યાદ કરો... ત્રીસ વર્ષ પહેલાં ઘરમાં કેસર કેરી આવતી. સણના કોથળામાં પાથરીને પકવવામાં આવતી. એની સોડમ એવી પ્રસરતી કે પાડોશીઓને પણ ખબર પડી જાય. એ કેરી કાપીને ખાવો તો હાથ ધોયા પછી પણ કેસરી કલર રહી જતો. આખો દિવસ હથેળીમાંથી કેસર કેરીની સુગંધ આવ્યા કરતી. એ વખતે જે કેરીનાં સ્વાદ-સુગંધ હતાં એ હવેની કેરીમાં માણવા નથી મળતાં. એનું સૌથી મોટું કારણ છે કલ્ટાર નામનું કેમિકલ. કેસર કેરી વહેલી પકાવવા માટે છેલ્લાં 12 વર્ષથી આંબાના મૂળમાં કલ્ટાર નામની દવા આપવામાં આવે છે. આ કેમિકલને કારણે આંબામાં મોર વહેલા આવે છે અને કેરી પણ વહેલી ઊતરે છે. પણ કલ્ટારને કારણે આંબા ખોખલા થઈ ગયા છે. કેસર કેરીમાં પહેલાં જે ગુણધર્મો હતા એ હવે રહ્યા નથી.
ગુણધર્મો ઘટી જવાથી શું થાય ?
કેસર કેરીમાં 1992ના કન્ટેન્સના આંકડા અને 2022ના કન્ટેન્સના આંકડાનો તફાવત અહીં ગ્રાફિકમાં આપવામાં આવ્યો છે, જેમાં એ જાણી શકાય છે કે એક નંગ કેરીમાંથી પાણી ઓછું થઈ ગયું છે. કુદરતે કેરી એટલે બનાવી છે કે ઉનાળામાં આપણો ખોરાક ઘટી જાય, પણ એમાં ભરપૂર પાણી હોય છે. ગરમીમાં કેરી ખાવાથી પેટ ભરેલું લાગે અને શરીરમાં પાણી ઓછું થઈ ગયું હોય તો એ ખોટ પુરાય જાય. પણ હવેની કેરીમાં પાણી ઓછું થયું છે. બીજું, રેસામાં પણ ફેર પડી ગયો છે. અગાઉની કેરીમાં રેસા ખૂબ હતા અને જાડા પણ હતા. હવેની કેરીમાં રેસા ઓછા હોય છે અને આખા રેસા નથી હોતા, પાતળા હોય છે. કેરી ખાવાથી રેસા આપણી પાચનક્રિયા સુધારે છે પણ હવેની કેરીમાં રેસા ઓછા નીકળે છે. અત્યારે જે કેરી આવે છે એમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. વધારેપડતું પ્રોટિન કિડની માટે સારું નથી.
સૌથી અગત્યનું છે વિટામિન-B. આ વિટામિનમાં હાડકાં અને સ્નાયુ મજબૂત કરવાની ક્ષમતા છે, પણ કેરી માટે કેમિકલનો ઉપયોગ થવા લાગતાં હવે એમાંથી વિટામિન B ઘટી ગયું છે. પહેલાં તો કેરી ખાવાથી એક પ્રકારની એનર્જી આવતી. હવે એ ખાવાથી પહેલાં જેવી એનર્જી પણ નથી આવતી અને અગાઉ જેવો સ્વાદ પણ નથી આવતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.