• Gujarati News
  • Dvb original
  • Vanthali's Decision To Make Khorasa A 'Green Village', 50 Youths Spend Rs 100 100 Out Of Pocket Money And Plant 800 Trees

આજની પોઝિટિવ સ્ટોરી:વંથલીનું ખોરાસા ‘ગ્રીન વિલેજ’ બનાવવા નિર્ધાર, 50 યુવાને મહિને પોકેટમનીમાંથી રૂ. 100 કાઢી 800 વૃક્ષ વાવ્યાં, હજુ 2500 વાવવાનો લક્ષ્યાંક

રાજકોટએક મહિનો પહેલાલેખક: શૈલેષ રાદડિયા
યુવાનો વૃક્ષો રોપવાની શરૂ કરેલું અભિયાન અન્ય માટે પ્રેરણાસ્ત્રોત રૂપ બન્યું છે.
  • વર્ષમાં ત્રણવાર ગામની સફાઇ કરી પ્લાસ્ટિકમુક્ત બનાવે છે
  • 2 સભ્યથી તિરુપતિ યુથ ક્લબ નામનું ગ્રુપ શરૂ કર્યું હતું

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખોબા જેવડા ગામના યુવાધને નવી જ કેડી કંડારી છે. બે વર્ષ પહેલાં તિરુપતિ યુથ ક્લબની શરૂઆત કરી અને આજે આ ક્લબમાં 50 જેટલા યુવાનો મેમ્બરશિપ ધરાવે છે. આ ક્લબની ખાસિયત એ છે કે એમાં કોઇ પ્રમુખ, ઉપ-પ્રમુખ જેવા હોદ્દા રાખ્યા નથી. તમામ યુવાનો સ્વયંસેવકો બનીને કામ કરે છે. દર મહિને આ ગ્રુપના યુવાનો પોતાના પોકેટમનીમાંથી 100-100 રૂપિયા કાઢે છે, જેમાંથી સારા કાર્યો કરે છે. આ વર્ષે વૃક્ષારોપણનું અભિયાન હાથ ધર્યું છે અને ગામના ગ્રીન વિલેજ બનાવવાની નેમ લીધી છે. અત્યારસુધીમાં ગામમાં 800 જેટલાં વૃક્ષો વાવી ચૂક્યાં છે અને આગામી વર્ષમાં 2000થી 2500 જેટલાં વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

વૃક્ષ વાવીને સંતોષ ન માનનારા આ યુવાનો તેના જતન માટે પોતાનો પરસેવો પણ રેડી રહ્યા છે.
વૃક્ષ વાવીને સંતોષ ન માનનારા આ યુવાનો તેના જતન માટે પોતાનો પરસેવો પણ રેડી રહ્યા છે.

2500 વૃક્ષ વાવવાનો ટાર્ગેટ
ક્લબના સભ્ય પ્રભાતભાઇ કુંભલાએ જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં અમે બે સભ્યથી તિરુપતિ યુથ ક્લબની શરૂઆત કરી હતી. જોકે આજે ગ્રુપમાં 50 સભ્યો છે. શરૂઆતમાં અમે ચકલીના માળા-કુંડા વિતરણ કર્યા હતા. આ વર્ષે અમે વૃક્ષો વાવવાનું નક્કી કર્યું છે. અત્યારસુધીમાં 300 વૃક્ષ વાવી દીધાં અને 500 વૃક્ષના રોપા ગામમાં વિતરણ કર્યા છે. એ પણ ગ્રામજનોએ વાવતાં 800 વૃક્ષો વવાઈ ગયાં છે. આવતા વર્ષનો અમારો વૃક્ષ વાવવાનો ટાર્ગેટ 2000થી 2500 વૃક્ષનો છે. વિશ્વ ચકલી દિવસ હોય ત્યારે ગામના દરેક ઘરે માળાનું વિતરણ કરીએ છીએ. સ્કૂલો, ઘરો, બગીચામાં અમે ચકલીના માળા રાખ્યા છે.

યુવકોએ લીમડા, વડલા, પીપળા, બોરસલી સહિત 300 વૃક્ષો વાવી દીધા છે
યુવકોએ લીમડા, વડલા, પીપળા, બોરસલી સહિત 300 વૃક્ષો વાવી દીધા છે

યુવાનો ગામને પ્લાસ્ટિકમુક્ત બનાવી રહ્યાં છે
તિરૂપતી યુથ ક્લબના યુવાનો ધોમધખતા તાપમાં ખાડા ખોદી વૃક્ષારોપણ કરે છે. ખોરાસાના આ એવા યુવાનો છે, જેમની આર્થિક સ્થિતી ખૂબ સામાન્ય છે. પણ આ યુવાનો વિચારોથી સમૃદ્ધ છે. એટલે જ પરોપકારની આ પ્રવૃતિમાં સ્વૈચ્છિક જોડાયા છે. ખોરાસા તિરૂપતી મંદિર જ્યાં આવેલુ છે, તે ખોરાસા(આહિર) ગામના આ યુવાનો તેમના અભિયાનની બહુ નાના પાયે શરૂઆત કરી હતી. સૌ પ્રથમ ચકલીના માળા બનાવી વિતરણ કર્યું હતું. પક્ષીઓ માટે પાણીના કુંડા બનાવ્યા તેનું પણ વિતરણ કર્યું. આ પ્રવૃતિમાં સંતોષ સાથે આનંદ મળતા પર્યાવરણ બચાવવાની ઝુંબેશના ભાગરૂપે ગામની શેરી-ગલીઓમાં, જાહેર જગ્યાઓ, ઉકરડામાં તેમજ ગટરમાંથી પ્લાસ્ટિક એકત્ર કરી તેનો નાશ કરી ખોરાસાને પ્લાસ્ટિકમુક્ત પણ બનાવી રહ્યાં છે.

જાત મહેનત કરીને વૃક્ષોને ઉછેરવામાં આવી રહ્યાં છે.
જાત મહેનત કરીને વૃક્ષોને ઉછેરવામાં આવી રહ્યાં છે.

વૃક્ષ વાવવા જાળી સહિત રૂ.400નો ખર્ચ થાય છે
વૃક્ષો લાવવા વાવવામાં તો આ યુવાનોએ જાત મહેનત જીંદાબાદ કરે છે. પરંતુ ઉછેરવા માટે લોખંડની જાળી ફરજીયાત હતી. રૂા.350માં એક જાળી બનાવી. નાણા ક્યાંથી લાવવા એ પ્રશ્ન હતો. તેમાં પણ યુવાનોએ પોતાનાથી શરૂઆત કરી દર માસે પોકેટ મનીના મળતા રૂ.100 બચાવી ભંડોળ એકત્ર કર્યુ. આ વર્ષે રૂ.50 હજારથી વધુ ભંડોળ એકઠું થયું છે. ગામના આગેવાનોનો પણ સાથ મળ્યો અને બસ પછી તો આ યુવાનોને પાંખ આવી ગઇ. પ્રત્યેક વૃક્ષ વાવવા જાળી સહિત રૂ.400નો ખર્ચ થાય છે. લીમડા, વડલા, પીપળા, બોરસલી સહિત 300 વૃક્ષો વાવી દીધા છે અને 500 વૃક્ષોનું ખેડૂતોમાં વિતરણ કર્યું અને તે પણ વવાઈ ગયાં છે. આમાં 800 જેટલાં વૃક્ષો વાવી દીધાં છે.

વૃક્ષો રોપીને એની જાળવણી પણ યુવકો દ્વારા કરવામાં આવે છે.
વૃક્ષો રોપીને એની જાળવણી પણ યુવકો દ્વારા કરવામાં આવે છે.

બટુકબાપા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા
વૃક્ષ વાવીને સંતોષ ન માનનારા આ યુવાનો તેના જતન માટે પોતાનો પરસેવો પણ રેડી રહ્યાં છે. કોઇ પાસેથી ટાંકો તો કોઇ યુવાનનું ટ્રેક્ટર લાવી છોડને સમયાંતરે જ્યાં સુધી પાણીની જરૂર હશે ત્યાં સુધી પાણી આપવા તિરુપતી યુથ ક્લબમાં સભ્યો પ્રતિબદ્ધ છે. આ યુવાનોના પ્રેરણાદાતા 50 વર્ષ વટાવી ચૂકેલા ખોરાસાના બટુકબાપા ચાવડા છે. બટુકબાપાએ વૃક્ષ વાવેતરનો શરૂ કરેલો સીલસીલો આ યુવાનો આગળ વધારવા મક્કમ છે. યુવાનો પાસે નાણાં નથી, આર્થિક મુશ્કેલી છે પણ તેઓ વૃક્ષારોપણના અભિયાનને કોઇ પણ ભોગે અટકવા દેશે નહીં.વૃક્ષારોપણ જેવી પ્રવૃતિમાં વળેલા તમામ યુવાનોને સામાજિક કાર્યો સિવાય કોઈ જ વ્યસન નથી. ખોરાસાના આ યુવાનો તો ખોરાસાના પડતર પડેલા એક-એક જમીનના ટુકડાને વૃક્ષારોપણ કરી હરિયાળી બનાવવા મક્કમ બન્યાં છે.

અન્ય સમાચારો પણ છે...