• Gujarati News
  • Dvb original
  • Vaccination Of Children Under 15 Will Also Begin Soon; The Third Wave Will End In Two Months: Padma Shri Dr. Tejas Patel

ગુજરાતમાં આવી ગઈ ત્રીજી લહેર:ડોમિક્રોન નામનો કોઈ વેરિયન્ટ જ નથી, સ્મશાનના ભયાવહ દૃશ્યો હવે નહીં જોવા મળે: પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ

12 દિવસ પહેલાલેખક: તન્હા પાઠક પટેલ
વિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ અને ગુજરાત કોરોના ટાસ્કફોર્સના મેમ્બર પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ.
  • જાન્યુઆરીના ત્રીજા-ચોથા વીકમાં કોરોનાની પીક આવશે, ઉત્તરાયણમાં ધ્યાન રાખજો
  • આ લહેરમાં જે લોકોને અત્યાર સુધી કોરોના નથી થયો તેમને ઈન્ફેક્શન થવાની વધુ શક્યતા

કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. 9 મહિના પછી પહેલીવાર દેશમાં કોરોનાના કેસ 1 લાખને પાર થઈ ગયા છે. ગુજરાતમાં પણ 6 જાન્યુઆરીએ કોરોનાના 4000 કેસ નોંધાયા છે. આ કેસમાં સાઉથ આફ્રિકાથી ફેલાયેલા કોરોના વેરિયન્ટના ઓમિક્રોનના કેસ પણ સામેલ છે. બધા જાણે છે એમ ઓમિક્રોનનાં લક્ષણો ખૂબ સામાન્ય છે અને તે જીવલેણ પણ નથી, પરંતુ એ જે પ્રમાણે ફેલાઈ રહ્યો છે એને ધ્યાનમાં રાખીને ડરવું પણ એટલું જ જરૂરી છે.

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને દિવ્ય ભાસ્કર ડિજિટલે વિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ અને ગુજરાત કોરોના ટાસ્કફોર્સના મેમ્બર પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ સાથે વાતચીત કરી. પહેલી અને બીજી લહેર વખતે ડૉ. તેજસ પટેલે આપેલું માર્ગદર્શન ગુજરાતની જનતા માટે ઘણું ઉપયોગી નીવડ્યું હતું. હવે જ્યારે કોરોનાની ત્રીજી લહેર ચાલુ થઈ ગઈ છે ત્યારે દરેકના મનમાં ઘણા સવાલો ઊઠી રહ્યા છે. આ સવાલોના જવાબ ડૉ. તેજસ પટેલે આપ્યા છે. આવો, સવાલ-જવાબનો દોર આગળ વધારીએં...

દિવ્ય ભાસ્કર: અચાનક કોરોનાના કેસ વધવાનું કારણ શું?
ડૉ. તેજસ પટેલ: કોરોનાની દરેક લહેર આ રીતે જ આવી છે. કોરાના પહેલાં દુનિયામાં આવ્યો અને પછી દેશમાં આવ્યો. કોરોનાની પહેલી લહેર પણ આ રીતે જ આવી હતી, બીજી લહેર પણ પહેલાં દુનિયાના અમુક દેશોમાં આવી અને પછી એ ભારતમાં આવી હતી. ત્રીજી લહેર પણ એવી જ છે. દેશમાં ઓમિક્રોનને પગલે કોરોનાની ત્રીજી લહેર આવી છે. ઓમિક્રોન ઘણો ચેપી છે. એક રૂમમાં 50 લોકો બેઠા હોય અને એમાંથી એકને ઓમિક્રોન હોય તો એ બધાને સંક્રમિત કરી શકે છે, પરંતુ એની સારી વાત એ છે કે એ જીવલેણ નથી. એ ઉપરાંત આપણે ત્યાં વેક્સિનેશન પણ ઘણું સારું થયું છે, એટલે જેણે બે ડોઝ લીધા છે તેમને ઓમિક્રોન થાય તોપણ ગભરાવાની જરૂર નથી, પરંતુ થાય જ નહીં એની તકેદારી રાખવી જરૂરી છે. કોરોનાના નિયમોનું પાલન કરવું, ટોળાંમાં ભેગા ના થવું એવા નિયમોનું પાલન કરવું જરૂરી છે.
ઓમિક્રોન વેરિયન્ટ વિશે એવું લાગે છે કે જે લોકોને હજુ સુધી કોરોના નથી થયો તેવા લોકોને સંક્રમિત કરી શકે છે અને જો કદાચ ઓમિક્રોન વેરિયન્ટ આ રીતે ચાલે તો બની શકે લોકોની હર્ડ ઈમ્યુનિટી ઘણી સારી થઈ જાય અને પછી આ વાઈરસ એક સામાન્ય શરદી-તાવ જેવો વાઈરસ બની જાય. હું ભાર આપીને કહીશ કે લોકોએ અત્યારે કોઈપણ પ્રકારની બેદરકારી રાખવી જોઈએ નહીં.

દિવ્ય ભાસ્કર: કોરોનાની ત્રીજી લહેરની સ્થિતિ કેવી રહેશે?
ડૉ. તેજસ પટેલ: જે પ્રમાણે કેસ વધી રહ્યા છે એને જોતાં કહી જ શકાય કે ત્રીજી લહેર આવી જ ગઈ છે. આ લહેરની પણ એક પીક આવશે, પણ જે લહેર આવી છે એ પૂરી પણ થઈ ગઈ છે. બીજી લહેર આપણા માટે ખૂબ પીડાદાયક હતી. ડેલ્ટા વેરિયન્ટમાં ઘણા લોકોએ તેમનાં સ્વજનો ગુમાવ્યાં છે, ઘણું નુકસાન થયું હતું. ત્રીજી લહેરમાં ઓમિક્રોન સિવાય કોઈ ખરાબ મ્યૂટેશન ના આવે તો ઓમિક્રોનનું સંક્રમણ વધારે ફેલાઈ શકે છે, પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ખૂબ ઓછા લોકોને થશે અને મૃત્યુદર પણ ઓછો રહેશે.

વિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ અને ગુજરાત કોરોના ટાસ્કફોર્સના મેમ્બર પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ
વિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ અને ગુજરાત કોરોના ટાસ્કફોર્સના મેમ્બર પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ

દિવ્ય ભાસ્કર: ગુજરાતમાં ત્રીજી લહેર પીક પર ક્યારે હશે?
ડૉ. તેજસ પટેલ: જે પ્રમાણે કેસની સંખ્યા વધી રહી છે એને જોતાં લાગે છે કે જાન્યુઆરી મહિનાના ત્રીજા કે ચોથા સપ્તાહમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે.

દિવ્ય ભાસ્કર: બીજી લહેરમાં જેમ સ્મશાનોમાં લાઈન લાગી હતી, એવું તો ફરી નહીં થાય ને?
ડૉ. તેજસ પટેલ: વાઈરસની પેટર્ન બદલાયા કરે છે, વેરિયન્ટ નવા આવ્યા કરે છે અને જેમ વધુ ને વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે તેમ તેમ આખી સોસાયટી હર્ડ ઈમ્યુનિટી તરફ આગળ વઘી રહી છે. એ ઉપરાંત સરકાર બૂસ્ટર ડોઝ વિશે પણ વિચારી રહી છે. તેથી જો બૂસ્ટર ડોઝ પણ લોકોને મળી જાય તો સેકન્ડ વેવમાં જે મૃત્યુઆંક પહોંચ્યો હતો તેની સરખામણીએ ત્રીજી લહેરમાં મૃત્યુઆંક વધવાની શક્યતા ખૂબ ઓછી છે, એટલે બીજી લહેર જેવાં દૃશ્યો તો નહીં જ જોવા મળે.

દિવ્ય ભાસ્કર: ત્રીજી લહેરમાં ઓમિક્રોન યંગસ્ટર્સને વધારે થવાની શક્યતા છે કે બાળકોને?
ડૉ. તેજસ પટેલ: જે લોકોએ વેક્સિન નથી લીધી તેવા લોકોને ઈન્ફેક્શન વધારે થવાની શક્યતા છે. હવે તો બાળકોમાં પણ વેક્સિનેશન શરૂ થઈ ગયું છે, પરંતુ આ સમયે કો-મોર્બિડ દર્દીઓએ વધારે સાચવવાની જરૂર છે. આપણે વધારે તકેદારી રાખવાની જરૂર છે. ભલે ઓમિક્રોન ખૂબ માઈલ્ડ ફોર્મેટમાં છે અને એનાં લક્ષણો સામાન્ય હોય, ઘણા દર્દીઓ ચોથા-પાંચમા દિવસે નેગેટિવ થઈ જાય છે, પરંતુ હજી પણ આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે ટોળાં ના કરવાં જોઈએ અને કોરોનાના નિયમોનું પાલન કરવું જોઈએ. સરકારે પણ જે વાઈબ્રન્ટ સમિટ રદ કરવાનો નિર્ણય લીધો છે એ ખૂબ પ્રશંસનીય છે અને જવાબદારીભર્યું પગલું છે.

જે પ્રમાણે કેસની સંખ્યા વધી રહી છે એ જોતાં લાગે છે કે જાન્યુઆરી મહિનાના ત્રીજા કે ચોથા સપ્તાહમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે: ડૉ. તેજસ પટેલ.
જે પ્રમાણે કેસની સંખ્યા વધી રહી છે એ જોતાં લાગે છે કે જાન્યુઆરી મહિનાના ત્રીજા કે ચોથા સપ્તાહમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે: ડૉ. તેજસ પટેલ.

દિવ્ય ભાસ્કર: 2-14 વર્ષનાં બાળકોનો શું વેક્સિનેશન પ્લાન હોવો જોઈએ અને ત્યાં સુધી તેમને કેવી રીતે સાચવવાં?
ડૉ. તેજસ પટેલ: વિદેશમાં 15 વર્ષથી નાનાં બાળકોને વેક્સિન આપવામાં આવી રહી છે. વેક્સિનેશનની ગાઈડલાઈન્સ ICMRના સભ્યો નક્કી કરતા હોય છે. ભારતમાં પણ અમુક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને 15 વર્ષથી નાનાં બાળકોમાં પણ વેક્સિનેશન જલદી જ શરૂ કરવામાં આવશે એવું લાગે છે.

દિવ્ય ભાસ્કર: વિદેશના ડોક્ટર્સ કહી રહ્યા છે કે ઓમિક્રોનથી જ મહામારીનો અંત આવશે, આ વાત કેટલા અંશે સાચી હોઈ શકે?
ડૉ. તેજસ પટેલ: ઓમિક્રોનથી વધુ ને વધુ લોકો માઈલ્ડ ફોર્મમાં ઈન્ફેક્ટેડ થઈ જાય અને લોકોને વધારે તકલીફ ના થાય કે કોઈના મૃત્યુ ના થાય કે બીજા કોઈ મેજર પ્રોબ્લેમ ના થાય તો લોકોમાં એન્ટિબોડી જનરેટ થવા લાગે અને ટી-શેલ ઈમ્યુનિટી પણ કામ કરવા લાગે. તો આ સંજોગોમાં આ વાઈરસ સામાન્ય ઈન્ફ્લૂએન્ઝા વાઈરસ જેવો બની જાય. મોટા ભાગે વાઈરસમાં એવું છે કે જે આવ્યો છે એ જવાનો નથી. સ્મોલપોક્સ અને પોલિયો સિવાય કોઈ વાઈરસ દેશમાંથી ગયો નથી. તેથી આમ તો આપણે આ વાઈરસ સાથે જીવતા શીખી લેવું પડે.

દિવ્ય ભાસ્કર: એવું માની શકાય કે મોટા ભાગના કેસ હવે ઓમિક્રોનના જ આવે છે?
ડૉ. તેજસ પટેલ: અત્યારે જે પ્રમાણે દર્દીઓ ઝડપથી રિકવર થઈ રહ્યા છે એ જોતાં એવું જ લાગે છે કે અત્યારે મોટા ભાગે જે નવા કેસ આવી રહ્યા છે એ ઓમિક્રોનના જ છે.

દિવ્ય ભાસ્કર: ઓમિક્રોનથી બચવા શું કરવું જોઈએ? પ્રિકોશન માટે કઈ દવા લેવી જોઈએ?
ડૉ. તેજસ પટેલ: આપણે અત્યારસુધી જે કરતા આવ્યા છીએ એ જ કરવાનું છે. ઓમિક્રોનથી બચવા પણ માસ્ક પહેરવાનું, હેન્ડ સેનિટાઈઝ કરતા રહેવાના અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ખૂબ જરૂરી છે. ટોળાં ના કરવાં જોઈએ, નાની જગ્યાએ સંખ્યાબંધ લોકોએ ભેગા ના થવું જોઈએ.

દિવ્ય ભાસ્કર: ઓમિક્રોન અને ડેલ્ટા ભેગા મળીને ડોમિક્રોન ફેલાઈ શકે છે એવા અહેવાલ છે, તમારું શું માનવું છે?
ડૉ. તેજસ પટેલ: ડોમિક્રોન નામનો કોઈ વેરિયન્ટ જ નથી. એનાથી અત્યારે ડરવાની કોઈ જરૂર નથી.

અત્યારે જે પ્રમાણે દર્દીઓ ઝડપથી રિકવર થઈ રહ્યા છે એ જોતાં એવું જ લાગે છે કે હાલ મોટા ભાગના નવા કેસ ઓમિક્રોનના જ છે: ડૉ. તેજસ પટેલ.
અત્યારે જે પ્રમાણે દર્દીઓ ઝડપથી રિકવર થઈ રહ્યા છે એ જોતાં એવું જ લાગે છે કે હાલ મોટા ભાગના નવા કેસ ઓમિક્રોનના જ છે: ડૉ. તેજસ પટેલ.

દિવ્ય ભાસ્કર: કોવિશીલ્ડ અને કોવેક્સિન ઓમિક્રોન સામે કેટલી અસરકારક છે?
ડૉ. તેજસ પટેલ: સમગ્ર દુનિયામાં સરકારની પોલિસી એવી છે કે તમે બે ડોઝ કોવિશીલ્ડના લીધા હોય તો બૂસ્ટર ડોઝ કોવિશીલ્ડનો મળે અને તમે બે ડોઝ કોવેક્સિનના લીધા હોય તો બૂસ્ટર ડોઝ કોવેક્સિનનો મળે. અમુક વિદેશના એવા ડેટા મળ્યા છે કે તમે વેક્સિનના પહેલા જે બે ડોઝ લીધા હોય એના કરતાં ત્રીજો ડોઝ અલગ વેક્સિનનો લો તો ઈમ્યુનિટી સારી વધે એવી વાતો છે. મારું માનવું છે કે દરેક વેક્સિન એકસરખી જ અસરકારક હોય છે, તેથી સરકારની પોલિસી પ્રમાણે બૂસ્ટર ડોઝમાં જે વેક્સિન મળે એ લઈ લેવી હિતાવહ છે.

દિવ્ય ભાસ્કર: ત્રીજી લહેરનો અંત ક્યારે આવશે?
ડૉ. તેજસ પટેલ: વાઈરસ જેટલો ઝડપથી ફેલાય છે એટલી જ ઝડપથી પીક આવે છે અને એટલી જ ઝડપથી કેસમાં ઘટાડો થાય છે. તેથી માની શકાય કે બે મહિનાની અંદર ત્રીજી લહેરનો અંત આવશે.

અન્ય સમાચારો પણ છે...