કાશી વિશ્વનાથ કોરિડોર EXCLUSIVE:મોદીના ડ્રીમ પ્રોજેક્ટને આ ગુજરાતીએ સાકાર કર્યો, દિગ્ગજ નેતાઓ અને ભલભલા અધિકારીઓનાં ગણિત ખોટાં પાડ્યાં

એક મહિનો પહેલાલેખક: કિશન પ્રજાપતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ એવા કાશી વિશ્વનાથના નવા કોરિડોરનું લોકાર્પણ કરી દીધું છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે કાશીની આ કાયાપલટ કરનાર પણ એક ગુજરાતી જ છે. અમદાવાદની PSP પ્રોજેક્ટ લિમિટેડ કંપનીએ આ કોરિડોર બનાવ્યો છે. કંપનીના ચેરમેન અને એમ.ડી. પ્રહલાદભાઈ પટેલે આ અંગે દિવ્યભાસ્કર ડિજિટલ સાથે ખાસ વાત કરી છે, જે અમે અહીં તેમના શબ્દશઃ રજૂ કરી રહ્યા છીએ.

રંગબેરંગી લાઇટથી ઝળહળતું કાશી વિશ્વનાથ મંદિર પરિસર.
રંગબેરંગી લાઇટથી ઝળહળતું કાશી વિશ્વનાથ મંદિર પરિસર.

કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટ કેવી રીતે મળ્યો? અને શું ચેલેન્જ આવી હતી?
આ અંગે વાત કરતાં પ્રહલાદભાઈ પટેલે જણાવ્યું હતું કે ''અમને ડિસેમ્બર 2020માં આ પ્રોજેક્ટનું ટેન્ડર મળ્યું હતું. આ સિવાય વારાણસી સિટીમાં સાંકડી શેરીઓ અને રસ્તા છે, જેમાં સામાન્ય દિવસમાં અંદાજે 30 હજાર જેટલા શ્રદ્ધાળુઓ અને દર સોમવારે દોઢથી બે લાખ શ્રદ્ધાળુ દર્શને આવે છે. અમને મટીરિયલ લાવવા માટે મંદિર રાતે બંધ થાય પછી 12થી 4 વાગ્યા સુધી જ મંજૂરી હતી. મંદિર પરિસરથી નદી સુધીનો વિસ્તાર 350થી 400 મીટર સુધીનો છે, જેમાં વચ્ચે આવતાં નાનાં-મોટાં મંદિરો પણ સાચવવાનાં હતાં. અમારે 30 જેટલાં બિલ્ડિંગ બનાવવાનાં હતાં, જેનું ફાઉન્ડેશન બનાવવા માટે મટીરિયલ લાવવું પડ્યું હતું. આ ઉપરાંત ચાલુ કામ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે આવવા-જવાનો રસ્તો પણ રાખવાનો હતો. મંદિરથી નદી સુધીનો ઢાળ 75 ફૂટનો છે, જેમાં ટેક્નિકલી ઘણી મુશ્કેલીઓ આવી હતી. ''

કાશી વિશ્વનાથ કોરિડોરના માસ્ટર પ્લાનની તસવીર.
કાશી વિશ્વનાથ કોરિડોરના માસ્ટર પ્લાનની તસવીર.

ડેડલાઇનમાં કેવી રીતે કામ પૂરું કર્યું?
પ્રહલાદભાઈએ જણાવ્યું હતું કે '' મંદિર પરિસરમાં શરૂઆતમાં દરરોજ અંદાજે 1500થી 1700 કારીગરો કામ કરતા હતા અને છેલ્લા 3 મહિનાનું કામ બાકી હતું ત્યારે 2700થી વધુ કારીગરો દરરોજ કામ કરતા હતા. આ ઉપરાંત અમારી કંપનીનો 250 લોકોનો સ્ટાફ પણ ત્યાં સતત હાજર હતો.''

કાશી વિશ્વનાથ કોરિડોરનું બાંધકામ ચાલતું હતું ત્યારે ડ્રોન કૅમેરાથી લીધેલી તસવીર.
કાશી વિશ્વનાથ કોરિડોરનું બાંધકામ ચાલતું હતું ત્યારે ડ્રોન કૅમેરાથી લીધેલી તસવીર.

બાંધકામના મટીરિયલની વિશેષતા શી છે?, ગુજરાતની કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે?
આ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે '' મંદિર પરિસરમાં કાર્વિંગ કામ કરેલું છે. મંદિર પરિસર અને મેઇન ગેટમાં મિર્ઝાપુરના ચૂનાર સ્ટોન વાપર્યા છે. મંદિર પરિસરનું ફ્લોરિંગમાં રાજસ્થાનના મકરાણા માર્બલ પાથરેલા છે. બીજા બિલ્ડિંગની બહારની સાઇડમાં બાલેશ્વરના સ્ટોન લગાવવામાં આવ્યા છે. આ સિવાય કપચી, ગ્રીટ અને રેતી ત્યાંના આજુબાજુના વિસ્તારમાંથી જ ઉપયોગ કરવામાં આવી છે. કોરિડોરની અંદરના બારી-દરવાજા માટે CP સાગના લાકડાંની ફ્રેમ અમદાવાદથી બનાવીને ત્યાં લઈ જવામાં આવી હતી. આ ઉપરાંત એસ.એસ.(સ્ટેઇનલેસ સ્ટીલ)નું મટીરિયલ અહીં અમદાવાદથી જ મોકલાયું છે. ત્યાં કોઈપણ સારી વસ્તુ લખનઉથી લાવવી પડતી હતી. લખનઉ ત્યાંથી ઘણું દૂર હતું ત્યાં આવવા-જવામાં 5થી 6 કલાક થતા હતા. એ સમયે ક્વોલિટીવાળું મટીરિયલ સમયસર ગુજરાતના અમદાવાદમાંથી જ મળતું હતું.''

કાશી વિશ્વનાથ મંદિરનું પરિસર.
કાશી વિશ્વનાથ મંદિરનું પરિસર.

આ પ્રોજેક્ટ અંગે PM મોદી સાથે મળવાનું થયું?
આ અંગે વાત કરતાં પ્રહલાદભાઈએ કહ્યું હતું કે '' આ પ્રોજેક્ટ મોદી સાહેબનું ડ્રીમ હતો. મંદિરની આસપાસનો એરિયા પહેલાં પ્રાઇવેટ પ્રોપર્ટીવાળો હતો, જેને ખરીદીને આ કોરિડોર બનાવવો અને ગંગાને શિવલિંગ સાથે જોડવી એ મોદી સાહેબનું વિઝન હતું. તેમનું સપનું જ અમારા માટે ઇન્સ્પિરેશન હતું. આખા પ્રોજેક્ટ દરમિયાન મોદી સાહેબ માત્ર બે જ વખત અમને મળ્યા હતા. એકવાર લાસ્ટ દેવ દિવાળીએ અને હમણાં ઉદઘાટન વખતે મળ્યા હતા. આ પ્રોજેક્ટ શક્ય છે એવું મોદી સાહેબ વિચારી શકતા હોય તો આ કામ આપણે પણ કરી શકીએ એ વાત અમે ચેલેન્જ તરીકે સ્વીકારી અને એ અમારા માટે ઇન્સ્પિરેશન રહ્યું હતું. ''

કાશી વિશ્વનાથ મંદિર પરિસરની 3D તસવીર.
કાશી વિશ્વનાથ મંદિર પરિસરની 3D તસવીર.

પૌરાણિક બાંધકામ કેવી રીતે સાચવ્યું?
પ્રહલાદભાઈએ કહ્યું હતું કે ''આ મંદિર પરિસરમાં પહેલાંથી જ અન્ય 25-26 મંદિર હતાં, જેને અમારે રિસ્ટોર કરવાનાં હતાં. આ દરમિયાન પૌરાણિક મંદિરનું ફાઉન્ડેશન અને નવા બિલ્ડિંગનું ફાઉન્ડેશન એકબીજા સાથે ડિસ્ટર્બ ના થાય એ રીતે અમે કામ કર્યું છે. આ ઉપરાંત આખા વિસ્તારમાં પહેલાં લોકો વસવાટ કરતા હતા. એવામાં ફાઉન્ડેશનનું કામ કરતી વખતે કેટલાય જૂના પથ્થરો અને જૂની વસ્તુઓની આસપાસ ખોદકામ અને પાઇલિંગ કરતી વખતે મુશ્કેલી આવી હતી.''

કાશી વિશ્વનાથ મંદિર.
કાશી વિશ્વનાથ મંદિર.

તમને આ પ્રોજેક્ટ કેવી રીતે યાદ રહેશે?
આ અંગે પ્રહલાદભાઈએ જણાવ્યું હતું કે '' જ્યારે જુલાઈ 2020માં આ પ્રોજેક્ટનું કામ અમને સોંપાયું ત્યારે જ અમને એવું કહેવામાં આવ્યું હતું કે ડિસેમ્બર 2021માં આ પ્રોજેક્ટ પૂરો થઈ જવો જોઈએ, ત્યારે મારા સિવાય કોઈને વિશ્વાસ નહોતો કે આ કામ ડિસેમ્બર 2021માં પૂરું થઈ જશે. મીટિંગમાં એકમાત્ર હું એવું બોલ્યો હતો કે હું ડિસેમ્બર 2021માં પ્રોજેક્ટ પૂરો કરી દઈશ. આ પ્રોજેક્ટને હંમેશાં એવી રીતે યાદ રાખીશ કે સરકાર અને તંત્ર પણ મને દરેક મીટિંગમાં શંકા કરીને પૂછતાં કે ખરેખર આ પતશેને? પણ મારો સ્ટાફ મારી સાથે હતો. આત્મવિશ્વાસ, કેલ્ક્યુલેટ રિસ્ક, કેલ્ક્યુલેટ પ્લાનિંગ કરીને ડેલી એક પ્રોજેક્ટ પર રિવ્યૂ કરીએ તો સક્સેસ મળે જ છે.''

અન્ય સમાચારો પણ છે...