તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Vaccination In The Second Wave Of Corona Reduced The Percentage Of Patients Over 60 By 6%, Only 2% In Children, 8% In Women.

એક્સક્લૂઝિવ:કોરોના કાળમાં ગુજરાતના બાળકો સુરક્ષીત: પહેલી લહેરમાં 3% જ્યારે બીજી લહેરમાં 5% બાળકો જ સંક્રમિત થયા

અમદાવાદએક મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક
  • પહેલી લહેરમાં કુલ સંખ્યાના 34%, બીજીમાં 42% મહિલાઓમાં કોરોનાનું સંક્રમણ

કોરોનાની બીજી લહેર પૂરી થયા બાદ ત્રીજી લહેરની શક્યતાની ચર્ચાઓ ચાલી રહી છે. સંભવિત ત્રીજી લહેરની ચર્ચાઓ વચ્ચે સૌથી રોચક અને મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે પહેલી લહેરની સામે બીજી વેવમાં બાળકોમાં સંક્રમણમાં માત્ર 2% જ વધારો જોવા મળ્યો છે, એટલે કે પહેલી વેવમાં 3%, જ્યારે બીજી વેવમાં 5% બાળકો સંક્રમિત થયાં. માત્ર એટલું જ નહિ, પરંતુ સૌથી મોટી વાત એ છે કે 60 વર્ષથી ઉપરના દર્દીઓની સંખ્યા પહેલી લહેરની સરખામણીએ વધી, પરંતુ વેક્સિનેશનને કારણે ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે. વાંચો રાજ્યમાં પહેલી લહેર અને બીજી લહેરમાં સંક્રમિત થયેલા દર્દીઓની વિગતનો સૌથી પહેલો દિવ્ય ભાસ્કરનો એક્સક્લૂઝિવ અહેવાલ.
એક વર્ષમાં 3 લાખ, 2 મહિનામાં 5 લાખથી વધુ દર્દી સંક્રમિત
વર્ષ 2020માં 19 માર્ચે રાજ્યમાં કોરોનાનો પહેલો પોઝિટિવ કેસ નોંધાયો, એ બાદ કોવિડનું સંક્રમણ રાજ્યભરમાં ફેલાવા લાગ્યું. સૌથી મોટી વાત એ છે કે પહેલી લહેર, એટલે કે માર્ચ-2020થી માર્ચ-2021 સુધી, એટલે કે એક વર્ષમાં કુલ 312748 લોકો સંક્રમિત થયા, જેની સામે બીજી લહેર, એટલે કે વર્ષ 2021માં એપ્રિલ-જૂન સુધીના સમયગાળામાં 510775 લોકો સંક્રમિત થયા.

પહેલીમાં 3%, બીજી લહેરમાં 5% બાળકો સંક્રમિત
કોરોનાની પહેલી લહેરમાં 1-15 વર્ષનાં કુલ 9512 બાળક સંક્રમિત થયાં, જેની ટકાવારી 3%, જ્યારે બીજી લહેરમાં 25,544 બાળક સંક્રમિત થયાં, જેની ટકાવારી 5% થાય છે. એમાં 14452 બાળકો, જ્યારે 11092 બાળકીનો સમાવેશ થાય છે. અમદાવાદની KD હોસ્પિટલના પીડિયાટ્રિક્સ વિભાગનાં ડો. સ્નેહલ પટેલનું કહેવું છે કે કોવિડ દરમિયાન તેમને ઓપરેટ કોવિડ પોઝિટિવ બાળકોમાં રિકવરી રેટ 90થી 95% જોવા મળ્યો છે. શ્વસનતંત્રમાં ACE-2 રિસેપ્ટરનું પ્રમાણ વધુ હોય ત્યારે કોવિડની શક્યતા વધી જાય છે, પરંતુ બાળકોના શ્વસનતંત્રમાં એનું પ્રમાણ ઓછું હોય છે, જેથી બાળકોમાં કોરોનાનું જોખમ ઓછું રહ્યું છે. ઉપરાંત 2 વર્ષ સુધીનાં બાળકોનું રૂટિન વેક્સિનેશન થાય છે, જેથી તેમની ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે.

ડો. સ્નેહલ પટેલ, પીડિયાટ્રિશિયન, KD હોસ્પિટલ.
ડો. સ્નેહલ પટેલ, પીડિયાટ્રિશિયન, KD હોસ્પિટલ.

60થી ઉપરના દર્દીની સંખ્યા વધી, વેક્સિનેશનથી ટકાવારીની દૃષ્ટિએ 6% દર્દીઓ ઘટ્યા
સૌથી રસપ્રદ બાબત એ છે કોરોનાની બીજી લહેરમાં 60 વર્ષથી ઉપરના દર્દીઓમાં આંકડાની દૃષ્ટિએ વધારો જોવા મળ્યો છે, જોકે ટકાવારીમાં 6% ઘટાડો જોવા મળ્યો. પહેલી લહેરમાં 60 વર્ષથી ઉપરના 58921 દર્દી સંક્રમિત થયા, જે કુલ સંખ્યાના 19%, જ્યારે બીજી લહેરમાં 60 વર્ષની ઉપરના 65951 દર્દી સંક્રમિત થયા, જેની કુલ સંખ્યાના 13% થાય છે. મતલબ કે પહેલી કરતાં બીજી લહેરમાં 6% દર્દીનો ઘટડો નોંધાયો. રાજ્ય સરકારની કોવિડ ટાસ્કફોર્સના સભ્ય અને પુલ્મનોલોજિસ્ટ ડો.તુષાર પટેલનું કહેવું છે કે વેક્સિનેશનના શરૂઆતમાં 60 વર્ષથી ઉપરના લોકોને પ્રાધાન્ય આપવામાં આવ્યું અને તેમનું વેક્સિનેશન થયું. પરિણામે, આ એજ ગ્રુુપના દર્દીઓમાં ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો.

ડો.તુષાર પટેલ, સભ્ય, કોવિડ ટાસ્કફોર્સના અને પુલ્મનોલોજિસ્ટ.
ડો.તુષાર પટેલ, સભ્ય, કોવિડ ટાસ્કફોર્સના અને પુલ્મનોલોજિસ્ટ.

મહિલાઓમાં સંક્રમણ ઓછું, બીજી લહેરમાં સંક્રમણની ટકાવારી વધી
કોરોનાની બન્ને લહેરમાં પુરુષોની સરખામણીએ મહિલાઓમાં સંક્રમણનું પ્રમાણ ઓછું જોવા મળ્યું, પરંતુ બીજી લહેરમાં મહિલામાં સંક્રમણની ટકાવારી વધારે નોંધાઇ. એપ્રિલ-મે દરમિયાન કુલ મહિલા સંક્રમિત દર્દીની સંખ્યા 1.5 લાખ હતી, જેની ટકાવારી 34% નોંધાઇ, જેની સામે બીજી લહેરમાં 2.13 લાખ મહિલા સંક્રમિત થઇ, જેની ટકાવારી 42% નોંધાઈ. તો બીજી તરફ, પહેલી લહેરમાં 2.6 લાખ પુરુષો સંક્રમિત થયા, જેની ટકાવારી 66% થાય છે. બીજી લહેરમાં 2.97 લાખ પુરુષ સંક્રમિત, જેની ટકાવારી 58% નોંધાઇ છે, એટલે કે પહેલી વેવની સરખામણીએ બીજી લહેરમાં મહિલાઓમાં સંક્રમણની ટકાવારી 8% વધી.

ગાયનેક સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ અલ્પેશ ગાંધી.
ગાયનેક સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ અલ્પેશ ગાંધી.

સંક્રમણ મહિલાઓમાં ભલે ઓછું,પરંતુ ગંભીરતા એકસરખી
જાણકારો અનુસાર, મહિલાઓમાં સંક્રમણનું પ્રમાણ ભલે ઓછુ ંરહ્યું હોય, પરંતુ સંક્રમણ દરમિયાન ગંભીરતા બન્નેમાં એકસમાન જોવા મળી હતી, જેથી તમામે સંભાળ લેવાની જરૂર છે. ગાયનેક સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ અલ્પેશ ગાંધીએ દિવ્યભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કેટલાક પુરુષોમાં વ્યસનનું પ્રમાણ, કોમોર્બિડિટી વધુ હોય છે. ઉપરાંત સાયટોક્રોમ-સ્ટ્રોમ સેલ વધારે હોવાથી તેમનામાં સંક્રમણનું પ્રમાણ વધુ રહ્યું. જોકે સંક્રમિત મહિલાઓ, જેઓ ગર્ભવતી હોય અથવા અન્ય કોઇ સમસ્યાથી પીડાતી હોય તેમને સાજા થવામાં વાર પણ લાગી.

સૌથી વધુ 16-45 વર્ષના લોકોને સંક્રમણ
કોવિડની પહેલી અને બીજી લહેરમાં સૌથી વધુ 16-45 વર્ષના લોકો સંક્રમિત થયા. બીજી લહેરમાં આ એજ ગ્રુપમાં કુલ સંક્રમિત થયેલા દર્દીઓના 60% હતા, જ્યારે પહેલી વેવમાં કુલ સંક્રમિત થયેલા દર્દીઓ પૈકી 16-45 વર્ષના 49% દર્દીઓ હતા, એટલે કે બીજી વેવમાં આ એજ ગ્રુપમાં સંક્રમણમાં 11% વધારો નોંધાયો.

અન્ય સમાચારો પણ છે...