તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • University Will Form A Yogi Government In The Name Of The King Of Mursan State Who Defeated Vajpayeeji, Find Out Who Is Raja Mahendra Pratap Singh?

કિંગ ઓફ જાટ:વાજપેયીજીને હરાવનાર મુરસાન સ્ટેટના રાજાના નામે યોગી સરકાર બનાવશે યુનિવર્સિટી, જાણો કોણ છે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ?

2 દિવસ પહેલા
કોંગ્રેસ સાથે મનમેળ ન હોવાથી મહેન્દ્ર પ્રતાપ સિંહ ઈતિહાસનાં પાનાંમાં ખોવાઈ ગયા
  • રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે યુનિવર્સિટીથી જાટ સમુદાયને સાધવાનો પ્રયાસ
  • ખેડૂત આંદોલન વચ્ચે આ જાહેરાતનું ઘણું જ છે રાજકીય મહત્ત્વ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલીગઢમાં ડિફેન્સ કોરિડોર અને રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો. ઉત્તરપ્રદેશ સરકારે વર્ષ 2019માં જ રાજ્ય સ્તરે આ વિશ્વવિદ્યાલયની જાહેરાત કરી હતી. આગામી વર્ષે UPમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે, એ પહેલાં વડાપ્રધાન મોદીએ પશ્ચિમી ઉત્તરપ્રદેશને એક યુનિવર્સિટી અને ડિફેન્સ કોરિડોરની ભેટ આપી છે. જાટ નેતા અને સ્વાતંત્ર્યસૈનાની રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે બનનારી યુનિવર્સિટી માટે શિક્ષણ વિભાગે 101 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. 92 એકર જમીન પર આ યુનિવર્સિટીનું નિર્માણ થશે. માનવામાં આવે છે કે આ જાહેરાતથી મોદી સરકારે જાટ સમુદાયને ભાજપ તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે.

UPના CM યોગી આદિત્યનાથે વર્ષ 2019માં પેટાચૂંટણી સમયે જ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરી હતી. દેશમાં ચાલતા ખેડૂત આંદોલનની વચ્ચે જાટ નેતાના નામે યુનિવર્સિટીની આધારશિલા રાખવાનું રાજકીય રીતે ઘણું જ મહત્ત્વનું પગલું માનવામાં આવે છે. શું તમે જાણો છો કે રાજા મહેન્દ્ર સિંહ પ્રતાપ કોણ હતા? જાણો તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો...

મુરસાન સ્ટેટના રાજા હતા, લગ્ન સમયમાં બે ટ્રેન સંગરુર ગઈ હતી
1લી ડિસેમ્બર 1886ના રોજ જન્મેલા મહેન્દ્ર પ્રતાપ સિંહ પશ્ચિમી ઉત્તરપ્રદેશના હાથરસના મુરસાન સ્ટેટના રાજા હતા. જાટ પરિવારમાંથી આવતા રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહની ગણતરી પોતાના વિસ્તારના એજ્ક્યુકેટેડ લોકોમાં થતી હતી. તેમના લગ્ન જિંદ સ્ટેટનાં બલબીર કૌર સાથે થયા હતા. તેમની જાન માટે હાથરસથી સંગરુર વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવામાં આવી હતી.

રાજા પાસે ભારતીય પાસપોર્ટ પણ ન હતો છતાં 50થી વધુ દેશની મુલાકાત કરી
રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ પાસે ભારતીય પાસપોર્ટ ન હતો, તેમ છતાં 50થી વધુ દેશની યાત્રા કરી હતી તેમણે અફઘાન સરકારના સહયોગથી 1 ડિસેમ્બર 1915ના રોજ પહેલી ચૂંટાયલી હિંદ સરકારનું ગઠન કર્યું હતું. આઝાદીનું બ્યૂગલ વગાડતાં તેઓ 31 વર્ષ 8 મહિના સુધી વિદેશમાં જ રહ્યા હતા. હિંદુસ્તાનને આઝાદ કરાવવાનો આ દેશની બહારથી પહેલો પ્રયાસ હતો. અંગ્રેજ સરકાર પાસેથી તેમને પાસપોર્ટ મળશે એવી તો કોઈ શક્યતા જ ન હતી, ત્યારે તેમની પાસે અફઘાનિસ્તાનનો પાસપોર્ટ હતો.

રાજા મહેન્દ્ર પ્રતાપે અફઘાન સરકારના સહયોગથી 1 ડિસેમ્બર 1915ના રોજ પહેલી ચૂંટાયલી હિંદ સરકારનું ગઠન કર્યું હતું (ફાઈલ ફોટો).
રાજા મહેન્દ્ર પ્રતાપે અફઘાન સરકારના સહયોગથી 1 ડિસેમ્બર 1915ના રોજ પહેલી ચૂંટાયલી હિંદ સરકારનું ગઠન કર્યું હતું (ફાઈલ ફોટો).

રાજા મહેન્દ્ર પ્રતાપની આત્મકથા 'માય લાઇફ માય સ્ટોરી' મુજબ તેમણે ભારત છોડતાં પહેલાં દેહરાદૂનના DM કાર્યાલયથી પાસપોર્ટ બનાવડાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક અખબારમાં જર્મનીના સમર્થનમાં એક લેખ લખવાને કારણે પાસપોર્ટ બનાવવામાં અડચણ ઊભી થઈ હતી. એ બાદ રાજા મહેન્દ્ર પ્રતાપે દરિયાઈ માર્ગે બ્રિટન પહોંચવાની યોજના બનાવી. તેમણે સ્વિટ્ઝર્લેન્ડ, જર્મની, સોવિયત સંઘ. જાપાન, ચીન, અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કી જેવા દેશોની યાત્રા કરી અને 1946માં તેઓ કેટલીક શરતો અંતર્ગત ભારત પરત ફર્યા હતા.

અટલ બિહારી વાજપેયી વિરુદ્ધ ચૂંટણી લડી હતી
વર્ષ 1957માં સામાન્ય ચૂંટણીમાં રાજા મહેન્દ્ર પ્રતાપે અટલ બિહારી વાજપેયીને જોરદાર હાર આપી હતી. આ ચૂંટણીમાં મથુરા લોકસભા સીટ પરથી રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહે ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં લગભગ 4 લાખ 23 હજાર 432 મતદારો હતા, જેમાંથી 55 ટકા એટલે કે લગભગ 2 લાખ 34 હજાર 190 લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એ સમયે 55 ટકા વોટિંગ થવું એ મોટી વાત ગણાતી હતી. આ ચૂંટણીમાં જીતેલા અપક્ષ ઉમેદવાર રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહે ભારતીય જનસંઘ પાર્ટીના ઉમેદવાર અટલ બિહારી વાજપેયીની ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ હતી. નિયમ મુજબ કુલ વોટના 1/6 વોટ ન મળવાને કારણે ડિપઝિટ જપ્ત થઈ જાય છે. ત્યારે અટલ બિહારીને રાજા મહેન્દ્ર પ્રતાપ સામે 1/6થી પણ ઓછા મત મળ્યા હતા. આ ચૂંટણીમાં જીત મળ્યા બાદ તેમણે અલીગઢ સંસદીય વિસ્તારથી ચૂંટણી લડી હતી, જેમાં તેમને ભારે વિરોધ સહન કરવો પડ્યો હતો.

કોંગ્રેસ સાથે પહેલેથી જ મનમેળ ન હતો
જવાહરલાલ નેહરુના વડાપ્રધાન કાર્યકાળ દરમિયાન તેમની વિદેશનીતિમાં જર્મની અને જાપાન મિત્ર દેશ ન હતા, જ્યારે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહે આ દેશો પાસેથી મદદ માગીને આઝાદીની લડાઈનો પ્રારંભ કર્યો હતો. એવામાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહને શરૂઆતથી જ કોંગ્રેસમાં ખાસ મહત્ત્વ અપાયું ન હતું અને એટલે જ ઈતિહાસનાં પાનાંઓમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહનું નામ દબાઈ ગયું હતું.

સંયુક્ત રાષ્ટ્ર જેવી પરિકલ્પના પહેલાં જ કરી ચૂક્યા હતા
વર્ષ 1945માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ હતી, એ પહેલાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહે વિશ્વ શાંતિ માટે 1916-17માં જ સંસાર સંઘની પરિકલ્પના કરી હતી. આ પ્રોજેક્ટથી તેમણે પ્રેમ, ધર્મ અને સંસાર સંઘના પ્રોજેક્ટથી ભારતીય સંસ્કૃતિને પ્રાણ તત્ત્વ વસુધૈવ કુટુમ્બકમને સાકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમનું માનવું હતું કે સંસાર સંઘની પરિકલ્પનાથી દેશ ક્યારેય અંદરોદર નહીં લડે. આખું વિશ્વ પાંચ પ્રાંતમાં વહેંચાયેલું રહે, જેની એક રાજધાની અને એક સેના હોય, એક કોર્ટ અને એકસરખા જ કાયદા હોય. સંસાર સંઘની સેનામાં તમામ દેશના સૈનિક સામેલ થાય, કોઈપણ દેશની તાકાત સંસાર સંઘની સેનાથી વધુ ન હોય. એક સેના હોવાને કારણે પ્રત્યેક દેશના સૈનિકો પર થનારો ખર્ચ ઓછો થશે અને એ ધનનો ઉપયોગ માનવ કલ્યાણ માટે કરી શકાય.

રાજા મહેન્દ્ર પ્રતાપ AMUના વિદ્યાર્થી હતા
રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા. જ્યારે તેઓ ત્યાં ભણતા હતા ત્યારે આ યુનિવર્સિટીને મોહં. એંગ્લો ઓરિયેન્ટલ કોલેજિયેટ સ્કૂલ તરીકે ઓળખાતી હતી. મહેન્દ્ર પ્રતાપે આ યુનિવર્સિટીના વિકાસ માટે જમીન પણ આપી હતી. તેમણે 1929માં લગભગ ત્રણ એકરની જમીન બે રૂપિયા વાર્ષિક લીઝ પર આપી હતી. આ જમીન મુખ્ય કેમ્પસથી અલગ શહેર તરફ છે, જ્યાં આજે અડધા ભાગમાં સિટી સ્કૂલ ચાલે છે અને અડધો ભાગ ખાલી જ છે.

વૃંદાવનમાં પ્રેમ મહાવિદ્યાલયની સ્થાપના કરી, પરંતુ તેમની સમાધિની છે દયનીય સ્થિતિ
અલીગઢના પાડોશી જિલ્લા મથુરાના વૃંદાવનમાં પોતાની જમીન પર રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહે પ્રેમ મહાવિદ્યાલયના નામથી ઈન્ટર કોલેજ બનાવડાવી હતી. આ મહાવિદ્યાલય સ્વતંત્રતા સંગ્રામનું સાક્ષી રહ્યું છે. એની સામે યમુના કાંઠે જ તેમની સમાધિ છે, જે ઘણી જ ખરાબ સ્થિતિમાં છે. અહીંના લોકો સમાધિ સ્થળને વિશ્વઘાટ તરીકે વિકસિત કરવાની માગ કરી રહ્યા છે. પ્રેમ મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉ. દેવ પ્રકાશ શર્માએ વૃંદાવન સ્થિત રાજા મહેન્દ્ર પ્રતાપની સમાધિની દુર્દશા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે યુનિવર્સિટી બની રહી છે એ સારી વાત છે, પરંતુ રાજા સાહેબના સમાધિ સ્થળ તરફ પણ ધ્યાન આપવાની જરૂરિયાત છે. તેમણે રાજ સાહેબને ભારત રત્ન આપવાની પણ માગ કરી છે.

પશ્ચિમ યુપીમાં PM મોદીનો કાર્યક્રમ ચૂંટણીપ્રચારની શરૂઆત પણ માનવામાં આવે છે, કારણ કે જ્યારે રાજ્ય સરકારનાં પાંચ વર્ષ પૂરાં થશે અને ચૂંટણીની જાહેરાત થશે ત્યારે આદર્શ આચારસંહિતા લાગુ પડી હશે. 19 સપ્ટેમ્બરે સરકાર સાડાચાર વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે, જેની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સાડાચાર વર્ષમાં થયેલાં વિકાસકામો અને રોજગારીનો ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે. આના પરથી સ્પષ્ટ છે કે ભાજપ ચૂંટણીમાં વિકાસ-રોજગારના મુદ્દાઓ પર મેદાનમાં ઊતરશે.

AMUના એક કાર્યક્રમમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ હાજર રહ્યા હતા (ફાઈલ ફોટો)
AMUના એક કાર્યક્રમમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ હાજર રહ્યા હતા (ફાઈલ ફોટો)

ખેડૂત આંદોલનની ધાર ઓછી થશે?
કૃષિ કાયદાની વિરુદ્ધ છેલ્લા ઘણા મહિનાથી કિસાનો આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોએ ભાજપ સરકારને ઉખેડી ફેંકવાનો સંકલ્પ કર્યો છે. ત્યારે કિસાન મહાપંચાયત અને કિસાન આંદોલનની ધારને ઓછી કરવા માટે વડાપ્રધાન મોદીની રાજા મહેન્દ્ર પ્રતાપના નામે યુનિવર્સિટીનો પ્રોજેક્ટ ઘણો જ ખાસ માનવામાં આવે છે. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે જાટ સમુદાયમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહનું ઘણું જ સન્માન છે અને તેમના નામથી યુનિવર્સિટી ખોલવાની વાતને સ્વાભિમાન સાથે જોડવામાં આવે છે, જેને કારણે જાટ સમુદાયના મતદાતાઓ ફરી એક વખત ભાજપ તરફ ઢળી શકે છે. રાજા મહેન્દ્રએ જ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માટે જમીન આપી હતી, પરંતુ યુનિવર્સિટીમાં તેમનું નામ ક્યાંય નથી. એ બાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું નામ બદલીને તેમના નામે થાય એવી પણ માગ ઊઠી હતી.

જેમના જાટ, તેમના ઠાઠ
પશ્ચિમી યુપીમાં એક કહેવત પ્રખ્યાત છે 'जिसके जाट, उसी के ठाठ'. જેનો અર્થ થાય છે કે લોકસભા ચૂંટણી હોય કે વિધાનસભા ચૂંટણી, જાટ મતદાતાઓ જેના પર મહેરબાન હોય તેની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. આમ તો સમગ્ર ઉત્તરપ્રદેશમાં જાટ વસતિ છથી આઠ ટકા જ છે, પરંતુ પશ્ચિમી યુપીમાં જાટ 17 ટકાથી વધુ છે. પશ્ચિમી યુપીમાં જાટની વસતિ મુસ્લિમ અને દલિત પછી સૌથી વધુ છે. આ વિસ્તારમાં આગ્રા, અલીગઢ, મેરઠ, સહારનપુર, મુરાદાબાદ અને બરેલીમાં જાટનો ઘણો જ પ્રભાવ છે.

જાટ યુવાનોને પણ પોતાના તરફ ખેંચવાનો ભાજપનો પ્રયાસ
યુવાનોને શિક્ષણ અને દેશની રક્ષા આ ટેગલાઈનની સાથે જ વડાપ્રધાન મોદીએ 2022 માટે પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં કિસાન આંદોલનથી નારાજ યુવાનો અને જાટને મનાવવા માટે યુનિવર્સિટી અને ડિફેન્સ કોરિડોરીની ભેટ આપી છે, જેનાથી ભાજપ એવો સંદેશ આપવાના પ્રયાસમાં છે કે ભાજપ સરકાર યુવાનોને શિક્ષણ અને રોજગારીને પ્રાથમિકતા આપે છે. કેન્દ્ર સરકારની આ જાહેરાતથી માત્ર UP જ નહીં, પરંતુ હરિયાણા અને રાજસ્થાનના જાટ સમુદાયના લોકોને પણ સાધવાનો પ્રયાસ કરાશે.

ભાજપથી જાટની નારાજગી દૂર થશે?
2013માં મુઝફ્ફરનગરમાં હિંસા પછી જાટ સમુદાયે ભાજપને સાથ આપ્યો હતો. આવી જ નિષ્ઠા 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ જોવા મળી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ જાટ સમુદાયનો ભાજપ પ્રત્યે ઝુકાવ રહેતાં યોગી સરકાર બની હતી. 2014માં જાટ લોકોએ ભાજપ પર એટલો વિશ્વાસ મૂક્યો હતો કે પશ્ચિમી ઉત્તરપ્રદેશની તમામ સીટ ભાજપને ફાળે ગઈ હતી. આ વિશ્વાસ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ જોવા મળ્યો હતો. જોકે હાલ જાટ સમુદાયના લોકો નારાજ જોવા મળી રહ્યા છે. ઘણા લાંબા સમયથી ચાલતા કિસાન આંદોલનને કારણે પશ્ચિમી યુપીના જાટ જે ખાસ કરીને ખેતી સાથે જોડાયેલા છે તેઓ નવા કૃષિ કાયદાને કારણે ભાજપથી નારાજ છે.

કિસાન આંદોલનને કારણે ભાજપ અહીં ઘણું જ નબળું પડી રહ્યો છે. એવામાં PMની આ વિસ્તારની મુલાકાત અને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે યુનિવર્સિટી ખોલવાની જાહેરાત ફરી ભાજપને મજબૂતી આપી શકે છે. રાજકીય નિષ્ણાતો પણ માની રહ્યા છે કે આ જાહેરાતથી જાટને સાધવા માટે ભાજપનો આ માસ્ટર સ્ટ્રોક છે. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે બનનારી યુનિવર્સિટીની સ્થાપનાની અસર UP વિધાનસભા ચૂંટણીમાં લગભગ 120 સીટ પર જોવા મળશે, જ્યાં જાટ વોટ બેંકનો પ્રભાવ છે.