ભાસ્કર ઇન્ટરવ્યુ:અમેરિકાના ડેટા-સાયન્ટિસ્ટે કહ્યું- કોરોના સાથે સરકાર સમજૂતી કરતી દેખાય છે, મિડ ફેબ્રુઆરી સુધીમાં પીક આવશે

નવી દિલ્હી8 દિવસ પહેલાલેખક: પૂનમ કૌશલ

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરને કારણે પ્રત્યેક દિવસે દર્દીઓની સંખ્યા વધી રહી છે. તમને પણ સતત વધી રહેલા કેસને પગલે ઘણા સવાલો થતા હશે, જેવા કે કોરોનાની પીક ક્યારે આવશે, વેક્સિન આપણને વધી રહેલા સંક્રમણથી બચાવશે કે કેમ, ઓમિક્રોન આગળ જતાં કેટલો ખતરનાક બની શકે છે? આ તમામ સવાલો અંગે દિવ્ય ભાસ્કર રિપોર્ટર પૂનમ કૌશલે અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના ડેટા-સાયન્ટિસ્ટ ભ્રમર મુખર્જી સાથે વાત કરી છે.

ચાલો, વાંચીએ આ ખાસ વાતચીત...

ભારતમાં ઓમિક્રોનની લહેર ક્યારે શરૂ થઈ હતી, હાલ આપણે કેવી સ્થિતિમાં છીએ અને આગળ માટે શું સંકેત છે?
ડિસેમ્બરની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન મળ્યા પછી અમેરિકા અને યુરોપમાં સંક્રમણનો વિસ્ફોટ થવા લાગ્યો હતો. અગાઉની લહેર દરમિયાન એ જોવા મળ્યું છે કે વાઈરસ ફેલાવવાની શરૂઆત ધીરે-ધીરે થાય છે અને પછીથી એ ગતિ પકડે છે. વાઈરસનું સંક્રમણ રોકવા માટે આપણે જ્યારે એ ધીમી ગતિથી ફેલાતો હતો ત્યારે જ આ માટેની સ્ટ્રેટેજી બનાવવી જોઈતી હતી. આ વાઈરસ હાલ ઘાતક સ્તરે એટલા માટે પહોંચી ગયો છે, કારણ કે જ્યારે એને રોકવા માટેનાં પગલાં લેવામાં આવવા જોઈતાં હતાં એ લેવાયાં નથી. હવે જ્યારે વાઈરસે ગતિ પકડી છે ત્યારે એને રોકવા માટેનાં પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

કોરોનાની આ લહેરની પીક ક્યારે આવશે?
ભારતમાં અલગ-અલગ જગ્યાઓ પર અલગ-અલગ પીક આવશે. મુંબઈ, દિલ્હી, કોલકાતામાં જાન્યુઆરીના મધ્યથી લઈને અંત સુધીમાં પીક આવે એવી શક્યતા છે. સમગ્ર દેશમાં પીક ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં આવશે. જોકે આ મારું અનુમાન છે.

શું વેક્સિન આપણને વાઈરસથી સુરક્ષિત રાખી શકશે, જે ડેટા ઉપલબ્ધ છે એ શું કહે છે?
હાલ વાઈરસનો સામનો જે વસતિ હાલ કરી રહી છે એ પહેલી અને બીજી લહેરની સરખામણીએ અલગ છે. ઓછામાં ઓછા 90 ટકા લોકોને રસીનો એક ડોઝ તો લાગ્યો જ છે.

ગત વર્ષે જૂનમાં કરાયેલા સીરો સર્વે મુજબ દેશની 70 ટકા વસતિમાં એન્ટિબોડી હતી, એટલે કે સંક્રમણમાંથી પસાર થઈ ગઈ હતી. હવે વાઈરસ જે વસતિ પર હુમલો કરી રહ્યો છે એ પહેલાંની સરખામણીમાં વધુ સુરક્ષિત છે. વેક્સિનને કારણે લોકોને હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવતો નથી. આ સિવાય સંક્રમણના ગંભીર મામલામાં પણ મૃત્યુ ઓછાં થઈ રહ્યાં છે.

ઘણા એક્સપર્ટ કહી રહ્યા છે કે વાઈરસ હવે હળવો છે અને ખતરો ઓછો છે, તમારું શું માનવું છે?
જ્યારે આપણે એમ કહીએ છીએ કે વાઈરસ હળવો છે તો એનો અર્થ એ થાય છે કે એ કેટલાક લોકો માટે હળવો હોઈ શકે છે, પરંતુ કેટલાક લોકો માટે ખૂબ જ ખતરનાક પણ હોઈ શકે છે. આમ જોવા જઈએ તો વાઈરસ હળવો છે, પરંતુ એને અનિયંત્રિત રીતે ફેલવા દેવામાં આવે તો બીમાર પડનારા લોકોની સંખ્યા એટલી વધી જશે કે હોસ્પિટલો ભરાઈ જશે. એને પગલે આપણી સ્વાસ્થ્ય વ્યવસ્થા ખોરવાઈ જશે. હાલ આપણે અમેરિકામાં આવી જ સ્થિતિ જોઈ રહ્યા છે.

વૈજ્ઞાનિકોનું આ અંગે શું કહેવું છે? આ વાઈરસ વિશે વૈજ્ઞાનિકોમાં શું ચર્ચા ચાલી રહી છે?
આ અંગે બે અલગ-અલગ મત છે. એક વર્ગ એવો છે, જે કહે છે કે આ લહેર ખૂબ જ ખતરનાક છે. બધા બીમાર પડશે. આપણે વાઈરસને રોકવા માટે મોટાં પગલાં ભરવાં પડશે. બીજો વર્ગ એવો છે, જે કહી રહ્યો છે કે આ વધુ ખતરનાક નથી, ઓમિક્રોન પ્રાકૃતિક વેક્સિન છે, જે લોકોમાં એન્ટિબોડી ડેવલપ કરી રહ્યો છે.

એક ગ્રુપ માને છે કે ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ફેલાશે અને પછીથી આ વાઈરસ સમાપ્ત થઈ જશે, જોકે વૈજ્ઞાનિકોનો એક વર્ગ એવું પણ માને છે કે મહામારી ઓમિક્રોનની સાથે સમાપ્ત નહિ થાય. વાઈરસનો નવો વેરિયન્ટ સામે આવી શકે છે, કારણ કે વાઈરસ નવી-નવી વસતિ સુધી પહોંચી રહ્યો છે અને આપણે એ જાણતા નથી કે જે નવો વેરિયન્ટ હશે એ હળવો હશે કે વધુ ખતરનાક હશે.

શું લોકડાઉન જ વાઈરસને રોકવાનો ઉપાય છે કે લોકડાઉન લગાવ્યા વગર પણ એને રોકી શકાય છે?
અમેરિકામાં હવે ધ્યાન લોકડાઉનની જગ્યાએ સાવધાનીથી બધું ખોલવા પર મુકાઈ રહ્યું છે. સરકારોએ એ વાત પર ભાર મૂકવો જોઈએ કે સુરક્ષિત રીતે કઈ રીતે બધું ખુલ્લું રાખી શકય. આપણે બધી વસ્તુઓને કઈ રીતે ખુલ્લી રાખી શકાય એ બાબત પર ભાર મૂકવો જોઈએ, બંધ રાખવા પર નહિ.

હાલ આપણી પાસે જે ડેટા ઉપલબ્ધ છે એ દર્શાવે છે કે વેક્સિનથી લોકો સુરક્ષિત છે. એવામાં સમગ્ર વિશ્વમાં વસતિના રસીકરણ પર ભાર મૂકવો જોઈએ.

તમારા મતે વાઈરસ સામેની લડાઈમાં સૌથી મહત્ત્વનું પગલું શું છે અને સરકારોએ શું કરવું જોઈએ
ભારતમાં સેલ્ફ ટેસ્ટિંગને પ્રોત્સાહન આપવું જોઈએ. સરકારે લોકોને ટેસ્ટ કરાવવા માટે કિટો ઉપલબ્ધ કરાવવી જોઈએ. જ્યારે લોકોને એ વાતનો ખ્યાલ આવશે કે એ સંક્રમિત છે, તો તેઓ જાતે જ પોતાને બીજા લોકોથી દૂર રાખશે.

આપણે એમ કહીએ છીએ કે ઓમિક્રોન હળવો છે, એનાથી આપણે એ વાતનો સંકેત નથી આપી રહ્યા કે આ વાઈરસ એની જાતે જ સમાપ્ત થઈ જશે અને આપણે ડરવાની જરૂર નથી?
વાઈરસને ભલે હળવો માનવામાં આવતો હોય, પરંતુ એનાથી બચવા માટે જરૂરથી પગલાં લેવાં જોઈએ. પરિવારમાં કોઈ વ્યક્તિ બીમાર પડે છે તો તેનું ધ્યાન રાખવા માટે બાકીના લોકો હોય છે, જોકે બધા જ બીમાર પડી જાય તો કોણ કોનું ધ્યાન રાખશે?

ઓમિક્રોન ખૂબ જ ચેપી છે. જો પરિવારનો કોઈ સભ્ય સંક્રમિત થાય છે તો બાકીના લોકો સંક્રમિત થવાની શક્યતા વધી જાય છે.

જો તમામ સ્વાસ્થ્યકર્મચારી કે ઘરમાં કામ કરનારા સંક્રમિત થઈ જાય તો સ્વાસ્થ્ય વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા વિખેરાઈ જશે. જોકે સ્વસ્થ વ્યક્તિના બીમાર પડવા પર તેને દાખલ કરવાની ફરજ પડે એવી શક્યતા ખૂબ જ ઓછી છે.

જ્યારે આપણે ભારતની વાત કરીએ છીએ તો શું તમને લાગે છે કે આપણી પાસે ઓમિક્રોન અને કોવિડ લહેર અંગે સાર્વજનિક રીતે પર્યાપ્ત માહિતી અને ડેટા ઉપલબ્ધ છે?
ભારતની પાસે જે ડેટા છે એ ખૂબ જ સાધારણ છે. આપણને મંત્રાલય પાસેથી રોજ સંક્રમણના કેસ, સાજા થનારા લોકો અને મૃત્યુના ડેટા મળે છે, જોકે હજી પણ આપણે હોસ્પિટલમાં દાખલ થનારી વ્યક્તિઓના આંકડાને ટ્રેક કરવાની જરૂર છે. કેટલાંક રાજ્યો તો હોસ્પિટલમાં કેટલા દર્દીઓ દાખલ છે એ અંગોનો ડેટા આપે છે, જોકે હજી પણ કેટલાંક રાજ્યો આ આંકડા આપી શકતાં નથી. રાષ્ટ્રીય સ્તરે કોવિડ સાથે સંબંધિત હોસ્પિટલમાં દાખલ થનારાઓનો ડેટા ઉપલબ્ધ નથી.

આપણી પાસે હોસ્પિટલ સાથે સંકળાયેલો ડેટા છે, એ પણ મોટાં શહેરોનો છે. આપણને એ વાતનો ખ્યાલ જ નથી કે ગ્રામીણ ક્ષેત્રમાં મહામારી કઈ રીતે ફેલાઈ રહી છે, કારણ કે આપણી પાસે એને ટ્રેક કરવા માટે પર્યાપ્ત ડેટા નથી. મને લાગે છે કે મૃત્યુનો સાચો આંકડો પણ નોંધાયો નથી.

તમારી નજરમાં ઓમિક્રોનની આ લહેરની પ્રતિક્રિયામાં આપણે શું ભૂલ કરી રહ્યા છે? તમે ભારતની પ્રતિક્રિયાને કઈ રીતે માપશો?
આપણે હોસ્પિટલના ડેટાને ટ્રેક કરવા પડશે. એ ડેટા મુજબ રિસ્પોન્સ સિસ્ટમ ડેવલપ કરવી પડશે. આપણે એ નક્કી કરવું પડશે કે જ્યારે આપણી હોસ્પિટલોમાં 50 ટકા જેટલાં બેડ ભરાઈ જશે તો આપણે શું કરીશું. જ્યારે 100 ટકા ભરાઈ જશે તો આપણે શું કરીશું. એક સ્પષ્ટ યોજના હોવી જોઈએ અને લોકોને આ અંગે માહિતી હોવી જોઈએ. જો આપણને આ અંગે કંઈ જ ખ્યાલ નથી, તો આ બાબતે પણ લોકોને ખ્યાલ હોવો જોઈએ.

બાળકો પર વાઈરસની શી અસર થઈ શકે છે, ડેટા શું હોય છે?
ઓમિક્રોનની લહેરમાં બાળકો સંક્રમિત થઈ રહ્યા છે, જોકે જ્યાં સુધી મૃત્યુ સાથે જોડાયેલા ડેટાનો સવાલ છે ત્યાં સુધી જે બાળકોએ વેક્સિન ન લીધી હોય તેમનાં મૃત્યુ પણ ઓછાં થઈ રહ્યાં છે. આ ડેટા ઉત્સાહ વધારે તેવો છે. બીજા દેશોનો ડેટા પણ એ દર્શાવે છે કે બાળકો પર એની અસર હળવી રહી છે. જોકે આપણે દરેક પ્રકારના ખતરાને ઓછો કરવાનો છે અને દરેકના જીવ બચાવવાના છે. આવી સ્થિતિમાં આપણે સાવધાની તો રાખવી જ પડશે.

પાંચ રાજ્યમાં ચૂંટણી થવા જઈ રહી છે, ઈલેક્શન કિમિશને થોડા દિવસો માટે રાજકીય રેલીઓને રોકી છે, તમારી શી સલાહ છે?
એ વાત સ્પષ્ટ છે કે જ્યાં ભીડ થશે ત્યાં સંક્રમણનો વધુ ખતરો સર્જાશે. રાજકીય પક્ષોએ વર્ચ્યુઅલ અને ડિજિટલ કેમ્પેન પર ભાર મૂકવો જોઈએ. અમેરિકામાં કોવિડની બીજી લહેરની વચ્ચે ચૂંટણી થઈ હતી. લોકોને ઘરેથી મતદાન કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. ચૂંટણી લોકશાહી માટે જરૂરી છે, જોકે એ વિચારવું જોઈએ કે સુરક્ષિત રીતે મતદાન કઈ રીતે કરી શકાય. એ રાજકારણ સૌથી ખરાબ રાજકારણ ગણાશે, જે મહામારીને પ્રોત્સાહન આપે.

અન્ય સમાચારો પણ છે...