• Gujarati News
  • Dvb original
  • Titodi Coming To Gujarat From Abroad Is Now On The Verge Of Extinction; The Only Logic Is That The Toad Lays Its Eggs At A Height And Gets More Rain

ટીટોડી ત્રણ પ્રકારની હોય !:વિદેશથી ગુજરાતમાં આવતી ટીટોડી હવે લુપ્ત થવાના આરે છે; ટીટોડી ઊંચાઈએ ઈંડાં મૂકે ને વધારે વરસાદ આવે એ માત્ર લોજિક છે

2 મહિનો પહેલાલેખક: યશપાલ બક્ષી
  • આશ્ચર્યની વાત છે કે કાળઝાળ ગરમીમાં ઈંડાં સેવવાને બદલે ટીટોડી ઈંડાં પર પાણી છાંટે છે !

ઉનાળાની બપોર હોય કે શિયાળાની સવાર હોય કે પછી અડધી રાતનો સમય હોય, આપણી આસપાસ એક એવો અવાજ આવે, જે આપણી આસપાસ ગુંજ્યા કરતો હોય. આ અવાજની જાણે આપણને ટેવ પડી ગઈ છે. ઘરમાં બાળક હોય ને ટ્રી..ટીંટીંઈં... અવાજ સંભળાય ત્યાં જ વડીલ કહે, જો ટીટોડી બોલી... ટીટોડી એવું અદ્દભુત પક્ષી છે, જેને આપણે વગડા, શહેરમાં જોઈએ છીએ, સાંભળીએ છીએ, પણ જરા વિચારો... એક દિવસ આ ટીટોડી આપણી વચ્ચે બોલતી નહીં હોય ત્યારે... તો શું એ લુપ્ત થવામાં છે ? એનો એક લીટીમાં જવાબ એ છે કે ત્રણ પ્રકારની ટીટોડી છે, એમાંથી એક પ્રજાતિ લુપ્ત થવામાં છે. 20 મે, વર્લ્ડ એન્ડેજર્ડ સ્પિસિસ ડે તરીકે મનાવાય છે અર્થાત્ લુપ્ત થવાના ભયના આરે આવી ગયેલી પ્રજાતિઓ. પછી એમાં વનસ્પતિ, પ્રાણી, પંખી બધું આવી જાય. 2016માં રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ સત્ર દરમિયાન ભયના આરે રહેલી પ્રજાતિઓ વિશે પ્રશ્ન પૂછ્યો હતો, ત્યારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગુજરાતમાં 20 જેટલી પ્રજાતિ લુપ્ત થવાનો ભય દર્શાવ્યો હતો. એમાં ત્રણ પ્રકારની માછલી, ગીધ, ઘૂડખર, ગરુડ, કાચબા જેવા જીવોનો સમાવેશ થાય છે, પણ ટીટોડીની વાત કરવી છે. આપણે ત્યાં જે ટીટોડી જોવા મળે છે એ ભયના આરે નથી, પણ વિદેશથી શિયાળો ગાળવા ગુજરાતમાં ધામા નાખે છે, એ ટીટોડી લુપ્ત થવાના આરે છે. આને જરા વિસ્તારથી સમજીએ...

સોશિયેબલ ટીટોડીને ઓળખવી જરૂરી છે
આપણી આજુબાજુ બે પ્રકારની ટીટોડી જોવા મળે છે. એક, લાલ ગાલવાળી ટીટોડી, જેને અંગ્રેજીમાં red wattled lapwing કહે છે અને બીજી પીળા ગાલવાળી ટીટોડી, જેને અંગ્રેજીમાં yellow wattled lapwing કહે છે. yellow wattled lapwing નું બીજું ગુજરાતી નામ છે, વગડાની ટીટોડી, કારણ કે પીળી ટીટોડી વગડામાં જ જોવા મળે છે. શહેરી વિસ્તારમાં બહુ ઓછી હોય અથવા ન પણ હોય. આ બંને ટીટોડીને ધ્યાનથી જોશો તો ખબર પડશે કે એની ચાંચની આજુબાજુનો કલર લાલ અને પીળો હશે.
હવે સોશિયેબલ ટીટોડીની વાત, જે લુપ્ત થવાના આરે છે.

સોશિયેબલ લેપવિંગને ગુજરાત ગમી ગયું
સોશિયેબલ લેપવિંગનું ગુજરાતી નામ છે મળતાવડી ટીટોડી. અંગ્રેજી શબ્દ લેપવિંગ એટલે ગુજરાતીમાં ટીટોડી. આ ટીટોડીનું નિવાસ મોટા ભાગે અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝરબેજાન, જ્યોર્જિયા, ઈરાન, લેબેનોન, ઈઝરાયેલ, સાઉદી અરેબિયા અને યુએઈ છે. આપણે ત્યાં શિયાળો હોય ત્યારે આ દેશોમાં ગરમી પડે છે, એટલે આ મળતાવડી ટીટોડી શિયાળામાં ભારત-પાકિસ્તાન, શ્રીલંકા પહોંચી જાય છે. આમ તો ગુજરાતમાં આ સોશિયેબલ ટીટોડી આવતી નથી, પણ 2018માં પહેલીવાર નળ સરોવરમાં આવી. એ પણ બે-ચાર નહીં, પૂરી 120!! આમાં આશ્ચર્ય એ છે કે આખા વિશ્વમાં, જી હા, દુનિયામાં મળતાવડી ટીટોડીની સંખ્યા માત્ર 1100 જ છે. એમાંથી 120 ગુજરાતમાં આવી હતી. એટલે કુલ વસતિના એક ટકા તો આપણે ત્યાં હતી. આ ટીટોડી આછા રાખોડી રંગની હોય અને એની આંખના ઉપરના ભાગે કાળી-સફેદ પટ્ટી હોય.
2018માં નળ સરોવરના લોકલ ટૂરિસ્ટ ગાઈડ રમઝાનભાઈ સેદાણીએ પહેલીવાર આ ટીટોડીને 2018માં જોઈ હતી. એ સમયે આ નેશનલ ન્યૂઝ બન્યા હતા, કારણ કે સોશિયેબલ લેપવિંગ આટલી મોટી સંખ્યામાં ગુજરાતમાં પહેલીવાર જોવા મળી હતી. જોકે એ પછી તો કોરોનાકાળ આવી ગયો, પણ 2018 પછી નળ સરોવર વિસ્તારમાં સોશિયેબલ લેપવિંગ જોવા મળી હતી ? આ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં રમઝાનભાઈ સેદાણીએ જણાવ્યું હતું કે ગયા મહિને જ એપ્રિલ-2022માં ત્રણ સોશિયેબલ લેપવિંગ જોવા મળી હતી. એનો અર્થ એવો થયો કે આ વિદેશી ટીટોડીને ગુજરાત ગમી ગયું છે.
મળતાવડી ટીટોડી શા માટે લુપ્ત થઈ રહી છે ?
આમ તો જોકે આ ટીટોડીનો શિકાર થતો નથી, એટલે લુપ્ત થવા પાછળ આ કારણ ન હોઈ શકે, પણ લેપવિંગ રિસર્ચ સોસાયટીના અહેવાલમાં એવો ઉલ્લેખ છે કે આ ટીટોડીનું પ્રજનન ઘટી ગયું છે અને બચ્ચાં પણ નથી જન્મતાં, એટલે તેનો જન્મદર એકાએક સાવ ઘટી ગયો છે અને આ જ સૌથી મોટું કારણ છે કે મળતાવડી ટીટોડીની સંખ્યા વિશ્વમાં માત્ર 1100 જ બચી છે. હવે આપણે ત્યાં જે કોમન ટીટોડી દેખાય છે, એમાં પણ ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે પ્રજનન દર ઘટી શકે છે અને ખરાબ પરિણામ જોવા પડી શકે છે. લુપ્ત થઈ રહેલી કોઈપણ પ્રજાતિને બચાવવી એ આપણા હાથમાં છે, કારણ કે એના વિનાશ માટે પણ આપણે જ જવાબદાર છીએ.

અન્ય સમાચારો પણ છે...