• Gujarati News
  • Dvb original
  • There Was A Bullet That Went Through My Helmet And Head; Read The Story Of The 1971 War In The Words Of Major Nitin Mehta

Exclusive:એક ગોળી આવી, જે મારા હેલ્મેટ અને માથા વચ્ચે થઈને પસાર થઈ ગઈ; વાંચો મેજર નીતિન મહેતાના શબ્દોમાં 1971ના યુદ્ધની દાસ્તાન

એક મહિનો પહેલાલેખક: યશપાલ બક્ષી
  • 85 વર્ષના મેજર નીતિન મહેતાના ત્રણેય દીકરા આર્મીમાં છે
  • સૌથી નાના પુત્ર શ્રેયાંશ કારગિલ વોરના હીરો રહી ચૂક્યા છે

1971નું વર્ષ. ડિસેમ્બર મહિનો. કાશ્મીરની કડકડતી ઠંડી. ભારત-પાકિસ્તાન વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું. બન્ને દેશ તરફથી તોપના ગોળા છોડવામાં આવતા હતા. આ ગોળા સરહદી ગામડાંનાં ખેતરોમાં અને ઘર પર વરસતા હતા. સંખ્યાબંધ વૃક્ષો અને સુકા ઘાસના ઢગલા, કાચા મકાનનાં લાકડાં ઠેરઠેર સળગી રહ્યાં હતાં. એનો ધુમાડો આકાશને ભેંકાર બનાવી રહ્યો હતો. બન્ને દેશના સૈનિકો દ્વારા સતત થતા ફાયરિંગના ચમકારાથી એવું લાગતું હતું, જાણે જમીન પર તારલા ચમકી રહ્યા હોય. ચારેય દિશામાં ભડકા લબકારા લેતા હતા.
આવી વિકટ પરિસ્થિતિમાં ગુજરાતી મેજર નીતિન મહેતા પાકિસ્તાની સૈનિકોથી ઘેરાઈને શેરડીના ખેતરમાં એકલા પડી ગયા. પછી શું થયું? એ સમયના યુદ્ધની રિયલ અને દિલધડક સ્ટોરી દિવ્યભાસ્કર ડિજિટલના વાચકો માટે મેજર નીતિન મહેતાના શબ્દોમાં જ આપવામાં આવી છે. યુદ્ધની રિયલ સ્ટોરી શરૂ કરતાં પહેલાં એક આડવાત. મેજર નીતિન મહેતાના ત્રણ પુત્ર- શ્રેયમન, શ્રેય અને શ્રેયાંશ ત્રણેય આર્મીમાં છે. અલબત્ત, મોટા પુત્ર શ્રેયમન હવે સેવાનિવૃત્ત છે. ભત્રીજા જલધિ મહેતા પણ નેવીમાં કેપ્ટન હતા.
ઓવર ટુ નીતિન મહેતા...
યુદ્ધ શરૂ થયું એની ખબર પડી ત્યારે...

એ વખતે સુરતમાં રહેતા મેજર નીતિન મહેતાના લગ્ન રાજકોટમાં યશોમતિ બક્ષી સાથે 1964માં થયા. લગ્ન પછીનાં સાત વર્ષ તો પરિવાર સાથે દિવાળી નહોતી ઊજવી. 1971માં પહેલીવાર પરિવાર સાથે દિવાળી મનાવવાની તક મળી. નીતિનભાઈ અને યશોમતિબેનને બે પુત્ર શ્રેયમન અને શ્રેય નાનકડા હતા. નીતિન મહેતા કહે છે, એ સમયે એવું નક્કી કર્યું હતું કે મારા મિત્ર કમાન્ડિંગ ઓફિસરના ઘરે દિવાળી ઊજવવા જવું. અમે ચારેય સ્કૂટરમાં જવા નીકળ્યા. મોટા દીકરા શ્રેયમને રસ્તામાં ગીત ગાયું, જિંદગી એક સફર હૈ સુહાના, યહા કલ ક્યા હો કિસને જાના... ખરેખર થયું પણ એવું જ. કલ ક્યા હો, કિસને જાના... અમે કમાન્ડિંગ મિત્રના ઘરે પહોંચ્યા ત્યારે તેમનાં પત્ની મીઠાઈ લઈને આવ્યા, પણ આંખમાં આંસુ હતાં. મારી પત્નીએ પૂછ્યું, તમારી આંખમાં આંસુ કેમ છે? એ દબાયેલા અવાજે બોલ્યા, પાકિસ્તાન સાથે લડાઈ શરૂ થઈ ગઈ છે. ગમે તે ઘડીએ તેડું આવે. નીતિન મહેતા તાબડતોબ પરિવાર સાથે ઘરે પહોંચ્યા અને દિવાળીની રાત્રે જ મેસેજ આવી ગયો, વોર બિગિન્સ. મૂવ ફાસ્ટ.

જમ્મુના સાંબા સેક્ટરથી પાકિસ્તાનમાં ઘૂસવાનું હતું
ભારતને ગુપ્તચર માહિતી મળી હતી કે ત્રીજી ડિસેમ્બરે ભારત પર પાકિસ્તાન મોટો હુમલો કરશે, એટલે ભારત પણ સતર્ક બન્યું અને યુદ્ધની તૈયારી આરંભી. મેજર નીતિન મહેતા કહે છે, અમે આર્મીની ખાસ ટ્રેનમાં પઠાણકોટ અને ત્યાંથી જમ્મુ પહોંચ્યા. બીજી ડિસેમ્બર, 1971નો દિવસ હતો. જમ્મુના સાંબા સેક્ટરમાં અમારી રેજિમેન્ટના જવાનો લાઈનમાં ઊભા હતા. હું ગોરખા રેજિમેન્ટમાં હતો. અમે ઊભા હતા ત્યાં જ ફિલ્ડ માર્શલ શેમ માણેકશો આવ્યા. તેમણે કરડાકીભર્યા અવાજે કહ્યું, જેન્ટલમેન, યુ આર ગોઈંગ વિથ વોર. નન ઓફ યુ વિલ કમ અલાઈવ. અવર વોર વિથ પાકિસ્તાન (જવાનો, તમે યુદ્ધ કરવા જઈ રહ્યા છો. બની શકે કે તમારામાંથી કોઈ જીવતા પાછા ના આવે. આપણી લડાઈ પાકિસ્તાન સાથે છે).
મેજર નીતિનભાઈ વાત આગળ વધારતાં કહે છે, એ જ રાત્રે બાર વાગ્યે સાંબા સેક્ટરમાંથી પાકિસ્તાન સરહદમાં ઘૂસી બેગુ નદી અને બસંતા નદી વચ્ચે આવેલા ઝફરવાલ ગામને કબજે કરવાનું હતું. રાત્રે બાર વાગ્યે દરેક સૈનિકની ઘડિયાળ મેળવવામાં આવી. સરહદ પર ઊભા રહી ઘીનો દીવો કર્યો અને અમારી રેજિમેન્ટે જોરદાર નાદ કર્યો, હર હર મહાદેવ હર... રાતના જ અમે પાકિસ્તાનમાં ઘૂસ્યા.

મેજર નીતિન મહેતા.
મેજર નીતિન મહેતા.

એ સૈનિકો છેલ્લા શ્વાસ સુધી લડ્યા
નીતિનભાઈ એ ઘટના ભૂલી શક્યા નથી. એ સ્મૃતિમાં તેઓ સરી પડતાં કહે છે, રાતભર દુશ્મનો તરફથી ફાયરિંગ થતું રહ્યું. આકાશમાંથી તોપના ગોળા વરસતા રહ્યા. ગોરખા રેજિમેન્ટના ફૌજીઓ 25 કિલોમીટર સુધી પાકિસ્તાનમાં ઘૂસવામાં સફળ રહ્યા. અમે પોતાને બચાવતાં-બચાવતાં આગળ વધી રહ્યા હતા ત્યાં જ મારા ખભા પર લોહીલુહાણ હાથ પડ્યો. જોયું તો અમારી રેજિમેન્ટનો સૈનિક રામ બહાદુર હતો. તેને ગળામાં ગોળી વાગી હતી છતાં તે મને ધીમા અવાજે કહેતો હતો, સા'બ મુજે મરના નહીં હૈ, મુજે લડના હૈ... મેં તેને કહ્યું, રામ બહાદુર તુમ ઠીક હો, લડ સકતે હો... રામ બહાદુરનો અવાજ વધુ ધીમો થતો ગયો, આંખ બંધ થવા લાગી અને હા..સા'બ હા...હા...બોલતાં-બોલતાં ત્યાં જ ઢળી પડ્યા ને શહીદ થઈ ગયા.
ગોરખા રેજિમેન્ટમાં ગુરંગ નામના સૈનિક હતા. પાકિસ્તાનની સરહદમાં જોરદાર ફાયરિંગમાં એ શહીદ થયા. અમે ગુરંગની શહીદીની જાણ કેમ્પમાં કરવા માગતા હતા, ત્યાં કેમ્પમાંથી એક સૈનિક પાકિસ્તાની સરહદમાં ઘૂસીને અમે ઊભા હતા ત્યાં આવ્યો. કહ્યું, ગુરંગના ઘરેથી દિવાળીનું મીઠાઈનું બોક્સ આવ્યું છે. બધા એકબીજાની સામે જોવા લાગ્યા અને મીઠાઈનું બોક્સ શહીદ ગુરંગના લોહીથી લથબથ મૃતદેહ પર મૂકી દીધું.
તોપનો ગોળો બાજુમાંથી પસાર થાય તો લોહી પણ પાણી જેવું બની જાય!
મેજર નીતિન મહેતા આ વાત કરતાં કરતાં ગળગળા થઈ જાય છે અને વોરની વારદાતની વાત આગળ વધારે છે. એ વર્ણન તેઓ કરતાં કહે છે, બરખનિયા એટલે પાકિસ્તાનનું ગામ. ભારતીય સેનાની ગોરખા રેજિમેન્ટના સૈનિકો ત્રીજી ડિસેમ્બરનો આખો દિવસ અને રાત લડ્યા. બીજા દિવસે યોથી ડિસેમ્બરે ફાયરિંગ બંધ થઈ ગયું, પણ પાકિસ્તાન તરફથી તોપના ગોળા આવતા હતા. સળગતા ગોળા કોઈપણ દિશામાંથી આવતા. એ તોપના ગોળા અમારા માટે મોતના ગોળા હતા. ગોળા પાંચ હજાર પર ફૂટની ગતિથી આવે. ગરમાગરમ ગોળો બાજુમાંથી પસાર થાય તોય શરીરનું લોહી પાણી જેવું બની જાય, કાનમાં ધાક પડી જાય. અમે ગોળાઓથી બચતાં-બચતાં બરખનિયા તરફ આગળ વધી રહ્યા હતા. શેરડીનાં ખેતરો હતા, એટલે પાકિસ્તાની સૈનિકો અમને જોઈ શકતા નહોતા. તેમને શંકા હતી કે ભારતીય સૈનિકો શેરડીના ખેતરમાં છુપાઈને આગળ વધી રહ્યા છે.

''શેરડીના ખેતરમાં હું એકલો પડી ગયો''
મેજર નીતિન મહેતા વાત આગળ વધારે છે. એ કહે છે, શેરડીના ખેતરમાં અમે સૂતાં-સૂતાં આગળ વધી રહ્યા હતા. પાકિસ્તાની સૈનિકો દૂરથી ફાયરિંગ કરી રહ્યા હતા. ગમે ત્યારે ગોળી મોત બનીને આવે તેવી સ્થિતિ હતી. મારા કેટલાક સાથીઓ ઘાયલ થયા હતા, એ આગળ વધી શક્યા નહીં. હું આગળ વધતો રહ્યો. પાછળ જોયું તો ખબર પડી કે શેરડીના ખેતરમાં હું એકલો પડી ગયો છું. હવે? મનમાં નક્કી કરી લીધું કે જે થવાનું હશે એ થશે, હું એકલો આગળ જઈને લડીશ. સૂરજ આથમી રહ્યો હતો. સાંજ પડવામાં હતી. તોપનો ચિત્કાર અને ફાયરિંગનો અવાજ વાતાવરણને વધારે ભયાનક બનાવતા હતા. શેરડીના ખેતરમાં કોણી અને ગોઠણથી રિખતાં રિખતાં હું આગળ વધ્યો. ખરબચડી જમીન, કાંકરા અને જમીન પર પથરાયેલા શેરડીના કાંટાળા ભાગ પર રિખીને હાથ અને ગોઠણ છોલાઈ ગયાં હતાં. શર્ટ અને પેન્ટમાંથી લીરા નીકળવા લાગ્યા હતા. છોલાયેલાં અંગોમાંથી લોહીના રેલા ઊતરીને છેક શૂઝ સુધી પહોંચી ગયા હતા. મારી પાસે એક બાયનોક્યુલર, દિશા નક્કી કરવા કંપાસ, બે હેન્ડ ગ્રેનેડ, હેવરસેકમાં રાખેલો સાત દિવસ જૂનો ખોરાક હતો અને મારી પાસે જે સૌથી અગત્યનું હતું એ વોર મેપ હતો. મારું લક્ષ્ય એક જ હતું કે વોર મેપ પાકિસ્તાની સૈનિકોના હાથમાં ના આવવો જોઈએ.
મારી પાસે હેલ્મેટ હતું, પણ મને સહેજ મોટું થતું હતું. મને થયું કે અત્યારે હેલ્મેટ પહેરી લેવાનો સમય છે. મેં પહેરી લીધું. હું ક્રાઉલિંગ કરીને (રિખીને) આગળ વધતો હતો. મારી આસપાસથી ગોળીઓ પસાર થઈ જતી હતી. એક ગોળી તો હેલ્મેટ અને મારા માથાની વચ્ચેથી વાળને સ્પર્શીને પસાર થઈ ગઈ. ત્યારે એમ થયું કે બચાવનારું કોઈક તો છે જ.

મેજર નીતિન મહેતાનો પરિવાર.
મેજર નીતિન મહેતાનો પરિવાર.

''વોર મેપ સંતાડી હું મોત સામે લડવા માંડ્યો''
નીતિન મહેતાના શબ્દોમાં આગળ વધીએ તો બરખનિયા ગામ નજીક હતું. પાકિસ્તાની સૈનિકો પણ વધારે નજીક હતા. હવે એ લોકો શેરડીના ખેતરમાં આવવાની તૈયારી કરતા હતા. તેમને શંકા હતી કે કેટલાક ભારતીય સૈનિકો ખેતરમાં છુપાયા છે, પણ એ અંદાજ નહોતો કે હું એકલો જ હતો. મેં પહેલું કામ વોર મેપ છુપાવી દેવાનું કર્યું. આ મેપમાં ભારતીય આર્મીની સ્ટ્રેટેજી, દરેક રેજિમેન્ટનાં નામ, એના લોકેશન બધું જ હોય. આ મેપ પાકિસ્તાનીઓના હાથમાં ના આવવો જોઈએ. હું ટીકરના વૃક્ષ પાસે પહોંચ્યો. આછું અંધારું થઈ ગયું હતું. મેં હેવરસેક (લશ્કરના જવાન પાસે રહેતી ચામડાની નાની ખાખી બેગ)માંથી મેસમાં વપરાતી જાડી ચમચી કાઢી, જમીનમાં એનાથી ખાડો કરી મેપ દાટી દીધો. મેપની નિશાની માટે મારી સાથે રહેલી સાત દિવસ જૂની પૂરી અને બટાકાનું શાક કાઢ્યા. પૂરી એકબીજી સાથે ચોંટી ગઈ હતી. ગુંદર જેવી ચીકણી બની ગઈ હતી. શાક પણ લાળ જેવું ચીકણું હતું. ગમે તેમ તોય ભારતનું અન્ન હતું, એટલે મેં થોડું મોઢામાં મૂકીને મેપના બૂરેલા ખાડાની આસપાસ એ નિશાની રૂપે મૂકી દીધા. વોર મેપ સંતાડી દીધો. હવે મારે મોત સામે લડવાનું હતું. શેરડીના ખેતરનો છેડો આવી ગયો હતો. પછી નાનું મેદાન હતું અને સામે કેટલાંક કાચાં ઘર દેખાતાં હતા. મેં વિચાર્યું કે હવે જે થવાનું હશે એ થશે, હું દોડીને સામે એક મકાનમાં પહોંચી જાઉં.

''પાકિસ્તાની સૈનિકો રઘવાયા બનીને મને શોધવા લાગ્યા''
વોર મેપ છુપાવી દીધા પછી મેજર નીતિન મહેતાએ નક્કી કરી લીધું કે દોડીને સામે દેખાતા મકાન પર ચડી જવું. પાકિસ્તાની સૈનિકો શેરડીના ખેતર ખૂંદીને ભારતીય જવાનને શોધી રહ્યા હતા. અંધકારના ઓળાં ઊતરી આવ્યાં. ફાયરિંગના અને તોપમારાના બોદા અવાજો શિયાળાના પવન ચીરીને દૂરથી આવી રહ્યા હતા. નીતિન મહેતા ઊંડો શ્વાસ લે છે અને કાચાં મકાનો તરફ દોટ મૂકે છે. એક મકાનના ધાબે તેઓ ચડી જાય છે. ત્યાં એવાં કાચાં મકાનો હોય છે કે એક મકાનમાંથી બીજા મકાનના ધાબા પર જઈ શકાય. નીતિન મહેતા એક પછી એક મકાન પર કૂદીને જઈ રહ્યા હતા, ત્યાં એક મકાનના ધાબેથી તેઓ પડ્યા અને પડવાનો અવાજ પાકિસ્તાની સૈનિકો સાંભળી ગયા. એ અવાજની દિશામાં ગયા. નીતિન મહેતા લંગડાતા પગે એક ગમાણમાં ગયા, ત્યાં ગોબરનો વિશાળ ઢગલો હતો એમાં ઘૂસી ગયા. પાકિસ્તાની સૈનિકો તરત પાછળ આવ્યા અને ગમાણમાં ઘૂસ્યા. એ રઘવાયા બનીને શોધવા લાગ્યા. નીતિન મહેતા કહે છે, હવે હું બચી શકું એવી સ્થિતિ નહોતી. ગમે ત્યારે ગોળીએ વીંધાઈ જઈશ એવું હતું.
આ સમયે મને મા-બાપ, પત્ની, સંતાનો બધું ભુલાઈ ગયું. આપણે માનીએ છીએ કે બધું પર્મેનન્ટ છે, પણ કાયમી કશું જ નથી, કાયમી તો જિંદગી પણ નથી. એ મને સમજાઈ ગયું.
અંધાધૂંધ ફાયરિંગ થયું છતાં મેજર બચી ગયા!
નસીબ સાથ આપે ત્યારે ગજબ સાથ આપે. કુદરત પણ રસ્તો કરી આપે છે. મેજર નીતિન મહેતા સાથે એવું જ થયું. એ જે ગમાણમાં ગોબરના ઢગલામાં ઘૂસી ગયા હતા, એ ઢગલા પાસે પાકિસ્તાનના સૈનિકો આવીને ઊભા રહ્યા. એક સૈનિક બોલ્યો, ''જનાબ, કાફીર કા બચ્ચા યહીં કહી છીપા હોગા.'' બીજો સૈનિક તરત બોલ્યો, ''ઉસે ઢૂંઢકે ખત્મ કર દો...'' એમ બોલીને ગોબરના ઢગલામાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું. નીતિન મહેતા એ જ ગોબરના ઢગલામાં છુપાયા હતા. પણ નસીબ બળવાન હતા. આ ઢગલો એક દીવાલને અડીને પડ્યો હતો. આ દીવાલમાં બાકોરું હતું અને તેમાંથી ગરકીને નીતિન મહેતા પાછળ આવેલી ઓરડીમાં પહોંચી ગયા હતા. પાકિસ્તાની સૈનિકોએ ફાયરિંગ કર્યું છતાં કોઈનો અવાજ ના સંભળાયો એટલે તેઓ બોલ્યા, ભાગ ગયા સાલ્લા કાફીર... એમ બોલીને પાકિસ્તાની સૈનિકો ત્યાંથી ચાલ્યા ગયા.

સવાર પડતાં જ ગરદન પર બંદૂકનું નાળચું મુકાયું
આખી રાત મેજર નીતિન મહેતા ત્યાં બેઠા રહ્યા. સવારે તેઓ આસપાસ નજર કરતાં કરતાં લંગડાઈને ચાલી રહ્યા હતા ત્યાં તેમની ગરદન પર બંદૂકનું નાળચું મુકાયું. નીતિન મહેતાએ માથું ઊંચું કરતાં જ નાળચું મૂકનાર સૈનિક બોલ્યો, અરે મેજર મહેતા આપ ઝીંદા હૈં? હમ આપકો હી ઢૂંઢને યહાં આયે હૈ. મેજર ઘાયલ હતા. શરીરે ઘસડાઈને નીકળેલું લોહી જામી ગયું હતું. ખોરાક-પાણી લાંબા સમયથી લીધાં નહોતાં. તેઓ ભારતની સરહદ તરફ પાછા ફરે છે અને દૂરથી પે'લા ટીકરના વૃક્ષને જોયા કરે છે, જેની નીચે વોર મેપ દાટ્યો હતો...

વચલા પુત્ર શ્રેય મહેતા સાથે, જેને મેજર જનરલનું પ્રમોશન મળ્યું.
વચલા પુત્ર શ્રેય મહેતા સાથે, જેને મેજર જનરલનું પ્રમોશન મળ્યું.

(વિશેષ વાત : મેજર નીતિન મહેતા ભાવનગરના વડનગરા નાગર છે. તેઓ પહેલાં મુંબઈ અને પછી સુરતમાં સેલ્સટેક્સ ઈન્સ્પેક્ટર હતા. 1962માં ભારત-ચીન યુદ્ધ થયું ત્યારે તેમને પણ આર્મી જોઈન કરવાનું મન થયું. તેમણે રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ, વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને રક્ષામંત્રીને ટેલિગ્રામ લખીને આર્મીમાં જોઈન થવા ઈચ્છા વ્યક્ત કરી. બીજા કોઈનો જવાબ ના આવ્યો, પણ રાષ્ટ્રપતિએ જવાબ આપ્યો. તેમણે લખ્યું, તમે તેમની દૃષ્ટિએ ફિટ હશો તો આર્મીમાં લઈ લેશે. રાષ્ટ્રપતિએ પત્રની સાથે આર્મીની ભરતીનું ફોર્મ પણ મોકલ્યું હતું. બેંગલોરમાં ઈન્ટરવ્યુ આપ્યો ને આર્મીમાં સિલેક્ટ થઈ ગયા. સરકારી નોકરી છોડીને તેઓ 1963માં આર્મીમાં જોડાયા. આપબળ અને દેશ માટે સતત કશુંક કરી છૂટવાની ભાવનાને કારણે તેઓ મેજરના પદ સુધી પહોંચ્યા. તેમના વચલા પુત્ર શ્રેય મહેતાને હમણાં જ મેજર જનરલ તરીકે પ્રમોશન મળ્યું છે. સૌથી નાના પુત્ર શ્રેયાંશ કારગિલ વોરના હીરો રહી ચૂક્યા છે.)

અન્ય સમાચારો પણ છે...