તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખાનગી સ્કૂલમાં શિક્ષિકાની નોકરી છોડીને વડોદરાનાં મીનાબેન શર્માએ રોટલી બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. તેમણે વડોદરા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી 7 લાખ રૂપિયાની લોન લઇને સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી. 100 રોટલીથી કરેલી શરૂઆત આજે રોજની 4 હજાર જેટલી રોટલીનું તેઓ વેચાણ કરી રહ્યાં છે. રોટલી બનાવી વેચવાના વ્યવસાયને તેઓ એ ઊંચાઈ પર લઇ ગયાં છે કે બે વર્ષમાં જ તેમણે આ વ્યવસાય થકી વાર્ષિક રૂપિયા 30 લાખનું ટર્નઓવર કર્યું છે અને 10 મહિલાને રોજગારી પૂરી પાડી રહ્યાં છે. આત્મનિર્ભર બનેલાં મીનાબેને જણાવ્યું હતું કે મારું સપનું વધુમાં વધુ મહિલાઓને રોજગારી આપવા સાથે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું છે.
શિક્ષિકા તરીકે મારો પગાર સારો હતો, પણ મારે કંઈક અલગ કરવાની ઇચ્છા હતી
વડોદરાના મુજમહુડા ખાતે એમ.ડી. કોર્પોરેશનના નામે રોટલી બનાવીને વેચવાની શરૂઆત કરનારાં મીનાબેને જણાવ્યું હતું કે મેં પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. હું ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. મારો પગાર પણ સારો હતો. નોકરીથી ખુશ હતી, પરંતુ, મારે કંઇક અલગ કરવાની ઇચ્છા હતી. હું વડાપ્રધાનના સ્ટાર્ટઅપના અભિયાનને ચરિતાર્થ કરવા માગતી હતી અને આત્મનિર્ભર બનવા માગતી હતી. વર્ષ-2018માં વડોદરા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી પી.એમ.આર.વાય. યોજના અંતર્ગત રૂપિયા 7 લાખની લોન લઇને મારા વ્યવસાયની શરૂઆત કરી હતી.
ગુજરાતના દરેક ઘરમાં રોટલી ખવાય છે, જેથી મેં રોટલીનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું
મીનાબહેન શર્માએ વધુમાં જણાવ્યું હતું કે ભોજનમાં રોટલી દરેક ઘરમાં ખવાતી વસ્તુ છે. નાનાં બાળકોથી લઈ દરેક ઉંમરના લોકો રોટલી ખાઇ શકે છે. તેમાંય ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો રોટલી દરેક ઘરમાં બને છે. વડોદરામાં ફરસાણની અનેક ચીજવસ્તુઓ એવી છે કે ગૃહ ઉદ્યોગ તરીકે છે. અનેક લોકો પોતાના ઘરમાં ફરસાણની ચીજવસ્તુઓ બનાવે છે અને ફરસાણની દુકાનો, રેસ્ટોરાં, કંપનીઓની કેન્ટીનમાં સપ્લાઇ કરે છે, સાથે ઘરઘથ્થુ વેચાણ પણ કરે છે. આ ગૃહઉદ્યોગમાં મેં રોટલીને ઉમેરીને વેચવાની શરૂઆત કરી હતી.
થેપલાં, પૂરી અને પરોઠા પણ સપ્લાઇ કરે છે
વર્ષ-2018માં નાના પાયે એટલે કે રોજની 100 રોટલી બનાવીને વેચવાની શરૂઆત કરી હતી. આજે મારા યુનિટમાં પ્રતિદિન સવાર-સાંજમાં 4 હજારથી વધુ રોટલી બનાવીને વેચાણ કરું છું. મારા યુનિટમાં 10 જેટલી મહિલા કામ કરે છે અને રોજગારી મેળવી રહી છે. મારી પાસે હાલમાં બે રોટલી બનાવવાના મશીન છે. મારા યુનિટમાં રોટલી બનાવવાની સાથે થેપલાં, પૂરી, પરોઠા પણ ઓર્ડર પ્રમાણે બનાવીને સપ્લાઇ કરીએ છે. અમારી રોટલી ઔદ્યોગિક વસાહતોમાં આવેલી કેન્ટીનોમાં જાય છે. ડિલિવરી આપવાની હોય તો પ્રતિ રોટલી રૂ. 1.80 અને યુનિટ પરથી લઇ જાય તો પ્રતિ રોટલી 1.70 રૂપિયા લે છે. આ ઉપરાંત અમે યુનિટ પર પણ રોટલી, થેપલાં, પરોઠા અને પૂરીનું છૂટક તેમજ જથ્થાબંધ વેચાણ કરીએ છે. દરેક ગ્રાહકને ફ્રેશ રોટલી મળે એવો મારો અભિગમ છે.
રોટલી બનાવવાના વ્યવસાયને વધુ ઊંચાઈ પર લઈ જવાનું લક્ષ્ય
ભવિષ્યના પ્લાનિંગ અંગે મીનાબહેન શર્માએ જણાવ્યું કે મારા રોટલી બનાવીને વેચવાના વ્યવસાયમાં મારા પરિવારનો પણ સપોર્ટ છે. પરિવારના સપોર્ટના કારણે જ બે વર્ષમાં હું મારા રોટલી બનાવીને વેચવાના વ્યવસાયને ઊંચાઈ પર લઈ ગઈ છું અને મારા વ્યવસાયને રૂપિયા 30 લાખ સુધીના વાર્ષિક ટર્નઓવર સુધી પહોંચાડ્યો છે. આવનારા દિવસોમાં રોટલી બનાવવાનાં વધુ મશીનો લાવવાનું મારું પ્લાનિંગ છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.