• Gujarati News
  • Dvb original
  • Two Computer Engineers From Ahmedabad Secure 8 Crore Funding From Brand Promotion App Startup, Targeting 36 Crore Business In Next 1 Year

પોઝિટિવ સ્ટોરી:અમદાવાદના બે કોમ્પ્યુટર એન્જિનિયરે બ્રાન્ડ પ્રમોશન એપના સ્ટાર્ટઅપ થકી 8 કરોડનું ફંડિંગ મેળવ્યું, આગામી 1 વર્ષમાં 36 કરોડના બિઝનેસનો લક્ષ્યાંક

અમદાવાદ4 દિવસ પહેલાલેખક: હિમાંશુ દરજી

અમદાવાદના બે કોમ્પ્યુટર એન્જિનિયર યુવાનોએ બ્રાન્ડ પ્રમોશન એપ થકી આઠ કરોડ જેટલું ફંડિંગ એંજલ ઇન્વેસ્ટર પાસેથી મેળવ્યું છે. એટલું જ નહીં, પોતાની જ મુશ્કેલી નિવારવા કરાયેલા બદલાવે કંપનીને એક નવી ઊંચાઈ સર કરાવી છે અને અમદાવાદના બે યુવાનની કંપની આગામી એક વર્ષના જ ખૂબ ટૂંકા સમયમાં ડિજિટલ સોલ્યુશન થકી રૂ. 36 કરોડ બિઝનેસ કરવાનું લક્ષ્ય રાખે છે.

કોરોનાકાળમાં નવા માર્ગે કંપનીને નવો રાહ ચીંધ્યો
અમદાવાદના કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર ભાવેશ કોરાટ અને માર્કેટિંગક્ષેત્રે કામ કરતા ભાવેશ પટેલ બંને ભેગા મળીને તેમણે આઇટી કંપની બનાવી હતી. આ બંને કો-ફાઉન્ડરે વર્ષ 2012માં કંપની સ્થાપીને આઇટી સર્વિસીઝ વેબસાઇટ અને એપ બનાવવાની કામગીરી કરતાં હતા. જોકે કોઈ મોટું કામ થતું નહોતું, પરંતુ 2020માં કોરોનાકાળમાં કામગીરીમાં મુશ્કેલી આવી અને એમાંથી અમે એવા સોલ્યુશન વિકસાવ્યા કે અમે બે વર્ષમાં નવી ઊંચાઈએ પહોંચવા માંડ્યા અને અમને ઇન્ડિયાબીઝ ફોર સેલ એડવાઇઝરીએ વેન્ચર કેપીટાલિસ્ટ જોડે ભેગા કરાવ્યા અને એક મિલિયન ડોલરનું ફન્ડિંગ એટલે કે આઠ કરોડ જેટલી રકમનું અમારી કંપનીમાં ફંડિગ મળ્યું છે.

એસએમઇના વિશાળ વર્ગને પહોંચી વળવાનું લક્ષ્ય
ભાવેશ કોરાટ અને ભાવેશ પટેલે જણાવ્યું હતું કે નાના-નાના બિઝનેસમેનને તેમની બ્રાન્ડસ કે ધંધાના પ્રમોશન માટે અમે સોલ્યુશન્સ આપવાનું ચાલુ કર્યું હતું. એમાં કોરોનાકાળ દરમિયાન અમે બ્રાન્ડ પ્રમોશન માટેના વીડિયો કે અન્ય કન્ટેન્ટ જે-તે બિઝનેસમેનને બનાવીને મોકલતા હતા અને એ સમયે તેમના તરફથી કરેકશન કે એમાં સુધારાવધારાને અવકાશ તથા અન્ય બાબતો નડતી હતી, તો અમે ક્રેડ એપ નામની એપ બનાવીને એવું સોલ્યુશન બનાવ્યું કે તેઓ એમાં વિગતો જાતે ભરીને એટલે કે જે-તે વિગતો નાખે કે તેમનું બ્રાન્ડ પ્રમોશન મટીરિયલ તૈયાર થઈ જતું હતું. આમ જે બાબતે અમને મુશ્કેલી પડતી હતી, એનું નિરાકરણ લાવ્યા અને એ જ બાબત અમને મોટા વર્ગ સુધી પહોંચાડવાનું શરૂ કર્યું.

આગામી વર્ષે 36 કરોડના ટર્નઓવર પર પહોંચવાનું લક્ષ્ય
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે 2020માં બ્રાન્ડસ ડોટ લાઇવ નામની એપ લોન્ચ કરીને બ્રાન્ડ પ્રમોશન માટેની તમામ સેવા એક જ સ્થળે આપીએ છીએ. આ બિઝનેસ મોડલ સારું લાગતાં હાલમાં જ અમારી કંપનીને ફંડિગ મળ્યું છે. ઇન્ડિયા ક્વોશન્ટ વેન્ચર કેપિટલે અમારી કપનીમાં રોકાણ કર્યું છે. અમે ફોટોશૂટ, વીડિયો અને ડિઝાઇન જાતે જ બનાવીએ છીએ. થોડાં વર્ષ અગાઉ પાંચ-દસ લાખના ટર્નઓવરથી અમે માત્ર 10 વર્ષમાં 8 કરોડના ટર્નઓવર પર પહોંચી ગયા છીએ. એટલું જ નહીં, અમને આઠ કરોડનું ફંડિંગ પણ મળ્યું છે અને જેના થકી આગામી વર્ષ સુધીમાં જ 36 કરોડના ટર્નઓવર પર પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે અને દેશમાં સાડાપાંચ કરોડ એસએમઇ છે. તેમના માટે ઓછા ખર્ચે તેમની અનુકૂળતા અને તેમની ભાષામાં બ્રાન્ડ પ્રમોશન ડિજિટલ મટીરિયલ્સ અમે આપીએ છે, જેમને વિશાળ સ્કોપ છે.

એક ચેન્જે બિઝનેસનો મોટો માર્ગ ખોલી દીધો
તેમણે ઉમર્યું હતું કે 2020માં અમારા કસ્ટમરને એક-એક ઇમેજ મોકલતા હતા અને એમાં જે-તે નાના બિઝનેસમેન સુધારા કરાવતા તો અગવડતા વધતી હતી. તેમને બ્રાન્ડિંગ અંગે જાણ પણ ઓછી રહેતી, તેથી મુશ્કેલી દૂર કરવા રેડીમેડ સોલ્યુશન માટે એપ બનાવી, જે તેમને ઇમેજ અને વીડિયો આપતી હતી. એના સબ્સ્ક્રિપ્શન આપીને અમને સારો પ્રતિસાદ મળ્યો અને અમે અમારી કામગીરી સુધારવા કરેલો એક ચેન્જ અમારા માટે બિઝનેસનો મોટો માર્ગ ખોલી દીધો.

હવે 11 ભાષામાં કન્ટેન્ટ આપીએ છીએ
બંનેએ વધુમાં જણાવ્યું હતું કે એટલું જ નહીં, અમે શરૂઆતમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં જ બ્રાન્ડ પ્રમોશન ડિજિટલ કન્ટેન્ટ આપતા હતા, હવે અમે મરાઠી સહિત કુલ 11 ભાષામાં નાના-નાના વેપારી કે બિઝનેસ ધરાવનારાને સોલ્યુશન આપવા માંડ્યા છીએ અને જે 15-17 કર્મચારીની ટીમ હતી તેની સંખ્યા વધીને 85 કર્મચારી સુધી પહોંચી છે. એક સમયે મહિને માંડ લાખનું સેલ્સ કરી શકતા, એ હાલમાં અમે કરોડથી વધુ પહોંચાડવા માંડ્યા છીએ અને 150 કસ્ટમરથી અમે 50 હજાર કસ્ટમર સુધી પહોંચી ગયા છીએ. અગાઉ જે 150 જેટલા કસ્ટમરને સાચવવા તેમની જરૂરિયાત અને નાના-મોટા સુધારાઓ કરતાં મુશ્કેલી પડતી હતી. એ તો દૂર કરી અને બ્રાન્ડસ ડોટ લાઇવ એપ થકી 50 હજાર કસ્મટરને સાચવી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...