ભાસ્કર એક્સક્લૂસિવમહત્ત્વનો નિર્ણય:પોલીસ માટે ગ્રેડ પે જાહેર ન થાય ત્યાં સુધી સરકાર ઇન્ટરિમ પેકેજ જાહેર કરશે, CMએ ગૃહ વિભાગને તાકીદ કરી

ગાંધીનગર4 મહિનો પહેલાલેખક: નિર્મલ દવે
 • સરકારના વિશ્વાસપાત્ર સૂત્રોએ દિવ્યભાસ્કરને માહિતી આપી

પોલીસ ગ્રેડ પે આંદોલન છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એક સંવેદનશીલ મુદ્દો બની રહ્યો છે. ગ્રેડ પે મામલે પોલીસની ધીરજ હવે ચરમસીમા પર છે. અનેક વખત માગ કરવા છતાં પણ સરકાર પાસે માત્ર એક જ જવાબ છે કે ગ્રેડ પે અંગે ટૂંક સમયમાં જાહેરાત કરશે. દિવ્ય ભાસ્કરને સરકારના વિશ્વાસપાત્ર સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સરકાર હવે નજીકના ભવિષ્યમાં જ પોલીસકર્મચારીઓને ખુશખબર આપવા જઈ રહી છે.

બે દિવસ અગાઉ પણ ગૃહ રાજ્યમંત્રીને પત્રકાર પરિષદમાં પુછાયેલા સવાલમાં પણ તેમણે જવાબ આપ્યો હતો કે ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં આવશે, પરંતુ આખરે ટૂંક સમયની વ્યાખ્યા શું ? એ સવાલ સૌ પોલીસકર્મીઓને સતાવે છે.

10 દિવસમાં જ મુખ્યમંત્રી નિર્ણય લઈ લેશે
તપાસ સમિતિ દ્વારા સોંપાયેલા રિપોર્ટના આધારે ગૃહ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આખરી તબક્કામાં આ નિર્ણય હોવાની માહિતી વિશ્વાસપાત્ર માથાને આધારે મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ વિભાગને તાકીદ કરીને તમામ ફાઈલ પોતાના સુધી મગાવી છે, જેને આગામી સપ્તાહમાં લીલી ઝંડી મળી શકે છે. આમ, પોલીસકર્મચારીઓ માટે સરકાર આગામી 15 દિવસમાં જ ખુશીના સમાચાર આપી શકે છે.

એપ્રિલ, 2022માં જ તપાસ સમિતિએ રિપોર્ટ સોંપી દીધો હતો
વર્ષ 2021ના ઓક્ટોબર માસમાં પોલીસ ગ્રેડ પે અંગે આંદોલન ચાલ્યા બાદ સરકારે તપાસ સમિતિનું ગઠન કર્યું હતું. આ સમિતિની એક મુદત ડિસેમ્બર 2021માં પૂરી થયા બાદ ફરીથી એક વખત સમિતિની ટર્મ રિન્યુ કરી અને એપ્રિલ, 2022 સુધી કરવામાં આવી હતી.

ગ્રેડ પે ન આપો ત્યાં સુધી ઇન્ટરિમ પેકેજ આપવું જોઈએ: સરકારને ભલામણ
સરકારને સમિતિએ તપાસ રિપોર્ટ સોંપી દીધો છે. આ રિપોર્ટની અંદર અલગ અલગ રાજ્યોમાં અમલી ગ્રેડ પે સાથે ગુજરાતની સરખામણી કરવામાં આવી છે. ગુજરાતમાં પોલીસ માટે ગ્રેડ પે પ્રમાણમાં ઓછો છે, તેથી રિપોર્ટ સોંપતી વખતે ભલામણ કરવામાં આવી છે કે જ્યાં સુધી ગ્રેડ પે જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી વચગાળાના પેકેજ જાહેર કરીને પોલીસકર્મચારીઓને લાભ આપવો જોઈએ.

ગ્રેડ પે બાબતે કોઈ દરખાસ્ત જ આવી નથી: નાણાં વિભાગ
સરકાર જ્યારે વારંવાર કહે છે કે ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરાશે ત્યારે સ્વાભાવિક છે કે નાણાં વિભાગને બજેટ માટે દરખાસ્ત મૂકવામાં આવી જ હોઈ શકે ત્યારે આ અંગે દિવ્ય ભાસ્કરની ટીમે નાણાં વિભાગમાં તપાસ કરી. નાણાં વિભાગના જવાબદાર અધિકારીઓ કહી રહ્યા છે કે પોલીસ ગ્રેડ પે મુદ્દે સરકાર તરફથી હજુ સુધી કોઈ દરખાસ્ત જ હજુ સુધી આવી નથી.

ઇન્ટેરિમ પેકેજમાં સરકાર શું સુધારા કરી શકે છે ?
સરકાર દ્વારા ચૂંટણી પહેલાં પોલીસ પરિવારો માટે શુભ સમાચાર આપવાની વાતો કરે છે ત્યારે જો સરકાર પોલીસ ગ્રેડ પેમાં સુધારો નથી કરતી તો એવા સંજોગોમાં તપાસ સમિતિની ભલામણને આધારે પોલીસકર્મચારીઓને અપાતાં ભથ્થાં જેવાં કે વોશિંગ, સ્પેશિયલ ડ્યૂટી એલાઉન્સ, સાઇકલ એલાઉન્સ વગેરે હાલના સમયની મોંઘવારી અનુરૂપ નક્કી કરવામાં આવી શકે છે.

સરકારની 23 બેઠક પૂરી થઈ, પરંતુ ટૂંક સમય પૂરો નથી થતો
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અવારનવાર ખુશી વ્યક્ત કરીને ચાર મહિના પહેલાં નિવેદન કરે છે કે ગ્રેડ પે અંગે અત્યારસુધી 23 જેટલી બેઠક બોલાવી છે. આ બેઠક અંગેના નિવેદન બાદ છેલ્લા 3 માસથી ગૃહ રાજ્યમંત્રીના નિવેદન સામે આવે છે કે ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરીશું. આવાં નિવેદનોને 3 માસનો સમય વીતી ગયો છે તેમ છતાં સરકારના મત મુજબ કહેવાતો ટૂંક સમય હજુ પૂરો થયો નથી.

ટૂંક સમયની વ્યાખ્યા શું ?
જ્યારે પણ ગ્રેડ પે બાબતે સંબંધિત મંત્રીને પૂછવામાં આવે ત્યારે તેમના દ્વારા એક જ નિવેદન સામે આવે છે કે આતુરતાનો અંત ટૂંક સમયમાં આવશે, નિર્ણય ટૂંક સમયમાં જાહેર કરાશે ત્યારે પોલીસબેડામાં સમાવિષ્ટ 88 હજાર કરતાં વધારે કર્મચારીઓમાં આખરે આ ટૂંક સમયની વ્યાખ્યા શું છે એ ચર્ચા ચાલી રહી છે.

વર્ષ 1985-86 દરમિયાન પણ પોલીસ ગ્રેડ પે મુદ્દે આંદોલન થયું હતું
ગુજરાતમાં પોલીસ યુનિયન બનાવવાની પણ તૈયારી હતી. કોંગ્રેસના તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના કાર્યકાળ દરમિયાન ગ્રેડ પે બાબતે આંદોલન કરવામાં આવ્યું હતું. જે-તે સમયે આ આંદોલનનું કોઈ પરિણામ આવ્યું નહોતું. વર્ષ 1985-86 બાદ હવે ફરીથી એક વખત ગુજરાત રાજ્યમાં પોલીસ ગ્રેડ પે આંદોલન ફરીથી સક્રિય થયું છે ત્યારે હવે કોઈ પરિણામ આવે છે કે કેમ એ સવાલ છે.

આંદોલન કરી રહેલા પોલીસકર્મીઓની 23 માગ

 1. રાજ્યના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તેમજ એએસઆઇનો ગ્રેડ-પે અન્ય રાજ્યોના પ્રમાણમાં ખૂબ જ ઓછા છે, જેના બદલે 2800, 3600 અને 4200 કરવામાં આવે. .
 2. વર્ગ 3માં ગણતરી થતાં પોલીસકર્મચારીઓને વર્ગ 3 મુજબ ગ્રેડ પે અને પે બેન્ડ આપવામાં આવે.
 3. પોલીસકર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવામાં આવે છે, પરંતુ જે રજા પગારનું ચુકવણું કરવામાં આવે છે એ છઠ્ઠા પગારપંચ મુજબ આપવામાં આવે છે, એમાં સુધારો પણ સરકાર દ્વારા કરવામાં આવે.
 4. રાજ્ય સરકારના કર્મચારીઓ પોલીસના માણસો હોવા છતાં સરકારના અન્ય કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણના 10/20/30ના લાભો સામે પોલીસકર્મચારીઓને 12/24નું ધોરણ આપવામાં આવે છે. અગાઉ ત્રણ તબક્કામાં પગાર ધોરણ અપાતું હતું, પરંતુ હવે માત્ર બે તબક્કામાં પગાર ધોરણ અપાય છે, જે તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવામાં આવે.
 5. પોલીસકર્મચારીઓ માટે ખરીદવામાં આવતાં આર્ટિકલ્સની ગુણવત્તા સુધારવા ઉપરાંત હથિયારી અને બિનહથિયારી એક જ કેડર કરી દેવામાં આવે તેમજ ઓર્ડરલી પ્રથા બંધ કરીને અથવા એની અલગથી વર્ગ 4ની ભરતી કરવામાં આવે.
 6. રાજ્યમાં પોલીસકર્મચારીને ચૂકવાતાં ભથ્થાંની રકમ જે છેલ્લાં ઘણાં વર્ષોથી વધારી નથી એ તાત્કાલિક અસરથી વધારવામાં આવે.
 7. રાજ્યના પોલીસકર્મચારીઓને અમાનવીય રીતે તેમજ માનવ અધિકારોનું હનન મુજબ 8 કલાકથી વધુ કામ કરાવવામાં આવે છે એમાં વધારાના કલાકો માટે અતિરિક્ત ચુકવણું કરવામાં આવે તેમજ ચોમાસા, શિયાળા અને ઉનાળા જેવી તમામ ઋતુ દરમિયાન શારીરિક સુરક્ષાનાં પર્યાપ્ત સાધનો ફાળવવામાં આવે.
 8. હાલમાં જે રીતે અન્ય સરકારી વિભાગોનાં હિતોની રક્ષા માટે સંગઠનો બનાવવાનો અધિકાર છે એ મુજબ ગુજરાત પોલીસને પણ પોતાનું યુનિયન / સંગઠન બનાવવા અધિકાર આપવામાં આવે.
 9. રાજ્યના પોલીસકર્મચારીઓ જ્યારે બહારનાં રાજ્યોમાં તપાસ અર્થે જતા હોય કે પછી બંદોબસ્ત માટે જતા હોય ત્યારે તેમને સુવિધાપૂર્ણ અતિરિક્ત ભથ્થાં અગ્રિમ રૂપથી તેમજ તેમના બેંક ખાતામાં સીધી જ જમા કરી આપવામાં આવે.
 10. જ્યારે પણ કોઇ પોલીસકર્મચારીઓને ફરજમુક્ત કરવામાં આવે ત્યારે તેનો સસ્પેન્શન સમયગાળો નિશ્ચિત કરવામાં આવે.
 11. SRPF પણ ગુજરાત પોલીસનો એક વિભાગ જ છે, માટે SRPF જવાનોને જિલ્લા મુજબ સ્થાયી કરવામાં આવે.
 12. નવા પગારપંચ મુજબ રજા બિલ આપવું તેમજ એમાં જાહેર રજા પગાર બંધ ન કરવામાં આવે.
 13. 8 કલાક ઉપર નોકરી લેવામાં આવે ત્યારે દર કલાક 1 કલાક મુજબ રૂ.100/- લેખે વધારાનું ભથ્થું આપવું, જેમાં દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવો.
 14. પોલીસકર્મચારીને હજુ પણ દર માસે માત્ર રૂ.20/-નું સાઇકલ એલાઉન્સ આપવામાં આવે છે, જે રદ કરી નવું ન્યૂનતમ એલાઉન્સ દર માસે રૂ.500/- આપવું, જેમાં દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવો.
 15. પોલીસકર્મચારીને દર માસે રૂ.25/- વોશિંગ એલાઉન્સ આપવામાં આવે છે, જે રદ કરી નવીન એલાઉન્સ દર માસે રૂ.1200/- આપવું, જેમાં દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવો.
 16. હાલ ગુજરાત પોલીસકર્મચારીઓને દર માસે રૂ.400/-નું ટ્રાવેલ એલાઉન્સ આપવામાં આવે છે, જે રદ કરી નવું એલાઉન્સ દર માસે રૂ.1500/- આપવું, જેમાં દર પાંચ વર્ષે આ રકમમાં વધારો કરવો.
 17. અઠવાડિયા દરમિયાન કોઈપણ એક દિવસ નક્કી કરી એક વીકલી ઓફ એટલે કે રજા ફરજિયાત આપવી. જો અઠવાડિયા દરમિયાન કોઇ અગત્યનો બંદોબસ્ત હોય અને વીકલી ઓફ આપી શકાય એમ ન હોય તો બીજા સપ્તાહમાં બે વીકલી ઓફ આપવા. જ્યારે લોકડાઉન જેવી સ્થિતિમાં રજા પર પ્રતિબંધ હોય ત્યારે રાજ્યના પોલીસકર્મચારીઓને વીકલી ઓફ દરમિયાનનો એક દિવસ લેખે રૂ.1000/- ભથ્થું ચૂકવવું. જાહેર રજાના દિવસે વીકલી ઓફ આપવામાં આવે તોપણ નિયત કરેલા પગાર મુજબ રજા પગારકર્મચારીને આપો. એમાં પણ દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવો.
 18. કર્મચારી સતત નોકરી કરતા હોવાને ભારણને પગલે પોલીસકર્મચારીઓ પોતાનાં બાળકોને અભ્યાસ પાછળ પૂરતો સમય નથી આપી શકતા, જેથી બાળકદીઠ ટ્યૂશન ફ્રી આપવી, જેમાં ધોરણ-1થી 5 સુધી અભ્યાસ કરતાં બાળકો માટે એક બાળકદીઠ રૂ.500/- તથા ધોરણ-6થી 9 સુધી અભ્યાસ કરતાં બાળકો માટે એક બાળકદીઠ રૂ.1000/- તથા ધોરણ-10થી 12 સુધી અભ્યાસ કરતાં બાળકો માટે એક બાળકદીઠ રૂ.1500/- દર માસે આપવા. જે ફક્ત બે બાળકો સુધી ટ્યૂશન ફ્રી મળવાપાત્ર રહે એવી વ્યવસ્થા ગોઠવી શકાય.
 19. કર્મચારી સતત નોકરી તથા કામના ભારણને કારણે પોતાના સ્વાસ્થ્યની કાળજી નથી રાખી શકતા, જેથી સરકાર તરફથી દરેક કર્મચારીને રૂ.300000/- લાખ સુધીનો હેલ્થ મેડિકલેઇમ આપવો, જેમાં (કર્મચારી + પત્ની + બે બાળકો) નો સમાવેશ કરવો અથવા કર્મચારી દ્વારા જાતે રૂ.300000/- લાખ સુધીનો કોઇપણ કંપનીનો હેલ્થ મેડિકલેઇમ લેવામાં આવે તો સરકાર તરફથી કર્મચારીઓને હેલ્થ મેડિકલેઇમ પ્રીમિયમની 50% રકમ સરકાર દ્વારા ચૂકવવાની વ્યવસ્થા ગોઠવી શકાય.
 20. રાજ્ય લેવલે વેલ્ફેર કપાત બંધ કરી જિલ્લા લેવલે વેલ્ફેર પોલીસમંડળ તૈયાર કરી એનું સંચાલન જિલ્લા પોલીસમંડળ દ્વારા કરવામાં આવે એ રીતે જોગવાઈ કરવી.
 21. પોલીસકર્મચારીઓને વર્ષ દરમિયાન બે જોડી પોલીસ યુનિફોર્મ કાપડ આપવામાં આવે છે, જે યોગ્ય નથી પોલીસકર્મચારીને સતત નોકરીમાં પોલીસ યુનિફોર્મ પહેરવાનો હોવાથી ચાર જોડી યુનિફોર્મ કાપડ આપવું તેમજ તેની સિલાઈનો ખર્ચ એક યુનિફોર્મ મુજબ રૂ.1200/- લેખે ચૂકવવા.
 22. પોલીસકર્મચારીઓને વર્ષ દરમિયાન બે જોડી પી.ટી.શૂઝ તથા એક જોડી બ્લેક કલરના કટબૂટ આપવામાં આવે છે, જે એકદમ હલકી ગુણવત્તાના હોય છે જેથી કર્મચારી પી.ટી.શૂઝ/બ્લેક કટબૂટ જાતે ખરીદી કરી શકે એવી જોગવાઈ કરી તેમજ વર્ષ દરમિયાન બે જોડી પી.ટી.શૂઝ ખરીદી માટે રૂ.2000/- તથા એક જોડી બ્લેક કલરનાં કટબૂટ ખરીદી માટે રૂ.2500/- દર વર્ષે ચૂકવવા.
 23. પોલીસકર્મચારી ફિક્સ પગાર તાલીમ પૂરતો જ રાખવો, પોલીસકર્મચારીઓની તાલીમ પૂર્ણ થયેથી ફુલ પગાર ધોરણ આપવું.
અન્ય સમાચારો પણ છે...