• Gujarati News
  • Dvb original
  • Unique 'Gyanayagna' Of Youth In Naroda, Ahmedabad, Children Living In Road Side Huts Memorized Verses Of Bhagwad Gita

આજની પોઝિટિવ સ્ટોરી:અમદાવાદના નરોડામાં યુવકોનો અનોખો 'જ્ઞાનયજ્ઞ', ઝૂંપડાંમાં રહેતાં બાળકોએ ભગવદગીતાના શ્લોક કંઠસ્થ કર્યા

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
રસ્તાના કિનારે ઝૂંપડાં બાંધીને રહેતા લોકોનાં બાળકોને શિક્ષણની સાથે સંસ્કારો અપાય છે.
  • કોઈ જ ફેસિલિટી વગર શિક્ષણની સાથે સંસ્કૃત શીખી સંસ્કૃતિ બચાવવા પ્રયાસ
  • 'યુવા બચાવો દેશ બચાવો'ના અભિયાન અંતર્ગત સ્લમ વિસ્તારમાં સેવાયજ્ઞ

સંસ્કૃતનો શ્લોક છે-'मूकं करोति वाचालं..' જેનો ભાવાર્થ થાય છે, મૂંગાને બોલતો કરવો, પરંતુ અમદાવાદના નરોડા વિસ્તારમાં કામ કરતી એક સંસ્થાએ આ શ્લોકનો કંઈક અલગ અર્થ કર્યો હોય એમ અજ્ઞાનીને જ્ઞાન આપવાનો અનોખો જ્ઞાનયજ્ઞ શરૂ કર્યો છે. સંસ્થાના કાર્યકરો દ્વારા પોતાના કામકાજના સમયમાંથી રસ્તે રઝળતા અને ભટકતું જીવન જીવતા તથા રસ્તાના કિનારે ઝૂંપડાં બાંધીને રહેતા લોકોનાં બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે. ટૂંકા સમયમાં જ આ બાળકો પાંડિત્યસભર રીતે શ્રીમદ્ ભગવદગીતાજીના શ્લોક બોલીને ભલભલાને આંજી રહ્યાં છે. બાળકોને માત્ર શ્લોક જ કંઠસ્થ નથી, પરંતુ બાળકો સંસ્કૃતના શ્લોકોનું અનુવાદ પણ કરી શકે છે. બાળકોમાં થઈ રહેલા સંસ્કારોના સિંચનને લઈને તેમનાં માતા-પિતા પણ ખુશ છે.

આરએમ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા સેવાયજ્ઞ શરૂ કરાયો છે.
આરએમ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા સેવાયજ્ઞ શરૂ કરાયો છે.

સંસ્થા યુવાનો માટે કામ કરે છે
આરએમ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા યુવા બચાવો દેશ બચાવોના નારા સાથે કામ કરવામાં આવે છે. એના માટે સંસ્થા દ્વારા અમદાવાદથી દિલ્હી સુધીની દોડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનો આજે જે રીતે ખોટા રસ્તે પોતાનો સમય અને યુવાની વેડફી રહ્યા છે એને અટકાવવા અને આત્મહત્યા જેવા બનાવોને ઘટાડવા માટે સંસ્થા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.

આત્મહત્યા જેવા બનાવોને ઘટાડવા માટે સંસ્થા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.
આત્મહત્યા જેવા બનાવોને ઘટાડવા માટે સંસ્થા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.

યુવાનો પોતાનો સમય આપે છે
સંસ્થા સાથે અનેક યુવાનો સંકળાયેલા છે, જેમાંથી જે યુવાન પાસે સમય હોય તે સવાર અથવા સાંજ પોતાની અનુકૂળતા પ્રમાણે નોકરી-ધંધામાંથી સમય કાઢીને રસ્તા પર જ ઝૂંપડપટ્ટી સહિતનાં બાળકોને શિક્ષણ આપવાનું કામ કરે છે. બાળકોને ગમ્મત પડે એ રીતે શિક્ષણ આપવામાં આવતું હોવાથી ફટાફટ યાદ રહી જાય છે, જેથી સામાન્ય બાળકો પણ કોઈ મોંઘીદાટ સ્કૂલનાં માલેતુજાર બાળકો કરતાં પણ સરસ રીતે કડકડાટ સંસ્કૃતના શ્લોકો બોલી શકે છે.

બાળકોને હસતાં-રમતાં જ શિક્ષણ આપવામાં આવે છે.
બાળકોને હસતાં-રમતાં જ શિક્ષણ આપવામાં આવે છે.

ભાર વગરનું ભણતર અપાય છે
વિદેશી કે ફાઈવસ્ટાર કલ્ચરથી એકદમ વિપરીત રસ્તા પર ધુડિયા માર્ગે ચાલતા આ અનોખા જ્ઞાનયજ્ઞમાં બાળકોને હસતાં-રમતાં જ્ઞાન મળી રહે એવી દેશી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. શિક્ષણ આપતાં ગુરુજનો દ્વારા બાળકોને ભારતનો નક્શો આસાનીથી યાદ રહી જાય એ માટે માટી પર જ નક્શો દોરીને દરેક રાજ્યનાં નામ લખવામાં આવે છે. બાદમાં બાળકને જ તેની ઈચ્છા પૂછીને કયા વાહન દ્વારા તે મહારાષ્ટ્ર, ચેન્નઈ કે દિલ્હી સહિતના નકશામાં રહેલાં સ્થળો પર મોકલવામાં આવે છે. બાળક ત્યાં પહોંચે પછી તમામ વિદ્યાર્થી અને ગુરુજનો તેને પ્રોત્સાહિત કરે છે. આમ, ભાર વગરનું ભણતર બાળકોને આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

બાળકો શ્રીમદ ભગવદગીતાના કઠિન ગણાતા શ્લોકોને આસાનીથી બોલી શકે છે.
બાળકો શ્રીમદ ભગવદગીતાના કઠિન ગણાતા શ્લોકોને આસાનીથી બોલી શકે છે.

ભલભલાને બાળકો દંગ કરી દે છે
ઝૂંપડપટ્ટી અને રસ્તે રહેતા પરિવારનાં બે-ત્રણ કે પાંચ વર્ષના બાળકો કડકડાટ રીતે શ્રીમદ્ ભગવદગીતાના શ્લોકો બોલે છે, જે જોઈને ભલભલા લોકો પણ દંગ રહી જાય છે. ગત મંગળવારે જ ગીતાજયંતીની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી. જોકે આ બાળકોએ ન માત્ર ગીતાજીના શ્લોકો કંઠસ્થ કર્યા છે, પરંતુ ભાવાનુવાદ સહિતની વસ્તુઓ શીખ્યા છે તથા ગીતાજીનો સંદેશ જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે જોઈને લોકો પણ અચંબામાં મુકાઈ જાય છે.

ગમ્મતની સાથે જ્ઞાનની સરવાણી વહાવવામાં આવી રહી છે.
ગમ્મતની સાથે જ્ઞાનની સરવાણી વહાવવામાં આવી રહી છે.

અમે બધા સાથે મળી ભણીએ છીએ-વિદ્યાર્થિની
રસ્તા પર શિક્ષણ મેળવનારી એક વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે અમે બધાં બાળકો સાથે મળીને અભ્યાસ કરીએ છીએ. ગુરુજી અમને સંસ્કૃતના શ્લોક કંઠસ્થ કરાવવાની સાથે સાથે ભાષાંતર કરવાનું પણ શીખવાડે છે. અમે સ્કૂલ નથી જઈ શકતાં, પરંતુ ગુરુજી અમારી પાસે આવીને અમે ભાવ અને પ્રેમથી શીખવે છે. તેમની રીતે એટલી સરળ છે કે એક જ વારમાં અમને બધું આવડી જાય છે.

બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવું ધ્યાન રાખવામાં આવે છે.
બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવું ધ્યાન રાખવામાં આવે છે.

અમારાં બાળકોને સારા સંસ્કાર મળ્યા-વાલી
બાળકોના એક વાલીએ કહ્યું, અમે રસ્તા પર રહીને આખો દિવસ મજૂરી કરીએ છીએ. ઘણાનાં માતા-પિતા બન્ને દિવસ આખો કામ અર્થે બહાર રહે છે. ઘણા તો નશો કરે છે તો ઘણા ગુનાહિત પ્રવૃત્તિઓ પણ કરતા હોય છે. અમે પરિવારને બે ટંક ભોજન અપાવવા માટે સતત હાડમારીમાં જીવન વિતાવીએ છીએ, પરંતુ આ પ્રવૃત્તિથી અમારાં બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થશે. દરેક બાળકમાં યોગ્યતા અને આવડત હોય જ છે. માત્ર એને દિશા આપવાની જરૂર હોય છે, જે કામ આ ગુરુજનો દ્વારા થઈ રહ્યું છે. તેનું ચોક્કસ સારું પરિણામ અમારાં બાળકોમાં દેખાય છે. આગળ જતાં આ બાળકો અમારી સાથે શહેરનું પણ નામ રોશન કરશે એમાં બેમત નથી.

સંસ્કૃત અને સંસ્કૃતિનું જતન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સંસ્કૃત અને સંસ્કૃતિનું જતન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

શિક્ષણ થકી બદીઓમાંથી બચાવવા પ્રયાસ
રૂપેશ મકવાણાએ જણાવ્યું હતું કે અમે આરએમ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા વતી યુવા બચાવો દેશ બચાવો નામનું અભિયાન ચલાવીએ છીએ. અમદાવાદ શહેરના સ્લમ વિસ્તારોમાં ગીતાજી લઈને જઈએ છીએ. બાળકોને સંસ્કૃતના શ્લોક શીખવી રહ્યા છીએ. ગીતાજીમાં દરેક પ્રશ્નોનું સમાધાન છે. આત્મહત્યા કરતાં પણ યુવકો ગીતાજીના માધ્યમથી અટકી શકે છે. સાથે જ હિન્દુ ધર્મનો પ્રસાર-પ્રચાર પણ થાય છે.આજકાલ વ્યસન અને ફેશનનો સમય ચાલી રહ્યો છે. યુવાનો ખરાબ વ્યસન,મોબાઈલ,ડિપ્રેશન જેવી બદીઓમાં ફસાયા છે. તેમને બચાવવા માટે શિક્ષણની સાથે સાથે સંસ્કૃત અને સંસ્કૃતિ પહોંચાડવાનું કામ કરી રહ્યાં છીએ. જેથી ગીતાજી જેવા વિશ્વના સૌથી વધુ તત્ત્વજ્ઞાન ધરાવતા ગ્રંથમાંથી યુવકો પોતાનું અમૂલ્ય જીવન સુધારી શકે છે. અમે ત્રણથી લઈને પાંચ વર્ષનાં બાળકોને પણ સંસ્કૃત શીખવી રહ્યા છીએ. આ બાળકો શ્લોક અને એનું ભાષાંતર પણ કંઠસ્થ કરી રહ્યાં છે એમ વધુમાં રૂપેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...