• Gujarati News
  • Dvb original
  • US listed Indian Companies Like Tata Motors, Infosys, ICICI Bank, Wipro Have Given Huge Return To US Investors

દેશીનું વિદેશીને વળતર:અમેરિકામાં લિસ્ટેડ ટાટા મોટર્સ, ઈન્ફોસિસ, ICICI બેન્ક, વિપ્રો જેવી ભારતીય કંપનીઓએ US રોકાણકારોને માલામાલ કરી દીધા

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: વિમુક્ત દવે
  • ભારતીય કંપનીઓએ ત્રણ વર્ષમાં 22-150% વળતર આપ્યું

અમેરિકન ફંડ્સ ભારતીય શેરબજારમાં ઇન્ડિયન કંપનીઓમાં રોકાણ કરી સારું વળતર મેળવી રહ્યા છે એવી જ રીતે ભારતની જે કંપનીઓ US સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે એ પણ ત્યાંનાં રોકાણકારોને ઊંચું વળતર આપી રહી છે. કોરોનાએ વૈશ્વિક અર્થતંત્રને ભાંગી નાખ્યું હતું. આમ છતાં અમેરિકામાં લિસ્ટેડ ટાટા મોટર્સ, ઈન્ફોસિસ, ICICI બેન્ક, વિપ્રો જેવી ભારતીય કંપનીઓએ ત્રણ વર્ષમાં અમેરિકન્સને 22-150% વળતર આપ્યું છે. વીતેલાં બે-ત્રણ વર્ષ દરમિયાન ખરાબ ઈકોનોમી વચ્ચે મોટા ભાગની ભારતીય કંપનીઓના શેર્સમાં રોકાણકારોને સારું રિટર્ન મળી રહ્યું છે.

15માંથી 9 ભારતીય કંપનીઓમાં પ્રોફિટ
પ્રાઇવેટ વેલ્થ મેનેજમેન્ટ પ્લેટફોર્મ Kristal.AIએ દિવ્ય ભાસ્કરને તૈયાર કરી આપેલા ડેટા મુજબ અમેરિકામાં ઈન્ડિયા ADR બાસ્કેટમાં 15 ભારતીય કંપની લિસ્ટેડ છે. આમાં ટાટા મોટર્સ, HDFC બેન્ક, ICICI બેન્ક, ઈન્ફોસિસ, વિપ્રો, મહાનગર ટેલિકોમ નિગમ (MTNL) સિફી, ડો. રેડ્ડીઝ લેબ સહિતની કંપનીઓ મુખ્ય છે. છેલ્લાં ત્રણ વર્ષના રેકોર્ડ મુજબ, 15માંથી 9 કંપનીઓમાં રોકાણકારોને 22-150% વળતર મળ્યું છે, જ્યારે HDFC બેન્ક, યાત્રા ઓનલાઈન અને રેડિફ જેવી કંપનીઓમાં 5-98% નુકસાની થઈ છે.

અમેરિકાના રિટેલ ઈન્વેસ્ટર્સ, HNI કરે છે રોકાણ
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસીઝના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે અમેરિકન રોકાણકારો ભારતીય શેરોમાં સીધું નહીં, પરંતુ અમેરિકન ડિપોઝિટરી રિસીપ્ટ્સ (ADR) દ્વારા રોકાણ કરે છે. USમાં લિસ્ટેડ ભારતીય કંપનીઓમાં અમેરિકાના રિટેલ ઈન્વેસ્ટર્સ, હાઇ નેટવર્થ ઈન્ડિવિડયુઅલ તેમજ ત્યાં વસતા ભારતીયો રોકાણ કરે છે. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેંજ (NYSE) અને નાસ્ડેક જેવાં એક્સચેન્જો પર માત્ર પ્રતિષ્ઠિત કંપનીઓને જ લિસ્ટિંગની મંજૂરી છે. માર્ચ 2020ના માર્કેટ ક્રેશથી ભારતીય બજાર વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં બજારોમાંનું એક છે. ઇન્ફોસિસ જેવા આઇટી શેરો શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓમાં સ્થાન ધરાવે છે. જોકે અમેરિકામાં સંભવિત મંદીને પગલે સારી કંપનીઓના શેર્સમાં પણ કરેક્શન આવ્યાં છે.

વૈશ્વિક મંદીની અસરે એક વર્ષમાં કરેક્શન પણ આવ્યું
કોવિડના કારણે વૈશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. આ સિવાય રશિયા-યુક્રેન વચ્ચેના તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી જતાં ખાસ કરીને અમેરિકન ઈકોનોમીને સૌથી વધુ અસર થઈ છે. આના કારણે US સ્ટોક માર્કેટમાં મોટા પ્રમાણમાં કરેક્શન આવ્યું છે, જેની સીધી અસર સારું પર્ફોર્મ કરી રહેલી ભારતીય કંપનીઓ પર પણ જોવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...