જુવાર, ઘઉં અને ચણાને રવિ સિઝનના મુખ્ય પાક માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામના ખેડૂત રામભાઈ વરૂએ તેમની પાકની પદ્ધતિમાં ફેરફાર કરી અનોખું સાહસ કર્યું છે. રામભાઈ વરૂએ પોતાની 15 વીઘા જમીનમાં આ વર્ષે શિયાળું પાકમાં સૂર્યમુખીનું વાવેતર કર્યું છે. સૂર્યમુખીના વાવેતરની આસપાસ ચણા અના ધાણાનું પણ વાવેતર કરી બેવડી ઉપજ મેળવવાનો પ્રયાસ કર્યો છે. 15 વીઘા જમીનમાં સૂર્યમુખી, ચણા અને ધાણામાંથી 6 લાખની કમાણી થાય તેવી આશા રામભાઈએ વ્યક્ત કરી છે.
સૂર્યમુખીના બીજના ભાવ સારા મળી રહે છે
રામભાઈએ જણાવ્યું હતું કે, આ સાહસનું સારૂ પરિણામ મળતા અમે ખુશ પણ છીએ. તેમજ આસપાસના પંથકના ખેડૂતો આ પરિણામ જોવા અને જાણવા માટે આવી રહ્યા છે. સાથે જ સૂર્યમુખીના ખીલી ઉઠેલા ફૂલો જોવા માટે પણ હાલ આ ખેતી આકર્ષણનું કેન્દ્ર બની છે. સૂર્યમુખી ખેતી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક અને આકર્ષણનું કેન્દ્ર બને તેવી ખેતી કરી છે. સૂર્યમુખીની ખેતી ખૂબ ઓછા ખર્ચમાં થાય છે. ભાવ સારા મળી રહેતા આવક પણ સારી થાય છે. હું એક ખેડૂત તરીકે અન્ય ખેડૂતને પણ સૂર્યમુખીની ખેતી કરવા પ્રેરણા લે તેવી અપીલ કરૂ છું.
સૂર્યમુખીની ખેતી બહુ ખર્ચાળ નથી
રામભાઈએ કરેલા સાહસને લઈ આસપાસના પંથકના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં રામભાઈએ કરેલી સૂર્યમુખીની ખેતીમાં હાલ જ્યાં જુઓ ત્યાં સૂર્યમુખીના સુંદર અને મનમોહક ફૂલો ખીલી ઉઠેલા જોવા મળે છે. ત્યારે અહિંયાથી પસાર થતા રાહદારીઓ પણ આ આકર્ષણના કેન્દ્ર તરફ ખેંચાઈ આવતા જોવા મળે છે. રામભાઈ વરૂએ વધુમાં જણાવ્યું હતું કે, આ ખેતી બહુ ખર્ચાળ નથી અને તેમનું પરિણામ પણ સૌ કોઈ નજરે જોઈ શકે છે. આ ખેતી સંપૂર્ણ ઓર્ગેનિક છે. જાળવણી માટે પણ કોઈ વધારે ખર્ચ થતો નથી. માટે અન્ય ખેડૂતને પણ આ સૂર્યમુખી ખેતીનું સાહસ કરવું જોઈએ.
સૂર્યમુખીની ખેતી ગમે તે પ્રકારની જમીનમાં થાય છે
રામભાઈએ સૂર્યમુખીની આ ખેતીના ફાયદાઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, સૂર્યમુખી પાક ઋતુ મર્યાદિત ન હોવાથી વર્ષ દરમિયાન ગમે ત્યારે વાવી શકાય છે. ઉપરાંત ટૂંકાગાળાનો પાક હોવાથી આંતરપાક કે, મિશ્રપાક પદ્ધતિમાં સારી રીતે ફીટ થઈ શકે છે. સૂર્યમુખીનો પાક સાડા ત્રણથી ચાર મહિનાનો જ હોય છે. સાથે મોડા વાવેતરનાં હિસાબે ઉત્પાદનમાં થતો ઘટાડો આ પાક લેવાથી નિવારી શકાય છે. સૂર્યમુખી ગમે તે પ્રકારની જમીનમાં થઈ શકે છે. ત્યારે આ પાક પાણીની ખેંચ સામે પ્રતિકારક શક્તિ ધરાવતો હોવાથી ઓછા વરસાદમાં પણ નિષ્ફળ જતો નથી. સાથે-સાથે આ પાક લીલા ઘાંસચારા તરીકે પણ લઈ શકાય છે. લોકોને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારો સાબિત થાય છે.
એક હેક્ટરે 1 લાખ સુધીની કમાણી થાય છે
રામભાઈએ સૂર્યમુખીની ખેતીમાં ઉપજ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, સૂર્યમુખીની ખેતી એક હેક્ટરમાં કરવામાં આવે તો લગભગ 25 ક્વિન્ટલની ઉપજ મળે છે. જો તેના બિયારણને બજારમાં વેચવામાં આવે તો તે લગભગ 4000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાય છે. આથી આ રીતે 1 હેક્ટરમાંથી 1 લાખ રૂપિયા સુધી મેળવી શકાય છે. જેની સામે ખર્ચ અંદાજે 30થી 40 હજાર થાય છે. આમ ખેડૂત સૂર્યમુખી ખેતીમાં હેક્ટર દીઠ નફો 60થી 70 હજાર રૂપિયા મેળવી શકે છે.
સૂર્યમુખીમાં ઉચ્ચ ગુણવત્તાવાળું 40થી 42 ટકા તેલનું પ્રમાણ
રામભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, સૂર્યમુખી વિશ્વનાં મુખ્ય ચાર તેલીબીયાનાં પાક પૈકીનો એક અગત્યનો પાક છે. સૂર્યમુખીમાં ઉચ્ચ ગુણવત્તાવાળુ 40થી 42 ટકા તેલનું પ્રમાણ છે. તેમજ બીજમાં વિટામીન-બી સારા પ્રમાણમાં હોવાથી તે આંખને પ્રકાશની સામે ટકવાની તાકાત આપે છે. સૂર્યમુખીનાં તેલને ઉત્તમ ખાદ્યતેલ ગણવામાં આવે છે. હૃદય રોગની બીમારીવાળા લોકો માટે ઘણું જ ફાયદાકારક છે. તેલ કાઢી લીધા બાદ તેના ખોળમાં 42થી 46 ટકા પ્રોટીન હોવાથી પશુ તથા મરઘા માટે આદર્શ ખોરાક બને છે.
સૂર્યમુખીની ખેતીને અનુકૂળ જમીન અને હવામાન
સૂર્યમુખીનો પાક દરેક પ્રકારની જમીનમાં લઈ શકાય છે. સામાન્ય ફળદ્રુપતા ધરાવતી જમીન જેવી કે, ગોરાડુ, રેતાળ, મધ્યમ કાળી જમીન સૂર્યમુખીના પાકને વધુ માફક આવે છે. ભારે ચિકણી ક્ષારયુક્ત જમીનમાં પણ સૂર્યમુખી ઉગાડી શકાય છે. આગલા પાકના અવશેષો દૂર કરી હળની એક ખેડ અને કરબની બેથી ત્રણ ખેડ કરી જમીન સપાટ, પોચી અને ભરભરી બનાવવી. જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે 10 ટન ગળતિયું ખાતર આપવાથી જમીનની ફળદ્રુપતા અને ભેજની સંગ્રહ શક્તિ વધે છે.
સૂર્યમુખીના પાકનું વાવેતર વિશે જાણો
સૂર્યમુખીના પાકનું બે હાર વચ્ચે 60 સેન્ટિમીટરનું અંતર રાખી વાવેતર કરવું અને બે છોડ વચ્ચે 30 સેન્ટિમીટર અંતર રાખવું. ઉગાવા બાદ 12થી 15 દિવસે પારવણી કરવી જરૂરી છે. મોર્ડન ઠીંગણી અને વહેલી પાકતી જાત હોય તેનું વાવેતર બે હાર વચ્ચે 45 સેન્ટિમીટર અને બે છોડ વચ્ચે 20 સેન્ટિમીટર અંતર રાખીને વાવેતર કરવું. એકલા પાક માટે હેક્ટરે 10 કિલો અને આંતર પાક માટે હેક્ટરે 5 કિલો બિયારણનું પ્રમાણ રાખી વાવતેર કરવું જોઈએ. બિનપિયત પરિસ્થિતિમાં ઝડપી અને સારા ઉગાવા માટે સૂર્યમુખીનાં 1 કિલો બીજને 1 લીટર પાણીમાં 14 કલાક સુધી પલાળી રાખી છાંયડે સૂકાયા બાદ વાવતેર કરવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.