ચીનના માર્ગે મોરબી:સ્ટોક હળવો કરવા ભારતનું સિરામિક હબ દર વર્ષે એક મહિનાનું વેકેશન પાડશે, પહેલીવાર આવો નિર્ણય લેવાશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • દર વર્ષે ઓગસ્ટ મહિનામાં સિરમીકના એકમો બંધ રખાશે
  • સિરામિક એસોસિએશન ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરશે

સ્ટોકનું ભારણ ઓછું કરવા અને ફેક્ટરીની મશીનરીના મેન્ટેનન્સ માટે ચીનનો સિરામિક ઉદ્યોગ દર વર્ષે ફેબ્રુઆરીમાં એક મહિનાનું શટડાઉન કરે છે. તેવી જ રીતે હવે ભારતમાં સિરામિકનું હબ ગણાતા મોરબીમાં પણ સિરામિક ઉદ્યોગકારોએ દર વર્ષે ઓગસ્ટમાં એક મહિનાનું વેકેશન રાખવાનો નિર્ણય કર્યો છે. મોરબી સિરામિક એસોસિએશન આ સંદર્ભે તેમના સભ્યો સાથે વાત કરી રહ્યું છે અને ટૂંક સમયમાં આ અંગે જાહેરાત પણ કરવામાં આવશે. એસોસિએશનના જણાવ્યા પ્રમાણે ચોમાસા દરમિયાન સ્થાનિક ડિમાન્ડ ઓછી થઈ જાય છે અને ઓગસ્ટમાં તહેવારો પણ વધારે હોય છે તેથી વેકેશન માટે ઓગસ્ટ મહિનો પસંદ કરવામાં આવ્યો છે.

વેકેશન રાખવાથી સ્ટોકનું ભારણ ઓછું થશે
મોરબી સિરામિક એસોસિએશનમાં વિટ્રીફાઇડ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ મુકેશ કુંડારીયાએ જણાવ્યું કે, ચીનમાં એક મહિનો પ્રોડક્શન બંધ રાખી અને સ્ટોકનું ભારણ હળવું કરવામાં આવે છે. તેના આધારે અમે પણ મોરબીમાં એક મહિનો વેકેશન રાખી ઉત્પાદન સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આના કારણે ચોમાસા દરમિયાન ડિમાન્ડ ઘટવાથી સ્ટોકનું ભારણ ઉભું થાય છે તે હળવું થશે. એસોસિએશનના સભ્યો પણ આ નિર્ણય સાથે સહમત થઇ રહ્યા છે.

પહેલીવાર આ પ્રકારે વેકેશન રાખવાનો નિર્ણય
મુકેશ કુંડારીયાએ કહ્યું કે, અત્યાર સુધી એવું થતું હતું કે ઉદ્યોગકારો પોતાની રીતે જરૂરિયાત મુજબ યુનિટ બંધ કરી અને સ્ટોક ઓછો કરતાં અને મેન્ટેનન્સ કામગીરી કરતાં હતા. આવું પહેલીવાર થશે કે સામૂહિક રીતે એક મહિનાનું વેકેશન રાખવામાં આવશે. મોટાભાગના સભ્યો અમારી વાતથી સહમત છે. મોરબીમાં નવા યુનિટ ઘણા બન્યા છે. છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો 70 જેટલા નવા એકમો શરૂ થયા છે. આના કારણે મોરબીનું ઉત્પાદન પણ ઘણું વધ્યું છે. તેની સામે અત્યારે સ્થાનિક તેમજ એક્સપોર્ટ માટેની ડિમાન્ડ ઓછી છે એટલે સ્ટોક વધી ગયો છે. વેકેશન રાખવાથી ઓપરેશ કોસ્ટમાં પણ થોડી રાહત મળશે.

એક્સપોર્ટને કોઈ અસર નહીં થાય
સોનેક્સ ટાઇલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને એસોસિએશનના પૂર્વ પ્રમુખ નીલેશ જેતપરિયાએ જણાવ્યું કે, ઓગસ્ટમાં જન્માષ્ટમી અને રક્ષાબંધન સહિતના તહેવારો આવે છે. સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવારોનું વધારે મહત્વ છે એટલે આમ પણ રાજ્યનો માહોલ હોય છે. બીજું કે કારીગરોને પણ સળંગ એક મહિનો રજા મળે તો તેઓ પણ આરામથી વતન જઈ શકે છે. ઉત્પાદન બંધ થશે તો પણ નિકાસ કામગીરીને કોઈ અસર નહીં થાય. સ્થાનિક માંગ ઓછી છે અને સ્ટોક પણ પડ્યો છે એટલે એક્સપોર્ટ ઓર્ડર પૂરા કરી કરી શકાય છે.

મોરબીથી વાર્ષિક રૂ. 16,000 કરોડની નિકાસ
આંતરરાષ્ટ્રીય સ્તરે મોરબીને સિરામિક ટાઇલ્સનું ત્રીજા નંબરનું સૌથી મોટું ઉત્પાદક માનવામાં આવે છે. ભારતની સિરામિક ઇન્ડસ્ટ્રીનું કદ અંદાજે રૂ. 55,000 કરોડ છે જેમાં મોરબીની હિસ્સેદારી 90% જેવી છે. સિરામિક સિટી તરીકે ઓળખાતા મોરબીમાં 900 જેટલા યુનિટ્સ આવેલા છે. ભારત દર વર્ષે રૂ. 20,000 કરોડ જેવી સિરામિક ટાઇલ્સની નિકાસ કરે છે. ઇન્ડસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે મોરબી એકલું રૂ. 16,000 કરોડથી વધારેની નિકાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...