• Gujarati News
  • Dvb original
  • Understand The Simple Math Of Repealing Agricultural Laws, A Government That Is Against Farmers For Four Reasons

...અને મોદીએ દેશની માફી માગી:ચાર કારણોથી ખેડૂતો સામે ઝૂકી સરકાર, કૃષિ કાયદા રદ કરવાનું આસાન ગણિત સમજો

10 દિવસ પહેલા

ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી અને દેશની માફી પણ માગી. કેમેરાની સામે કદાચ પહેલી વાર PM મોદી આ રીતે બેકફૂટ પર જોવા મળ્યા. એટલે જ તો સૌને એક જ સવાલ છે કે, 14 મહિના પછી મોદી સરકારે અચાનક જ કેમ ઘૂંટણિયા ટેકવ્યાં? સરકાર ગમે તે તર્ક આપે, પણ આ કાયદા પરત ખેંચવા માટેનું તેમનું ગણિત સ્પષ્ટ છે. આ માટે મુખ્ય ચાર કારણ જવાબદાર છે.

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી
આગામી વર્ષની શરૂઆતમાં જ પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે. મોદી સરકારને સૌથી મોટો ડર પંજાબ અને ઉત્તર પ્રદેશનો છે. આ રાજ્યોમાં ભાજપનો સફાયો ના થાય એ માટે સરકાર પાસે આ કાયદા પરત ખેંચવા સિવાય કોઈ વિકલ્પ ના હતો.

પેટાચૂંટણીમાં ભાજપનું ખરાબ પ્રદર્શન
તાજેતરમાં વિધાનસભાની 27 બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવ્યા જેમાં ભાજપને માત્ર 7 બેઠકો પર જીત મળી છે. જ્યારે તેના સહયોગીઓને 8 અને કૉંગ્રેસને પણ 8 બેઠક મળી છે. એટલું જ નહીં હિમાચલ પ્રદેશની ત્રણ લોકસભા બેઠકની ચૂંટણીમાં પણ ભાજપ-કૉંગ્રેસને 1-1 બેઠક મળી છે.

રાજ્યપાલ સત્યપાલ મલિકે ખુલ્લો વિરોધ કર્યો
મલિકે વખતોવખત આ કાયદાઓ પરત ખેંચી લેવા માગ કરી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે, કોઈ પશુનું મોત થાય તો પણ દિલ્હીના નેતાઓ પ્રતિક્રિયા આપે છે, પણ આંદોલનમાં કેટલાયે ખેડૂતો શહીદ થયા તેને કોઈએ શ્રદ્ધાંજલિ આપી નથી.

સાથી પક્ષ, ભાજપના નેતાઓનું ખેડૂતોને સમર્થન
કાયદો બન્યા બાદ ભાજપના સાથી પક્ષ શિરોમણી અકાલીદળના નેતા હરસીમરત કૌરે કેન્દ્રીય મંત્રીપદેથી રાજીનામું ધરી દીધું હતું. આ ઉપરાંત ભાજપ સાંસદ વરૂણ ગાંધી, વરિષ્ઠ નેતા વીરેન્દ્રસિંહ અને તેના દીકરા સાંસદ વૃજેન્દ્રસિંહે પણ ખેડૂતોનું સમર્થન કરી કાયદા રદ કરવાની માગ કરી હતી.

આ આંદોલન અને ચાર તારીખ.
14 સપ્ટેમ્બર 2020, જ્યારે ત્રણેય કૃષિ વિધેયક અધ્યાદેશ સંસદમાં લવાયા. 17 સપ્ટેમ્બર 2020, એ દિવસે લોકસભામાં અધ્યાદેશ પાસ થયા. 20 સપ્ટેમ્બર 2020, જ્યારે રાજ્યસભામાં ધ્વનિમતથી અધ્યાદેશ પાસ થયા અને 27 સપ્ટેમ્બર 2020, રાષ્ટ્રપતિની મંજૂરી સાથે જ ત્રણેય કાયદા અમલી બની ગયા.

427 દિવસનાં આંદોલનમાં શું થયું?
ખેડૂતોએ રેલ રોકી, દેશવ્યાપી ચક્કાજામ કર્યો, ભારત બંધનું એલાન આપ્યું, ભૂખ હડતાળ કરી, દિલ્હી કૂચ કરી. અંદાજે 700 ખેડૂતોનાં મોત થયા અને આવું તો ઘણું ઘણું થયું.​​​​​​​

આંદોલનકારી ખેડૂતોની શું માગ હતી?
આ ખેડૂતોની મુખ્ય બે જ માગણી હતી. એક ત્રણેય કાયદા રદ કરવામાં આવે. અને બીજી MSP પર કાયદો બનાવવામાં આવે.

14 મહિનાના આ આંદોલનના પડાવ.
1) 12 વખત વાતચીત નિષ્ફળ રહી
ખેડૂતો અને સરકાર વચ્ચે 12 વખત વાતચીત થઈ પણ ખેડૂતો ડગ્યા નહીં અને તેમની બે માગ પર જ અડગ રહ્યા.

2) 26 જાન્યુઆરીએ આંદોલન હિંસક બન્યું
દિલ્હીમાં ટ્રેક્ટર કૂચ વખતે આંદોલન અચાનક ઉગ્ર બન્યું. લાલકિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવ્યો અને અનેક વિસ્તારમાં હિંસા થઈ.

3) રાકેશ ટિકૈત રડી પડતાં આદોલન ફરી ભડક્યું
28 જાન્યુઆરીની રાત્રે રાકેશ ટિકૈત ભાવુક થયા અને બાજી સાવ પલટી ગઈ. વીડિયો વાઇરલ થતાં જ સવાર સુધીમાં આંદોલનકારીઓ ગાજીપુર બોર્ડર પહોંચી ગયા.

4) ગ્રેટા થનબર્ગે આંદોલન અંગે ટ્વિટ કર્યું
આ ચાઈલ્ડ એક્ટિવિસ્ટે ટ્વિટ કર્યું જેમાં ટૂલકિટ ડોક્યુમેન્ટ શેર થઈ ગયો. ત્યારબાદ બોલિવૂડ સ્ટાર્સ, ક્રિકેટર્સ અને નેતાઓએ તેનો વિરોધ કર્યો. આ કેસમાં 21 વર્ષીય દિશા રવિની ધરપકડ થઈ અને તેને જામીન પણ મળ્યા.

5) અનેક રાજ્યોમાં ખેડૂતોની મહાપંચાયત
ખેડૂતો મહાપંચાયત સુધી આંદોલન લઈ ગયા. પંજાબ, યૂપી, રાજસ્થાન અને હરિયાણામાં મહાપંચાયત બોલાવી. મુઝફ્ફરનગરની મહાપંચાયતમાં ખેડૂતોને જોઈ સરકારને રીતસર ફાળ પડી ગઈ હતી.

6) સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો આ અંગે કોર્ટમાં અનેક વખત સુનાવણી થઈ. આખરે કોર્ટે 11 જાન્યુઆરીએ ત્રણેય કાયદા પર રોક લગાવી દીધી અને સમિતિની રચના કરી. તો ઓક્ટોબરમાં પણ સુપ્રીમે સ્પષ્ટતા કરી હતી કે ખેડૂતોને આંદોલન કરવાનો અધિકાર છે.

અન્ય સમાચારો પણ છે...