• Gujarati News
  • Dvb original
  • Uproar Over Private Member's Bill On Equal Law For All In Rajya Sabha, Know Which States Are Eager To Implement

'યુનિફોર્મ સિવિલ કોડ' બિલ રજૂ કરવાની મંજૂરી:રાજ્યસભામાં દરેક માટે સમાન કાયદા અંગે પ્રાઇવેટ મેમ્બર બિલથી હોબાળો, જાણો કયાં રાજ્યો છે અમલ કરવા તલપાપડ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે રાજ્યસભામાં ભારે હોબાળાની વચ્ચે ભાજપના સાંસદ કિરોડીલાલ મીણા દ્વારા 'યુનિફોર્મ સિવિલ કોડ બિલ'થી સંબંધિત પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ ખાનગી બિલ પર ગૃહમાં હોબાળો થયો હતો. બિલ રજૂ કર્યા પછી મતદાન થયું, જેમાં પક્ષમાં 63 મત પડ્યા અને વિપક્ષમાં 23 મત પડ્યા. આ પછી વિપક્ષની બિલ રોકવાની માગને ફગાવી દેવામાં આવી હતી અને બિલ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ઉગ્ર ચર્ચા બાદ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પૂછ્યું કે શા માટે તેને રજૂ ન કરી શકાય?

તમને જણાવી દઈએ કે આ મુદ્દે દેશમાં લાંબા સમયથી રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. આ બિલમાં એવી માંગ કરવામાં આવી છે કે દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે રાષ્ટ્રીય નિરીક્ષણ અને તપાસ પંચની રચના કરવામાં આવે. હવે શિયાળુ સત્ર દરમિયાન UCC પર પ્રાઈવેટ મેમ્બર બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે. હવે જાણો કે આ યુનિફોર્મ સિવિલ કોડ આખરે છે શું? તેનો વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે અને કયા રાજ્યો તેનો અમલ કરવા માંગે છે?

પહેલા 'યુનિફોર્મ સિવિલ કોડ'ને સમજો...

UCC એટલે કે યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ સરળ શબ્દોમાં સમજીએ તો ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો છે, પછી ભલે તે કોઈપણ ધર્મ અને જાતિના હોય. યુનિફોર્મ સિવિલ કોડમાં લગ્ન, છૂટાછેડા અને મિલકતના વિભાજનમાં તમામ ધર્મોને સમાન કાયદો લાગુ પડશે. યુનિફોર્મ સિવિલ કોડ બિલ તમામ ધાર્મિક સમુદાયો માટે એક દેશ એક નિયમ લાગુ કરવા માટે કહે છે.

મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ: ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસે 1 ડિસેમ્બરે ગુરુવારે મીડિયાને જણાવ્યું હતું કે દેશના તમામ રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામ રાજ્યોને યુનિફોર્મ સિવિલ કોડ કાયદો જાતે લાગુ કરવા જણાવ્યું છે. એટલા માટે તમામ રાજ્યોએ આ અંગે કોઈને કોઈ નિર્ણય લેવો જ પડશે. ઘણા રાજ્યો પોતપોતાની સુવિધા અનુસાર તેનો અમલ કરી રહ્યા છે. તેને મહારાષ્ટ્રમાં પણ લાગુ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.

દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું કે ગોવામાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો છે અને તે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં પણ તેને લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે, પરંતુ તેની જાહેરાત કરવાનો અધિકાર રાજ્યના મુખ્યમંત્રીને છે.

નાગરિકોને સમાન તકો મળવી જોઈએ: શિવરાજસિંહ ચૌહાણ

શિવરાજ સિંહ ચૌહાણ સેંધવાના ચાચરિયા ખાતે એક કાર્યક્રમમાં સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે આદિવાસી સમુદાયના લોકોને PESA એક્ટ વિશે માહિતગાર કર્યા હતા અને તેઓને તેના વિશે જાગૃત કર્યા હતા. આ સાથે સીએમ શિવરાજે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે. સીએમ શિવરાજે સવાલ કરતા કહ્યું કે એક જ દેશમાં બે અલગ-અલગ કાયદા કેમ? સમાનતા માટે નાગરિકોને સમાન તકો મળવી જોઈએ.

સીએમ શિવરાજે સિંહે વધુમાં કહ્યું હતું કે પુરુષોએ માત્ર એક જ વાર લગ્ન કરવા જોઈએ. દરેક વ્યક્તિને એક જ પત્ની રાખવાનો અધિકાર હોવો જોઈએ. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આદિવાસી દીકરી સાથે લગ્ન કર્યા પછી લોકો તેના નામે જમીન ખરીદે છે અને પછી સરપંચની ચૂંટણી લડે છે. આવી સ્થિતિમાં સીએમ શિવરાજ સિંહે સ્પષ્ટ કર્યું કે છેતરપિંડી અથવા ધર્માંતરણ દ્વારા લેવામાં આવેલી આદિવાસીઓની જમીન પરત કરવામાં આવશે.

દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો સમય આવી ગયો છેઃ રાજનાથ સિંહ

આ પહેલા બુધવારે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે મીડિયા સાથેની વાતચીતમાં યુનિફોર્મ સિવિલ કોડ કાયદા સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. રાજનાથે કહ્યું હતું કે સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો સમય આવી ગયો છે. તમામ રાજ્યોએ આ અંગે વિચારવું જોઈએ. જે રાજ્યો તેનો અમલ કરી રહ્યા છે તે અભિનંદનને પાત્ર છે.

ભાજપ નથી ઇચ્છતી કે મુસ્લિમ વધુ લગ્નો કરે: હિમંત બિસ્વા સરમા

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ગુરુવારે કહ્યું કે તેમની સરકાર ઇચ્છે છે કે પ્રવાસી મુસ્લિમનાં બાળકો મદરેસા ભણીને જુનાબ, ઇમામ બનવાને બદલે ડોક્ટર અને એન્જિનિયર બને. જો અસમિયા હિંદુ પરિવારના ડોક્ટર છે તો મુસ્લિમ પરિવારના પણ ડોક્ટર હોવા જોઇએ.

બિસ્વાએ લોકસભા સાંસદ બદરુદ્દીન અજમલના આપેલા તે નિવેદન પણ આલોચના કરી, જેમાં તેમણે હિંદુઓને નાની ઉંમરમાં લગ્ન કરી બાળકો પેદા કરવાની સલાહ આપી હતી. બિસ્વાએ કહ્યું, 'ભારતમાં રહેનારા પુરુષને ત્રણ-ચાર મહિલાઓ સાથે લગ્ન કરવાનો અધિકાર નથી જ્યાં સુધી પહેલી પત્નીને તલાક નથી આપતો. CM હિમંત બિસ્વા સરમાએ કહ્યું 'હું મારી મુસ્લિમ બહેનોને કહેવા માગું છું કે બદરુદ્દીનની વાત ન સાંભળો. બેથી વધુ બાળકો પેદા ન કરો.

સીએમ યોગીની બદમાશોને ચેતવણી
ઉત્તર પ્રદેશમાં દુષ્કર્મ અને લવજેહાદના કિસ્સાઓને લઈ સીએમ યોગી આદિત્યનાથ શુક્રવારે કાનપુરમાં એક કાર્યક્રમમાં સંબોધતા તેમણે બદમાશોને ખુલ્લી ચેતવણી આપી હતી. સીએમ યોગીએ જણાવ્યું હતું કે, "હવે એક ગુનેગાર જે પહેલા એક ચાર રસ્તા પર બહેન-દીકરીની છેડતીનો પ્રયાસ કરે છે, બીજા ચાર રસ્તા પર લૂંટ કરવાની હિંમત કરે છે, તે હવે આમ કરી શકશે નહીં કારણ કે CCTV કેમેરા દરેક પ્રવૃત્તિને કેદ કરશે."

યોગીએ વધુમાં કહ્યું કે "જો કોઈએ એક ચાર રસ્તા પર દુષ્કર્મ કર્યું અથવા લૂંટ કરી હોય તો તે આગળના ચાર રસ્તા સુધી પહોંચશે ત્યાં સુધીમાં પોલીસ તેને ઠાર કરી નાખશે."

સમગ્ર દેશમાં લવજેહાદના કિસ્સા વધ્યાં
દિલ્હીમાં પ્રેમિકાના 35 ટુકડા કરી નાખનારા આફતાબ પર સમગ્ર દેશમાં ધિક્કારની લાગણી પ્રસરી છે અને શ્રદ્ધા જેવી અન્ય યુવતીઓ આ પ્રકારની હિંસક ઘટનાઓનો ભોગ ન બને એ માટે લવજેહાદનો કાયદો બને અને કડકપણે તેનો અમલ થાય એવી લાગણી સમગ્ર દેશમાં બળવત્તર બની છે. એવામાં રાજ્યસભામાં જ્યારે 'યુનિફોર્મ સિવિલ કોડ બિલ' ખાનગી બિલ રજૂ કરવામાં આવ્યું છે. રાજકીય પક્ષોમાં યુનિવર્સલ સિવિલ કોડ અને લવજેહાદ વિરુદ્ધના કાયદા અંગે મતમતાંતર રહ્યા છે. દેશમાં અવારનવાર લવજેહાદના કિસ્સા બહાર આવી રહ્યા છે. લવજેહાદની ઘટનાઓને ડામવા માટે ગુજરાત સહિતના વિવિધ રાજ્યોએ કાયદો પણ પસાર કર્યો છે. જો કે સમગ્ર દેશમાં લવજેહાદ વિરુદ્ધનો કડક કાયદો અમલી બને એ માટેનો આગ્રહ પૂરજોશમાં થઈ રહ્યો છે.

UCC ભાજપના એજન્ડામાં સામેલ છે
સમાન નાગરિક સંહિતા એક એવો મુદ્દો છે, જે હંમેશાં ભાજપના એજન્ડામાં રહ્યો છે. 1989ની લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત ભાજપે તેના ઢંઢેરામાં યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો સામેલ કર્યો હતો. 2019ની લોકસભા ચૂંટણી ઢંઢેરામાં ભાજપે સમાન નાગરિક સંહિતાનો પણ સમાવેશ કર્યો હતો. ભાજપ માને છે કે જ્યાં સુધી યુનિફોર્મ સિવિલ કોડ અપનાવવામાં નહીં આવે ત્યાં સુધી લિંગ સમાનતા નહીં આવી શકે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકારની કેબિનેટમાં લેવાયેલા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને જાહેરાત કરવામાં આવી હતી.

યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરનારુ પહેલું રાજ્ય ઉત્તરાખંડ
આ પહેલાં ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણીમાં રહેલા યુનિફોર્મ સિવિલ કોડની જાહેરાત કરવામાં આવી હતી. એટલું જ નહીં, સરકાર બન્યા બાદ એનો અમલ પણ કરવામાં આવ્યો હતો. હિમાચલ પ્રદેશમાં પણ કોમન સિવિલ કોડને લાગૂ કરાયો હતો. આઝાદી બાદ યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરનારું ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય છે. જોકે, ગોવામાં પણ આ કાયદો લાગૂ છે. ત્યાં આઝાદી પહેલા આ કાયદો બન્યો હતો. લાંબા સમયથી આ મામલે અલગ અલગ રાજ્યોમાં રાજકારણ ગરમાયું છે.

અન્ય સમાચારો પણ છે...