વડોદરાના બે મિત્રની કમાલ:ક્રેડિટ કાર્ડ સાઇઝનું પોર્ટેબલ ECG મશીન બનાવ્યું, મોબાઇલ સાથે કનેક્ટ થઈ શકે, રિપોર્ટ ડાયરેક્ટ ડૉક્ટરને મોકલી શકાય

વડોદરાએક મહિનો પહેલાલેખક: નીતિન આર. ઉપાધ્યાય

વડોદરાના બે યુવા ઉદ્યોગ સાહસિક યોગેશ પટેલ અને અજિંક્ય પુરાણિકે ક્રેડિટ કાર્ડ સાઈઝનું પોર્ટેબલ ECG મશીન બનાવી ક્રાંતિ સર્જી છે. ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓ માટે આ મશીન આશીર્વાદ સમાન છે, કેમકે PHC, CHC અને પ્રાઈવેટ ક્લિનિકમાં કાર્ડિયોલોજિસ્ટ બેસતા નથી, ત્યારે જો આ મશીન ઉપલબ્ધ હોય તો ECG ટેસ્ટ કરી શકાશે અને રિપોર્ટ શહેરમાં બેસતા કાર્ડિયોલોજિસ્ટ પણ રીડ કરી શકશે તથા સમયસર દર્દીને સારવાર આપી શકશે, કેમકે આ ડિવાઈસને બ્લૂટૂથથી મોબાઈલ સાથે કનેક્ટ કરી રિપોર્ટની PDF ફાઇલ બનાવી રીડ કરવા વ્હોટ્સએપ મારફત મોકલી શકાય છે.

મશીનનું વજન માત્ર 90.02 ગ્રામ, કિંમત રૂ.28 હજાર

મહત્ત્વનું છે કે હાલમાં બજારમાં ઉપલબ્ધ જાણીતી કંપનીઓનાં જે મોટાં ECG મશીનો છે એની ઓછામાં ઓછી કિંમત રૂ.1 લાખ જેટલી હોય છે અને વજન પણ 6થી 7 કિલો જેટલું હોય છે, જ્યારે 90.02 ગ્રામનું વજન ધરાવતા આ મશીનની કિંમત માત્ર રૂ. 28 હજાર જ છે. વિશ્વની આ પ્રથમ કંપની છે, જે 2 વર્ષની રિપ્લેસમેન્ટ વોરંટી ગેરંટી આપે છે, જ્યારે મોટા મશીન બનાવતી બીજી કંપનીઓ માત્ર 1 વર્ષની જ વોરંટી આપે છે.

કંપનીનું વાર્ષિક ટર્નઓવર રૂ. 40 લાખ છે

કવિતુલ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના પોર્ટેબલ ECG મશીનનો હાલમાં 350 જેટલા ડૉક્ટર્સ અને અદાણી ફાઉન્ડેશન ઉપયોગ કરે છે. હાલમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પણ આ મશીનનું નિદર્શન કરાયું હતું વ્યવસાયના વ્યાપની વાત કરીએ તો દેશ બહાર નેપાળ,ન્યૂઝીલેન્ડ, દુબઈમાં પણ આ મશીન વેચાય છે. વર્ષ 2018માં શરૂ થયેલી કંપનીનું વાર્ષિક ટર્નઓવર 40 લાખ પર પહોંચ્યું છે. આપણા દેશમાં 85% ECG મશીન ઇમ્પોર્ટ કરાય છે, જ્યારે માત્ર 15% મશીનો જ ઘરઆંગણે બની રહ્યાં છે. આ સંજોગોમાં ગુજરાતી ઉદ્યોગકારોએ પોર્ટેબલ ECG મશીનની ડિઝાઇન, ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ કરી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને હાર્ટ-અટેકથી મરતાં બચાવવાનું સરાહનીય કામ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...