને ટેટ્ટુ સાથેનો પોતાનો બીજો ફોટો પોસ્ટ કરીને લખે છે..Uncle..How About This...?

તસવીર-3: જેમાં એક ખુલ્લા વાહનમાં કિરણ પટેલ અને અમિત પંડ્યા જોવા મળી રહ્યા છે. જેના કેપ્શનમાં લખે છે Joy Ride!

તસવીર-4: એક વાહનમાં કિરણ પટેલ જોવા મળે છે ફેસબુક પર પોસ્ટ કરી છે. જેમાં હિતેષ પંડ્યાએ કોમેન્ટ કરતા લખ્યું છે વાહ બંસીલાલ. જેના જવાબમાં કિરણ પટેલ કહે છે આપના આશીર્વાદ જ હંમેશાં.

બંનેની આ તસવીરો ઘણું કહી જાય છે. આખરે આ બાબતમાં સત્યતા શું છે એ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમે હિતેષ પંડ્યાનો સંપર્ક કર્યો હતો. ટેલિફોનિક વાતચીતમાં તેમણે ટૂંકમાં પોતાનો પક્ષ રજૂ કર્યા બાદ દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની વાત રાખવાનો પ્રયાસ કર્યો હતો. ગાંધીનગરના સેક્ટર 20 સ્થિત સરકારી બંગ્લોઝ ખાતે રહેતા હિતેષ પંડ્યાના નિવાસ સ્થાને તેમની સાથે સમગ્ર કેસ અંગે વાતચીત થઈ હતી. "હાશ" બંગલો ખાતે હિતેષ પંડ્યા સાંજના ચારેક વાગ્યાના સુમારે હાજર હતા એ સમયે તેમણે દિવ્ય ભાસ્કર સમક્ષ વાતચીત કરી હતી.

73 વર્ષીય હિતેશ પંડ્યા છેલ્લાં ૨૩ વર્ષથી મુખ્યમંત્રીના જનસંપર્ક અધિકારી તરીકે સેવા આપતા હતા. મોભાવાળા પદ પર ફરજ બજાવતા હિતેષ પંડ્યાના દીકરા અમિત પંડ્યા અને તેના મિત્ર કિરણ પટેલની કરતૂતને કારણે જ્યારે નીચાજોણું થયું છે ત્યારે તેમણે રાજીનામું આપી દેતા તેમના નામ પર ઊછળેલા કાદવ પર તેમણે પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે. આખરે હિતેષ પંડ્યાએ પોતાના પુત્ર અમિત અને કિરણ પંડ્યા વિશે શું કહ્યું ? આવો જાણીએ...

સવાલ: તમે કિરણ પટેલને કેટલાં વર્ષથી ઓળખતા હતા?
હિતેષ પંડ્યા: કિરણ પટેલને વર્ષ 2004થી જ્યારે મારા દીકરા અમિત સાથે જોબ કરતો હતો ત્યારથી ઓળખતો હતો.

સવાલ: પહેલીવાર કિરણ પટેલને ક્યારે અને ક્યાં મળ્યા હતા? કેવી રીતે સંબંધ પ્રસ્થાપિત થયો?
હિતેષ પંડ્યા: એ અત્યારે યાદ ન હોય. વર્ષ 2004 એટલે 19 વર્ષ થયાં. એવી રીતે ખબર ના હોય.

તમારા અને તમારા પરિવારના કિરણ પટેલ સાથે કેવા રિલેશન છે?
જસ્ટ પરિચિત હોય એવા સંબંધો જ છે.

કિરણ પટેલ અને અમિત પંડ્યા એકબીજાના જીગરજાન દોસ્ત હોવાના દાવા કરે છે, આમાં શું સચ્ચાઈ છે?
આમાં તમે જે કાંઈ પણ કહો છો એમાં મને બહુ આઈડિયા નથી કે તમે આ ક્યાંથી લાવ્યા. એટલે હું તેના પર કોઈ કમેન્ટ નહીં કરી શકું.

તમારા અને તમારાં પત્ની આશાબેન દ્વારા અનેક વખત સોશિયલ મીડિયામાં કિરણ પટેલના ફોટા પર લાઈક-કમેન્ટ કરવામાં આવી હતી. આ અંગે શું કહેશો?
ફેસબુક-સોશિયલ મીડિયામાં તો ગમે તે લાઈક કરતા હોય. એટલે એનો મતલબ એ ન થાય કે ગાઢ પરિચય થઈ ગયો. મારા 5 હજાર ફોલોઅર્સ છે. મારા ફોટા પર રેગ્યુલર હજાર-હજાર લાઈક મળે. એનો મતલબ એ નહીં કે હું બધાને ઓળખતો હોઉં. લાઈક અને આને કોઈ નિસબત નથી. લાઈકમાં તો બધાએ ટીક ટીક કરી દેવાનું હોય, એ કરી નાખતા હોય. સારો ફોટો જોયો તો ટીક કરી દે.

CMOના ભૂતપૂર્વ PRO હિતેષ પંડ્યા
CMOના ભૂતપૂર્વ PRO હિતેષ પંડ્યા

તમે કિરણ પટેલના ઘરે ક્યારેય ગયા છો?
ના. નથી ગયો.

કિરણ પટેલે સિંધુભવન રોડ પર જગદીશપુરમ નામનો બંગલો પચાવી પાડ્યો હતો, એ બંગલામાં ફંક્શન પણ એણે કર્યું હતું. તમે કે તમારા દીકરો અમિત પંડ્યા એમાં હાજર રહ્યા હતા?
એ અંગે હું કાંઈ નહીં કહું, કેમ કે આ મેટર જ્યુડિશિયરીમાં છે.

કિરણ પટેલ પર ભૂતકાળમાં ચીટિંગના અનેક કેસ થયા હતા, આ અંગે તમને ખબર હતી?
છાપામાં જે કાંઈ આવે છે એટલી જ ખબર છે.

કિરણ પટેલ પીએમઓમાં અધિકારી હોવાનો દાવો કરતો હતો, આની તમને ખબર હતી?
ના આ બધું બહાર આવ્યું ત્યારે ખબર હતી. બાકી તેના ફેસબુક પર પીએમઓના અધિકારી તરીકેને ઓળખ પણ નથી. કંઈક ડાયરેક્ટ સમથિંગ સમથિંગ છે.

કાશ્મીરમાં અમિત પંડ્યા શું કરતો હતો?
કાશ્મીર પોલીસે અત્યારે અમિતને બોલાવ્યો છે. એની પાસેથી સ્ટેટમેન્ટ વગેરે લીધું છે.

પણ કાશ્મીરમાં એ કિરણ પટેલ સાથે શું લેવા ગયા હતા?
મેં કહ્યું ને કે આ મેટર જ્યુડિશિયરી હેઠળ છે એટલે આ અંગે કંઈ નહીં કહું.

પીએમ નરેન્દ્ર મોદી સાથે હિતેષ પંડ્યા અને તેમનો પરિવાર.
પીએમ નરેન્દ્ર મોદી સાથે હિતેષ પંડ્યા અને તેમનો પરિવાર.

અમિતનું કાશ્મીરમાં સોલારથી સંચાલિત સીસીટીવી લગાવવાના કોઈ પ્રોજેક્ટ પર કામ ચાલુ હતું?
મેં કહ્યું ને કે કાશ્મીરનું બધું જ્યુડિશિયરી પ્રોસેસમાં છે, એટલે મારું બોલવું પ્રિજ્યુડિશિયલ થઈ જાય. એટલે હું નહીં બોલું.

કિરણ પટેલ સાથે તમારા દીકરા અમિત પંડ્યા અન્ય બે લોકો જય સીતાપરા અને ત્રિલોકસિંઘ હતા, એ કોણ છે, તમે એને ઓળખો છો?
ના હું એમને નથી ઓળખતો.

સચિવાલયમાં રાષ્ટ્ર પ્રથમ સંસ્થાના નામે તમે ફંડ ઉઘરાવતા હોવાનો આક્ષેપ છે, આ અંગે તમારું શું કહેવું છે?
આક્ષેપો અંગે હું કંઈ નહીં બોલું.

અમિત હાલ ક્યાં છે, કાશ્મીર પોલીસે શું પૂછપરછ કરી?
અમિત હાલ કાશ્મીર છે, અને શું પૂછપરછ કરી એ મને નથી ખબર.

આ કેસમાં અમિત શું સરકાર તરફથી સાક્ષી બનશે?
એ શું બનવાનો છે એ મને નથી ખબર.

અમિતનો મૂળ બિઝનેસ શું છે? કેમ કે તેમને સેફસોલ્યુસન નામની જે પ્રોફાઈલ બનાવી છે એમાં કસ્ટમર તરીકે ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખેલું છે?
સીસીટીવીના ધંધામાં હોઈ શકે ને. અત્યારે નાનાં-નાનાં કોર્પોરેશનમાં ગવર્નમેન્ટના પ્રોજેક્ટ ચાલતા જ હોય છે. સીટીટીવીનો બિઝનેસ છે એટલે ગવર્નમેન્ટ આવે જ.

આ આખો મામલો બહાર આવ્યા પછી મુખ્યમંત્રી દિલ્હી ગયા હતા, એ પછી આપનું રાજીનામું આપવું. આ અંગે શું કહેશો?
મુખ્યમંત્રી દિલ્હી શું કામ ગયા હતા એ મને ખબર નથી. મને લાગ્યું કે મોદી સાહેબ અને સીએમના નામ પર મારા કારણે ઝાંખપ પડે છે એટલે રાજીનામું આપ્યું. તમે જે હિતેષ પંડ્યાને ઓળખો છો તેના સર્જક નરેન્દ્ર મોદી છે, તેની પ્રરેણા નરેન્દ્ર મોદી છે.

તમે 23 વર્ષ સુધી જે સરકાર માટે કામ કર્યું હોય, ઘણાં બધાં વર્ષો નરેન્દ્રભાઈ મોદી માટે પણ કામ કર્યું હોય, સંઘ સાથે તમારો જૂનો નાતો રહ્યો છે. તમને ક્યારેય એવું હતું કે દીકરાના કારણે શરમ-સંકોચ અનુભવીને રાજીનામું આપવાનો વારો આવશે?
મને જરા પણ શરમ અને સંકોચ નથી. સત્ય બહાર આવશે ત્યારે સાચી હકીકત ખબર પડશે કે મારો દીકરો સાચો હતો અને આક્ષેપો ખોટા હતા. અને મને પણ એમાં ઢસડવામાં આવ્યો છે. પણ મને તેનો કોઈ જાતનો અફસોસ નથી.

હિતેષ પંડ્યાને ગાંધીનગરમાં ફાળવવામાં આવેલો સરકારી બંગલો. જ્યાં તેઓ છેલ્લાં 20થી વધુ વર્ષથી રહે છે.
હિતેષ પંડ્યાને ગાંધીનગરમાં ફાળવવામાં આવેલો સરકારી બંગલો. જ્યાં તેઓ છેલ્લાં 20થી વધુ વર્ષથી રહે છે.

પ્રકરણ બહાર આવ્યા તે જ સમયે હિતેષ પંડ્યાએ પીએમનો સંપર્ક સાધ્યો હતો
કિરણ પટેલ અને ઠગ કંપનીનું છેતરપિંડી પ્રકરણ બહાર આવ્યું તે સમયથી જ મીડિયા ટ્રાયલ શરૂ થઈ ગઇ હતી. કિરણ પટેલનાં એક બાદ એક કારનામાં બહાર આવ્યાં બાદ પોલીસ અમિત પંડ્યાને કાશ્મીર ખાતે લઈ ગઈ હતી જે વાત પ્રકાશમાં આવતાની સાથે જ હિતેષ પંડ્યાએ પ્રધાનમંત્રીનો સંપર્ક કર્યો હતો.

પત્ર લખીને પ્રધાનમંત્રીને વાકેફ કર્યા
હિતેષ પંડ્યા પોતાની વાતચીતમાં જણાવે છે કે આખીયે ઘટના જ્યારે બહાર આવી એ સમયે જ તેમણે એક હકીકતલક્ષી અહેવાલ તૈયાર કર્યો હતો. અલબત્ત આ અહેવાલમાં કિરણ પટેલ, અમિત પંડ્યા અને હિતેષ પંડ્યાના સબંધ અંગેની તમામ જાણકારી લખવામાં આવી હોય તેવું અનુમાન સેવવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રીની કોઈ પ્રતિક્રિયા મળી નહીં
હિતેષ પંડ્યા જણાવે છે કે, પ્રધાનમંત્રીને અહેવાલ આપ્યા બાદ તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, પ્રધાનમંત્રી આ અંગે જે નિર્ણય કરશે જેમાં ફરજ પર કામગીરી ચાલુ રાખવી કે નહીં તે બાબતનો તમામ નિર્ણય હિતેષ પંડ્યાને સ્વીકાર્ય રહેશે તે વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે અહેવાલ મોકલાવ્યા બાદ પ્રધાનમંત્રીનો કોઈ પ્રતિસાદ કે પ્રતિક્રિયા મળી નથી તેમ તેમણે જણાવ્યું હતું.